અધુરૂં સપનું – સાચો પ્રેમ પામવાનું તેનું સપનું આજે તેની દીકરી દ્વારા થશે પૂર્ણ, લાગણીસભર માતા અને દીકરીની વાર્તા…

*”જિંદગીમાં જે નથી થતું પૂરું.*

*એ જ શમણું ખૂબ નમણું હોય છે.*

રાત્રે બે વાગ્યે જયોતિબેનની આંખ ખુલી, બેડરૂમના ખુલ્લા બારણાંમાંથી જોયુ તો કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી તેમની એકવીસ વર્ષની દીકરી અવનીના રૂમની લાઇટ ચાલુ હતી. તેમણે વિચાર્યુ કે પરીક્ષા નજીક આવે છે એટલે હજુ વાંચતી હશે. તો પણ મા નો જીવ ને…! ઊભા થઇને અવનીના રૂમમાં ગયા, જોયુ તો અવની વાંચતા વાંચતા સુઇ ગઇ હતી. અવનીએ હાથમાં એક બુક પકડેલી હતી. તેમને દીકરી ટર વહાલ ઉભરાયું.

સુતેલી દીકરીના માથે હાથ ફેરવી, તેના હાથમાંથી ઘીમેથી બુક લઇ લીઘી અને ટેબલ પર મૂકવા ગયા, ત્યાં અચાનક અંદરથી એક ફોટો નીચે પડી ગયો. જયોતિબેન ચમકી ગયા. ફોટો ઉપાડીને જોયું તો વધારે ચમકી ગયા તેમને ફોટામાં દેખાતો ચહેરો કોઇની યાદ અપાવી ગયો. તેમને થયું કે દિપેનનો ફોટો અવનીની બુકમાં કયાંથી…?? ધ્યાનથી જોતા સમજાયુ કે, આ દિપેન ન હોય. દિપેન તેમની ઉંમરનો હતો અને આ ફોટો તો અવનીની ઉંમરના છોકરાનો હતો. ફોટામાં તેણે નવી ફેશનના કપડાં પહેર્યા હતા દિપેને તો આ પ્રકારના કપડાં કયારેય પહેર્યા ન હતા. જયોતિબેને ફોટો પાછો બુકમાં મૂકયો અને બુક ટેબલ પર મૂકીને લાઇટ બંધ કરીને પોતાના રૂમમાં આવી ગયા.

દીકરીની બુકમાંથી ફોટો નીકળે તો તેનો અર્થ દરેક મા સમજી જ જાય તેમને પણ સમજાય ગયું કે આ યુવાન અવની માટે ખાસ હશે. અવનીને જ પૂછી જોઇશ એમ વિચારી સુવાનો પ્રયત્ન કર્યો, પણ નિંદર કયાંય દુર ચાલી ગઇ. તેમની નજર સામે એક જ ચહેરો આવતો હતો અને તે હતો દિપેન…

જયોતિબેન 30 વર્ષ પાછળ જતાં રહ્યાં ત્યારે તે ફકત જયોતિ જ હતી, દિપેનની જયોતી.. ધનવાન પિતાની એકમાત્ર દીકરી જયોતિ… ઉછળતી-કુદતી-વહેતા ઝરણા જેવી જયોતિ… દિપેનની બચપનની સાથી જયોતિ.. નાનપણથી બન્ને સાથે મોટા થયેલા.. સાથે જીવન વિતાવવાનું સપનું જોતા જોતા મોટા થઇ ગયા. પ્રેમના એકરાર વગર પણ બન્નેએ એકબીજાનો પ્રેમ સ્વીકાર્યો જ હતો.

જયોતિના ઘરમાં લગ્નની વાત થતાં તેણે ડરતા ડરતા દિપેનની વાત કરી. દિપેનનું ઘર આર્થિક રીતે જયોતિની સરખામણીએ નબળું હતું જ્ઞાતિ પણ કંઇક અંશે નીચી હતી. જયોતિના અભિમાની, ધનવાન પિતાને આ સંબંધ મંજૂર ન હતો. દિપેને જયોતિને પોતાની સાથે ચાલી આવવા કહ્યું, પણ જયોતિની હિંમત ન ચાલી દિપેન નિરાશ થઇને બીજા શહેરમાં ચાલ્યો ગયો. જયોતિએ પિતાની ઇચ્છાને માન આપીને રાજેશ સાથે લગ્ન કરી લીધાં.

રાજેશ તેના પિતાની પ્રતિકૃતિ જેવો જ હતો, નાણા અને ઉચ્ચ જ્ઞાતિ માટે અભિમાન ધરાવતો હતો જયોતિ રાજેશ સાથે આમ તો સુખી હતી, પણ ફકત પૈસા જ ખુશી આપતા નથી ને ..? રાજેશને ફકત ધંધામાં જ રસ હતો. પત્નીને પૈસા સિવાય પ્રેમ પણ જોઇએ એવો વિચાર જ આવતો ન હતો. આવી રીતે શુષ્ક જિંદગી જીવતા જયોતિનેને પચ્ચીસ વર્ષ કાઢયા. કયારેય દિપેનની તીવ્ર યાદ આવી જતી, પણ તે કયાં છે એ ખબર ન હતી આજે અવનીની બુકમાં ફોટો જોઇને તેની પાછી યાદ આવી

સવાર સુઘી તેઓ એમ જ વિચારમાં જાગતા રહ્યાં સવારે અવનીને પુછવાનું વિચાર્યુ, પછી થયું કે તેની પરીક્ષા પૂરી થઇ જાય પછી વાત કરીશ.. અવની કોલેજ ગઇ એટલે તેના રૂમમાં જઇને ફોટા વિશે વધુ કંઇ માહિતી મળે તેમ વિચારીને તેની બધી બુક – કબાટ ચેક કર્યા. અવનીના ફોનમાંથી ગમે તેમ કરીને તેના નંબર મેળવ્યા, પછી પોતાની રીતે તપાસ કરી તેનું નામ જય હતું તપાસ કરતા જયોતિને ખબર પડી કે તે દિપેનનો જ દીકરો હતો.

જયોતિને લાગ્યું કે જિંદગી ચકકર મારીને પાછી તે જ મુકામ પર આવી છે. તેને ખબર હતી કે રાજેશ પણ કયારેય અવનીનો પ્રેમ સ્વીકારશે નહી. તે પણ જ્ઞાતિના ભેદભાવમાં માનતો જ હતો તે વિચારતી રહી કે શું તેની દીકરીએ પણ તેની જેમ જ પોતાના પ્રેમનું બલીદાન આપવું પડશે ..? તેને કંઇ રસ્તો દેખાતો ન હતો રાજેશને વાત કરવાનો કોઇ મતલબ ન હતો.

ખૂબ વિચારીને તૈણે એક નિર્ણય લીઘો.અવનીની પરીક્ષા પૂરી થાય ત્યાં સુઘી રાહ જોઇ. પછી અવનીને જય વિશે પુછયું. અવની પહેલા તો ડરી ગઇ, પણ પછી જયોતિબેનના ચહેરા પર ગુસ્સાની રેખાને બદલે ઉત્સુકતાના ભાવ જોઇને બધી વાત કરી. જયોતિબેને જયને મળવા બોલાવ્યો જયને જોઇને તેમને દિપેનની યાદ આવી ગઇ. છતાં તેમણે તેના ભાવ પ્રગટ ન થવા દીધા. જયને મળીને તેમને ખાત્રી થઇ ગઇ કે અવની તેની સાથે ખુશ રહેશે.

તેમણે અવનીને જય સાથે ચાલી જવાની સલાહ આપી. અવનીને નવાઇ લાગી, પણ જયોતિબેને કહ્યું, “બેટા… જયની આંખમાં મને તારા માટે પ્રેમ દેખાય છે. તેના અવાજમાં સચ્ચાઇનો રણકો છે. તું તેની સાથે ખુશ રહી શકીશ એવું લાગે છે એટલે જ તેની સાથે જવાની તને રજા આપુ છુ. તારા પપ્પા કયારેય તારો પ્રેમ મંજૂર નહી કરે, તું તેમની ચિંતા ન કર, હું બધુ સંભાળી લઇશ, જા તું સુખી રહેજે અને જીવી લે તારી જિંદગી…

જયોતિબેને જ અવનીને તૈયાર કરી દીધી. મંદિરમાં અવની અને જયના લગ્ન કરાવી આપ્યા. અને બન્નેને બહારગામ મોકલી દીધાં. અવની જતાં જતાં કહેતી ગઇ, “મમ્મી, હું દુનિયાનો સૌથી પહેલી એવી દીકરી હોઇશ કે જેને આટલી સમજદાર અને પ્રેમ કરનાર મા મળી. જયોતિબેને આંસુ અને ખુશી સાથે બન્નેને વિદાઇ આપી. તેમના ગયા પછી સ્વગત બોલી ઉઠયા, “બેટા… તારા લગ્ન કરાવીને હું મારું અધુરૂં સપનું પૂરૂ કરૂ છું. જેમને ન મળ્યુ તે બધુ સુખ, બધી ખુશી તને મળે.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ