અધુરૂં રહેલ માતૃત્વની વેદના – જયારે એક દિકરી જ માતાને કહે કે તું કોણ છે હું તને નથી ઓળખતી ત્યારે એક માતાના દિલ પર શું વીતતું હશે એ કોણ જાણે…

મારી વ્હાલી દિકરી…..,

હું તારી મમ્મી છું. જેને તું હાલ સામે મળે તો ઓળખતી પણ નથી. બેટા તું મને ભુલી શકે છે. પણ, હું તારી “મા” છું. કેમ ભુલી શકું??? જેને તને નવ મહિના સુધી પોતાની કૂખમાં રાખી હોય. એનાં એક એક શ્વાસથી તું ઓક્સીજન મેળવતી હોય. તને એ જમે ને પોષણ મળે. તારો વિકાસ થાય. એવું તું એ જ માનું એક અંગ છું. એનાં જ શરીરનો અલગ થયેલો ભાગ છું. એ જ “માં”ની રૂહ છું. તો એ માં કેમ એની રૂહને ભુલી શકે???

મેં તને જન્મ આપ્યો છે. પણ, અફસોસ ! કે હું આજે તારી સાથે નથી. તને મારો પ્રેમ નથી આપી શકતી. પણ, બેટા…..દૂર રહેવાથી પ્રેમ થોડો ઓછો થાય છે? એક દિવસ એવો નહિં હોય કે મેં તને યાદ ન કરી હોય….. રોજ તું સપનામાં આવે છે. રોજ મારા વિચારોમાં રહે છે. પણ એ મારી બે વરસની નાની નાની ઢિંગલી જ! મારા માટે તું હજી મારી બે વરસની મારી લાડું જ છે. ભલે અત્યારે તું મોટી થઈ ગઈ હોય. પણ હું હજી એ તારા બાળપણમાં જ રહી છું.

તારાથી દૂર રહેવાની મારી વેદના હું પોતે અનુભવી શકું છું. પણ હું કોઈને કહીં નથી શકતી. કોણ સમજે મારા અધુરા માતૃત્વની વેદના ???? તારા પપ્પા ??? તારા દાદા ??? તારા દાદી ????? આ સમાજ ??? આ કાયદો ????? ના, કોઈ નથી સમજતું ……તો ભલા જો એ બધા સમજી શકતા હોત તો કોઈ બે વર્ષની એ બાળકીને એની જનેતાથી દૂર ન કરેત ને ??? તું બોલતા પણ થોડુ જ શીખી હતી. નહોતી તારામાં કોઈ સમજણ…. બસ, તને મારી પાસેથી છીનવી લેવામાં આવી.

તારા પપ્પાનાં અને મારા ડાઇવોર્સ થયા ત્યારે કોર્ટમાં તને પૂછવામાં આવ્યું , “કે તારે કોની જોડે રહેવું છે?આ તારી માં છે? તું ઓળખે છે?” તે કહ્યું , “ મારે મારા પપ્પા પાસે રહેવું છે. આ મારી મમ્મી નથી !” “ શું મા હોવું એનો પણ પુરાવો આપવો પડે ???? આ કાયદો છે. મારા માતૃત્વની ખુલ્લે આમ મશકરી થઈ! હું હારી ગઈ. “

“ હું હારી ગઈ એનો પણ મને અફસોસ નથી. પણ આજે એક માતૃત્વની આવી ખોટી હાંસી થઈ.તારા પપ્પા અને દાદા : એમની જીત થઈ હોય એમ મારી સામે જોઈ હસવા લાગ્યાં. ને મને બોલવા લાગ્યાં.પણ, હકીકતમાં એમની જ હાર થઈ હતી. એ એમને ખ્યાલ ન હતો.એ તને લઈને કોર્ટ્માંથી ઘરે જવા નિકળી જાય છે. વકિલ પાસે લખાણ કરાવે છે કે હવે એક મા તરીકેનો મારો તારા પર કોઈ જ અધિકાર નહિં રહે.”

“ શું લખાણ કરાવી લેવાથી હું તારી મા મટી જવાની છું ??? નાં એ શક્ય જ નથી. તું મારું અંગ છે. જ્યારે તારામાં તારી સમજણ આવશે ત્યારે તું જ મને ગોતતી આવીશ. એટલો મને મારા માતૃત્વ પર હજી વિશ્વાસ છે.” “ હજી એ કોર્ટવાળું દ્રશ્ય યાદ આવતા આજે પણ હું ચોંધાર આસુંએ રડી પડું છું.”

“ જ્યારે મને ખબર પડી કે હું માં બનવાની છું.ત્યારે હું એટલે ખુશ હતી કે એની કોઈ સીમા જ નહતી.બધા દિકરો આવે એની ભગવાન પાસે પ્રાર્થના કરે પણ મેં તો સતત નવ મહિના સુધી મને દિકરી જ આવે અને હુંબહું મારી જ કોપી. મને મારા દિલનું ડોક્યું કરી શકુ . મને સમજી શકે એ માટે મારે મારા ઘરમાં દિકરી જ જોઈતી હતી. તારા પપ્પા અને તારા કાકા ખાલી બે જ ભાઈ હતા. દિકરી ને સમજી શકે એને જાણી શકે એવું દિલ એ ઘરમાં કોઈનું નહ્તું. પારકી દિકરીને હેરાન કરવામાં જ મજા આવતી.એ દિકરીનાં માં- બાપ પર શું વિતતી હશે એનો એ લોકોને વિચાર સુધ્ધા પણ ન કર્યો.”


તું જ્યારે જન્મી ને તારો એ સ્પર્શ, તારું રડવું , તારા નાના નાના હાથ – પગ, ફુલ ગુલાબી તારો વર્ણ, વાંકડીયા વાળ અને તને પિંક કલરનાં જ કપડા પહેરાવ્યા હતાં. હું એટલી બધી મારા જીવનથી ખુશ હતી કે હું મારી છબી સ્વરૂપે જન્મેલ તને કલાકોનાં કલાકો સુધી નીરખ્યા જ કરતી. ક્યારેક તને પેટમાં દુખે અને જો તું રડે તો હું તારા કરતા ચાર ગણું રડતી. પીડા તને થતી તો એની વેદના હું અનુભવતી….! પણ, અફસોસ…..! આ બધું કહીને પણ શું ફાયદો ? અહિયાં આ કાળા માથાના માનવીઓની વચ્ચે કોણ મારા માતૃત્વને સમજી શકવાનું હતું ? આ જેવાનાથી ઘણા એવા પ્રશ્નો છે જેનો જવાબ મને ક્યારેય મળવાનો જ નથી.

જયારે તું છ મહિનાની થઈ ત્યારે પહેલી વાર ઊંધા પડતા શીખેલી..હજી મને યાદ છે આ મુવમેન્ટ તારી જોઇને હું ગાંડી બની ગઈ હતી..હું એટલી ખુશ હતી કે ઘરના દરેક સભ્યોને બોલાવીને દેખાડ્યું કે, જુઓ આજે મારી લાડુ ઊંધા પડતા શીખી. એકબાજુ નવી નવી મા બન્યાનો આનંદ તો એકબાજુ મને ઘરના સૌ એમ કહે કે, આપણી વહુ નવાઈની મમ્મી બની છે. હરખપદુડી છે. ને હું વટથી કહેતી, “હા, મમ્મી બની છું તો હરખપદુડી તો રહેવાની જ “. રોજ તને તૈયાર કરવી. રોજ તારા ઢગલો ફોટાઓ પાડવા એ મારો નિત્યક્રમ બની ચુક્યો હતો.


તું જયારે બેસતા શીખી ને સમજતા શીખી ત્યારે એની ખુશીમાં રમકડા ઘરમાંથી હું એટલાબધા રમકડાઓ લઈ આવી કે જેટલા દિવસો એટલા તારી પાસે રમકડાઓ હતા. મારી જિંદગી બસ તું અને તું જ હતી. મેં એક પત્નીનો પ્રેમ, દીકરીનો પ્રેમ, વહુનો પ્રેમ આ બધા જ પ્રેમનો સમન્વય કરીને બસ તને જ આપી દીધો હતો. મારા દિવસની શરૂઆત પણ તારાથી જ થતી ને મારા દિવસનો અંત પણ માત્ર તારાથી જ આવતો. હું એક ક્ષણ પણ તારી સાથે, તારા નિર્દોષ બચપણ સાથે માણવાની ચૂકતી નહિ.

બધા ભગવાન પાસે દીકરા માંગે જ્યારે મેં દીકરી માંગી હતી. મને દીકરી નહિ પણ આ ઘરમાં જે મને સમજી શકે જે મારા દિલના ખૂણાનું ડોકિયું બને ને જેને હું એક એવું જીવન આપી શકું જે મેં ઈચ્છ્યું હતું…મારા જોયેલા સ્વપ્નો અધૂરા રહ્યા પણ હું જો મારી એક દીકરી હશે તો એના સ્વપ્નો જરૂર પૂરા કરીશ…ને હું એક સ્ત્રી છું તો હું મારી કુખે એક સ્ત્રી જ જન્મે એવું હું ઈચ્છ્તી હતી. ને ભગવાને મારી પ્રાર્થના સાંભળી મને એક પરી ગીફ્ટ કરી આપી. તારો ગૌર વર્ણ, નાના નાના ગુલાબની કળી જેવા હોઠ ને તારા ચહેરા પરની માસુમિયત જોઇને હું ધન્ય બની અવિરત તને નીરખ્યા જ કરતી.

મારું એક જ સ્વપ્ન કે, મારી લાડો કલેકટર બને ને યુ.પી.એસ.સી પાસ કરે એટલે હું તને બચપણથી જ જનરલ નોલેજનાં પાઠ રમતા ને રમાડતા આપતી રહેતી. પણ મારું આ સ્વપ્ન હંમેશ માટે સ્વપ્ન જ રહેશે……કારણ મારું માતૃત્વ જ છીનવી લેવામાં આવ્યું…મારા માતૃત્વનું ભર બજારે ચિરહરણ કરવામાં આવ્યું…એ પણ પોતાના લોકોના હાથે જ.

જેને હું મારી જિંદગી માનતી હોય, જે મારા જીવવાનું કારણ છે જે મારું અંગ છે જે મારો શ્વાસ છે જે મારી હરેક આશ છે એને હું કેમ છોડી શકું ?
મને હજી યાદ છે હું હોસ્પિટલમાં એડમીટ હતી. ને એનો ફાયદો ઉઠાવી તારા પપ્પા તને મારી પાસેથી લઇ ગયા. કહે, તું તારું ધ્યાન નથી રાખી શકતી તું હાલ બીમાર છે હું લાડુને લઈ જાવ છું…પછી આવું…..એક કલાકમાં….

આજે સાત સાત વર્ષ થયા પણ એ એક કલાક હજી થઈ જ નથી….હું હજી એ એક કલાકનો ઇન્તજાર કરું છું. પણ કદાચ મારી ઘડિયાળ બહુ જ સ્લોવ ચાલે છે…ખ્યાલ નહિ મારી જિંદગીમાં એ એક કલાક ક્યારે પૂરા થશે!


સતત ત્રાણ મહિના સુધી હું બીમાર રહી એનો ફાયદો ઉઠાવ્યો તારા પપ્પાએ, દાદાએ અને દાદીએ, એ ત્રાણ મહિનામાં તારા મગજમાં એવું મારા વિષે કહેવામાં આવ્યું, કે તારી મમ્મી તો ગાંડી થઈ ગઈ છે જો તું તારી મમ્મી જોડે જઈશ તો તને મારશે ને જમવા પણ નહી આપે, આપણે તારા માટે નવી મમ્મી લાવશું…જે એકદમ સરસ ને ડાહી હશે તને ખુબ વ્હાલ કરશે…. ને તારા મગજમાં નવી મમ્મી જ છવાઈ ગઈ ને તું આ જૂની મમ્મીને સાવ ભૂલી જ ગઈ….“હું રોજના પચાસ કોલ કરું, કરગરું કે મને મારી દીકરી સાથે વાત કરવા દો! મને મળવા દો!” :પણ, મારા માતૃત્વની પ્યાસને કોણ સમજે ? “

એક દિવસ મેં કોલ કર્યો ને એ કોલ તને આપવામાં આવ્યો, ત્યારે તે જે શબ્દો કહ્યા એ હજી મારા કાનમાં ભમ્યા કરે છે.યાદ છે તું શું બોલી એ?:” મારે કોઈ મમ્મી નથી. ફોન કરવા કે મળવા આવવું નહિ હું ને મારા પપ્પા ખુશ છીએ ને હવે અમે નવી મમ્મી લાવશું જે સારી હશે ગાંડી નહિ હોય ?” આ સાંભળી હું મહિનાઓ સુધી રડી હતી. ત્યારે મને મારું માતૃત્વ હારતું દેખાયું…આજે એક માનો પ્રેમ હાર્યો ને દંભી પ્રેમ જીત્યો.

જ્યારે હું કોર્ટનો ઓડર લઈને તને મળવા આવી ત્યારે મને ધક્કો મારીને કહ્યું કે , આ કોણ છે ? હું નથી ઓળખતી આમને……ત્યારે હું પગે પડીને ત્યાં સૌની પાસે એક મા હોવા છતાં કરગરીને માતૃત્વ ભીખમાં માંગતી હતી. પણ બધા જ શકુનિઓ હતા કોણ સમજે મારી વેદનાને. મારી વ્હાલી દીકરી, ત્તારી આ માને એના માતૃત્વ પર ભરોષો છે. મને હજી વિશ્વાસ છે કે તું જ્યારે સત્ય જાણીશ ને સમજીશ ત્યારે તું મને ગોતતી ગોતતી મારી પાસે આવીશ…

તું અત્યારે જ્યાં પણ છે તારું ધ્યાન રાખજે! મારૂ જ એક અંગ છે તો મારી જેમ સ્વાભિમાની બનજે ! “મને હજી આશા છે કે આ જીવનમાં આપણે ક્યારેક તો મળીશું જ “ કદાચ મારો આ પત્ર તને અત્યારે અજીબ લાગશે. પણ જ્યારે તું એક સ્ત્રી બનીશ ત્યારે મારી માતૃત્વની વેદના સમજી શકીશ..હું એક મા છું છતાં માતૃત્વ માટે તડપું છું.

બસ હવે હું આગળ કશું નહી લખી શકું….તું તારા જીવનમાં ખુબ ખુશ રહે ખુબ આગળ વધે ને જ્યાં પણ રહે ત્યાં તારું માન-સન્માન જળવાય એવી મારી પ્રભુને પ્રાર્થના.

લી. એક માતૃત્વ માટે તરસતી મા…

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

ખુબ લાગણીસભર વાત કહી છે લેખિકાએ દરરોજ આવી અનેક વાર્તાઓ અને પત્રો વાંચો ફક્ત અમારા પેજ પર.