એ…… – તમારી આંખો પણ ભરાઈ આવશે જયારે આ અંત વાંચશો, કોઈની યાદ આવે તો અમને જરૂર જણાવજો.

રોજની જેમ આજે પણ મને એકલતાએ ઘેરી લીધો હતો..એને ગયે આજે અઠવાડિયું વીતી ગયુ હતું.. પણ હું હજી મારી જાત ને એના વિરહના દુઃખમાંથી બહાર નહોતો કાઢી શક્યો… રહી રહી ને એનો એ માસૂમ ચહેરો મારી નજર સામે આવી જતો અને મારી આંખો છલકાઈ જતી.. એ આમ મારાથી અળગી થઈ જશે એવો વિચાર સુધ્ધાં મેં ક્યારેય નહોતો કર્યો.. મારુ જ ઘર મને જાણે ખાવા દોડતું હતું… એના વગર પણ જાણે આખું ઘર એની યાદોથી ભરાયેલું લાગતું હતું… એની યાદો ની એ છુપી હાજરી મને વધુ વ્યથિત કરી રહી હતી..

આજે પણ યાદ છે મને એનું આ ઘર માં આગમન… કેટલા પ્રેમથી આવકારી હતી એને મેં… હરખમાં કેટલો રઘવાયો થયો હતો હું…. એના એ પગલાં જાણે મારા ઘરમાં નહિ હૃદયમાં પડ્યા હતા… એના એ પગરવથી મારુ દિલ ક્યારે એના વશમાં આવી ગયું એનો મને જ ખ્યાલ ન રહ્યો.. કેટલી વાતો કરતો હું એની સાથે… ક્યારેક એ કઈ જ ન બોલતી તો પણ હું મારી વાતો ના પુલ બાંધતો રહેતો… ઘણીવાર મેં અનુભવ્યું કે એને મારી વાતો માં કઈ ગતાગમ પડતી નહિ… એ બસ મારી સામું જોયા કરતા તેમ છતાં મને એની સાથે વાતો કરવું ગમતું.. એક છોકરી મને આટલો બદલી શકે એવું વિચારવું જ મારા માટે જાણે અશક્ય હતું.. એના આવવાથી જાણે હું ખુશખુશાલ હતો…


ઓફિસથી વહેલા ઘરે આવવાનું હવે એ કારણ બની ગઈ હતી… એના આંસુ મને પણ રડાવી જતા.. મારી આંખનો ભીનો ખૂણો બનતા એને ક્યાં વાર લાગી હતી?… પહાડ જેવો હું એની સામે જાણે નાનકડી કાંકરી બની જતો… મને આમ બદલાયેલો જોઈ મારા પરિવાર ને પણ આશ્ચર્ય થતું.. પણ એ આશ્ચર્ય ને હરખ માં ફેરવાતા વાર ન લાગતી… મારા અવતાંવેંત પાણીનો અડધો ભરેલો ગ્લાસ લઈ એ મારી સામે એના અઢળક સવાલોના વંટોળ સાથે ઉભી રહી જતી અને શરૂ થતી એના સવાલો ની વણઝાર… એના બધા જ સવાલોના જવાબ આપવો એ હવે મારુ ગમતું કામ હતું…. એને સવાલ કરતા જોઈ રહેવું મને ગમતું..


એના કપાળ પર સવાલ પૂછતી વખતે ઉપસ્તી આડી અવળી રેખાઓમાં જાણે હું ખોવાઈ જતો.. એના વગર મને જાણે ગળે કોળિયો ય ન ઉતરતો અને એ આ વાત જાણે બરાબર જાણતી હોય એમ રોજ જમવાના સમયે મારી સામેની ખુરશી પર આવીને ગોઠવાઈ જતી.. માસૂમિયત નીતરતા એના ચહેરા ને જોવામાં જ ક્યારેક બે ત્રણ રોટલી વધારે ખાઈ જતો… અને એ મારી આવી હાલત પર જોર જોર થી હસવા લાગતી… રાત્રે મારી બાજુમાં જ સુતેલી કઈ કેટલાય ગોળ ગપટા કરતી એને હું જોઈ રહેતો… ક્યારેક વ્હાલ થી મારા માથે હાથ ફેરવતી તો ક્યારેક મને ગલગલીયા કરતી… એના સુઈ ગયા બાદ પણ એના ચહેરાને મોડા સુધી હું નીરખ્યા કરતો..

ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા… હવે મારી વાતો ઓછી અને એની વાતો વધતી ગઈ… એના સવાલોના જવાબ એ ખુદ શોધતા શીખી ગઈ હતી.. મારી સાથે મન ખોલીને વાતો કરતી… એની મૂંઝવણ મને જણાવતી.. અને હું એની દરેક મૂંઝવણ ઉકેલવા તત્પર રહેતો.. એના હસતા ચહેરા પર ક્યારેક ચિંતા ની એકાદ રેખા મને હચમચાવી મૂકતી… હવે તો એ ય મારો ચહેરો વાંચતા શીખી ગઈ હતી.. મારી એકાદ મૂંઝવણ એને પણ એટલી જ ઢંઢોળી નાખતી…. મારો ક્યારેક ગુમસુમ બનેલો ચહેરો જોઈ રડી પડતી… મારી આગળ પાછળ ફર્યા કરતી….


ગજબ ની સમજશક્તિ કેળવાઈ ગઈ હતી અમારી વચ્ચે… ક્યારેક હું કઈક ખોટું કરતો તો એ મને ટોકતી… ક્યારેક પરિવાર માં કોઈ સભ્ય પર ગુસ્સો કરતો તો એ મને રોકતી. ક્યારેક ગુસ્સા માં થોડું ખિજાતી પણ ખરી… અને એના એ ચહેરા પર નો એ કૃત્રિમ ગુસ્સો જોઈ હું હસી પડતો… મને હંમેશા એમ થતું કે હું એને ખૂબ જ પ્રેમ કરું છું..પણ દિવસો વીતતા ગયા એમ અનુભવ થતો ગયો કે એ મને મારા કરતાં બમણો પ્રેમ કરે છે… મારી એક એક જરૂરિયાતની એ ખૂબ જ કાળજી લેતી…. મને રાત્રે ક્યારેક ઊંઘ ન આવતી તો મારી સાથે બેસી ને મોડે સુધી વાતો કરતી…. એ ખરેખર મને ખુબ પ્રેમ કરતી… પણ હવે શું…

આખરે તો એ ચાલી જ ગઈ ને મને મૂકીને.. અને હું પણ કેટલો સ્વાર્થી મેં એને જવા દીધી.. એને મારી પાસે રોકી લેવાનો એક નિરથર્ક પ્રયત્ન પણ ન કર્યો મેં… મને મારા એની યાદ માં સરી રહેલા આંસુ નાહક લાગ્યા…. ભીડમાં હંમેશા મારો હાથ જાલી લેતી … ભીડ ની એને ખૂબ બીક લાગતી…. તો પછી મેં એને કેમ આમ એકલી જવા દીધી…….. ફક્ત દુનિયા ને જવાબ ન આપવો પડે…. ફક્ત દુનિયા ની લાજ શરમે મેં એને જવા દીધી….. ખુદ પર ઘૃણા ની લાગણી જન્મી ઉઠી…. એના વિરહનું દુઃખ હું વધુ જીરવી ન શક્યો… મોબાઈલ ના વોલપેપર પર મુકેલો મારો અને એનો ફોટો જોઈ મારી વ્હાલસોયી ને વળાવવાનું દુઃખ વધી પડ્યું…

“મારી દીકરી” કહી હું પોક મૂકીને રડી પડ્યો

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ