જલ્સા કરોને જેંતીલાલ

અજનબી પંખીડાં – પતિએ ઘરે પહોચતા પહેલા ડિલીટ કર્યા બંને વચ્ચે થયેલી વાતોના મેસેજ, તો બીજી તરફ તેની પત્નીએ પણ…

અમદાવાદ ના એસજી હાઇવે પર ના સાંજ ના સમય નું દ્રશ્ય. સુરજ ધીમે ધીમે અસ્ત થઈ ને પોતાનું અજવાળું સંકેલી રહ્યો હતો તો રોડ પર ની સ્ટ્રીટ લાઇટ પોતાને પ્રજ્વલિત કરી ને સુરજ ના પ્રકાશ ની કમી ને પૂરી કરવા મથામણ કરી હતી, રોડ પર સ્કૂટર રિક્સા, કાર ઘરે જવાની ઉતાવળ માં રઘવાયાં બની ને દોડી રહ્યાં હતા. ધુમાડા ના ગોટા વચ્ચે નિપુણ ની કાર અમદાવાદ ના સાંજ ના ટ્રાફિક માં રગશિયા વેગે આગળ વધી રહી હતી, આમ તો નિપુણ ની હોસ્પિટલ થી બોપલ માં આવેલા પોતાના ઘર નું અંતર ફક્ત 4 કિલોમીટર જ હતું, પણ પોતાની પાંખો પ્રસારી ને કદ માં વધારો કરી રહેલા પશ્ચિમ અમદાવાદે પોતાની સાથે ટ્રાફિક નો પણ એટલો જ વિકાસ કર્યો હતો.નિપુણે ઘરે જતાં પહેલા એકવાર પોતાના મોબાઇલ માં ઇપ્સિતા ને આજ નું છેલ્લું બાય કહી ને સી યૂ ડિયર ઇન ધ મોર્નિંગ ને પ્રેમ ભર્યા ચુંબન નું એક સ્માઇલી મેસેજ માં લખી ને જેવુ સેન્ડ બટન દબાવ્યું કે તરત જ ઇપ્સિતા નો એટલો જ પ્રેમ ભર્યો જવાબ આવી ગયો. મોબાઇલ બાજુ માં મૂકી ને નિપુણે એક આછા સ્મિત સાથે કાર ના સ્ટેયરિંગ પર પકડ જમાવી લીધી.
જેવો નિપુણ પોતાના ઘર ની નજીક પહોંચ્યો કે કાર એક બાજુ ઊભી રાખી ને પોતાના મોબાઇલ માં ઇપ્સિતા સાથે આખા દિવસ દરમ્યાન થયેલી મેસેજ દ્વારા થયેલી વાતચીત અને કોલ લૉગ માંથી કોલ હિસ્ટરી પણ ડિલીટ કરી. નિપુણ નહોતો ઈચ્છતો કે પ્રણાલિ ને કોઈ વાત ની જાણ થાય અને પોતના લગ્ન જીવન માં ભંગાણ સર્જાય. ઘરે પ્રણાલી ને પણ જાણે નિપુણ નો આવવાનો આભાસ થઈ ગયો હોય એમ શર્વક ને ફોન માં આજના દિવસ નું છેલ્લું વિદાય ભર્યું ચુંબન આપી ને ફોનમાં થી બધા જ મેસેજ અને કોલ લૉગ ડિલીટ કરી દીધો.“ ક્યારની રાહ જાઉં છું નિપુણ ! આજે બહુ લેટ થઈ ગયું ને ?” પ્રણાલી ના ચહેરા પર આછું સ્મિત અને ચિંતા બંને સાથે આકાર લઈ રહ્યા હતા.
“આ અમદાવાદ નો ટ્રાફિક ડિયર.” આટલું કહેતાં જ નિપુણ પ્રણાલી ને પ્રેમ ભર્યા ચુંબન સાથે ભેટી પડ્યો. “બસ હવે, આજે કઈ બહુ પ્રેમ ઉભરાય ને !” નિપુણ ને ભેટેલી પ્રણાલીએ બંધ આંખો એ જ જવાબ આપી દીધો. નિપુણ અને પ્રણાલી સાંજે પોતાની ગેલેરી ના હીંચકા માં કોફી પીતાં પીતાં દિન ભર નો થાક ને એકબીજા ને સ્નેહ થી ઉતારી દેતાં. નિપુણ ના મન માં ઇપ્સિતા ના જ વિચારો હતા, પ્રણાલી ને સહેજ પણ શક ના જાય એટલે નિપુણે તેના પ્રેમ માં સહેજ પણ ઓટ નહોતી આવા દીધી તો સામે પક્ષે પ્રણાલી પણ નિપુણ ને એટલો જ પ્રેમ આપતી જેથી પોતાના શર્વક સાથેનો ઉષ્મા ભર્યો સંબંધ સચવાઈ જાય. નિપુણ અને પ્રણાલી ને લવ મેરેજ ને આમ તો 2 જ વર્ષ થયા હતા પણ પ્રેમ નું બીજ રોપાયા ને 7 વર્ષ થયા હતા. એમબીબીએસ ના પ્રથમ જ વર્ષ થી બંને પ્રેમી પંખીડા બની ને સ્નેહ ના આકાશ માં વિહરી રહ્યા હતા. પ્રેમ પ્રગાઢ હતો બંને નો. તો પછી આ ઇપ્સિતા અને શર્વક ?
બીજા દિવસે કાર હોસ્પિટલ જતાં જ નિપુણ ના મોબાઇલ પર ઇપ્સિતા નો મેસેજ આવી ગયો અને ઇપ્સિતા એ સાંજે હોટેલ રિવરસાઇડ માં ડિનર પ્રોગ્રામ બનાવી દીધો. નિપુણ ખુશ થતો થતો પોતાના મન માં પ્રણાલી ને આજે મોડા આવવાના બહાના ના ખજાના માંથી એક સારું બહાનું શોધી રહ્યો હતો અને કાર માં જ પોતાના બ્લૂટૂથ વડે પ્રણાલી ને કોલ લગાવી દીધો. “ ડિયર, માય સ્વીટ હાર્ટ, માય ડાર્લીંગ પ્રણાલી, આજે મને સાંજે આવતાં થોડું મોડુ થશે. આજે મને ઇમર્જન્સિ ડ્યૂટિ આપી છે.” પોતે જુઠ્ઠું બોલી રહ્યો છે એ વાત નો પ્રણાલી ને સહેજ પણ ખ્યાલ ના આવે એમ નિપુણ નો સ્વર આત્મવિશ્વાસ થી છલોછલ હતો. “પણ, નિપુણ આજે સાંજે મારી યુએસએ વાળી ફ્રેન્ડ, જ્ઞેયા ના ઘરે જવાનું હતું, ભૂલી ગયા તમે ? સારું હું એકલી જઈ આવીશ.” પ્રણાલી ની વાતો માં ચિંતા ને સાથે સાથે હોઠ પર એક આછું સ્મિત હતું. જેવો ફોન મૂક્યો કે તરત જ પ્રણાલી એ શર્વક ને કોલ લગાવ્યો.“હાય ડિયર, માય જાનું. આજે હું બહુ ખુશ છું. નિપુણ આજ સાંજે જમવા નથી આવવાનો, આપણે ક્યાંક જઈએ ડિનર માટે ? નિપુણ આવે એ પહેલા આવી જઈશું.” પ્રણાલી ની વાતો માં ઉત્સાહ હતો. “ હા, ડિયર, આઇ એમ રેડી. આમ પણ આપણે બહાર ડિનર કરવા ગયે ઘણો સમય થઈ ગયો. ક્યાં જઈશું ? તારી ચોઇસ બોલ માય જાન.” શર્વકે હોઠ પર એક મંદ મંદ હાસ્ય સાથે જવાબ આપ્યો. “ હોટેલ, રિવર સાઇડ” હજુ શર્વક ની વાત પૂરી થાય એ પહેલા જ પ્રણાલી વચ્ચે થી બોલી ગઈ. “ઓકે ડન, હું તને તારા ઘર આગળ ના રસ્તા થી પીક અપ કરી લઇશ, શાર્પ સાંજે 6 વાગે.” શર્વકે પ્રણાલી ને એક સમયરેખા આપી દીધી.
“ ઓકે લવ યૂ માય જાનું, સી યૂ એટ ઈવનિંગ.” ને મોબાઇલ ને એક પ્રેમભર્યું ચુંબન આપી ને પ્રણાલી ખુશી થી ઉછળી પડી. સાંજે 6 વાગે શર્વક એક ગુલાબ અને એક મોટી ડેરી મિલ્ક સિલ્ક ચોકલેટ સાથે પ્રણાલી ને પીક અપ કરવા આવી ગયો. લાલ ડ્રેસ માં પ્રણાલી એક દમ જાજરમાન લાગતી હતી. જેવી પ્રણાલી કાર માં બેસી કે તરત જ રોઝ અને ચોકલેટ પ્રણાલી ને ધરી ને પ્રણાલી ના કપાળ પર શર્વક એ એક પ્રેમભર્યું હળવું ચુંબન કરી ને કાન માં “આઇ લવ યૂ” કહી દીધું. ઢળેલી આંખો સાથે પ્રણાલી એ પણ હળવેક થી એ પ્રેમભર્યા શબ્દો નો એ જ શબ્દો સાથે પ્રતિભાવ આપ્યો.
પ્રણાલી અને શર્વક ની કાર હોટેલ રિવર સાઇડ આવી ને ઊભી રહી ગઈ. હાથ માં હાથ લઈ ને બંને એ રેસ્ટોરન્ટ માં પ્રવેશ કર્યો. સ્ત્રી દાક્ષિણ્ય દાખવતાં શર્વક પ્રણાલી માટે ખુરશી તૈયાર કરી ને પછી પોતે પ્રણાલી ની સામે ગોઠવાઈ ગયો. શર્વક ની આંખોમાં પ્રેમ વરસતો હતો અને આ વર્ષા માં પ્રણાલી ભીંજાઇ રહી હતી. પ્રણાલી ના ગાલ ની લાલીમા એ શર્વક ના પ્રેમ નો પ્રત્યુતર આપતી હોય એમ વધારે નીખરીઓ રહી હતી. આજ રેસ્ટોરન્ટ માં એક ખૂણા માં નિપુણ અને ઇપ્સિતા પણ ડિનર લઈ રહ્યા હતા. જ્યાં સુધી બંને જણા ડિનર લઈ રહ્યા હતા ત્યાં સુધી તો નિપુણ ની નજર પ્રણાલી પર કે પ્રણાલી ની નજર નિપુણ પર ના પડી, પણ જેવા નિપુણ અને ઇપ્સિતા હાથ માં હાથ પકડી ને રેસ્ટોરન્ટ ની બહાર નીકળ્યાં કે જોગાનું જોગ શર્વક અને પ્રણાલી પણ. જેવી નિપુણ ની નજર પ્રણાલી પર સ્થિર થઈ કે બંને જોર થી હસી પડ્યાં ને નિપુણ નો હાથ છોડાવી ને પ્રણાલી નિપુણ ને કમર માં એક ચૂંટલો ભરતાં કટાક્ષ માં બોલી,“ હે મારે સાંજે ઇમર્જન્સિ છે, મારા થી નહીં અવાય.” નિપુણ પણ પ્રણાલી ના ચાળા પાડવા લાગ્યો, “યુએસએ વાળી ફ્રેન્ડ, જ્ઞેયા ના ઘરે જવાનું છે.”
“હા હવે કેવી રહી મારી ઇપ્સિતા વાળી ઍક્ટિંગ, એકદમ ઝક્કાસ ને ?” પ્રણાલી જોર જોર થી હસી રહી હતી. “અમે પણ શર્વક ના રોલ માં કઈ કમી નથી રેહવા દીધી. એક દમ આશિક બની ને આવ્યો છું આજે. રોઝ અને ચોકલેટ લઈ ને. તને ઇમ્પ્રેસ કરવા..” નિપુણ પણ પ્રણાલી ટક્કર ના પ્રત્યુતર આપી રહ્યો હતો.નિપુણ અને પ્રણાલી કોલેજકાળ માં ડ્રામા માં ઍક્ટિંગ માં અવ્વલ આવતાં. પોતાનું લગ્નજીવન શુષ્ક ના થાય અને હુંફ જળવાઈ રહે એ માટે બંને જણ આમ પ્રેમી પંખિડા મટી ને ક્યારેક અજનબી પંખિડા ના રોલ માં ઢળી જતાં જેમાં બંને જણા એક અલગ જ વ્યક્તિત્વ સાથે એકબીજા સામે રજૂ થતાં ને સ્ક્રીપ્ટ વગર જ ડ્રામા આમ આગળ વધ્યા જતો ને છેવટે એક સુખદ અંત સાથે એકબીજા ને ભેટી પડતાં. “ આઇ લવ યૂ માય હબી, નિપુણ” નિપુણ ને ભેટેલી પ્રણાલી બંધ આંખો એ કહ્યું. “આઇ લવ યૂ ટૂ માય ડિયર, વાઈફી.” ભેટેલી પ્રણાલી ના વાળ માં હાથ ફેરવતાં ફેરવતાં નિપુણ એ કહ્યું.
નિપુણ અને પ્રણાલી સાબરમતી ના કિનારે રિવરફ્રન્ટ પર અજનબી પંખિડા મટી ને ફરી પ્રેમી પંખિડા બની ચૂક્યાં હતા. એકબીજા ના હાથ માં હાથ હતાં, શબ્દો શાંત હતાં, હ્રદય માં એકબીજા માટે અઢળક પ્રેમ હતો. સાંજ ઢળી ચૂકી હતી ને સાથે સાથે પ્રણાલી પણ નિપુણ ના ખભા પર ઢળી ગઈ હતી.
લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

Exit mobile version