મહિલા સશક્તિકરણ ખરેખર થયું છે ખરું?

એમને બે નામે બોલાવજો!

જીવીબાઈ, સંતોકબેન, ટપુબેન, સવિતાબેન, કાન્તાબાઈ, મંગુબેન, ડાહીબેન, મોંઘીબાઈ, રેવાબેન…આપણે આ બધાંને હમેશાં નામ અને માત્ર બે નામથી બોલાવ્યાં છે. સાહેબ, કોઈએ એમને ‘કામવાળા’ નથી કીધાં. ઘણાં ઘરોમાં એમણે ત્રીસ-ત્રીસ, ચાલીસ-ચાલીસ વર્ષ સુધી કામ કર્યાં છે. ઘણાને ત્યાં તો પેઢી દર પેઢી કામ કરવાની પરંપરા જાળવી છે અને ઘર નથી છોડ્યું.

કામવાળાબેનનું નામ રેશનકાર્ડમાં ના હોય એટલું જ, બાકી ઘરનું મેમ્બર જ ગણાય. એના પગ ઉઘાડા પણ માથે ઓઢેલું હોય. વાડાના બારેથી જ અવર-જવર કરે. વાસીદું વાળવા એને પટારાવાળા ઓરડામાં બેધડક જવાની છૂટ, કોઈ સીસીટીવી કેમેરાની જરૂર નહિ.

આ ‘મહિલાઓ’ એ ઘણી દીકરીઓને ડીલીવરી પછી માલીશ કરી હશે, નવજાતને બે પગ વચ્ચે પકડીને ‘ચોળ્યા’ હશે, રોવા ચઢેલાં બાળકોને તેડીને છાના રાખ્યા હશે. જૂના સાડલામાંથી આપણાં છોકરાંઓની ગોદડી સીવી એના પર લોટાડ્યા હશે. લગ્ન અને વરઘોડિયાં વખતે ઘર સાચવ્યાં હશે, સંતોકબેન ના હોત તો ઘઉંનો ડબ્બો લઈ ઘંટીએ કોણ જાત? પાર્વતીબેન ના હોત તો છાણાની રાખ કોણ લઇ આવત?

અમારે ત્યાં જીવીબાઈએ વર્ષો સુધી કામ કર્યું’તું. ગમે એવી કડકડતી ઠંડી હોય કે મુશળધાર વરસાદ, દિવસ પાડવાની વાત નહિ. એના વર મરી ગયા ત્યારે એણે સળંગ રજા પહેલી ને છેલ્લી વાર પાડ્યાનું મને યાદ છે. નથી કોઈ દિ’ પોતાનાં રોદણાં રોયાં કે નથી કોઈની ફરિયાદ કરી. કોઈ વાર પૈસાના ‘ઉપાડ’થી આંખની શરમનો કે કામની ગરજનો દુરુપયોગ નથી કર્યો. હાથ લાંબો કરવાનું ટાણું આવે એ પહેલાં એનાં છોકરાંને બળિયા શેઠની પેઢીમાં સારી નોકરી મળી ગઈ’તી એટલે રાજી!

એને ક્યાં ચાર ધામ જાવું’તું! એના નસીબમાં ક્યાં વૈષ્ણોદેવી હતું?!
અલબત્ત, મને ઈ વાતનો રંજ છે કે આ બહેનો આપણે ત્યાંથી શું લઇ ગયાં? આપણે એમને શું આપી દીધું? એ લોકો તરફ આપણી ઉદારતા કેવી? “મંગુબેન, આ ચોકડીમાં ખાવાનું મૂક્યું છે, જાવ ત્યારે લેવાનું ભૂલતા નહિ…!” (વધ્યું-ઘટ્યું) “કાંતાબેન, આ તમારો ચા ઢાંક્યો છે” (બપોરનો વધેલો, ઠંડો, કાળો).

અમે આ મહિલાઓને રોજ રાત્રે નાના ઢાંકણા પર ઊંધો ઢાંકેલ વાડકો લઈને જતા જોયાં છે. અંદર શું લઇ જતાં ઈ તો એનો જઠરાગ્નિ જાણે! ઘરમાં બે-ત્રણ વરસે કોઈ પ્રસંગ આવે ત્યારે એના હક્કનો કોરો સાડલો પામે, બસ.

અને એ બહેનોની ખાનદાની તો જૂઓ! કામ છોડી દીધા પછી દીકરાના દિકરાને પોલીસખાતામાં નોકરી મળ્યાની વધામણી આપવા એ છોકારાળાને તમારે ત્યાં પગે લગાડવા લઇ આવે.

મારી પાસે કબાટમાં ન સમાય એટલાં આલ્બમો પડેલાં છે. એમાં એક પણ ફોટામાં દાંત ઉપર બજર દીધેલાં જીવીબાઈ કે ચોકઠા વિનાના મંગુબેનનો ફોટો નથી.

જ્યારે મહિલાદિવસ મનાવો ત્યારે યાદ રાખજો કે સાચો  મહિલા દિવસ એમનો છે. આજે એ બધાં બહેનોને સલામ કરી ને હું થોડો હળવો થવા માગું છું.

લેખક – અનુપમ બુચ (અમદાવાદ)

ટીપ્પણી