એ મેરી જોહરાજબી – લાડકોડમાં ઉછરેલી યુવતી આજે જીવી રહી છે કરકસર ભર્યું જીવન, મધ્યમવર્ગીય પરિવારની લાગણીસભર વાર્તા…

“અરરર.. આ મમી તો જો જબરા છે હો. આ કોપરેલ તેલનો અડધો ડબ્બો ખાલી કરી દીધો.. ને આ જો તો સવારે હજુ મેં અડધી ટોયલી જેટલું ઘી ભર્યું હતું એમાંથી ઓછું થઇ ગયું..!! રસોઈમાં તો વપરાયું પણ નથી એટલું ઘી.. ક્યાં ગયું હશે?? મમીએ જ લીધું હોય ને..!!” શતિકા સવાર સવારમાં તેના પતી શમ્યનો ઉધડો લઇ રહી હતી. અને તે પણ શમ્યની માં એટલે કે તેના સાસુની કોઈ વાતને લઈને..!!


શમ્ય અને શતિકા બન્ને કોલેજમાં સાથે જ ભણતા.. અને થઇ ગયો પ્રેમ.. પ્રેમ ના ઉમર જોવે કે ના પૈસો, ના દેખાવ જોવે કે ના સ્વભાવ.. ને બસ એ બંને લાગણીના તાંતણે બંધાઈ ગયા.. કોલેજ પૂરી થતા જ બંનેએ લગ્ન કરી લીધા.. શમ્યના માતાપિતાએ તો ખુશીથી વહુને આવકાર આપ્યો પરંતુ શતિકાના માતાપિતાએ પોતાની દીકરીના નામનું નાહી નાખ્યું.. પ્રેમ તો લાગણીના લીધે ટક્યો હતો પરંતુ લગ્નમાં લાગણી સાથે સાથે નોકરી, સાસુ-સસરાની ચાકરી ને જાતજાતની જવાબદારી..!! આ બધાનો સમાવેશ થાય.. લગ્ન પહેલા જે બધી બાબતો શતિકા માટે ગૌણ હતી તે બધી જ લગ્ન થતા જ અતિમહત્વની બની ગઈ.

શમ્યને એક નાનકડી કંપનીમાં કમ્યુટર ઓપરેટર તરીકેની જોબ મળી હતી.. આમ પણ આજકાલ ફક્ત ગ્રેજુયુએશન કર્યું હોય તેને કોઈ ભાવ પણ નથી પૂછતું.. શમ્યનો પગાર સાવ ઓછો અને તેના ઘરની પરિસ્થિતિ પણ સાધારણ જ હતી. શમ્યના પિતાને એક પગમાં તકલીફ હોવાથી તેઓ લાકડી લઈને માંડ જરૂર પુરતું ચાલી શકતા.. તેના મમી પણ સાવ અશક્ત.. અત્યાર સુધી શમ્યના પપ્પાની જૂની દુકાનનું મહીને પાંચ હજાર ભાડું આવતું તેમાંથી ત્રણેયનું ગુજરાન ચાલી જતું.. શમ્ય પણ લગ્ન પહેલા પાર્ટ ટાઈમ જોબ કરીને પોતાનો ખર્ચો કાઢી લેતો.


પરંતુ હવે તેના લગ્ન થયા હતા.. ઘરમાં એક સ્ત્રીનું આગમન થયું હતું.. તેની જરૂરિયાતો સંતોષવા સાથે હવે શમ્ય પર પણ જવાબદારીઓ આવી પડી હતી.. શતિકા આમ તો પૈસાવાળા પિતાની છોકરી એટલે એને કરકસર કરવી પડે ત્યારે બહુ ગુસ્સો આવતો પરંતુ ધીમે ધીમે તે પણ ઓછા પૈસામાં ઘર ચલાવતા શીખી ગઈ હતી. શમ્ય પણ શતિકાને આ રીતે ઘડાતી જોઇને ખુશ થઇ જતો. હા શતિકા તેના સાસુ-સસરાને ખાસ મહત્વ કે માન નાં આપતી. શમ્યની લાખ સમજાવટ છતાં તે બંને શતિકાને જુનવાણી લાગતા અને તેથી જ તે ક્યારેય તેમના પ્રત્યે અનુકંપા કે પ્રેમ નહોતી જતાવતી.

તે બંનેના લગ્નને છ મહિના વીતી ગયા.. તે દિવસે સવારના પહોરમાં શતિકા શમ્ય પર પોતાનો બધો ગુસ્સો ઉતારી રહી હતી. “શું થયું શતિકા? કેમ આટલો ગુસ્સો કરે છે મમી પર? વાત શું છે તે કહીશ તું.. અને જરા ધીરે બોલ.. મમી-પપ્પાના ઓરડામાં તારો અવાજ સંભળાશે તો તેમની ઊંઘ બગડશે..!!” શમ્યએ શતિકાને શાંતિથી કહ્યું.


“અરે ઊંઘને મારો ગોળી..આ હું અહી જેમ બને તેમ વધુ કરકસર કરવાનો પ્રયાસ કરું છું.. ને તમારા મમીને તો રાજમાતા બનીને તમારા રાજમહેલમાં મહાલવું છે જાણે.. હજુ તો હું અઠવાડિયા પહેલા આ માથામાં નાખવાનું કોપરેલ તેલ લઇ આવી હતી.. ને આજે જુઓ અડધો ડબ્બો ખાલી થઇ ગયો.. અઢીસો રૂપિયાનું આ તેલ આપણે બધાને આખો મહિનો માથામાં નાખવા માટે ચલાવાનું હતું ને આ તમારા માતાજીએ એને એક અઠવાડિયામાં જ પતાવી દીધું.. ને ઉપરથી આ ઘીની ટોય્લીમાં મેં સવારે જ ઘી ભર્યું હતું એમાંથી પણ થોડું ઓછું થયું છે.. ખબર નહિ આ શું કરે છે એનું??”

ગુસ્સામાં પગ પછાડતી મોટા અવાજે શતિકા શમ્યને ખી રહી હતી.. શમ્ય તેને જવાબ આપવા જાય એ પહેલા જ કદાચ અંદરના ઓરડામાં રહેલા શમ્યના માં તેની વાત સાંભળી ગયા હશે.. તેથી જ બહાર આવ્યા.. અને તેની વહુને સંબોધીને બોલ્યા.


“વહુબટા, એ તો જરા મારા હાથમાં ને પગમાં બહુ ખંજવાળ આવતી હતી એટલે મેં એ કોપરેલ તેલ લીધું હતું.. પણ મેં વધારે નહોતું લીધું હો. અને હા એ ઘી પણ મેં મારી ડબ્બીમાં ભર્યું હતું. નાનકી ડાબલીમાં.. મારા હોઠ હમણાં આ શિયાળાને લીધે ફાટી જાય છે ને એટલે એમાં ચીરા પડી ગયા છે.. એટલે એ બહુ દુખતું હતું.. સોરી હો દીકરા..!!”

સવીત્રીબહેનની વાત સાંભળીને શમ્ય કઈ બોલવા જાય એ પહેલા જ શતિકાએ સાસુને ખીજ્વતી હોય તેમ વાંકુ મો કરીને કહ્યું, “આવ્યા મોટા શિયાળા વાળા… તમારે ક્યાં બહાર જવું છે તે ચામડી ફાટે ને તેલ ને ઘી લગાવવા બેઠા.. બોલો લ્યો. અહી હું કરકસર કેમ કરવી એ વિચારતી હોય ને આ ડોહીને તેલ ને ઘી લગાડવા છે..!!” શતિકાને ચુપ કરાવતા શમ્ય બોલ્યો, “બસ કર શતિકા..


મમી તારે જે વાપરવું હોય એ વાપરજે.. તું બીજી ચિંતા ના કર.. આ પૂરું થઇ જશે તો હું બીજું તેલ લઇ આવીશ. શતિકા તું શાંતિ રાખજે…!!” ઓરડામાંથી આંખો ચોળતા સાવીત્રીબહેનના પતિ હર્ષદભાઈ બહાર આવ્યા. શતિકા તો સસરાને જોઇને જ મોઢું મચકોડીને ચાલી ગઈ. શમ્ય પણ પપ્પાને કઈ જવાબ આપવો ના પડે તે ખાતર અંદર ચાલ્યો ગયો..!! હર્ષદભાઈએ તેની પત્નીને કહ્યું,

“શું થયું સાવિત્રી??? કેમ સવાર સવારમાં વહુ સાથે માથાકૂટ કરી કે શું તમે?? બિચારા વહુ-દીકરાને શાંતિથી રહેવા દો ને..!!” “લે બોલો… શમ્યના પપ્પા તમે તો ખરા છો હો.. હું તે વળી સામે ચાલીને એમની સાથે કઈ માથાકૂટ કરવા જાવ?? આ તો જરા નાની અમથી એક વાતમાં વહુને ખોટું લાગ્યું હતું એટલે મને કહેતા હતા.. બીજું કઈ ખાસ નથી..!! તમે ચિંતા ના કરો.. હાલો હું જરા પરવારી લઉં..!!” કહીને સાવિત્રીબહેન નાહવા ચાલ્યા ગયા..

“સાવિત્રી તમે ભલે ના બોલ્યા પણ મને ખબર છે શું થયું હતું..!!” હર્ષદભાઈ મનમાં ને મનમાં વિચારતા રહ્યા… ચાર દિવસ વીતી ગયા.. “શતિકા.. માઈ લવ.. આજે રાતના આપણે ડીનરમાં જઈશું.. અને તારા માટે વેલેન્ટાઈન ડેની સરપ્રાઈઝ છે..!! મમી-પપ્પા માટે કઈ બનાવી લેજે એકાદ વસ્તુ..!!” શમ્યએ સવારે ઓફીસ જતા પહેલા શતિકાને કહ્યું..!!


સાંજે બધું કામ પતાવીને શતિકા તૈયાર થઈને તેના સાસુ-સસરાને કહીને શમ્યને મળવા બહાર નીકળી.. જમવાનો સમય થતા જ સાવિત્રીબહેન રસોડામાં ગયા અને શતિકાએ બનાવેલી દાળઢોકળીને ગરમ કરી હર્ષદભાઈને સાદ દઈને જમવા બોલાવ્યા. હર્ષદભાઈ હોલમાં આવ્યા ત્યારે સાવિત્રીબહેન જમવાનું પીરસતા હતા અને તેમની પીઠ હર્ષદભાઈ તરફ હતી. હર્ષદભાઈ લાકડીના ટેકે આગળ વધ્યા અને પાછળથી જઈને સવીત્રીબહેનનો હાથ પકડી લીધો.

“સાવું, હેપી વેલેન્ટાઈન ડે હો ને.. પ્રેમ દિવસની તમને વધાઈ.. અને આ લે તારી ગીફ્ટસ.. ખોલીને જો તો એમાં શું છે..!!” સાવિત્રીબહેન તો હર્ષદભાઈને આ રીતે વર્તતા જોઈ આભા જ બની ગયેલા.. સહેજ હરખમાં ને સહેજ નવાઈથી તેમણે ગીફ્ટ ખોલીને જોયું તો નાના મોટા ત્રણ-ચાર ડબ્બા ને ટ્યુબ ને એવું બધું હતું..!! તેમના ચહેરા પર પ્રશ્નાર્થચિહ્ન જોઇને હર્ષદભાઈને આનંદ આવી રહ્યો હતો.. તેમની મૂંઝવણ દુર કરતા તેઓ બોલ્યા,

“સાવું, આ છે ને વેસેલીનનું બોડી લોશન કહેવાય.. તારા હાથ-પગ ફાટે છે ને એ આ લગાડ્યા બાદ નહિ ફાટે.. ને આ જો આને બેબી લિપસ કે એવું કંઇક કહે છે.. આજની બધી છોડિયું આ જ લગાવે છે.. હોઠ પર લગાવીએ તો હોઠ એકદમ મુલાયમ જેવા રહેશે.. તારા ચીરા પણ મટી જશે.. ને આ છે મોઢા પર લગાવાનું નિવીયાનું ક્રીમ.. એનાથી તારું મોઢું સરસ ચોખ્ખું રહેશે ને ખંજવાળ પણ નહિ આવે.. ખાસ શિયાળા માટે જ આવે છે..!!”

સાવિત્રીબહેન આ બધી નવીનવી વસ્તુઓ જોઇને અચંબિત થઇ ગયેલા.. અસમંજસમાં અટવાયેલા તેઓએ હર્ષદભાઈને પૂછ્યું, “પણ તમારી પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી??”


“અરે શમ્યની માં તમારા દીકરાએ મને આપ્યા હતા કે જેથી હું તમારા માટે કોપરેલ તેલ લઇ આવું.. પણ હું તેલ લેવા ગયો ને ત્યાં બહેને મને આ બધું બતાવ્યું તો મને ગમી ગયું.. એટલે લઇ આવ્યો.. ચાલો હવે વધારે સવાલો ના કરો..!! મને દાઢોકળી પીરસો.. આજે તમને મારા હાથે હું જમાડીશ.!!” સાવિત્રીબહેન ખુશ થતા થતા હર્ષદભાઈ પાસે આવીને બેઠા.. પાછળ ક્યાંક ગીત વાગી રહ્યું હતું.. “એ મેરી ઝોહરાઝ્બી.. તુજે માલુમ નહિ.. તું અભી તક હૈ હસીન ઔર મેં જવાન.. તુજપે કુરબાન મેરી જાન મેરી જાન…!!!”

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ