માયાભાઇ આહિરની આ પહેલાની તસવીરો જોઇને તમે પણ નહિં ઓળખી શકો આજે, વાંચો કેવી છે તેમની લાઇફ

કેવી રીતે એક ગોવાળીઓ છોકરો બની ગયો ગુજરાતનો ખ્યાતનામ હાસ્ય કલાકાર

 

image source

જાણો માયાભાઈ આહિરની ગોવાળિયાથી હાસ્ય કલાકાર સુધીની સફળતાની વાર્તા

માયાભાઈ આહિર આ નામ તમે અવારનવાર સાંભળ્યું હશે અને જો રમૂજી વાતોના શાખીન હશો તો તો તમે તેમને સાંભળવાની ઇચ્છા પણ રાખતા જ હશો. માયાભાઈ આહિર આજે ગુજરાતના લોકસાહિત્યમાં ચમકતા સિતારા સમાન હાસ્યકલાકાર છે.

image source

તેમનું કાઠિયાવાડી અંદાજમાં પોતાની આગવી જ વાકછટાથી બોલવું લોકોને ખુબ પસંદ છે અને લોકો તેમના એક એક ટૂચકા પર હસીને લોથપોથ થઈ જાય છે.

આજે પણ ભગવાનની કૃપાથી સમગ્ર ગુજરામાં સદીઓ જુની ડાયરાની પ્રથા ચાલુ જ છે અને જો કોઈને ત્યાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય અને તેમાં માયાભાઈ પણ જો વક્તા તરીકે હોય તો સમજવું કે શ્રોતાગણ ખડખડાટ હસતો જ રહેવાનો.

image source

આજે માયા ભાઈને એક એક ડાયરાના લાખો રૂપિયા ફી હસતા મોઢે ચૂકવવામાં આવે છે. પણ તેમની આ સફળતા પાછળ ઘણો સંઘર્ષ અને મહેનત છૂપાયેલા છે.

તો આજે અમે તમને આ જ ગુજરાતી હાસ્ય કલાકાર માયાભાઈ આહિરની ગોવાળિયાથી જાણીતા હાસ્યકલાકાર બનવાની સફર વિષે જણાવીશું.

તળાજાની ધરતી પર થયો જન્મ

image source

માયાભાઈ આહીરનો જન્મ 1972માં તળાજા તાલુકાના બોરડા ગામ પાસે આવેલા આહીરોના નેસ એટલે કે નાનકડાં ગામ એવા કુંડવી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ હતું વીરાભાઈ. ગામના લોકો તેમને ભગત તરીકે જ ઓળખતા કારણ કે તેમને ધાર્મિક પુસ્તકો વાંચવાનો અને ધાર્મિક કાર્યક્રમો જોવા-સાંભળવાનો ભારે શોખ હતો.

અને પિતાનો આ જ ગુણ અને શોખ દીકરા માયાભાઈમાં પણ ઉતર્યો અને તેમણે પણ ધાર્મિક ગ્રંથોમાં રસ લેવાનું શરૂ કર્યું. જ્યારે ક્યારેય પણ ગામમાં કોઈ ધાર્મિક કથા કે ભાગવતનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેમાં માયાભાઈ આગળ ચડીને ભાગ લેતા.

બાળપણ હતું સંઘર્ષમય

image source

માયાભાઈએ પોતાનું પ્રાથમિક શિક્ષણ તો કુંડવી નેસમાં જ લીધું. તેમણે ત્યાં પહેલાથી ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેમની શાળા તેમના ઘરથી ડોઢ કિલોમિટર દૂર હતી. અને ત્યાં જવાનો કોઈ પ્રોપર રસ્તો પણ તે સમયે નહોતો માટે તેમણે કાંટાળા, બાવળિયા, વિગેરેમાંથી જવું પડતું. અને તેમ છતાં તેઓ સ્કૂલે જવાનું ક્યારેય નહોતા ટાળતા.

ત્યાર બાદનો અભ્યાસ એટલે કે ધોરણ પાંચથી નવનો અભ્યાસ તેમણે બાજુમાં આવેલા મોટા ગામ એવા બોરડામાં પૂરું કર્યું. અને ધોરણ દસનો અભ્યાસ તેમણે ભાવનગરની આલ્ફ્રેડ હાઇસ્કૂલથી પૂરો કર્યો.

image source

માયાભાઈ બાળપણમાં ગોપાલક પણ રહ્યા છે

તળાજાની ક્યાંય અંદર આવેલા એક અંતરિયાળ ગામમાં રહેવા છતાં તેમણે જરૂરી શિક્ષણ તો ગમે તેમ કરીને મેળવી જ લીધું હતું. પણ તેઓ ભણવાની સાથે સાથે ગાયો ચરાવવાનું કામ પણ કરતા હતા અને ઘરના લોકોને ખેતીકામમાં પણ મદદ કરતા હતા.

અને એમ કહો કે તેઓ પોતાના ગળાને સૂરીલુ બનાવવા માટે જ જાણે ગાયોને ચરાવા લઈ જતાં હોય તેમ હતું, કારણ કે તેઓ જ્યારે વગડામાં ગાયો ચરાવવા લઈ જતાં ત્યારે તેઓ ગાતા ગાતા પોતાના ગળાને ઢાળતા હતા.

image source

ખુબ જ નાની ઉઁમરે ભજન ગાવાનું શરૂ કર્યું

ઉપર જણાવ્યું તેમ તેમના પીતા વીરાભાઈને લોકો ભગત કહીને જ સંબોધતા હતા અને આમ માયાભાઈને લોકસાહિત્ય તો વારસામા જ મળ્યું હતું.

ઘરમાં હંમેશા તેવો જ માહોલ રહેતો અને છેવટે તેઓ ચોથા ધોરણમાં હતા ત્યારે એટલે કે લઘભગ 9-10 વર્ષની ઉંમરે તેમણે પ્રસિદ્ધ ભજન ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેરમાં ગાયું અને લોકોને તેમનો અવાજ ખુબ પસંદ આવ્યો.

image source

વાહનો ભાડે આપવાનો ધંધો કરતા

માયાભાઈના કુટુંબની આર્થિક સ્થિતિ પ્રમાણમાં સારી હતી. તેમને વાહનોનો સારો એવો શોખ હતો. તેમણે 1990થી 1997 સુધી ટ્રેક્ટર ચલાવવાનું કામ કર્યું. તેમની પાસે બીજા કેટલાક વાહનો પણ હતા જેને તેઓ ગામલોકોને આવવા જવા માટે ભાડે આપતા હતા.

અને તેમાંથી તેઓ સારું કમાવી લેતા હતા. ગામમાં લગ્ન વિગેરે પ્રસંગ હોય ત્યારે તેમના જ વાહનનો ઉપયોગ થતો.

image source

ધીમે ધીમે આસપાસના ગામોમાં લોકસાહિત્યના કાર્યક્રમોનું વ્યવસ્થાપન શરૂ કર્યું

માયાભાઈ નાનપણથી જ લોકસાહિત્યમાં રસ ધરાવતા હતા. માટે પોતાના ગામ તેમજ આસપાસના ગામના સાહિત્યક કલાકારો સાથે તેઓ સારો સંબંધ ધરાવતા હતા અને આસપાસના કોઈ પણ ગામમાં લોકસાહિત્યના કાર્યક્રમનું આયોજન થતું ત્યારે તેઓ જ કાર્યક્રમની જવાબદારી સંભાળી લેતા.

અને આવા જ કાર્યક્રમોમાં તેમને પણ તેમની કળા દર્શાવવાનો આગ્રહ કરવામાં આવતો અને તેઓ પણ પોતાની કળા પ્રદર્શિત કરતાં જે લોકોને ખૂબ પસંદ આવતું.

image source

છેવટે તેમને તે મોકો મળી ગયો

માયાભાઈ આવી રીતે વિવિધ લોકસાહિત્યના કાર્યક્રમોનું મેનેજમેન્ટ સારી રીતે કરી જાણતા હતા. અને તેના કારણે જ તેમને અવારનવાર બગદાણામાં બજરંગદાસબાપુના મંદિરે થતા લોકસાહિત્યના કાર્યક્રમમાં પણ આયોજનની જવાબદારી આપવામાં આવતી અને તેમાંથી તેમને ઘણા બધા અનુભવો થયા.

પણ અહીં તેમને મોટે ભાગે લોકડાયરા વિગેરે જેવા કાર્યક્રમોમાં મેનેજમેન્ટનો જ અનુભવ મળતો પણ તેમની અંદર જે કળા છૂપાયેલી હતી તેને રજૂ કરવાનો સારામાં સારો અવસર તો ત્યારે મળ્યો જ્યારે તલગાજરડા ખાતે મોરારીબાપુની 600મી રામકથાનું આયોજન કરવામાં આવ્યું. આ કથામાં 19 જેટલા કલાકારો પર્ફોમ કરવાના હતા.

image source

અને માયાભાઈની કળાને પણ લોકો જાણતા હોવાથી તેમને પણ 5 મિનિટ જેટલો સમય પર્ફોમ કરવા માટે આપ્યો હતો. પણ તેઓ પાંચ મિનિટની જગ્યાએ 45 મિનિટ બોલતા ગયા અને લોકો અભિભૂત થઈને સાંભળતા જ ગયા અને બસ લોકો તેમની વાકછટાના કાયલ થઈ ગયા. અને હવે તેમને પોતાની કળા પર વિશ્વાસ બેસ્યો.

માયાભાઈ અત્યારસુધીમાં હજારો કાર્યક્રમ કરી ચૂક્યા છે

બસ તલગાજરડાના તે પ્રસંગ બાદ માયાભાઈએ ક્યારેય પાછુ વાળી ને નથી જોયું. તેઓ ગીતો પણ ગાતા અને સાથે સાથે હાસ્ય રમઝટ પણ બોલાવતા. તેમનો સૂરીલો અવાજ લોકોને મોહી લેતો હતો તો તેમના રમૂજી ટુચકાઓ લોકોને પેટ પકડીને હસાવતા.

image source

બસ પછી તો માયાભાઈ વગર જાણે ડાયરો સૂનો થઈ જતો. એક-એકડાયરામાં તેમની હાજરીની જરૂર પડતી અને માટે જ અત્યાર સુધીમાં તેઓ 5000 કરતાં પણ વધારે કાર્યક્રમો કરી ચૂક્યા છે.

માયાભાઈના પરિવારની વાત કરીએ તો તેમને એક દીકરી અને બે દીકરા છે. તેમના પત્નીનું નામ અજાયબાઈ છે. તેમનો મોટો પુત્ર મહુવામાં રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. દીકરીએ બીએસસીમાં ગ્રેજ્યુએશન કર્યું છે જ્યારે નાના પૂત્રનો અભ્યાસ હજુ ચાલુ છે.

image source

તેમના મોટા દીકરાના ગયા વર્ષે જ લગ્ન કરવામાં આવ્યા છે. માયાભાઈની જીવગાથા જણાવે છે કે તમારામાં કળા હશે તો તેને ખીલવવાના ભગવાન અનેક મોકા આપશે બસ તમારે તે અવસરને ઓળખવાનો રહે છે અને તેને ઝડપી લેવાનો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ