એ દિવસોમાં માણસ માણસ નહોતો એ રાક્ષસ બની ગયો હતો, પણ અચાનક આ શું થયું…

આજે ભયાવહ પાંચમી રાત્રી હતી . ચુસ્ત દોરડા વડે કસીને બંધાયેલા હાથના કાંડા ઉપર દોરડાના લાલ ગાઢા નિશાન બની ચુક્યા હતા. મોઢામાં દબાવવામાં આવેલું કાપડ ફક્ત થોડી ક્ષણો માટે રુકસારના મોઢામાંથી કાઢવામાં આવ્યું હતું. થાળીમાં પીરસેલું ભોજન ગમે કે ન ગમે , પીરસનાર વ્યક્તિ પર છલોછલ ઘૃણા ને નફરત ઉભરાતા હોય તો પણ ભૂખની આગળ બેહાલ અને લાચાર માનવી પાસે અસ્તિત્વ ટકાવવા માટે એ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ખરો ?


થોડી ક્ષણો માટે મોઢાની મુક્તિ મદદ માટેના પુકારની તક બની રહેતે જો સામે બેઠા શિવના હાથમાં થમાયેલ લાંબો છરો રુકસારના પિતાની ગરદન ઉપર ગોઠવાયો ન હોત . રડીને સૂઝેલી આંખો સતત વહીને ભીનાશ અને ભેજથી વધુ ભારે અનુભવાઈ રહી હતી . પાણી નો અંતિમ ઘૂંટડો ભરી રુકસાર ફરીથી ખુરશી ઉપર યાંત્રિક રીતે ગોઠવાય ગઈ. હાથમાંનો અતિતિક્ષ્ણ છરો બાજુ પર ગોઠવી શિવે ફરીથી રુકસારના હાથ કસીને બાંધી દીધા . કાપડનો ડૂચો ફરીથી મોઢામાં દાબી દીધો.


રુકસાર પછી સામે બંધાયેલા એના વૃદ્ધ અબ્બાના મોઢામાંથી કાપડનો ડૂચો કાઢી , દોરડે કસીને બાંધેલા હાથ છોડી જમવાની થાળ સામે ધરી . વૃદ્ધ ચ્હેરા ઉપર ક્રોધ , તિરસ્કાર અને ઘૃણા એકીસાથે છવાઈ ગયા. પરંતુ દ્રષ્ટિ આગળ પરોસાયેલા ભોજનને સ્વીકારવા સિવાય એ વૃદ્ધ શરીર અન્ય શું કરી શકવાનું હતું ? જો કઈ કરવા પણ જાય તો દીકરી રુકસારના ગળા ઉપર તાકવામાં આવેલો પેલો ધારદાર છરો દીકરીના ગળાની આરપાર વીંધતો નીકળી જાય….અસ્લમ ખાને સમયની નજાકતને સમજતા મૂંગે મોઢે જમવાનું શરૂ કર્યું ….


પિતાની લાચારી અને નિસહાયતા મૂંગે મોઢે નિહાળી રહેલી રુકસારના કાન ઉપર બહારથી સંભળાઈ રહેલ માનવચીસો અને અફરાતફરી ના અવાજો વીંધાઈ રહ્યા. હૃદય ખુબજ ગતિએ ધડકવા માંડ્યું. ડર ,ભય અને હેબત ચારે દિશાઓમાં હવા માં ભળી ચુક્યા હતા . આખો વિસ્તાર કોમી દંગાઓ થી સળવળી રહ્યો હતો . ઘરો તો સળગીજ રહ્યા હતા પણ એની જોડે સળગતા માનવીઓને જોડે માનવતાની પણ ચિતા સળગી રહી હતી.

માનવી માનવી મટી દાનવમાં પરિવર્તિત થઇ ચુક્યો હતો. એકબીજાને પ્રાણીઓ ની જેમ કાપી રહેલા મનુષ્યોને નિહાળી પ્રાણીઓ પણ હેબતાઈ ગયા હતા. એક ઈશ્વરનું સર્જન એના અન્ય સર્જનના વિનાશ દ્વારા સર્જક પર પોતાનો હકાધિકાર સ્થાપિત કરવા મરણીયો બન્યો હતો. આંખોમાં લોહી અને હૃદયમાં ક્રૂરતા જોડે ફરી રહેલા મનુષ્ય ને જોઈ એ ખરેખર મનુષ્ય જ છે , એવી મૂંઝવણ કદાચ ઈશ્વરને પણ થઇ રહી હતી …

રુકસારની આંખો આગળ પાંચ દિવસ આગળની એ કાળી રાત્રી ફરીથી દ્રશ્યમાન થઇ . અબ્બુએ આવીને સચેત કરતા કહ્યું હતું . ” કોમી દંગાઓ ફાટી નીકળ્યા છે . ઘરના બારીબારણાં અંદર તરફથી બરાબર વાંસી દઈએ . હે ખુદા , તુજ હિફાઝત કરવાવાળો છે , નેક હિદાયત અતા ફરમાવ તારા બંદાઓને ….”


મુખ્યદ્વાર વાંસવા માટે આગળ વધેલી રુકસારના પગ ત્યાંજ થીજી ગયા હતા. દ્વ્રેષ યુક્ત ક્રોધિત લાલ આંખો જોડે બારણે ધસી આવેલા શિવને નિહાળી મોઢામાંથી ભયયુક્ત ચીસ નીકળી આવી હતી. પણ એની ચીસ ઘરની બહાર હવામાં ગુંજી રહેલી અન્ય અનેકાનેક ચીસો વચ્ચે કશે ઓગળીને રહી ગઈ હતી. જ્યાં કોઈ કોઈનું ન હતું .પોતાની જાતનેજ બચાવી શકાય તો ઘણું, ત્યાં અન્યની જાનની કોઈને ક્યાં પડી હોય ?

પોતાના સશક્ત ખભાઓ ઉપર રુકસારને ઊંચકી બારણું હડસેલતો શિવ એ ભયંકર ક્રૂર રાત્રિને આ બાપ-દીકરીના નાનકડા પરિવાર માટે વધુ ભયાવહ બનાવતો બહાર નીકળી ગયો . એક્નીએક દીકરીની સુરક્ષાની ચિંતામાં મદદની પુકાર કરતો ઘરડો બાપ પણ શિવની પાછળ દોડી નીકળ્યો. સુમસાન રસ્તા ઉપર અર્ધી ચણાયેલી ઇમારતના સૌથી ઉપરના માળ ઉપર રુકસાર અને એની પાછળ દોરાઈ આવેલા એના અબ્બુને છરાની નોક ઉપર બંધી બનાવી સતત પાંચ દિવસથી અહીં ઘેરી રાખ્યા હતા.


રસ્તા ઉપર થી બે ધર્મોના જુદા જુદા ટોળાઓનો ભિડાવાનો, હિંસાખોરીનો, ભાગંભાગનો અવાજ ફરીથી હવામાં ગુંજ્યો. રુકસારની આંખો ભૂતકાળમાંથી વર્તમાનમાં સામે ફરીથી બંધાઈ ચૂકેલા અબ્બુ ઉપર આવી ડોકાય . વૃદ્ધ દેહ થાકીને ઊંઘમાં સરી પડ્યું હતું. પોતાના પિતાને દયાથી તાકી રહેલી રુકસારની નજર અચાનક પડખે બેઠા શિવની આંખો જોડે મળી . એકીટસે રુકસારને તાકી રહેલા શિવને જોતાજ રુકસારની આંખોમાં છલોછલ દ્વ્રેષ ઉભરાઈ આવ્યો. કોઈ એના હાથ છોડે તો શિવનું ખૂનજ કરી નાખે એવા તિરસ્કાર ભર્યા રુકસારના હાવભાવોથી શિવને કોઈ ફેર પડતોજ ન હોય એ રીતે એની દ્રષ્ટિ રુકસાર પર અવિરત મંડાયેલી હતી.


સામે બેઠા શિવને અને એની આ વેધક દ્રષ્ટિને એણે આમજ ઘણી વાર નિહાળી હતી. કોલેજ જતી વખતે , પરત થતી વખતે , ક્યારેક બજારમાં , ક્યારેક સહેલીઓ જોડે ફરવા ગઈ હોય તો એ સ્થળે …..રુકસારનો પીછો કરવો , એને એકીટસે નિહાળ્યા કરવું …કેટલી ચીડ હતી રુકસારને એના આવા ગુંડાગર્દી ભર્યા અંદાજ થી ..ઘરથી થોડે દૂર એક ગરાજમાં મિકેનિકનું કામ કરતા શિવ અંગે રુકસારને બહુ જાણકારી તો ન હતી . હા , પણ મિત્રો જોડે રખડતો રહેતો શિવ અનાથ હતો એટલું એ જરૂર જાણતી હતી. આખો દિવસ મિકેનિક તરીકે કામ કરવું અને વધારાનો સમય મિત્ર મંડળનો નેતા બની ભટક્યા કરવું અને રુકસારનો પીછો કરવો.


વિસ્તારની દરેક લડાઈઓ અને મારપીટમાં શિવની સંડોવણી અચૂક રહેતી. પોલીસસ્ટેશનના ચક્કરતો એ રીતે લઇ આવતો જાણે સગાને મળીને આવ્યો હોય. દર મહિનાની ‘વોન્ટેડ’ની લિસ્ટમાં એકવારતો શિવનું નામ અચૂક નીકળતું. પોતાના મારપીટવાળા સ્વભાવથી વિસ્તારમાં શિવની ખાસ્સી એવી ધાક હતી. પણ રુકસાર પર આ ધાક ની કોઈ અસર ઉપજતી નહીં . એકવાર સીધીજ પોલીસસ્ટેશન શિવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પણ પહોંચી ગઈ હતી. પરંતુ કોઈને ફક્ત દૂરથી નિહાળવું એ કોઈ ગુનોહ ન કહેવાય . કદી શિવ એની નજીક આવ્યો ન હતો , ન કદી એને સ્પર્શ્યો હતો , ન કદી એક શબ્દ એની આગળ ઉચ્ચાર્યો હતો , ન તો કદી કોઈ છેડછાડ કરી હતી. પોતાની ચાલાક સતર્કતાથી જે રીતે એ સાફ બચી ગયો હતો એ વિચારતાજ રુકસાર ની શિવ તરફની નફરત વધુ ઘેરી બની ગઈ હતી.


પરંતુ એટલી ઘેરી તો નહીજ જેટલી હવે બની હતી. થાકેલી મૌન આંખો જાણે ચીખી ચીખીને કહી રહી હતી : ‘ હિંમત હોય તોજ મારા શરીર નજીક આવજે . જે પુરુષ માટે સ્ત્રી મનુષ્ય નહીં ફક્ત એક શરીર હોય એ પુરુષ મનુષ્ય નહીં હેવાન!’ પોતાની સામે બેઠા હેવાનની આંખોમાં ધુત્કાર અને ઝિલ્લતની નજર છોડી રહેલી રુકસારની આંખો ક્યારે મીચાઈ ગઈ એની એને જાણ પણ ન થઇ.

પુલીસની ગાડીના સાયરનથી રુકસારની મીંચાયેલી આંખો જાગ્રત થઇ . ઇમારતની અર્ધ ખુલ્લી છત ઉપરથી પ્રકાશના કિરણો આંખોને સ્પર્શી રહ્યા . કિરણોના પ્રકાશથી અંજાયેલી આંખો પર બન્ને હાથ અનાયાસે આવી પડ્યા . આંખોને હાથનો સ્પર્શ અનુભવાયો કે ઝબકીને રુખસાર ઊંઘ ખંખેરી સતર્કતાથી ઉભી થઇ . પોતાના છૂટી ગયેલા હાથો ને મોઢામાં ના કાપડનો ડૂચો પડખે નિહાળી અચરજથી એની આંખો ઇમારતની ચારે દિશામાં ફરી રહી . શિવનું કશે નામોનિશાન ન હતું . ત્વરાથી ઉભું થયેલું રુકસારનું શરીર ઇમારતની નીચે તરફ દ્રષ્ટિ ફેંકી રહ્યું.


ચારે તરફ પુલિસની ટુકડીઓ સુરક્ષા માટે કાર્યરત હતી . પાંચ દિવસો સુધી ફાટેલા કોમી રમખાણો થાકીને શાંત પડ્યા હતા . કર્ફયુ ઉઠાવી લેવામાં આવ્યું હતું . વિસ્તાર સુરક્ષિત હતો છતાં ભયનો સન્નાટો દરેક દિશામાં વ્યાપી ચુક્યો હતો . શિવ ક્યાં ગયો ? કદાચ પુલિસના આગમનથી ડરી …જે કઈ પણ કારણ હોય આ સમય વધુ વિચાર કરવાનો ન હતો પરંતુ આવેલી તકનો ઝડપથી લાભ ઉઠાવવાનો હતો . પોતાના અબ્બુને ઢંઢોળી , એમના વૃદ્ધ શરીરને ટેકો આપતી રુકસાર ઇમારતની દાદરો ઉતરી ગઈ.

પોતાના ઘર હિફાઝતથી પહોંચેલી રુકસાર મનોમન ખુદાનો શુક્ર મનાવી રહી હતી . વૃદ્ધ પિતા શારીરિક અને માનસિક થાકથી માંદગીમાં પટકાયા . ફક્ત આ બાપ- દીકરી નહીજ વિસ્તારનું દરેક ઘર જાણે માનસિકપણે કોમામાં સરી પડ્યું હતું . દરેક મનના ખુણામાં એકજ વાત ઘર કરી ગઈ હતી ,’કોઈ કોઈનું નથી’ . માનવતા પરથી વિશ્વાસ ઉઠી ચુક્યો હતો . માનવીએ ફક્ત એકબીજાની ઈમારતોને નહીં એકબીજાની આત્માને પણ સળગાવી હતી . વિશ્વાસ સૂન ખાઈ બેઠો હતો . અસ્તિત્વ ખુબજ સસ્તું બની પડ્યું હતું . નુકસાન બન્ને પક્ષોનું થયું હતું . પરિવારજનો બન્ને પક્ષોએ ગુમાવ્યા હતા . લોહી બન્ને પક્ષોનું વહ્યું હતું . કોઈ જીત્યું ન હતું , બન્ને પક્ષ હાર્યા હતા . આ હાર જોડે પોતાનાજ વિસ્તારમાં , પોતાનાજ રહેઠાણોમાં , એકબીજાથી સહેમી ને લપાયા હતા .


સમય દરેક ઘાને રૂઝવે છે . સમય જેવું કોઈ મલહમ નહીં . સમય જોડે ઘા રૂઝાતા ગયા અને ધીરે ધીરે જીવન ફરીથી પાટે ચઢી ગયું . રુકસારના અબ્બાની તબિયત પણ સુધરી અને નોકરી ઉપર ફરી જોડાઈ ગયા . રુકસાર પણ કોલેજના અભ્યાસમાં પરોવાઈ ગઈ .આખો વિસ્તાર પહેલા જેવોજ પ્રવૃત્તિમય અને શાંત બની ગયો . પણ હજી સુધી એ ભયાવહ પાંચ રાત્રિઓ એક ડરામણા સ્વ્પ્ન સમાન દરેક આંખોમાં જીવી રહી હતી.

દૂધના દાઝ્યા છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહ્યા હતા. રુકસારની આંખોમાં પણ હજી શિવની પેલી દ્વ્રેષયુક્ત નજર ચોવીસ કલાક ડોકાતી રહેતી . ક્યારેક અર્ધી રાત્રીએ એ ચોંકીને ઉઠી જતી . હજી પણ પેલા દોરડાનો સ્પર્શ કાંડામાં અનુભવાતો . મોઢામાં રખાયેલા એ કાપડનો અનુભવ હજી પણ એની શ્વાસોને થંભાવી દેતો . કોલેજથી નીકળતી વખતે ચારે દિશામાં આંખો ફરતી રહેતી . ઘરથી બહાર પગ મુકતા શરીર અંદરોઅંદર ધ્રુજતું .


રુકસારના આશ્ચર્ય વચ્ચે કોમી રમખાણો પછી શિવ કશે દેખાયો નહીં . ન કોલેજ જતી વખતે , ન કોલેજથી પરત થતી વખતે , ન બજારમાં , ન સહેલીઓ જોડે ફરતી વખતે , ન ગેરેજ ઉપર , ન એના મિત્રોના ટોળા જોડે..રુકસારને જાણે લાંબા સમય પછી નિરાંતની શ્વાસ ભરવા મળી . એ દ્વ્રેષયુક્ત નજરોથી આખરે પીછો છૂટ્યો . પોતાની જાતને અત્યંત સુરક્ષિત અનુભવતી રુખસાર પોતાના જીવનક્રમ મા શાંતિથી તાણ વિહીન ગોઠવાઈ ગઈ .મન માં અનન્ય શાંતિ વ્યાપી રહી .


માનવી સમુદ્રમાં લાંબો સમય રહે અને પછી બહાર નીકળે છતાં અમુક સમય સુધી હજી સમુદ્રમાં જ હોય એવો માનસિક અનુભવ થતો રહે . વિકટ કે દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થતા માનવી પણ સમાન મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિનો અનુભવ કરતા હોય છે . હજી પણ એ પરિસ્થિતિમાં જકડાયા હોય એવો સતત માનસિક અનુભવ . કોમી રમખાણોમાંથી બહાર નીકળ્યા છતાં ટેલિવિઝન અને સમાચારપત્રોમાં કેટલા દિવસો સુધી એજ ઘટનાઓ અને એજ બનાવો પુનરાવર્તિત થતા રહ્યા . રજાના દિવસે આખા અઠવાડિયાના સમાચારપત્રો ભેગા કરીને વાંચવા ટેવાયેલી રુકસાર એકએક સમાચાર ધ્યાનથી વાંચી રહી હતી.


એ પાંચ રાત્રિઓ દરમિયાન ઘટેલી તમામ ઘટનાઓ વાંચતા શરીરના રુવાડા ઉભા થઇ ગયા. આંખો ભેજવાળી બની ગઈ. ધર્મોના યુદ્ધ માટે સ્ત્રીઓનો બળાત્કાર ? આ બળાત્કાર બન્ને પક્ષની સ્ત્રીઓ જોડે થયા હતા ! રુકસારનું સ્ત્રી હૃદય ચીખીને પૂછી રહ્યું હતું , કયો ધર્મ પોતાની સુરક્ષા માટે સ્ત્રીની આબરૂ લેવાની ઇઝાઝત આપે છે ? ક્યાં ધર્મગ્રન્થોમાં ધર્મની આબરૂ રાખવા નિર્દોષ સ્ત્રીઓની આબરૂ લેવાની પરવાનગી અપાઈ છે ? સ્ત્રીતો દરેક ધર્મમાં ફક્ત અને ફક્ત માનની અધિકારી છે . જે સ્ત્રીને ‘દેવી ‘ કહી પૂજાતી હોય કે જેના પગ તળિયે ‘ જન્નત ‘ ની બરકત અપાઈ હોય તેને બેઆબરૂ કરી ધર્મની રક્ષા કઈ રીતે થાય ? પોતાના સ્વાર્થ ખાતર ધર્મની આડ લેતા નપુંસક માનવીનું કોઈ પણ ધર્મમાં સ્થાન નથીજ ! તિરસ્કાર થી ભરપૂર મનોભાવો જોડે રુકસારે સમાચારપત્ર ભોંય પર પટકી દીધા.


સમાચારપત્રોના વચ્ચે અચાનક જાણે શિવનો ચ્હેરો ઉપસી આવ્યો . ‘બળાત્કાર ‘ શબ્દ જોડે શિવના વિચારો સંકળાઈ ગયા . રુકસારનો ચ્હેરો તણાયો અને શરીર થોડું ઢીલું પડ્યું . શિવની નજર સામે વિતાવેલાં પાંચ દિવસો એક પછી એક આંખો સામે ઉભા થઇ ગયા . શરીર વિચિત્ર રીતે વ્યાકુળ થઇ ઉઠ્યું . પલંગ ઉપરથી સફાળી ઉભી થઇ રુકસાર આખા ઓરડાના ચક્કર કાપવા લાગી. મુંઝવણથી ઘેરાયેલા હય્યા જોડે શરીર ફરીથી પલંગ ઉપર પછડાયું . મગજમાં વિચારોની ગતિ બમણી થઇ ઉઠી.


‘ જો શિવને મારી જોડે કઈ અયોગ્ય કરવું હતે તો એ સહેલાયથી કરી શક્યો હોત …પણ એણે તો ….’ મોઢા ઉપર હાથ ફેરવી વિચારોને વ્યવસ્થિત ગોઠવતી હોય એમ રુકસાર મનોમન પોતાના વિચારોને આખરી સ્પર્શ આપી રહી : ‘એનો અર્થ એ થયો કે પાંચ રાત્રી સુધી શિવ મારી સતત સુરક્ષા કરતો રહ્યો …જો એણે સીધું કહ્યું હોત તો હું એનો વિશ્વાસ રાખી કદી એની જોડે જવા તૈયાર નજ થાત ..એટલેજ એણે …’

સત્યની અનુભૂતિ પછી રુકસાર શિવની એક ઝલક માટે અધીરી બની રહી . કોલેજ જતા રસ્તામાં , કોલેજથી પરત થતા , ગેરેજ ઉપર , દરેક સ્થળે ,દરેક ક્ષણ શિવને એકવાર નિહાળવા આતુર રુકસારની નજરો ફક્ત શિવનેજ શોધી રહી હતી . પણ શિવ ક્યાંય ન હતો . રુકસારનું મન વલોવા લાગ્યું હતું . કદાચ પુલીસે એને જેલમાંતો ….દંગાફસાદની અંદર એને કઈ ….નહીં …નહીં …..શિવ માટે આ બેચેની કેવી ? એને કઈ થયું ન હોય એ માટે આજીજી ભરી આટલી દુઆઓ કેવી ? જેના માટે મનમાં છલોછલ દ્વ્રેષ હતો એના તરફ આ મીઠી લાગણીઓ કેવી ? પોતાના અંતરની લાગણીઓથી મુંઝાતી રુકસાર આખરે હિંમત ભેગી કરી શિવના મિત્રમંડળ ને મળવા પહોંચી.


” શિવ ?” ફક્ત એકજ શબ્દમાં પોતાની પુછપરછ સમેટી ઉભી રુકસાર કોઈ અશુભ ઉત્તર ન મળે એ માટે મનોમન ધ્રુજી પણ રહી હતી અને ખુદા પાસે દુઆ પણ માંગી રહી હતી . ” એ તો ગયો મુંબઈ .” શિવ સલામત હતો એની ખુશી મનમાં ઉભરાઈ આવી . સાથેજ ઘણો દૂર જતો રહ્યો એની વેદના પણ મનમાં વ્યાપી ગઈ . ” મુંબઈ ?” ફરીથી રુકસારે એકજ શબ્દમાં પોતાના પ્રશ્નને આવરી લીધો .

નિસાસા યુક્ત ઉત્તર સામેથી પરત થયો : ” ફક્ત એટલુંજ કહેતો ગયો કે કોઈની આંખોમાં ઇઝ્ઝત બનાવવી છે . જીવન સુધારવું છે . કોઈને લાયક બનવું છે . પણ આ ‘ કોઈ ‘ કોણ એ કોઈ નથી જાણતું. ઘરે પરત થઇ રહેલી રુકસારના ચ્હેરા ઉપર ખુશી અને પ્રેમની લહેર છવાઈ ગઈ . એ ‘ કોઈ ‘ કોણ હતું એ રુકસાર સારી પેઠે જાણતી હતી . કોઈ સાંભળી ન જાય એવા મંદ સ્વરમાં એ ધીરેથી બોલી પડી .

” હું રાહ જોઇશ ” ‘ પ્રેમ છું , લોહી સમો , સર્વમાં એક રંગનો….’

લેખક : મરિયમ ધુપલી

ખુબ સુંદર પ્રેમકહાની, આપના વિચારો પણ જણાવજો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ