અભિપ્રાય – દરેક પુરુષોના સ્ત્રીઓને લઈને અલગ અલગ અભિપ્રાય હોય છે એક અભિપ્રાય આવો પણ…

“અભિપ્રાય”

મોડી રાત્રે ઓફિસ માં ગણ્યાગાંઠ્યા જ કાર્યકરો હતા. નિયમિત સમયે ઓફિસમાંથી મોટાભાગ નો સ્ટાફ નીકળી ચુક્યો હતો. ઓવર ટાઈમ કરી વધુ કમાણી ઉપજાવવા ઇચ્છતા ઓફિસરો પોતપોતાની કેબીન માં પોતપોતાની કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર વ્યસ્ત હતા. આખો દિવસ આંકડાઓ અને હિસાબો માં પસાર કર્યા પછી હજુ વધારાના ચાર પાંચ કલાકો એજ કાર્ય પાછળ ગાળવાના હતા. સહજ પણ દરરોજ ની જેમ ટેવાયેલા સમયપત્રક ને અનુસરતો પોતાની કોમ્પ્યુટર સ્ક્રીન માં ઊંડો ઉતરી ચુક્યો હતો. પોતાની કેબીન છોડી સહજ ની કેબીન માં લેપટોપ ઉપર ચેટિંગ કરી રહેલ સહકાર્યકર અને મિત્ર દેવેન પર સહજ ની ઊડતી દ્રષ્ટિ પડી. એની રોજિંદી ટેવ થી અકળાતો ને ચીઢાતો હોય એવા હાવભાવ જોડે સહજે પોતાનું માથું ધુણાવ્યું અને ફરીથી પોતાની કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા દેવેન ની કુટેવ ઉપર ટીકાત્મક ટાપસી નોંધાવી:


” દેવેન , કામ ઉપર ધ્યાન આપ …”

” આટલા મહત્વ ના કાર્ય ઉપર ધ્યાન આપી રહ્યો છું ને !” કટાક્ષ અને રમૂજ માં હસતા દેવેને પોતાની ચેટિંગ યથાવત રાખી. ” બોસ જોઈ જશે તો તારી ખેર નહીં…” પોતાના કોમ્યુટર ઉપર ની દ્રષ્ટિ ને સ્ક્રીન ઉપર પહેલા થી પણ વધુ સૂક્ષ્મતા થી કેન્દ્રિત કરતા સહજે મિત્ર ને ચેતવણી ના સ્વર માં સલાહ આપી. ” પ્રેમ અને યુદ્ધ માં બધુજ યોગ્ય !!!!” પોતાનો દિલફેંક સ્વભાવ દેવેને શબ્દો માં ઉતાર્યો. ” પ્રેમ ???” કમ્પ્યુટર ની સ્ક્રીન માં જ પરોવાયેલી આંખો થી એક કટાક્ષયુક્ત હાસ્ય સહજ ના ચ્હેરા ઉપર છવાઈ ગયું :

“ભોળીભાલી ગૃહિણીઓ ને પોતાના માયાજાળ માં ફસાવવી એને પ્રેમ નહીં , દગાબાજી કહેવાય !” સહજ ના શબ્દો થી છંછેડાયેલા દેવેને લેપટોપ બંધ કરી ,સહજ ની કમ્પ્યુટર સ્ક્રીન ની દિશા ફેરવી ,એને પોતાની આંખો માં આંખો પરોવવા મજબુર કર્યો . ” દગાબાજી ??? એ બધી સ્ત્રીઓ પોતાની રાજીખુશી થી મને મળે છે ….સમજ્યો ?” સહજે હાસ્ય ના ઉભરા સાથે દેવેન ની વાત નકારી : ” એમની લાગણીઓ જોડે રમત રમી ? ”

દેવેને પોતાની વાત ફિલોસોફર સમા અંદાજ માં આગળ વધારી : ” લાગણીઓ જોડે રમત કરવી મારા સ્વભાવ માં નથી . ફક્ત એમની હૃદય ની એકલતા ને વહેંચવા પ્રયાસ કરું છું . એમની ભાવનાઓ ને મહત્વ આપવા પ્રયત્ન કરું છું . એમના પતિઓ ની માનસિક ગેરહાજરી ને પોતાની હાજરી થી પૂરી એમના સફેદ શ્વેત જીવન માં થોડા રંગો ભરવાનો પ્રયાસ કરું છું .” સહજ ને દેવેન ની નિમ્ન કક્ષા ની વિચારધારા થી તદ્દન ઘૃણા અને તિરસ્કાર છૂટ્યા : ” જે પતિઓ સ્ત્રીઓ ની આર્થિક અને શારીરિક જરૂરિયાતો સંતોષપૂર્વક પુરી કરી આપતા હોય એમની પત્નીઓ કદી તારા ભાવાત્મક રમત માં સપડાય જ ન શકે …..”

” હું તારી જોડે સહમત નથી મિત્ર ..” સહજ ની વાત સામે વિરોધ નોંધાવતા એક વકીલ માફક દેવેને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો : ” સ્ત્રીઓ ને જેટલું હું જાણું છું. એમને ભૌતિક કે શારીરિક સુખ નહીં , પુરુષ ના માનસિક સહવાસ ની ભૂખ હોય છે! પતિ નો ગુણવત્તા યુક્ત સમય , બે પ્રેમભર્યા શબ્દો, પોતાની સંબંધ નિષ્ઠા માટે પતિ તરફથી આભારપરાયણતા. બસ આટલુંજ એક પત્ની ને ખુશ રાખવા પર્યાપ્ત હોય છે.. એક સ્ત્રી દરેક કમી હસતા મોઢે સહી શકે પરંતુ ભાવનાઓ ની કન્જુસાઈ એની સહનશક્તિ ને નબળી જરૂર કરી શકે.. બાકી મહેલો અને કિંમતી ઘરેણાઓ માં શોભતી ઘણી સ્ત્રીઓ મને મળી ચૂકી છે..”

સહજે પતિ તરીકેના પોતાના અભિપ્રાયો દલીલ માં ઉતાર્યા : ” જ્યાં સુધી મારુ જ્ઞાન છે, સ્ત્રીઓ ને ખુશ રાખવું આ જગત નું સૌથી સરળ કાર્ય અઠવાડિયા ના છ દિવસ પોતાની મરજી માફક કોઈ પણ સ્થળે , કોઈ ની પણ જોડે પસાર કરો ને અઠવાડિયા ને અંતે એક કેન્ડલ લાઈટ ડિનર ની લાંચ બધીજ ગેરહાજરી ને ભુલાવી આપવા પર્યાપ્ત ! મિત્રો જોડે ગમે તેટલું રખડો ,વર્ષ માં એક વાર ડાયમન્ડ ની રિંગ થમાવી દો ને આખા વર્ષ નો ખાલીપો પ્રેમ થી સંપૂર્ણ ! બાળકો ને ઘર ની જવાબદારી પ્રત્યે ભાવાત્મક નબળાઈ થી જોડાયેલા એ અતિસંવેદનશીલ જીવ ને નિયઁત્રણ માં રાખવું એટલું મુશ્કેલ ક્યાં ? થોડા ટીવી ના ચેનલો , એક રિમોટ કન્ટ્રોલ ને સુંદર મજાનું રસોડું વસાવી ને આપી દો તો એજ નાનકડા વિસ્તાર માં પોતાનું આખું જીવન ખુશીખુશી ખર્ચી નાખે ! મહિના માં એકાદવાર શોપિંગ મોલ માંથી મનપસંદ ખરીદી કરાવી આપો ને બાકી ના દિવસો શાંતિ થી પસાર કરો.. બિઝનેસ ટ્રીપ ને નામે લાંબીલચક રજાઓ ગાળો ને એટલા દિવસો એના માતાપિતા ને ત્યાં રહેવાની મજા માળવાનો અધિકાર આપવા ની કૃપા વરસાવો !”


દેવેન પહોળી આંખે અને ખુલ્લા મોઢે સહજ ને નિહાળી રહ્યો : ” સ્ત્રીઓ પર પી.એચ .ડી . કરી છે કે શું ? ” ઓવરટાઈમ વચ્ચે મળતી ૩૦ મિનિટ ની બ્રેક માટે ની એલાર્મ ગુંજી . દેવેન અને સહજ ની ચર્ચા ને પણ બ્રેક લાગી . કેન્ટીન ની દિશા માં ઉપડેલા કાર્યકરો ની સાથે સહજ ના પગલાં પણ કેન્ટીન ભણી ઉપડ્યા .

” એક સેટિંગ છે …આવીશ મારી જોડે ?” પોતાના નિર્ધારિત કાર્યક્રમ માં જોડાવા દેવેન લાલચભરી દ્રષ્ટિ એ સહજ ને આમંત્રણ આપી રહ્યો. ” તું નહીં સુધરીશ ને ?” સહજે દેવેન ને મશ્કરી માં એક લપડાક મારી. ” મીડ નાઈટ કોફી શોપ . પંદર મિનિટ માં આવી જઈશુ .” પોતાની આંખો ના ભવાં ઉપર ઉઠાવતા દેવેને સહજ ને મનાવવા પ્રયાસ કર્યો. ” તું મારો જીવ છોડવાનો ખરો ? ” દેવેન ની જીદ થી હાર માનતા સહજ કોફીશોપ માં આવવા રાજી થઇ ગયો.

મર્યાદિત સમય માં પ્રેમ ની નવી મુલાકાત ને નિપટાવી આવવા દેવેન ની ગાડી સડસડાટ મીડ નાઈટ કોફી શોપ ઉપર પહોંચી. સહજે મેન્યુ માંથી પોતાની ગમતી કોફી ઓર્ડર કરી. દેવેન કોફીશોપ ના પ્રવેશ વિસ્તાર માં રાહ તાકતો ઉભો રહ્યો. સહજ ની કોફી વેઈટરે ટેબલ પર ગોઠવી . ગરમાગરમ કોફી ની સુગંધ માણતા સહજે પહેલી ચુસ્કી લેવા પ્રયાસ જ કર્યો કે લેડીઝ ફ્રેશ રૂમ તરફથી એક સુંદર સ્ત્રી બહાર નીકળી . કોફી ટેબલ ઉપર છોડી સહજ એ સ્ત્રી તરફ દોડ્યો.

” શાલિની તું અહીં ? ” સહજ ના વિસ્મય ભર્યા પ્રશ્ન નો ઉત્તર આપવા પ્રયાસ થાય એ પહેલાજ પાછળ થી દેવેન અધીરાઈ પૂર્વક ધસી આવ્યો . ” આપ અહીં છો અને હું એન્ટ્રન્સ તરફ આપની રાહ જોઈ રહ્યો હતો . મીટ માઈ ફ્રેન્ડ સહજ …” સહજ બરફ સમો થીજી ગયો . સ્ત્રી ના ચ્હેરા પર નાં ઉડી ગયેલા રંગો કરતા સહજ ના ચ્હેરા પર નો પરસેવો વધુ છોભીલો હતો .


સામે ઉભેલી શાલિની પોતાની પત્ની છે એ કહી શકે ખરો ? દેવેન નો અભિપ્રાય જીવતોજાગતો પોતાની પત્ની ના સ્વરૂપ માં એની દ્રષ્ટિ આગળ ઉભો એના અભિપ્રાય ની મશ્કરી ઉડાવતો જાણે ચારેતરફ ગૂંજી રહ્યો હતો : ” સ્ત્રી તો ફક્ત ભાવનાઓ ની ભૂખી !!!!!!!!” પણ આ અભિપ્રાય ને સમજવામાં મોડા પડાયું હતું. પોતે સંબંધ માં કરેલી ‘ભાવાત્મક કન્જુસાઈ ‘ પોતાની પત્ની ની સહનશીલતા ને નબળી બનાવી ચૂકી હતી….

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ