માવજત – તમે તમારા બાળકોની કેર કરો છો? આ વાંચો અને પછી જ જવાબ આપજો…

આમ તો આ સિરીઝ “માવજત” માં મારે સ્ત્રી તેના જીવનના દરેક સંબંધને કેવી રીતે માવજતથી ઉછેરે છે તે કહેવાનું હતું, પણ આજે જયારે પહેલો આર્ટીકલ લખવો હતો ત્યારે વર્તમાન પરિસ્થિતિ જોઇને વિચાર્યું કે સ્ત્રીને આપણા સમાજમાં કેવીક માવજત મળે છે તેના વિશે વાત કરવી ઉત્તમ રહેશે.

શરૂઆતમાં જ કહી દઉં કે મને આ રીતે સ્ત્રી સાથે કોઈ અજુગતી ઘટના બને ત્યારે તેના વિશે લખવામાં જરા પણ રસ નથી હોતો. જે રીતે મમી-પપ્પાને યાદ કરવા માટે મધર્સ ડે અને ફાધર્સ ડેના દિવસે જ બાળકો જાગે છે, એ જ રીતે જ્યારે દેશમાં કોઈ સ્ત્રી સાથે બળાત્કાર થાય ત્યારે જ કહેવાતા સ્ત્રીઓના શુભચિંતકો અને દેશના મહાન વિચારકો જાગી ઉઠે છે..
પણ પછી શું થશે?? એક મહિના-બે મહિના સુધી આ ઘટના ચર્ચામાં રહેશે.. લોકો કેન્ડલ માર્ચ કરશે, દરેક જગ્યાએ ન્યુઝમાં અને દરેક ઘરમાં બસ આ જ બળાત્કાર વિશે ચર્ચા થવા લાગશે.. પણ થોડા સમયમાં જેસે થે..!! સાવધાનમાંથી સીધા વિશ્રામ..!!જો કે આમાં કોઈનો વાંક કહી પણ ના શકાય.. ચંચળ સ્વભાવ દરેક માણસનો હોય.. અરે પુરા ચોવીસ કલાક સુધી જો પત્ની સાથે રહેવાનું કોઈ પતિને કહેવામાં આવે તો તે પણ ના રહી શકે.. પછી ભલે ને એ તેને ગમે એટલો પ્રેમ કરતો હોય.. આપણું પણ કંઇક એવું જ છે.. જે વિષય ચર્ચાય રહ્યો છે તેમાં ડૂબકી મારીને પોતાના થકી અમુક જળછાંટણા કિનારે કરી દેવાના. એટલે લોકોને થાય કે આહા આને કરંટ ટોપીકની ખબર છે ખરી..!! આજકાલ જાણે આ ફેશન થઇ ગઈ છે..!!
ખરેખર જે બનાવ બન્યો દેશમાં એનાથી તમારા હ્રદયને ઠેસ પહોચી છે?? તો સૌથી પહેલું કામ એ છોકરીને દયાની નજરે જોવાનું બંધ કરો. એને ન્યાય અપાવવા ઈચ્છો છો..?? ઉત્તમ.. પણ એના માટે તમે શું કરી શકવા સમર્થ છો? શરૂઆત તમારા જ ઘરથી કરો. બદલાવ ઈચ્છતા હોય તો પ્રથમ પોતે બદલવાનું શરુ કરો.. તમારી દીકરી, જે ભલે પાંચ વર્ષની હોય,પંદર વર્ષની હોય કે પચીસની તેને આ ઘટના વિશે સમજાવો.. તેને જણાવો.. ઈનફેક્ટ હું તો કહું છું જો દીકરી થોડી મોટી હોય તો એક હેલ્ધી ડિસ્કશન કરો તેની સાથે.. એના થકી તમને પણ તમારી દીકરીના વિચારો જાણવા મળશે.. કેટલાક ઘરમાં તો કેવું થાય કે આવી કોઈ બળાત્કારની ઘટના સામે આવે ને એટલે માં-બાપ અમુક દિવસ માટે છાપું તેમની દીકરીથી સંતાડી દે.. છોકરીના મન પર ખરાબ અસર પડે.. આવું બધું તેને કઈ વાંચવા નાં દેવાય.. અરે ઓ પરફેક્ટ માં-બાપના કાફલામાં રહેનારા પુરુષો અને સ્ત્રીઓ,એ જાણશે નહિ તો એને સમાજની વરવી વાસ્તવિકતા ખબર કેવી રીતે પડશે…!!!! એને સમજાવો.. હું તો કહું છું કે એક બાપે જ આવી કોઈ ઘટનાની વિગતો તેની દીકરીને કહેવી જોઈએ.. એક પુરુષની માનસિકતા સુપેરે સમજાવી શકનાર પુરુષ જ હોય શકે..!!
બીજું કે તમારી દીકરી અને દીકરાને પણ સેક્સ એજ્યુકેશન આપો.. મોટાભાગના ઘરોમાં આવી કોઈ ઘટના બને ને એટલે સૌથી પહેલો સવાલ બાળકનો એ હોય કે “બળાત્કાર” એટલે શું?? જ્યાં સુધી બળાત્કારની સાચી વ્યાખ્યા તમારા બાળકને નહિ ખબર હોય ત્યાં સુધી એ કઈ રીતે સમજી શકશે કે તેની સાથે આવું કશુક થાય તો એ ખરાબ કહેવાય.. ઘણાખરા ઘરોમાં તો “આ બધું ગંદુ કહેવાય”, “આવું બધું નહિ પૂછવાનું” તેમ કહીને બાળકને ચુપ કરી દેવામાં આવે.. જ્યાં સુધી બાળકની ઉત્કંઠા નહિ શમે ત્યાં સુધી એને શાંતિ નહિ થાય.. એટલે એક યા બીજી રીતે તમારું બાળક એ “બળાત્કાર” વિશે જાણવાની ચેષ્ઠા કરશે..!! અને જયારે એની ઉત્કંઠા ઇન્ટરનેટના માધ્યમથી સંતોષાશે ત્યારે એનું મગજ વિચલિત થઇ ચુક્યું હશે..!!

ત્રીજી વાત.. આવી કંઇક ઘટનાઓ સામે આવ્યા પછી સાવ સામાન્ય બની રહેતી અને દરેક દ્વારા સૌથી વધારે ચર્ચાતી વાત.. તમારી દીકરીને સેલ્ફ ડીફેન્સ શીખવો.. પણ હા એ શીખવવામાટેની ઉમર તમે જાતે નક્કી કરો.. સમાજને એ નક્કી કરવાનો હક ના આપો.. “મારી દીકરીને કંઇક વાગી જશે તો કોઈ છોકરો નહિ મળે”, “આખો દિવસ તડકામાં રખડીને આવું બધું શીખશે તો કાળી પડી જશે” “લોકો શું વિચારશે કરાટે શીખવા જાય છે” એવું બધું કહીને કે વિચારીને તેને કોમળ ના બનાવો.. એ આ જગતની સૌથી મજબુત વ્યક્તિ છે.. એ સ્ત્રી છે.. તેનામાંથી એક બીજા જીવનો જન્મ થવાનો છે.. ને તેથી જ તેનાથી વધારે સ્ટ્રોંગ કોઈ જ નથી.. કોઈ હોઈ જ ના શકે. બસ તેને આ વાતનો અહેસાસ કરાવો.. જેમ આજકાલ ૩-૪ વર્ષના છોકરાઓ સિંગિંગ, ડાન્સિંગ કોમ્પીટીશનમાં ભાગ લે છે.. તેના પરથી સાબિત થાય છે કે તેઓને એટલી નાની ઉમરથી આ બધું શીખવવામાં આવે છે.. શેના માટે?? ભાઈ સમાજમાં સ્ટેટ્સ જળવાઈ રહે.. છોકરાઓને આવું બધું આવડતું હોય તો ફેમીલી મોડર્ન વિચારો વાળું ગણાય. તો પછી કરાટે, જુડો કે બોક્સિંગ કેમ ત્રણ કે ચાર વર્ષે ના શીખડાવી શકાય??તેનાથી તો દીકરીનું જિંદગીભરનું સ્ટેટ્સ જળવાઈ શકે એમ છે.. સુરક્ષાનું સ્ટેટ્સ.. સલામતીનું સ્ટેટ્સ.. તો એ તો મસ્ટ હોવું જોઈએ..!
સારો સમાજ બનાવવા ઈચ્છો છો?? ભણતરનું પ્રમાણ વધારો.. પણ એનો મતલબ એમ નથી કે ઘેટા-બકરાની જેમ તમારા બાળકોને ડોક્ટર્સ ને એન્જીનીયર બનાવવાની લાઈનમાં લગાડી દો.. સારા વિચારોની શિક્ષા આપો.. શાસ્ત્રો અને વેદ તેમને સમજાવો.. સ્કુલમાં નથી સમજાવતા.. તો કઈ નહિ તેના માટે પર્સનલ ટ્યુશન રાખો. જે ફક્ત તમારા બાળકને શાસ્ત્રો સમજાવી શકે.. ભણાવી શકે એવા ગુરુજનોને ઘરે બોલાવો અને તેમની પાસે ટ્યુશન કરાવો. ડોક્ટર્સ અને એન્જીનીયર્સથી જ એક સારો સમાજ નહિ બને.. સારા વિચાર ધરાવતા, સ્ત્રીને સન્માન આપતા, રાતના ૩ વાગ્યે પણ દીકરીને ઘરથી બહાર જવાની છૂટ આપતા પરિવારોથી એક સારો સમાજ બનશે.. આ બધી જ વાત આપણે જાણીએ છીએ.. સમજીએ પણ છીએ.. પણ શું અમલમાં મુકીએ છીએ?? કોશિશ કરો.. વિશ્વાસ રાખો.. અને તમારા જ ઘરથી શરૂઆત કરો..!
રહી વાત અસિફાના ન્યાયની.. મને નથી લાગતું કોઈ કેન્ડલ માર્ચ કે ફીમેલ બ્લેકઆઉટ કે પછી ઈન્સ્ટાગ્રામ-વોટ્સેપમાં ડીપી બદલવાથી સમાજ બદલાઈ જશે.. ઉલટું એનાથી એ બધા નરાધમોને સેલીબ્રીટી જેવી ફીલિંગ આવશે.. કે તેમના વિશે કેટકેટલું બોલાય ને લખાય રહ્યું છે. આ જોઇને આવી માનસિકતા ધરાવતા બીજા પુરુષો પણ આવું કરવા લલચાશે.. અને પછી શું થશે?? એક બીજી આસિફાનો બળાત્કાર..!!!

જે નરાધમોએ એ કુમળી દીકરીને પીંખી છે, એ નરાધમોના ઘરની, પરિવારની દરેક સ્ત્રીને તમારી બળવાખોરીમાં સામેલ કરો. જ્યાં સુધી તેનો પરિવાર તેને ગુનેગાર નહિ સમજે ત્યાં સુધી બદલાવ નહિ આવે.. અર્જુન માટે તેના ભાઈઓની, કૌરવોની, ભીષ્મ પિતામહની તેના ગુરુની વિરુધ જવું સહેલું નહોતું..!! પણ તેને ખબર હતી કે જે ખોટું છે તેને નિવારવું જ પડશે.. બસ તો જો ખરેખર કંઇક કરવા માગતા હોય આસિફા માટે તો તેના પર બળાત્કાર ગુજારનાર દરેક અપરાધીની માં-બહેન-પતિ-દીકરી-ભાભીને આ બનાવની ગંભીરતા સમજાવો.. એ જો તમારા વિરોધમાં સામેલ થશે, તો ન્યાતંત્ર પણ ન્યાય આપવા મજબુર થશે..!!
જે શક્ય છે એ કરો.. અશક્યથી કોઈ પણ વિરોધ કરવાની શરૂઆત કરશો તો નિરાશા જ સાંપડશે..!!

અંતમાં,

આસિફાને શ્રધાંજલિ..!
પ્રભુ તેના આત્માને શાંતિ અર્પે.
આપણે માનવો તો ના આપી શક્યા..!!

લેખક : આયુષી સેલાણી

આપના મંતવ્યોકોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ આવી અનેક સમજવા જેવી વાતો વાચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી