વર્ષો વિત્યા ભલે પણ આ એક પળ કેમ વિતાવું? વિરહના વર્ષો પછી એક બસસ્ટોપ પર મળી ગયા એ બંને…

વર્ષો વિત્યા ભલે પણ આ એક પળ કેમ વિતાવું?

અદ્દલ એ જ ચહેરો બસ શરીર પર ઉંમર પોતાની અસર દેખાડી રહી હતી. મારી તરફ જે નજરે તેણે જોયું તેથી મને લાગ્યું તો ખરૂં કે તેને પણ મારો ચહેરો ક્યાંક જોયો હોય, કોઈ જૂની ઓળખાણ હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ, હમણાં તરત યાદ નથી આવી રહ્યું અને આથીજ તે હમણાં પોતાની જૂની યાદ નામના ફોલ્ડરમાં ફાંફાં મારવા માંડી હતી, કદાચ. પરંતુ, વાતની પહેલ કરવી કોણે? આમ રસ્તા પર ભરચક ભીડની વચ્ચે હું વાત કરવાનો પ્રયત્ન કરું અને ક્યાંક તેણે કહી દીધું કે, ‘આપ કોણ? શું કામ છે?’ તો ઈજ્જતના ધજાગરા ઊડે! બસએજ વિચારે મેં તેના પર અછળતી નજર નાખતા રહેવાનું જ વ્યાજબી ગણ્યુ. કેમેય કરી વાત કરવાની મારી હિંમત નહોતી થઈ રહી. એપ્રિલ-મેની બળબળતી ગરમીના દિવસો અને એમાં આમ બસ સ્ટોપ પર ઊભા રહી બસની રાહ જોવાનું આમેય આકરું લાગતું હોય. અને એમાં વળી આમ કોઈ જૂનો ચહેરો, પુરાણી યાદો લઈને સામે આવી જાય તો અકળામણ ઓર વધવા માંડે. હજીતો હું વાત કરવાનું કોઈ બહાનુંજ વિચારતો હતો ત્યાં સામે છેડેથી જૂનો કોયલી ટહુકો હાલના ઉંમરલાયક શરીરમાંથી ટહુક્યો. ‘અમોઘ તો નહીં?’ તેણે પૂછ્યું. મારા ચહેરા પર એવી ચમક આવી ગઈ જાણે મને પચાસ લાખ રૂપિયાની લોટરી લાગી હોવાની જાહેરાત થઈ હોય. ‘તું મોક્ષાજ ને?’ મેં જવાબ આપવાની જગ્યાએ થોડી અવઢવ સાથે સામે સવાલ કર્યો. ‘હાસ્તો, મોક્ષા! તને હજીય મારું નામ યાદ છે એમ? વાહ, કહેવું પડે!’ તેણે કહ્યું. ઘરેથી નીકળ્યો ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આજે આવા સરસ, સુખદ આંચકા સાથે મારો સામનો થશે. પળવારમાં તો જાણે વર્ષોના ભેખડ ખરી પડ્યા અને હું ઝેવિયર્સ કોલેજના પ્રાંગણમાં પહોંચી ગયો.
પીસ્તાળીસની આસ-પાસ પહોંચેલા અમોઘ શાસ્ત્રી ઉંમરનો એ પડાવ ભૂલાવી ક્યારે ઝેવિયર્સના સ્ટુડન્ટ બની ગયા તેની તો પોતાનેય ખબર નહોતી. મેનેજમેન્ટ કોલેજમાં ભણાવતાં પ્રાધ્યાપક અમોઘ શાસ્ત્રીએ ભલે આખી જિંદગી કોલેજના જુવાનિયાઓને બિઝનેસ મેનેજમેન્ટના પાઠો ભણાવ્યા હોય પરંતુ હમણાંનો અમોઘ જાણે કોઈના એઈટીઝની રોમેન્ટીક ફિલ્મનો હીરો બની ગયો હતો. આપણે પુરૂષો કોઈ સુંદર સ્ત્રી તરફ જોઈએ અને આપણે તેને ઓળખતા હોઈશું તેવી લાગણી થયાકરે તો માની શકાય પરંતુ મોક્ષા જેવી ફૂલકન્યા આમ વર્ષો પછી અચાનક મળી જાય અને વળી પાછૂ મને કહે કે તું અમોઘ તો નહીં? તો તો કેવું, કેવું ગજબનું તારામંડળ મનમાં રચાય! મનોમન આવા બધાં સંવાદો રચાતા રહ્યા અને ઓગળતા રહ્યા. અમોઘ શાસ્ત્રી હમણાં પ્રોફેસર અમોઘ નહીં પરંતુ, માત્ર અમોઘની ધરા પર આવીને પટકાયો હતો જ્યાં નામની આગળ પ્રોફેસરનું અને નામની પાછળ અટકનું વળગણ નહોતું.
‘તું અહીં ક્યાંથી અને એ પણ આટલા વર્ષો પછી?’ અમોઘે પૂછ્યુ, મોક્ષાએ અમોઘ તરફ એ રીતે જોયું જાણે તેનાથી કંઈક અજુગતુ પૂછાઈ ગયું હોય. ‘પહેલાં મને એકહે કે તું અહીં ક્યાંથી?’ તેણે જવાબ આપવાની જગ્યાએ સામો પ્રશ્ન પૂછ્યો. અરે, મારી તો જન્મભૂમિ અને કર્મભૂમિ બંને મુંબઈ જ છે. તુંજ કોલેજ પછી ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ હતી, હું નહીં. અમોઘે જૂની મિત્રતાના ભાવ સાથે કહ્યું. ‘હા હવે વાયડા, એ વાતની મને ખબર છે. હું એમ પૂછું છું કે તું અહીં પવઈમાં શું કરે છે? તું તો ટાઉન સાઈડ ક્યાંક રહેતો હતો ને?’ બસ મોક્ષાનું આ એક વાક્ય અમોઘના કાનને અડ્યું અને જાણે મીઠું મધ રેળાયુ. ‘મોક્ષાને હું ક્યાં રહેતો હતો એ હજી પણ યાદ છે?’ તે મનોમન બબડ્યો. આવા બધાં વિચારો ૧૬-૧૭ વર્ષના લબરમૂછીયા પ્રેમીને આવે, અમોઘ. હવે આ ઉંમરે આવા બધાં શબ્દોનો રોમાંચ કંઈ શોભે? અમોઘની અંદરથી એક અવાજ આવ્યો પણ તે અવાજ વિચારનું સ્વરૂપ લે તે પહેલાંજ અમોઘે તેની સામે લાલ આંખ કરી. અને સામે દલીલ કરીમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે પ્રેમને કોઈ ઉંમર નથી હોતી. આ સુંવાળી લાગણીને તો બસ યુવાની જ શોભે અને તે યુવાનીનેય પાછો કોઈ ઉંમરનો બાધ નહી. મનોમન દલીલોનો એવો મારો ચાલ્યો કે થોડી પળો માટે તો અમોઘ એ પણ ભૂલી ગયો કે સામે મોક્ષા ઊભી છે અને એ કંઈ પૂછી રહી છે. ‘અરે, ક્યાં ખોવાઈ ગયો અમોઘ?’

‘હેં, હા… હા… હું ચર્ની રોડ પરજ રહેતો હતો પણ અગ્યારવર્ષ થયા અમે ગોરેગાંવ શીફ્ટ થઈ ગયા છીએ. મારી કોલેજ ગોરેગાંવમાંજ છે ને, અને તને તો ખબર છે મને અપડાઉનનો પહેલેથીજ કંટાળો હતો.’ અમોઘે કહ્યું. ‘હા, એ હું કઈ રીતે ભૂલુ. એ એક જ તો કારણ હતુંજે બાબતે તું મારી સાથે ઝઘડો કરતાં થાકતો નહોતો.’ મોક્ષાએ આ એક વાક્ય સાથે જૂની યાદ નામના ફોલ્ડરમાંથી એ તોફાની ચેપ્ટર કાઢ્યુ જે ચેપ્ટર અમોઘને આજેય નખશીખ ભીંજવી જતુ હતું. પવઈના બસ સ્ટોપ પર ઉભેલા અમોઘ અને મોક્ષા અચાનક જાણે ગીરગાંવ ચોપાટી નજીકના કુલ્ફી વાળા પાસે પહોંચી ગયા. ‘એટલી શું ઉતાવળ કરે છે, મોક્ષા. કુલ્ફી જેવી વસ્તુ કંઇ આમ ચગળી જવાની ચીજ છે? એને તો મોંમાં મૂકી આમ ધીમે-ધીમે ઓગળવા દેવી પડે. પછી એમાં ક્યાંક તારા હોંઠ પર થોડી કુલ્ફી રહી જાય અને હું આમ મારા હોંઠથી મદદ કરું તને…’ કહેતાં અમોઘ પોતાનોચહેરો મોક્ષાની નજીક લઈ ગયો અને પ્રેમ નામના આગોરંભાયેલા વાદળો વરસવાની તૈયારીમાંજ હતાં ત્યાં જ મોક્ષાએ ખલેલ પાડી હતી. ‘ઓ મારા લવલી રોમાન્સના કીડા, મારે ટ્રેન પકડવાની છે. ખબર છે ને? તારા જેવું નથી કે આ પાંચ ડગલાં ચાલ્યા અને ઘર આવી ગયું.’ મોક્ષા બોલી હતી અને બંને પ્રેમી પંખીડા વચ્ચે વળી પાછી મહિનાઓથી ચાલતી એ જ રકઝક શરૂ થઈ ગઈ હતી. ‘આ તમને અપડાઉની અને હંમેશા ટ્રેન પકડવાની અને સ્ટેશન પર પહોંચવાની જ જલ્દી હોય છે. જિંદગીમાં મારી કોઈ સૌથી મોટી દુશ્મન હોય તો એ આ મુંબઈની સબર્બન ટ્રેન છે. એ મોડી પડતી નથી અને મારી પ્રેમિકા તેને છોડતી નથી.’

અમોઘને ટ્રેન સામે જેટલો વાંધો હતો એના કરતાં પણ વધુ પ્રેમમાં પડતા ભંગ સામે વાંધો હતો. ‘એવું નથી મારા, રાજ્જા! પણ શું કરું, ઘરે તો જવુંજ પડશેને? આખા દિવસની કોલેજ હતી એવું કહીશ તો ઘરવાળા થોડા માનવાના છે?’ કહેતાં મોક્ષાએ અમોઘના ગાલ પર હળવી પપ્પી કરી હતી અને વધેલી કુલ્ફી અમોઘને પકડાવી ચર્ની રોડ સ્ટેશન તરફ દોડી ગઈ હતી. અમોઘ જાણે હમણાં પણ ત્યાં જ ઊભો હોય તેમ તેનાથી બૂમ પડાઈ ગઈ, ‘મોક્ષા નહીં જાને, પ્લીઝ!’ ‘અરે હું તો અહીં જ છું, અમોઘ! શું કરે છે યાર, આમ બરાડા શું કામ પાડે છે. આપણે એકલા નથી અહીંયા.’ બસસ્ટોપ પર ઊભેલા બધાની નજર હમણાં અમોઘ અને મોક્ષા તરફ હતી તે જોઈ મોક્ષા છોભીલી પડી ગઈ. અમોઘને પણ ખ્યાલ આવ્યો કે જૂની યાદોમાં લટાર મારતા મારતાં તેનાથી મોટો લોચો મરાઈ ગયો. ‘ઓહ શીટ, સૉરી, સૉરી…!’ તેણે તુરંતકહ્યું. પરંતુ, અમોઘના આવા વર્તનનો એક ફાયદો જરૂર થયો, બંનેને હમણાં લાગી રહ્યું હતું કે આમ બસ સ્ટોપ પર ઊભા રહીને તડકામાં શેકાવુ અને લોકોના મનોરંજનનું કારણ બનવું એનાકરતાં બહેતર છે કે કોઈ રૅસ્ટારાંમાં જઈને શાંતિથી બેસીને વાત કરીએ. ‘ક્યાંક શાંતિથી બેસીએ? બંનેના મોઢે એકસરખું વાક્ય આવ્યું અને બંને હસી પડ્યા. રૅસ્ટારાં તરફ જતા મોક્ષા, અમોઘની એટલી નજીક ચાલી રહી હતી કે તેના હાથનો સ્પર્શ અમોઘની હથેળીઓને થઈ રહ્યો હતો. અનેકવાર અમોઘને વિચાર આવી ગયો કે મોક્ષાનો હાથ પકડી લઉં પરંતુ યાદોની સફરમાં વર્ષો વિંધીને તુરંત પહોંચી જઈશકાય જ્યાં પ્રેમિકાને ફરી-ફરી પ્રેમી તરીકે મળી શકાય. પરંતુ વાસ્તવિકતાને સમય અને સંજોગ નામના પરિબળો એવા વળગ્યા હોય છે કે જેને વિંધવા સહેલા નથી હોતા. 

રૅસ્ટારાંમાં પ્રવેશતાની સાથે જ બંનેની નજર ખૂણા પર ગોઠવાયેલા ટેબલ પર પડી અને નજરોના સંવાદથીજ નક્કી થઈ ગયુંકે ક્યાં બેસવું છે. ‘સમય કેટલો ઝડપથી પસાર થઈ જાય છે નહીં?’ મોક્ષા બોલી. ‘હા, ઘણી વાર મને લાગે છે કે આપણે કોલેજમાં હતાં એ તો જાણે હજી ગઈકાલની જ વાત હોય.’ અમોઘે મોક્ષાની આંખોમાં ભૂતકાળની પ્રેમિકા શોધવાનો પ્રયત્ન કરતાં કહ્યું. ‘અમોઘ, આજે પણ ઘણીવાર મને વિચાર આવી જાય છે કે તે એક નાનો ઝઘડો આપણી વચ્ચે નહીં થયો હોત અને તેં મને મનાવી લીધી હોત તો આજે…’ મોક્ષા વર્ષો પછી ફરી આજે અજાણતાંજ ભૂતકાળનાએ કાળખંડમાં પ્રવેશી ગઈ જેને કદાચ બંનેએ દફનાવી દીધો હતો. ‘તારે આગળ ભણવું છે ને, તો ભણને તને કોણ ના પાડે છે, મોક્ષા. અને લગ્ન પછી તને ભણવા નહીં દઉં એટલો જૂનવાણી નથી હું.’ અમોઘ બોલ્યો હતો. ‘હા, અમોઘ પણ મારે ઓસ્ટ્રેલિયા જઈને મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરવું છે અને તારા પપ્પાએ તો પહેલીજ મુલાકાતમાં કહી દીધું કે અમોઘ અમારો એકનો એક દીકરો છે, તારે ભણવું હોય તો અહીં ભણ. ના નથી. આ ઓસ્ટ્રીલિયા જવાવાળી વાત ભૂલી જા…!’ મોક્ષાએ ભીની આંખે પ્રેમ નામની રેતને પોતાની મુઠ્ઠીમાં સાચવી લેવાની કોશિશ કરતાં કહ્યું હતું. ‘હા પપ્પાએ કહ્યું છે તો આપણે તેમને મનાવી લઈશું ને, મોક્ષા. મને થોડો સમય તો આપ.’ અમોઘે દલીલ કરી હતી. પપ્પાને મનાવવામાં બીજું એક વર્ષ નીકળી ગયું પણ પપ્પા કેમેય કરી માનવા તૈયાર નહોતા અને મોક્ષાને પ્રેમ ખાતર કરીઅર છોડી દેવું મંજૂર નહોતું. મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રીનું સપનું મોક્ષાને ઓસ્ટ્રેલિયા લઈ ગયું અને અહીં પપ્પાએ દેખાડેલી છોકરી સાથે પરણી જઈ, મેનેજમેન્ટ કોલેજમાં પ્રોફેસરની નોકરી મેળવી અમોઘે પણ મન મનાવી લીધું.
‘સો, કેમ છે તારી પત્ની, બાળકો?’ મોક્ષાએ પૂછ્યુ. ‘બસ, હું કોલેજમાં મેનેજમેન્ટના પાઠો ભણાવુ છું અને માધવી ઘરનું મેનેજમેન્ટ સંભાળે છે. દીકરો હમણાંજ ગ્રેજ્યુએટ થઈ એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીએ જોડાયો છે. અહીંજ પવઈમાં જ તેની ઓફીસ છે. તેને પણ આગળ ભણવું છે અને જીદ્દ લઈને બેઠો છે કે ઓસ્ટ્રેલિયા જઈ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરવું છે.’ અમોઘ બોલ્યો અને મોક્ષા હસી પડી. ‘ઓહ, એટલે ઓસ્ટ્રેલિયા અને માસ્ટર્સની ડિગ્રી હજી પણ તારો પીછો નથી છોડી રહ્યા એમ ને, બાય ધવે શું નામ છે તારા દીકરાનું?’ મોક્ષાની આ મજાક સામે અમોઘ કંઈ જ બોલ્યો નહીં. થોડો સમય સંવાદ વિહોણો વિત્યા બાદ અમોઘે પૂછ્યું. ‘અને તું? કોઈ ઓસ્ટ્રેલિયન સાથે પરણી છો કે…?’ ‘માસ્ટર્સ કર્યું અને કેમ્પસ ઈનટરવ્યુમાં જએક ઓસ્ટ્રેલિયન કંપની તરફથી જોબ ઓફર મળી ગઈ એટલે જોબ લઈ લીધી. સેલ્સ અને એક્સપોર્ટના આંકડાઓ વચ્ચે એટલી વ્યસ્ત થઈ ગઈ કે લગ્ન કરવાનું યાદ જ ન આવ્યું.’ ખબર નહીં કેમ પણ અમોઘને અંદરોઅંદર લાગી રહ્યું હતું કે લગ્ન કરવાનું યાદજ ન રહ્યું એ તો માત્ર એક બહાનું છે વાસ્તવમાં મોક્ષા અમારા પ્રેમને ભૂલાવી નહીં શકી હોય અથવા મારા શીવાય કોઈ બીજા સાથે સંસાર માંડવાનો તે નિર્ણય નહીં કરી શકી હોય. ‘તો પછી હમણાં, અહીં ઈન્ડિયામાં કઈ રીતે?’ તેણે પૂછ્યુ. ‘અરે, ઈન્ડિયામાં તો હું છેલ્લાં આઠ મહિનાથી છું. અમારી ઈન્ડિયા ઓફીસના સેટઅપની જવાબદારી એ લોકોએ મારા માથે નાખી છે.’ મોક્ષા બોલી ‘ઓહ, તું આઠ મહિનાથી અહીં છે અને મને ખબરજ નથી!’ અમોઘને લાગ્યું કે જાણે તે કેટલી મોટી તક ચૂકી ગયો હોય. ‘અરે, એવું નથી. પણ તને મળુ પણ તો કઈ રીતે મળુ. તું ક્યાં છે, શું કરે છે? કંઇજ મને ખબર નહોતી.’
મોક્ષાની વાત પણ સાવ ખોટી નહોતી. વર્ષોથી બંને એકબીજાના ટચમાંજ ક્યાં હતાં કે ખબર હોય. ‘તો પછી હવે? ઈન્ડિયા આવી છો તો કોઈ સારો મુરતિયો જોઈને પરણી જવા વિચારી શકાય, તું હજી પણ એટલી જ સુંદર લાગે છે, મોક્ષા. અને ઉંમરનું આવરણ તો જાણે તને હજી અડ્યુંજ નથી. કોઈ પણ હેન્ડસમ યુવાન આજે પણ તારા પ્રેમમાં પડી જશકે છે.’ અમોઘે જાણે દિલ પર પત્થર રાખીને કહેવું પડ્યું હોય તેમ મહામહેનતે તેણે મોક્ષા ને કહ્યું. ‘ના હવે એવી કોઈ જરૂરિયાત નથી, અમોઘ. મેં તે સમયે પણ તારાથી કોઈ વાત છૂપાવી નહોતી અને હમણાં પણ નહીં જ છૂપાવું. વાસ્તવમાં અમારી ઈન્ડિયા ઓફીસમાંજ એક છોકરો છે. જબરદસ્ત ટેલેન્ટેડ છે અને કોણ જાણે કેમ પણ તેને જોયા અને મળ્યા બાદ વર્ષો પછી જાણે ફરી એકવાર વ્હાલવિશ્વમાં લટાર મારવી ગમવા માંડ્યુ છે.’

મોક્ષા બોલ્યે જતી હતી અને અમોઘ તેને અપલક આંખે નિહાળી રહ્યો હતો. મોક્ષાના ચહેરા પર આવી ગયેલી ચમક જોઈ અમોઘને જાણે જેલસ ફીલ થઈ રહી હતી. પણ મોક્ષાનું અમોઘ તરફ ધ્યાનજ ક્યાં હતું તે તો બસ બોલ્યે જતી હતી. ‘મારી લગ્નની ઉંમર વિતી ગઈ છે એ સાચુ પણ પ્રેમને તો કોઈ ઉંમર નથી હોતી ને અમોઘ? વિકાસ, અને મારા વચ્ચે ભલે ઉંમરનો તફાવત હોય પણ એથી શું ફર્ક પડે છે? હું ખોટુ નથી કહેતીને, અમોઘ? તું બોલને કેમ કંઈ બોલતો નથી?’ અમોઘ શું બોલે? તેને હમણાં પોતાની પ્રેમિકાને ફરી એકવાર ગુમાવી રહ્યા હોવાનો અફસોસ થઈ રહ્યો હતો કે કોઈક બીજીજ વાત પજવી રહી હતી એ તો નહોતી ખબર પરંતુ અમોઘની આંખો મોક્ષાના ચહેરા પર એ રીતે સ્થિર થઈ ગઈ જાણે તે કોઈ જીવિત વ્યક્તિની આંખો નહીં પરંતુ પત્થરની બની હોય.અમોઘ જાણે કોઈ મોટા આઘાત પછી જાગ્યો હોય એમ બોલ્યો, ‘ચાલ હું નીકળુ, મારે મોડુ થાય છે.’ ‘અરે આમ આચાનક? બેસ તો ખરો, કેટલાં વખતે આપણે મળ્યા અને તું આમ…’ મોક્ષા હજીતો આગળ કંઈ બોલે તે પહેલાં જ અમોઘ ઊભો થઈ ગયો. જતાં જતાં તેણે કહ્યું, ‘તું મારા દીકરાનું નામ પૂછતી હતી ને? વિકાસ!’ મોક્ષાઅને અમોઘની આંખો મળી પણ ખબર નહીં વચ્ચે શું આવી ગયું તે અચાનક બંનેને સામે દેખાતો ચહેરો જાણે અજાણ્યો લાગી રહ્યો હતો.

લેખક : આશુતોષ દેસાઈ

આપના વિચારો કોમેન્ટમાં જણાવજો, દરરોજ આવી અનેક અવનવી અને પ્રેમીઓની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી