આખા મરચાના ભરેલા ભજીયા – મસાલેદાર, તમ-તમતાં ભરેલા મરચાના ભજીયા, મોઢામાં પાણી આવી ગયું ને…

મિત્રો, ભજીયા કોને ના ભાવે ? અને જો હું કહું કે મસાલેદાર, તમ-તમતાં ભરેલા મરચાના ભજીયા તો, આટલું સાંભળતા જ મોમાં પાણી આવી જાય ખરું ને ? પરંતુ મરચાના ભરેલા ભજીયા બનાવવા માટે મસાલામાં એટલી બધી સામગ્રી આવે કે, બનાવવામાં ખુબ જ ટાઈમ લાગે છે. માટે જ આજે હું ભરેલા મરચાના ભજીયા ફટાફટ અને સાવ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બને તેવી રેસીપી શેર કરવા જઈ રહી છું. તો ચાલો બતાવી દઉં ભરેલા મરચાના ભજીયા બનાવવાની આસાન રેસિપી.

સામગ્રી :


Ø 200 ગ્રામ ચણાનો લોટ

Ø 100 ગ્રામ મિક્સ નમકીન ( ચવાણું )

Ø 100 ગ્રામ લીલા મરચા

Ø 2 ટેબલ સ્પૂન બારીક સમારેલ કોથમીર

Ø 1 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

Ø 1/2 ટેબલ સ્પૂન મીઠું

Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું

Ø ચપટી અજમા

Ø તળવા માટે તેલ

રીત :

1) સૌ પ્રથમ મિક્સરના નાના જારમાં ચવાણું ક્રશ કરી લો. થોડું થોડું ચવાણું લઈને ક્રશ કરવું જેથી ફાઈન ક્રશ કરી શકાય.

2) ચવાણું ક્રશ કરી એક નાના બાઉલમાં કાઢી લો. તેમાં કોથમીર અને લીંબુ નો રસ નાખો અને બરાબર મિક્સ કરી લો. લીંબુ નો થોડો રસ બચાવવો જે આપણે બેટરમાં યુઝ કરીશું. આ મસાલામાં દાડમના દાણા પણ નાખી શકાય. જરૂર મુજબ તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. મેં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે. ચવાણુમાં બધા જ મસાલા હોય છે માટે આપણે કોઈપણ જાતના મસાલા કે મીઠું નાખવાની જરૂર નથી.

3) હવે આપણે મરચામાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરીશું. આખા મરચાના ભરેલા ભજીયા બનાવવા માટે હંમેશા મોટા ઘોલર મરચા પસંદ કરવા જેથી મસાલો સરસ રીતે ભરી શકાય. મરચાને ઉભા કાપા મૂકીને મસાલો ભરો. આખા મરચાની અંદર મસાલો બરાબર ભભરાવવો.

4) હવે ભજીયા માટેનું બેટર તૈયાર કરી લો. બેટર બનાવવા માટે એક મોટા વાસણમાં ચણાનો લોટ લો, બેસન અથવા ઘરે દળેલ લોટ પણ લઈ શકાય.લોટ હંમેશા ચાળીને જ યુઝ કરવાનો આગ્રહ રાખવો. બેસનમાં ચપટી અજમાં, મીઠું, હિંગ, ધાણાજીરું અને લાલ મરચું નાખો. બધું બરાબર મિક્સ કરી લો.

5) ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને 250 મિલી પાણી નાખી ઘટ્ટ બેટર તૈયાર કરી લો. લમ્પસ બિલકુલ ના રહેવા દેવા.

6) ત્યારપછી તેમાં ચપટી કુકીંગ સોડા અને તેના પર સહેજ લીંબુનો રસ નાખી ફરીથી મિક્સ કરી લો.

7) ભજીયા તળવા માટે કડાઈમાં તેલ લઇ ગરમ કરો, તેલ મીડીયમ જ ગરમ કરવાનું છે. ભરેલા મરચાને બેટરમાં બોળી દો, આખા મરચા પર લોટ ચડી જાય એ રીતે બેટરમાં બોળી દો. લોટ મરચા પર ચડી જાય એટલું ઘાટ્ટુ બેટર રાખવાનું છે. જો જરૂર જણાય તો ચણાનો લોટ ઉમેરી બેટરને ઘટ્ટ કરી શકાય. હવે આ મરચાને ધીમેથી તેલમાં મૂકીને તળી લો, એક સાથે ત્રણ ચાર મરચા મૂકીને તળી લો.

8) ફેરવીને તળી લો, કલર સહેજ ડાર્ક થાય ત્યાં સુધી મરચાને ફેરવીને તળી લો.

9) તો તૈયાર છે મરચાના ભરેલા ભજીયા, તેને ગ્રીન ચટણી તેમજ ખજૂર-આંબલીની મીઠી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

મિત્રો, ચોમાસાની સીઝન છે તો નોટ કરી લો મારી આ ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી અને ઓછા ટાઈમમાં બનતી મજેદાર રેસિપી, વરસાદમાં ફટાફટ બનાવીને ઘરના સભ્યોને હોંશે હોંશે ખવડાવવામાં કામ આવશે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :