અમદાવાદ કાઈટ ફેસ્ટીવલ : તમે મુલાકાત લીધી કે નહિ? વાંચો રસપ્રદ વાતો…

આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગોને જોવી દરેકને ગમતી હોય છે. અલગ આલગ રંગ અને આકારની પતંગો આકાશમાં જોઇને દરેકનું મન ખુશ થઇ જતું હોય છે. એકસાથે ઢગલો પતંગો આકાશમાં ઉડતી જોવી એ એક લાહવો છે.ભાગ્યે જ કોઈ એવું ગુજરાતી હશે જેને ઉત્તરાયણ નહિ પસંદ હોય. એમાય આપણા અમદાવાદની ઉત્તરાયણ તો વાત જ અલગ છે. આપણા અમદાવાદમાં થતા કાઈટ ફેસ્ટીવલને જોવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે. હવે વિદેશી અને દૂર દુરથી લોકો આવતા હશે તો કશુક તો ખાસ હશે જ આ કાઈટ ફેસ્ટીવલમાં. આવો જાણીએ થોડી રસપ્રદ વાતો.

અમદાવાદમાં આ કાઈટ ફેસ્ટીવલ એ ૬ થી ૧૪ જાન્યુઆરી સુધી ઉજવવામાં આવે છે. આ સમયે અહિયાં તમને આકાશમાં ફક્ત રંગીન પતંગો જ જોવા મળે છે, આખું આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાઈ જાય છે. ગુજરાત ટુરિઝમ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી આ કાઈટ ફેસ્ટીવલ અમદાવાદમાં ઉજવવામાં આવે છે. અમદાવાદના લોકો તો આ તહેવારની રાહ જોતા જ હોય છે પણ વિદેશી મિત્રો પણ આ તહેવારની રાહ જોતા હોય છે. આ તહેવારનું એક આગવું આકર્ષણ લોકોમાં હોય છે.

વિદેશી અને બીજા શહેર કે રાજ્યમાંથી આવતા લોકો અહિયાં કાઈટ ફેસ્ટીવલનો તો આનંદ ઉઠાવે જ છે પણ સાથે સાથે આપણા અમદાવાદમાં મળતી એકથી એક ચઢિયાતી વાનગીનો આનંદ ઉઠાવે છે. આપણા અમદાવાદીઓ અને ગુજરાતીઓ તો ખાવાના કેટલા શોખીન છે એ આપણે કોઈને જણાવવાની જરૂરત નથી. બીજા શહેરના અને રાજ્યના લોકોને પણ આપણા અમદાવાદનું ભોજન બહુ પસંદ આવે છે.

કાઈટ ફેસ્ટીવલ દરમિયાન અને ઉત્તરાયણ દરમિયાન આપણા અમદાવાદી લોકો એ સવારે ઉઠીને પતંગ ચડાવવા માટેની તૈયારીમાં લાગી જાય છે. લોકો પોતાના ધાબા પર આવીને પોતાના મિત્રો અને પરિવાર સાથે પતંગ ચઢાવવા લાગે છે અને સાથે સાથે ચીક્કી, બોર, જામફળ અને ખાસ ઊંધિયું ને જલેબી ખાય છે અને સાથે સાથે પૂરી અને ખીચડી પણ ખાતા હોય છે. ૯ દિવસ ચાલતા આ ફેસ્ટીવલમાં આપણા દેશના જ નહિ પણ વિદેશના લોકો પણ આવે છે. કેનેડા, બ્રાઝીલ અને ઇન્ડોનેશિયા જેવી જગ્યાઓથી પણ લોકો અહિયાં પતંગ અને ગુજરાતી વાનગીઓનો સ્વાદ લેવા માટે આવે છે.

બાકી તમને ઉત્તરાયણમાં સૌથી વધુ શું પસંદ છે? ચાલો કોમેન્ટમાં આપણા ઉત્તરાયણના ફોટો અને સેલ્ફીયું મુકીએ.