જલ્સા કરોને જેંતીલાલ

બેસ્ટ ફ્રેન્ડ – એક નાનકડી ગેરસમજ એ પાકી મિત્રતાને કેવીરીતે તોડી નાખે છે એ વાંચો…

બાલ્કની ની બહાર હીંચકે બેઠેલી હું સાંજ ની મજા માણી રહી હતી. ત્યાં જ મારી નજર સામે ના ઘર પર પડી. આમ તો રોજ ઘણીવાર એ ઘર સામું હું જોતી જ હોઇશ પણ આજે એ ઘર ને જોઈને મારી આંખ ના ખુણા ભીના થઈ ગયા. મારી સામે વાળું ઘર એટલે મારી બેસ્ટ ફ્રેન્ડ ભાર્ગવી નું ઘર. મિત્ર તરીકે મારા જીવનમાં એનું એક આગવું મહત્વ છે. એ અધખુલ્લી બારીમાંથી એનો બેઠક ખંડ મને દેખાઈ રહ્યો હતો. અને હું ભૂતકાળ માં સરી પડી.

image source

મારી અને ભાર્ગવી ની મુલાકાત તો સામાન્ય પડોશી તરીકે જ થઈ હતી. એકબીજા ના પડોશી બન્યા ના 2-3 વર્ષ તો બસ એકબીજા ને સામે મળીએ ત્યારે વ્યવહારિક સ્મિત ની આપલે માં જ વીતી ગયા. એક દિવસ બપોરે વોટ્સએપ પર થોડા મેસેજ ની આપલે થઈ પછી તો આ રોજ નો ક્રમ બની ગયો. ધીમે ધીમે એકબીજા ના ઘરે આવવા જવા નું પણ વધ્યું. મને તો ભાર્ગવી ના રૂપ માં એક બહેન મળી ગઈ હતી.

મિત્રો ઘણા હતા પણ બેસ્ટ ફ્રેન્ડ બની શકે એવું ક્યારેય કોઈ મળ્યું જ નહતું. એના મારા જીવન માં આવ્યા બાદ હું વધારે ખુશ રહેવા લાગી હતી. એકબીજા ના સુખમાં સાથે હસ્યાં હતા અમે અને દુઃખ માં ચોધાર આંસુ પણ સરયા હતા. કોઈની પણ આંખ માં ઉડી ને વળગે એવી અમારી મિત્રતા થઈ ગઈ હતી. બપોર નો સમય તો એકબીજા સાથે જ પસાર કરવાનો એ અમારો નિત્યક્રમ બની ગયો હતો. અઢળક વાતો નું પોટલું લઈ બેસી જતા અમે. એકબીજા ના જીવન ની એક એક ઘટનાથી વાકેફ થઈ ચૂક્યા હતા.

image source

ઘરોબો એટલે સુધી વધ્યો કે એકબીજા ના પરીવાર ને પણ ઓળખવા લાગ્યા હતા. પણ કહેવાય છે ને સારું કોઈના થી જોવાતું નથી. અમારી આ મિત્રતા ની પણ કોણ જાણે કોની નજર લાગી ગઈ. એક નાની એવી ગેરસમજ ઉભી થઈ અને અમારા સંબંધ માં પહેલી તિરાડ પડી. એ તિરાડ સાંધવાના બનતા પ્રયત્ન કર્યા મેં પણ ક્યારેક એ મારી સામે જોઇને નજર ફેરવી લેતી તો ક્યારેક મને વોટ્સએપ પર ઇગ્નોર કરી લેતી. મન તો ઘણું થઈ જતું કે હમણાં જ એના ઘરે જઈ એનો ઉધડો લઈ નાખું પણ મારા પગ પાછા પડતા.

એક દિવસે હિંમત કરી એની સાથે વાત કરવાનું નક્કી કર્યું. પહોંચી ગઈ એના ઘરે. થોડીવાર તો બન્ને ચૂપ જ રહ્યા. અંતે એને અશ્રુસહ આંખે મારી સામે જોયું. હું એને વળગી પડી. મિત્રતા માં તિરાડ પડી હતી એવો વહેમ દૂર થયો. બન્ને એકબીજા ને વળગી ને ખૂબ રડ્યા. એકબીજા ની માફી પણ માંગી. નવેશર થી એક શરૂઆત કરવાનું વચન પણ આપ્યું. ફરી પાછો એ સિલસિલો શરૂ કરવા અમે બંને માંગતા હતા. પણ ક્યારેક એની પરિવાર સાથે ની વ્યસ્તતા તો ક્યારેક મારી વ્યસ્તતા માં અમે પહેલા જેવી આત્મીયતા ન કેળવી શક્યા.

image source

ખબર નહિ કેમ પણ એને પહેલા જેવી કોમલ કે મને પહેલા જેવી ભાર્ગવી ઈચ્છી ને પણ ન આપી શક્યા. લાંબા પહોળા કુટુંબ ની દીકરી અને એવા જ લાંબા પહોળા કુટુંબ ની વહુ તરીકે ભાર્ગવી નો સમય સરળતા થી વ્યતીત થઈ જતો પણ હું તો જાણે આ બદલાયેલા સંબંધો ને કારણે ગાંડા જેવી થઈ ગઈ. મેં મારી બેસ્ટ ફ્રેન્ડ ખોઇ દીધી એ વાતે મારા અંતરમન ને હચમચાવી મૂક્યું હતું. બે પ્રેમીઓ જ્યારે એકબીજાથી છુટા પડે ત્યારે થતું દુઃખ તો કદાચ સૌ એ અનુભવ્યું હશે પણ જીગરજાન દોસ્ત સાથે જ્યારે આવું અંતર સર્જાય ત્યારે ખરેખર માણસ ભાંગી પડે એ મેં ખુદ અનુભવ્યું છે.

આજે પણ હું અને ભાર્ગવી મિત્રો છે જ. એકબીજા ને આજે પણ એકબીજા ને બેસ્ટ ફ્રેન્ડ જ કહીએ છે. સુખ દુઃખ આજે પણ વહેંચીએ છે પણ તો ય સંબંધ માં ક્યાંક કોઈ ખોટ વર્તાય છે.

image source

આ બધા વિચારો માં હતી ત્યાં જ સામે ભાર્ગવી ઘરની બહાર ઉભી મારી સામે જોઈ રહી હતી. કઈ કેટલુંય કહેવા ઇચ્છતી હતી એ મને એ મને એની આંખો માં દેખાતું હતું..મારે પણ ઘણું બધુ કહેવું હતું પણ અમે ન બોલી શક્યા. આખરી એ એક સ્મિત આપી ઘર માં ચાલી ગઈ. અને મારી આંખમાંથી સરી પડ્યું એ ખુણા માં સચવાયેલું અશ્રુબિંદુ.

લેખક : કોમલ રાઠોડ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version