આંખને કહો બોલકી ન બને – આજે ફરીથી એક નિર્ણય લેવાનો હતો આ સિંગલ મધરે… શું કરશે એ હવે…

આંખને કહો બોલકી ન બને

‘સમાજ કહે છે કે એકલી મા હોય તો તેને માટે જીવન એટલું દુષ્કર નથી જેટલું એકલા બાપ માટે હોય છે! પણ લોકોને શું ખબર કે એક મા માટે પણ એકલા હાથે બાળકની જવાબદારી નિભાવવી કેટલું અઘરું છે. તું ક્યારેક સ્ત્રી તરીકે જન્મ લઈ, એક બાળકીની મા બની શકે તો તને સમજાય, આસવ. કે હું ખોટું નથી કહી

રહી.’ આ કોઈ સંવાદ કે ડાયરીના પાનાઓ પર લખાઈ રહેલો હ્રદયનો વલોપાત નહોતો. જાત સાથે થઈ રહેલાં સંવાદના આ એવા શબ્દો હતાં જે પારવી પોતાનેજ કહી રહી હતી અને પોતે જ ફરી અનુત્તર રહ્યાની મનોદશામાં ચાલી જતી હતી. 

ઉચ્તર માધ્યમિક શાળામાં શીક્ષિકા તરીકે નોકરી કરતાં-કરતાં આજે વાઈસ પ્રિન્સીપાલની પદવી સુધી પહોંચેલી પારવી માટે જિંદગી એક જીવવાલાયક અને માણવાલાયક ઉત્સવ નહોતો. તેને માટે તો જાણે જિંદગી એટલે સતત પરિક્ષાઓમાંથી પસાર થતાં રહીને પરિણામો ભોગવવાની તૈયારીઓ કરતાં રહેવાનું બીજું નામ હતુ. નાજૂક શરીર અને સુંદર દેખાવની ભીતર ખામોશ પણ ખડતલ સ્વભાવ કેળવી ચૂકેલી પારવી ચાલીસીના દાયકાની મધ્યમાં આવીને ઊભી હતી. વીસ વર્ષથી સ્કૂલ ટીચર તરીકે ફરજ બજાવી રહેલી પારવીને હમણાં થોડા સમયથી હવે આ નોકરીનો પણ કંટાળો આવવા માંડ્યો હતો. ‘ક્યારેક, ક્યાંકતો મને પણ થાકવાનો અધિકાર ખરો કે નહીં?’ આવો સવાલ તે કેટલીય સવાર પોતાનીજ જાતને પૂછતી, અને પળવારમાં ફરી પોતે જ આ વિચારને ફગાવી દઈ સ્કૂલે જવા માટે તૈયાર થઈ જતી. પીસ્તાળીસ વર્ષના ઉબડ-ખાબડ જીવન રસ્તા પર ચાલતાં-ચાલતાં પારવી એવી-એવી પરિસ્થિતિઓ અને અનુભવો સામે લડીચૂકી હતી કે હવે તે દરેક કડવા અનુભવની યાદો પણ તેને હવે પછીના સમયની હિંમત બંધાવવા માટે મીઠાં લાગવા માંડ્યા હતાં.

પરંતુ, આજે પરિસ્થિતિ કંઇક ઓર હતી. આજે પારવી જીવનના એવા ચૌરાહા પર આવી ઊભી હતી જ્યાં તેણે મન મક્કમ કરી કોઈ એક નિર્ણયની પસંદગી કરવાની હતી. એવું નહોતું કે તેણે આ પહેલાં આવી પરિસ્થિતિઓનો સામનો નહોતો કર્યો. ‘પારવી, આગળ ભણવા માટે તારે સાયન્સના વિષયો જ લેવા જોઈએ,’ એવી ઘરવાળાની જીદ્દની સામે આર્ટ્સ ગ્રેજ્યુએટ થવાનો નિર્ણય લેવાથી લઈને નંદલાલ શેઠના દીકરા સાથે નહીં પણ પોતાને ગમતાં આસવ નામના છોકરા સાથે લગ્ન કરવા સુધીના એવા અનેક પડાવો જીવનમાં આવ્યા જ હતાં જ્યારે પારવીએ પોતાની પસંદગી અને નિર્ણય વિશે બીજીવાર વિચાર સુધ્ધા નહોતો કર્યો. ‘એક નંબરની તૂંડમિજાજી અને સ્વછંદી છોકરી પાકી છે ઘરમાં…!’ પપ્પાના આવા સ્ટેટમેન્ટ્સ અને ‘મા-બાપની મરજી, ઘરની આબરૂ-ઈજ્જતની કોઈ પરવાજ નથી આ છોકરીને, જન્મતા પહેલાં પેટમાં જ મારી નાખી હોત તો સારું થાત!’ જેવા મમ્મીના પણ અનેક વિધાનો, અનેકવાર પારવીએ સાંભળ્યા હતાં. બલ્કે આવા જ મહેણાં ટોણાં સાથે તે મોટી થઈ હતી એમ કહો તો ચાલે.

ઘર અને સમાજની વિરૂધ્ધ જઈ આસવ સાથે જ લગ્ન કરવાની પોતાની જીદ્દ પૂર્ણ કર્યા પછી પણ ઈશ્વરે ક્યાં પારવીને સુખ નામના વિશ્વની ઓળખ કરાવી હતી. આસવ, ખુબ પ્રેમાળ અને સુનહરા ભવિષ્યની લાયકાત ધરાવતો યુવાન હતો. તેની નાનહી. પરંતુ, લગ્નના બે જ વર્ષ પછી, તે જબરદસ્ત ટેલેન્ટેડ અને ઉત્સાહી એવા યુવાનને ડીપ્રેશનની બિમારી લાગૂ પડી. નોકરીએ જવાનું પડતું મૂકી આસવ ઘરના એક ખૂણામાં ચૂપચાપ બેસી જતો. પારવી જ્યારે તેને બોલાવવાનો, નોકરીએ નહીં તો બહાર બીજે ક્યાંક ફરવા લઈ જવાનો પણ વિચાર કરતી ત્યારે આસવ તુરંત ના કહી દેતો. એટલુંજ નહીં તે પારવીને પણ ક્યાંય જવા નહોતો દેતો. સંસારની શરૂઆતના એ મોજ મજા કરવાના દિવસોમાં પણ ઘરખર્ચીની તંગીથી લઈને આસવની બિમારીની ચિંતામાં દિવસો વિતાવ્યા હતાં. એવામાં આસવની નોકરી છૂટી ગઈ અને પારવીના માથે જાણે આભ તૂટી પડ્યું. આ તરફ પેટમાં તેના અને આસવના સંસારનું બીજ

આકાર લેવા માંડ્યુ હતું અને બીજી તરફ આસવની નોકરી ચાલી જવાના ખબર આવ્યા હતાં. દિવસો આમેય આર્થિક તંગીમાં વિતતા હતાં એમાં વળીઆ એક નવી મોટી ઉપાધીનો ઉમેરો થયો હતો.

આસવ સાથે લગ્ન કરવા વિશે ઘરમાં વાત કરી હતી ત્યારથી જ ઘરવાળા માટેતો પારવી મરી જ ચૂકી હતી. આથી હવે ત્યાંથી કોઈ મદદ આવશે તેવી આશા રાખી શકાય તેમ નહોતું. આસવનેતો આમેય મા-બાપ નહોતા કે દીકરાના ખોટકાઈ રહેલાં સંસાર તરફ કોઈ નજર કરે. નોકરી ચાલી ગઈ આથી આસવનું ડીપ્રેશન પણ એ હદ સુધી વધી ગયું કેતે નાની નાની બાબતમાં પણ રડી પડતો હતો, સાવ નજીવા કારણે તે આખો દિવસ બબડાટ કર્યા કરતો. પરંતુ, આ બધાંજ સંજોગોમાં પણ પારવી લડતી રહી. ‘સ્કૂલની નોકરીની સાથે આનાની દીકરીની સંભાળ કઈ રીતે રાખશે, પારુ? અને આસવભાઈ, એને તો ખુદનું ભાન નથી તો દીકરીને કેમ કરી સાચવવાના?’ બાજૂવાળા માલતીકાકીએ જ્યારે આવા સવાલો પૂછ્યાં હતાં ત્યારે સંજોગો સામે લડીલેવા માટે ટેવાયેલી પારવીએ બસ એટલુંજ કહ્યું હતું કે, ‘પડશે એવા દેવાશે, કાકી!’ પરંતુ કહેવાય છે ને કે કસોટીમાંથી પાર ઉતરવાની તૈયારી દેખાડે, એજ વ્યક્તિ પર ઈશ્વર મહેર કરતો હોય છે. પારવી સાથે પણ કંઈક તેવુંજ થવાનું લખાયું હશે. પ્રાયમરી સ્કૂલમાં ટીચર તરીકે નોકરી સ્વીકારી કામ કરી રહેલી પારવીની સ્કૂલ પણ સમય વિતતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુધીના મુકામ લગી પહોંચી ગઈ અને ખંત પૂર્વક કામ કરતી પારવી પણ હવે એ જ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતાં-કરતાં ઓફીસ સુપરીટેન્ડન્ટ અને ત્યાંથી વાઈસ પ્રિન્સીપાલના લેવલ સુધી પહોંચી ચૂકી હતી. સંઘર્ષના આ લાંબા સમયગાળામાં આસવના મૃત્યુ અને દીકરીના ભરણ-પોષણથી લઈને ભણતર સુધીના તમામ કપરા દિવસો વિતાવી છેલ્લાં થોડાં સમયથી બધુ સમુ સૂતરું ચાલી રહ્યું હતું.

પારવીની મહેનતનું ફળ હવે જાણે તેની દીકરી શીતલના વર્તમાન અને ભવિષ્યમાં દેખાઈ રહ્યું હતું. એન્જિનીઅરીંગનું ભણતર પૂર્ણ કરી શીતલ પણ હવે નોકરી કરતી થઈ ગઈ હતી. પારવી માટે હવે સવારમાં સ્કૂલની નોકરીએ જવાનું અને સાંજના સમયમાં સામેના ગાર્ડનમાં લટાર મારવા જવા સિવાય ખાસ કામ નહોતું. દીકરી નોકરીએથી થાકીને ઘરે આવી હોય ત્યારે વ્હાલી મમ્મના હાથની બનાવેલી કોલ્ડ કોફી પીવે અને ત્યારબાદ બંને મા-દીકરી સાથે રસોઈ બનાવતા-બનાવતાં આખાય દિવસની રામ કહાણી એકબીજાને સંભળાવતી હોય. ટૂંકમાં, આખીય યુવાની સંઘર્ષ સામે બાથ ભીડતાંમાં ક્યાં વિતી ગઈ તેની ખબર નહીં રહી. પરંતુ, હવે આવનારું ઘડપણ કંઈક સુખ અને આરામના દિવસો લઈને આવશે તેવું પારવીને લાગી રહ્યું હતું.

પરંતુ, છેલ્લાં થોડા સમયથી એક વિચાર તેનો પીછો નહોતો છોડી રહ્યો. વિચાર શું કામ, કોઈક વ્યક્તિનો ચહેરો અને તેની વાતો પારવીના અસ્તિત્વને ઠરવા નહોતા દઈ રહ્યા. વર્ષોથી જિંદગી સામે લડતાં-લડતાં પારવી જાણે પોતાને માટે જીવવાનું જ ભૂલી ગઈ હતી. આસવનું મૃત્યુ થયું તો શીતલનું ભવિષ્ય નજર સામે હતું. એક જવાબદારી ટળી તો બીજી જવાબદારી મોંફાળીને સામેજ ઊભી હતી. આમને આમ માથા પરના કાળા વાળ ક્યારે સફેદી લઈ આવ્યા તે પણ ક્યાં ખબર રહી હતી. પરંતુ, છેલ્લાં એકાદ મહિનાથી કોઈક હતું જેણે પારવીને ફરી પોતાની જાત તરફ જોતા શીખવ્યું હતું. કોઈક વ્યક્તિ હતી જેને જોવાની, સાંજ થયે મળવાની પારવીને ઈચ્છા થતી હતી. આજે આટલા વર્ષે આવી લાગણીઓ શુંકામ થઈ રહી છે તેવું તે અનેકવાર પોતાની જાતને પૂછતી પરંતુ, જવાબમાં ફરી તે ચહેરો જ નજર સામે આવી જતો. અને તે ચહેરાનું નામ હતું, એક્સ આર્મી કેપ્ટન, સત્યજીત બંસલ. સાંજ પડ્યે પારવી જે ગાર્ડનમાં આંટો મારવા જતી હતી, ત્યાં જ કેપ્ટન પણ રાઉન્ડ મારવા આવતા હતાં. આરીદાર મૂછોવાળો ચહેરો જાણે સતત ઉંમર સામે યુધ્ધ લડી રહ્યો હોય તેવો યુવાન દેખાતો હતો. કેપ્ટનને ગાર્ડનમાં કોઈ સાથે બેસી ગપ્પાં મારવાનું ગમે નહીં. પરંતુ, એક દિવસ સાંજે ચાલતામાં પારવીના સાડીના પાલવ પર પગ પડી ગયો અને ઓળખાણનું કારણ મળી ગયું. બસ તે દિવસથી પરિચય કેળવવાના જાણે ક્લાસિસ શરૂ થઈ ગયા. આર્મીના રિટાયર્ડ ઓફીસરની ઈન્ટલેક્ચુઅલ વાતો અને સંજોગો સામે લડવામાં અને સાથે સતત વાંચતા રહેવાની આદતને કારણે પારવીના વિચારોમાં અને ચર્ચાઓમાં આવી ગયેલી ગહેરાઈ.

બંનેને એકબીજા સાથે વાતો કરવું ગમતું હતું. પરંતુ, દોસ્તીના સંબંધનું કોઈ ભવિષ્ય નહોતું. જોકે, આ દોસ્તીનું સૌથી મોટું કોઈ શુભ ફળ હોય તો તે એ હતું કે પારવી વર્ષો બાદ જાણે હવે ફરી એકવાર પોતાને માટે જીવતી થઈ હતી. શીતલની લાખ જીદ્દ છતાં ક્યારેય ડ્રેસ પહેરવા તૈયાર નહીં થતી પારવીને હવે સાડીઓને તિલાંજલી આપવાનું મન થઈ આવતું હતું. આજેતો શીતલ ઓફીસ ગઈ હતી ત્યારે તેના વોર્ડરોબમાંથી એક ડ્રેસ કાઢી પારવીએ ટ્રાય પણ કરી જોયો. વર્ષો પછી કદાચ આજે જેમ-તેમ એ દિવસ આવ્યો હતો જ્યારે, પારવી પોતાનીજ જાતને આયનામાં જોઈ શરમાઈ ગઈ હતી. ખુશ થઈ ઊઠી હતી. પરંતુ, મનમાં દોડવા માંડેલા આ બધા વિચારોના ઘોડા પુરને લગામમાં રાખવા પડશે તેમ વિચારી તેણે તુરંત, તે ડ્રેસ કાઢી નાખ્યો અને ફરી સાડી પહેરી લીધી. ‘આપને કહા થા આજ ડ્રેસ ટ્રાય કરેંગે! પહેનાં?’ સત્યજીત બંસલે પૂછ્યું. ત્યારે એક વાર તો પારવીને થઈ આવ્યું કે તે કહી દે કે, ‘હા પહેર્યો હતો, તમે કહેતાં હોય તો ફરી એક વાર પહેરીને તમારી સામે આવું?’ પણ તેણે આ વિચારોની દોડને ફરી એકવાર કસીને લગામ ખેંચી અને બસ કહ્યું, ‘હવે આ ઉંમરે એવા બધાં અભરખાં કંઈ સારા લાગે?’ ‘ઉંમર ડ્રેસ કો યા સાડી કો નહીં હોતી, ટીચર મેડમ. ઉંમર અપને અંદર, હમારે ભીતર હોતી હૈ. એક બાર ટ્રાય તો કીજીએ!’ બંસલે કહ્યું અને જિંદગી જીવીલેવા પ્રત્યેના વિચારોની પેલી લગામ ફરી ઢીલી થવા માંડી હતી. પરંતુ, પારવીએ તેને સંભાળીલેતા ઘર તરફ ચાલી જવાનું નક્કી કર્યું.

‘એક તરફ શીતલના લગ્નનો વિચાર કરું છું અને બીજી તરફ મને આ કેવા કેવાં વિચારો આવી રહ્યા છે, આસવ! હું શું કરું? હું શું કરું આસવ?’ આસવના ફોટા સામે ઊભેલી પારવી આમજ પોતાની જાત સાથે સંવાદો કરી રહી હતી ત્યાંજ અચાનક જાણે આસવની નિર્જીવ તસ્વીર કંઈક બોલી રહી હોય તેમ પારવીની અંદરથી એક વિચાર ઝબક્યો. ‘આજે સાંજે શીતલ આવે ત્યારે દિલ ખોલીને તેની સાથે બધી જવાતો કરી નાખ. કોઈ માટે લાગણીનો અનુભવ કરવો એમાં કંઈ જ ખોટુ નથી. ક્યાં સુધી આમ એકલાં જિંદગી વેંઢારતી રહેશે!’

એટલામાંજ દરવાજે ટકોરા થયાં, પારવીએ બારણું ખોલ્યું. ‘હાય, મોમ! ગુડ ઈવનિંગ!’ ‘અરે, શીતલ તું આવી ગઈ, આજે તો હજી મારે કોફી બનાવવાની પણ બાકી છે.’ કહેતાં ઝડપભેર પારવી રસોડામાં ચાલી ગઈ અને દીકરી માટે કોફી બનાવવા માંડી. શીતલ ફ્રેશ થઈ કીચનમાં આવી ત્યારે તેણે જોયું કે કોફીના મગમાં ચમચી ફેરવી રહેલી તેની મમ્મા આજે ક્યાંક ખોવાયેલી જણાય છે. ‘શું વિચારો ચાલી રહ્યા છે, મોમ?’ શીતલે પૂછ્યું. પણ પારવીતો હજીય જાણે પોતાની જાત સાથે જ ગડમથલમાં અટવાયેલી હતી. કદાચ તેને શીતલ સાથે વાત કરવા માટે શબ્દો નહોતા મળી રહ્યા. તેણે કંઈજ જવાબ નહીં આપ્યો. ‘મમ્મા!’ શીતલે ફરી પારવીને બોલાવવાનો પ્રયત્ન કર્યો. ‘હં, હા બેટા, બોલને!’ પારવી જાણે અચાનક વિચારોમાંથી જાગી. ‘મમ્મા, આટલું બધું વિચારતી રહેશે તો ડીપ્રેશન આવી જશે! શું વિચારે છે આટલુ બધું?’ શીતલે તેની મમ્માની મજાક કરતાં કહ્યું. શીતલે ભલે મજાકના મૂડમાં કહ્યું હોય પરંતુ, તેની આ મજાકને કારણે પારવીને આસવ સાથેના દિવસો, તેના ડીપ્રેશનના સમયની પરિસ્થિતિ યાદ આવી ગઈ અને પળવારમાં જાણે સત્યજીત બંસલના વિચારો ક્યાંય હવા થઈ ગયા. પણ ત્યાં જ શીતલ બોલી, ‘મમ્મા, આજે તારા પેલા ગાર્ડન વાળા ફ્રેન્ડ, બંસલ અંકલ મળ્યા હતાં. મજાના માણસ છે, નહીં?’ શીતલે આમ અચાનક કેપ્ટન બંસલ વિશે વાત કરી તેથી પારવીને સમજાતું નહોતું કે દીકરીની વાત પર કઈ રીતે રીએક્ટ કરવું. પરંતુ, એટલાંમાંજ શીતલ ફરી બોલી, ‘મમ્મા, આઈ થીંક હી લાઈક્સ યુ!’ શીતલના મોઢે આ અણધાર્યું વાક્ય સાંભળતાંજ સુખદ આંચકા સાથે પારવીએ આંખો બંધ કરી લીધી. તેની આંખના ખૂણે આવી ગયેલી ભીનાશનું એક નાનું ટીપું બહાર તરફ સરકવાની તૈયારી કરી રહ્યું હતું ત્યાંજ શીતલે કહ્યું, ‘આ પુરૂષોની જાત પણ કેવી હોય છે ને, મમ્મા! કોઈ એકલી સ્ત્રી જોઈ નથી કે તરત દાણા નાખવાનું શરૂ થઈ જાય. એમને પોતાની ઉંમર, સામે ઊભેલી સ્ત્રીની ઉંમરથી કોઈ ફર્ક નથી પડતો. તું જ કહે, હવે આ ઉંમરે એમને આવું બધુ શોભે? મને લાગે છે તું એમની જોડી વાત કરવાનું ઓછું કરીનાખ હં, નહીં તો ખબર પડી આવતીકાલે કેપ્ટન બંસલ વાઈસ પ્રિન્સીપાલ પારવી ભટ્ટ માટે પ્રપોઝલ લઈને ઘર સુધી આવી ચઢ્યા…’ શીતલ આમ જાકથી ખડખડાટ હસવા માંડી અને પારવી… ‘આંખને કહો બઉં બોલકી ન બને, શબ્દોને આંસુઓમાં વહી જતાં વાર નહીં લાગે!’

લેખક : આશુતોષ દેસાઈ

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર, આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો.

ટીપ્પણી