લોકડાઉન સમયે અમદાવાદના રસ્તાઓ થઇ ગયા છે એકદમ સુમસામ, અને થઇ ગયુ છે પ્રદુષણમુક્ત, જોઇ લો VIDEOમાં

મારું તમારું આપણા સહુનું વાહલું અમદાવાદ – જુઓ લોકડાઉન દરમિયાન નિર્મળ-શાંત-શુદ્ધ હવામાનવાળુ અમદાવાદ

હાલ કોરોના વાયરસના કારણે વિશ્વના ઘણા બધા દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી કરીને લોકો એકબીજાના સંપર્કમાં ન આવે વાયરસને ફેલાતો અટકાવી શકાય અથવા તો તેની ગતિને ધીમી પાડી શકાય. ચીનના વુહાન શહેરમાં જ્યારે આ વાયરસ પ્રસરવાનો શરૂ થયો ત્યારે ચીનના સત્તાધિકારીઓએ આ રીત અપનાવી હતી અને તેના કારણે તેઓ વાયરસના ફેલાવાને અંકુશમાં લાવી શક્યા હતા અને ભારત ઉપરાંત વિવિધ દેશોએ પણ આ જ રીત અપનાવી છે.

image source

22મી માર્ચે પ્રધાનમંત્રી દ્વારા જનતા કર્ફ્યૂ રાખવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ 25મી માર્ચથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસનુ લોકડાઉન જાહેર કરામા આવ્યું હતું. જેને લગભગ દેશના બધા જ રાજ્યોમાં સફળ રીતે પાળવામાં આવી રહ્યું છે જો કે ક્યાંક ક્યાંક નિયમનું ઉલ્લંઘન થતું જોવા મળે છે.

ચોક્કસ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 1 લાખને ઓળંગી ગયો છે અને સંક્રીમીત લોકોની સંખ્યા પણ લાખોમાં છે જે એક દુઃખદ વાત છે પણ બીજી બાજુ લોકડાઉનની કેટલીક અત્યંત સારી અસર પણ સમગ્ર દુનિયામાં જોવામાં આવી છે. પોલ્યુશનના આંકડામાં અત્યંત મોટો ઘટાડો થયો છે. તો વળી નદીઓ પણ ચોખ્ખી થઈ છે. સમુદ્રોમાં પણ ગંદકી અને પ્રદૂષણ ઘટ્યા છે. માણસના ડરથી દૂર દૂર રહેતા પ્રાણીઓ પણ આજે નિર્ભય થઈને શહેરમાં ટહેલતા જોવા મળ્યા છે.

અમદાવાદની આબોહવામાં પણ આવી જ હકારાત્મક અસર થઈ છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિડિયો તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદનો અદ્ભુત નઝારો જોવામાં આવ્યો છે.

આ વિડિયોમાં તમે શાંત નિર્મળ અને પ્રદૂષણ વગરનું અમદાવાદ જોઈ શકો છો. આપણું હેરીટેજ સીટી અમદાવાદ કે જ્યાં સવારના 5 વાગ્યામાં ચાની કીટલીઓ ધમધમવા લાગતી, સીટી બસની અવર જવર શરૂ થઈ જતી, દૂધવાળાના ટેમ્પા કે પછી ઘરે ઘરે દૂધ વેચતા લોકોની સાઇકલ ની ઘંટડીઓ રણકવા લાગે તે બધું જ હાલ બંધ થઈ ગયું છે.

image source

આ વિડિયોમાં અમદાવાદનો ત્રણ દરવાજા વિસ્તાર બતાવવામાં આવ્યો છે અહીં તમને પગ મુકવાની જગ્યા ન મળે ત્યાં હાલ એક માણસ પણ જોવો મુશ્કેલ છે. જ્યાં સેંકડોની સંખ્યામાં ફેરિયાઓ પોતાના ઠેલા લગાવીને બેઠા રહેતા હતા, હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરતા હતા તે બજાર આજે સુમસામ છે. પણ તેમ છતાં આ દ્રશ્ય જોવું ગમી રહ્યું છે.

પૂર્વ અને પશ્ચિમ સાથે જોડતા અમદાવાદના બધા જ પૂલ પર તમે એકલ દોકલ વાહનોને જ જોઈ શકો છો. પૂર્વ અમદાવાદમાં વધતા કોરોના વાયરસના પોઝીટીવ કેસના કારણે તેને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યો છે નથી તો ત્યાંથી કોઈ બહાર આવી શકતું કે નથી તો ત્યાં કોઈ જઈ શકતું.

image source

અમદાવાદ રેલ્વે સ્ટેશન કે જ્યાં તમે ઢગલા બંધ લીલી-પીળી સીએનજી રિક્ષાઓ જોતા હતા, સેંકડોની સંખ્યામાં બહારગામ જતાં અને ત્યાંથી આવતા લોકો સામાન સાથે જોવા મળતા હતા તે હવે નથી જોવા મળી રહ્યા. તેની જગ્યાએ આખુંએ સ્ટેશન નિર્જન છે ગણતરીના પોલીસકર્મીઓ જ અહીં જોઈ શકાય છે. જે પાટાઓ પર ગાડીઓ ધમધમતી હતી ત્યાં આજે સમય રોકાઈ ગયો હોય તેમ ગાડીઓ નિર્જીવ થઈને પડી છે.

દૂર દૂર સુધી રસ્તાઓ પર ભાગ્યે જ કોઈ દેખાઈ રહ્યું છે. કેટલાએ કીલોમીટર સુધી ફેલાયેલું અમદાવાદ તમે અહીં જોઈ શકો છો. બિલ્ડિંગ્સ મકાનો વિગેરે પથરાયેલા પડ્યા છે પણ ઉપરથી જોતાં જાણે શહેરમા કોઈ રહેતું જ ન હોય તેવું લાગી રહ્યું છે.

બીઆરટીએસ રૂટ શાંત થઈ ગયો છે. કારખાનાઓ પણ ધમધમવાના બંધ થઈ ગયા છે. કાંકરિયામાં જ્યાં બાળકો અને સહેલાણીઓનો સતત કલરવ સાંભળવા મળતો ત્યાં બધું જ શાંત થઈ ગયું છે. રીવર ફ્રન્ટ પણ શાંત થઈ ગયો છે.

આમ જોવા જઈએ તો આ દરમિયાન આપણે આપણા ખરા અમદાવાદના દર્શન કરી રહ્યા છે. જેમ ધૂળ નીચે કોઈ વસ્તુની સુંદરતા છૂપાઈ જાય છે તેમ કરોડો વાહનોના ધ્વનિ, ઇંધણના કારણે ઉઠતા ધૂમાડા, શોરબકોરમાં આપણા અમદાવાદનું ખરૂ સૌંદર્ય ક્યાંક છૂપાઈ ગયું હતું. જે આજે આપણે ઘરે રહીને આ વિડિયો દ્વારા જોઈ શક્યા છે. એક લાખ કરતાં પણ વધારે લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે તો બીજી બાજુ નિષ્ણાતોનું કહેવું છે કે ધરતી માતાને લાંબા સમય બાદ આરામ મળી રહ્યો છે, તેના દાયકાઓ જૂના ઘા રૂઝાઈ રહ્યા છે. અને માત્ર ધરતી માતા જ શા માટે કેમ માણસો પણ તો છેલ્લા ઘણા દિવસથી ઘરનો સ્વસ્થ શુદ્ધ ખોરાકખાઈ રહ્યા છે, તો ચોક્કસ તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ જ રહ્યો છે.

image source

આ મહામારીને નાથવાનો તેમજ તેનાથી સુરક્ષિત રહેવાનો એક જ ઉપાય છે અને તે છે ઘરે રહેવાનો ઉપાય. આ એક એવી જંગ છે કે જેમાં તમારે હથિયારો નથી ઉપાડવાના પણ આરામથી તમારા ડ્રોઈંગરૂમના સોફા પર બેસીને પુસ્તકવાંચીને કે પછી તમારી પ્રિય ફિલ્મો જોઈને લડવાની આ જંગ છે. તો પછી ઘરે રહો સુરક્ષિત રહો અને તમારા આડોશપાડોશને પણ સુરક્ષિત રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ