“મારા સાન્તાક્લોઝ” એક એક શબ્દ દિલને સ્પર્શે એવી લાગણીથી લખાયો છે..આંખ ભીંજાય જશે

“મારા સાન્તાક્લોઝ”
“હે મમી મારા પપ્પા ક્યારે આવશે કે ને…! મારા બધા ફ્રેન્ડ્ઝના પપ્પા સાંતાક્લોઝ બનીને તેમને કેટલી બધી ગિફ્ટ્સ આપે છે…મારા તો પપ્પા પણ નથી આવતા અને સાન્તાક્લોઝ પણ..! મારે પણ મારા પપ્પા આવે એટલે ગિફ્ટ્સ જોઈએ છે..! ”
પચીસમી ડિસેમ્બરની એ સવાર હતી.. શાળાઓમાં વેકેશન ચાલતું હતું તેથી નાનકડા નવરાગને પણ રજાઓ હતી.. રજાઓ હોવાથી તેના સ્કૂલના બધા મિત્રો અને સોસાયટીના બધા ફ્રેન્ડ્ઝ પોતાના માતા-પિતા સાથે બહાર ફરવા જતા રહેલા. જે શહેરમાં હતા તે ક્રિસમસની મજા માણી રહ્યા હતા.. નવરાગની ઉંમર માંડ સાત વર્ષની. તેની નાનકડી આંખો દુનિયાની સમજદારીથી સાવ અજાણ હતી.. એટલે જ આજે સવાર સવારમાં તેની વિધવા માતાને પિતાજી વિશેની પૃચ્છા કરી રહ્યો હતો…!!!!
દીકરાની માસુમિયત જોઈ રિવાની આંખમાં આંસુ આવી ગયા.. તેને જવાબ આપતા તે બોલી,
“આવશે દીકરા તારા પપ્પા પણ આવશે હો ને.. ચિંતા ના કર..!”
નવરાગની વાતનો જવાબ આપીને તેને તો આશ્વાસન આપી દીધું પરંતું રિવા જાણતી હતી કે રિયાઝનું પાછું આવવું અસંભવ હતું. રિયાઝને યાદ કરતા જ રિવા ભૂતકાળમાં સરી પડી…
કોલેજમાં સાથે ભણતા ભણતા ક્યારે નાતે બ્રાહ્મણ એવી પોતાને મુસ્લિમ જાતિના રિયાઝ સાથે પ્રેમ થઇ ગયો તે તેને ખ્યાલ જ ના રહ્યો. ત્રણ વર્ષ બાદ જ્યારે રિયાઝને કોલેજમાથી એક સારી કંપનીમાં પ્લેસમેન્ટ મળ્યું ત્યારે બંનેએ પોતપોતાના ઘરે લગ્નની વાત કરી.. તેમન આશ્ચર્ય વચ્ચે બંનેના ઘરના લોકોએ હસતા હસતા લગ્ન માટે મંજૂરી આપી દીધી. લગ્ન બાદ બંનેનો સુખી સંસાર ચાલતો હતો.. બે વર્ષના લગ્નજીવન બાદ જ્યારે નવરાગનો જન્મ થયો ત્યારે જાણે તેમણે પૂરેલી સુખની રંગોળીમાં અસંખ્ય રંગો ઉભરાઈ આવ્યા.. ને પછી તો ત્રણ વર્ષ એમ જ વીતી ગયા..
તે સમયે નવરાગ ત્રણ વર્ષનો હતો.. આ જ રીતે ડિસેમ્બર મહિનો ચાલતો હતો. રિવા અને રિયાઝ બંનેને પહેલેથી જ પાર્ટીઝનો બહુ શોખ હતો.. એકત્રીસમી ડિસેમ્બરની એ રાતે નવરાગને તેના દાદા-દાદી પાસે મૂકીને તે બંને પાર્ટીમાં ગયા હતા.. સ્વભાવિક રીતે જ તે દિવસે યુવાહૈયાઓ ગાંડાતૂર થયેલા. માન-મર્યાદાને નેવે મૂકીને છોકરીઓ ભાન ભૂલીને રસ્તાઓ પર નાચતી હતી… આવા જ એક રસ્તા પરથી પસાર થતા રિયાઝની નજર રસ્તાની બાજુ પર થઇ રહેલા અધમ કૃત્ય પર પડી.. ચાર છોકરાઓ ભેગા મળીને એક છોકરી પર બળાત્કાર ગુજારી રહ્યા હતા.. વિચાર્યા વગર તેણે તે સુમસામ રસ્તા પર સિસકારા મારતી બ્રેક સાથે ગાડી ઉભી રાખી અને તે છોકરીની વહારે દોડી ગયો.. તે રાતે તે છોકરીની ઈજ્જત તો બચી ગઈ પરંતુ તે ચાર છોકરાઓ સાથેની મારામારીમાં રિયાઝ તેની જિંદગી ખોઈ બેઠો…!
બીજા દિવસે હોસ્પિટલમાં જ્યારે તે છોકરી રિવાને મળવા આવેલી ત્યારે તેણે કહેલું,
“છ દિવસ પહેલા મેં જીસસ પાસે માંગેલું કે મને સાન્તાક્લોઝ આવીને મારો નાનપણમાં મરી ગયેલો ભાઈ પાછો આપી જાય…!
મને શું ખબર કે ભાઈ મળશે એ પણ છોડીને ચાલ્યો જશે..
સાન્તાકલોઝે મારી અડધી જ વિશ ફુલફિલ કરી..!”
તે છોકરીની વાત સાંભળી રિવા રડતી આંખે મૃત રિયાઝને નિહાળી રહી.. તે સમયે કઈ બોલવાનો કોઈ જ મતલબ નહોતો..
તે દિવસ પછી જાણે તેના નસીબ આડે પાંદડું નહિ આખું વૃક્ષ આવી પડ્યું હોય તેમ એક પછી એક અણબનાવોની વણઝાર શરુ થઇ ગઈ.. રિયાઝના મૃત્યુની વાત તેના માતા-પિતા સહન ના કરી શક્યા અને એક જ વર્ષમાં તે બંને પણ અલ્લાહના દરબારમાં પહોંચી ગયા… તે પછી રિવાના પિતાએ દીકરી સાથે વ્યવહાર તોડી નાખ્યો. સમાજને સારું લગાડવા દીકરીને ભૂખ્યા વરુઓ વચ્ચે એકલી છોડી દીધી. લોકોની વાત માનીને દીકરીને અપશુકનિયાળ વિધવા કહીને તેની સાથે સંબંધ તોડી નાખ્યા.
બસ તે પછી ત્રણ વર્ષ વીતી ગયા.. રિવા એક પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈ ગઈ અને બંને માઁ-દીકરાનું ગાડું ગબડવા લાગ્યું. સમજણો થયો ત્યારથી નવરાગ પોતાના પિતાજી વિશે સતત પૂછ્યા કરતો. તેના અવિરત સવાલોને ટાળવા રીવાએ દીકરાને કહેલું હતું “તેના પિતાજી વિદેશ છે અને તેને મળવા ત્રણ વર્ષે જ આવશે.”
આજે ત્રણ વર્ષ પુરા થઇ રહ્યા હતા… એટલે જ સવારથી બીજાના પપ્પાઓને જોઈને નવરાગે તેના પપ્પાને મળવાની જીદ પકડી હતી..  રીવાએ વિચાર્યું કે હવે નવરાગને ખોટી આશાઓ બંધાવાનો કોઈ મતલબ નથી. રિયાઝ કદી પાછો નથી આવી શકવાનો તે હકીકત તેણે પોતાના સાત વર્ષના દીકરાને કહી જ દેવી જોઈએ..
આંગણામાં રમી રહેલા નવરાગ પર રિવાને અચાનક જ વહાલ ઉભરાઈ આવ્યું. તેની આંખો અને મોંફાડ બિલકુલ રિયાઝ જેવી જ હતી.. નવરાગ હસતો ત્યારે રિયાઝની જેમ તેની આંખો પણ ચૂંચી થઇ જતી.. રિયાઝને પોતે ચીની કહીને કેવો ચીડવતી તે યાદ કરીને રિવા મનમાં ને મનમાં મલકાઈ ઉઠી.. નવરાગને હકીકત જણાવાનો આથી ઉત્તમ અવસર બીજો કયો હોય શકે તેમ વિચારીને રિવા પોતાના દીકરા પાસે ગઈ.. તેની નજીક જઈ ઘડી બે ઘડી તેના માથા પર હાથ પસવારવામાં જ વિતાવી દીધી. જાણે દુઃખદ સમાચાર આપ્યા પહેલા જ તેના નાનકડા મગજને દિલાસો આપવા ઇચ્છતી હોય તેમ..! હજુ તો તે કઈ બોલવા જાય તે પહેલા નવરાગે તેને સંબોધીને કહ્યું,
“મમાં, પ્લીઝ મને આજે ડેડીનો ફોટો તો બતાવ. મેં તો આજ સુધી મારા ડેડીને જોયા પણ નથી.. અને તું મને એનો ફોટો પણ નથી બતાવતી. એ આવશે તો મારે એમને રેક્ગનાઇઝ કેવી રીતે કરવા તું જ કહે..!
એટલે જ જો મેં એમનો ફોટો જોયેલો હોય તો મને ડેડીને ઓળખવામાં વાંધો ના આવે ને..”
નાનકડા નવરાગની તે વાત સાંભળીને ફરી રીવાની આંખો ભરાઈ આવી.. આંખ પર આંસુઓનો પડદો છવાઈ ગયો.. ધીમે ધીમે તેણે પોતાના એ અશ્રુઓને સાફ કર્યા કે ત્યાં જ જાણે સામે અચરજભર્યું દ્રશ્ય જોવા મળ્યું.
 ત્રણ-ત્રણ વર્ષથી “તું અનાથ છે હવેથી” એમ કહીને કાઢી મુકેલી દીકરીના ઘરે આજે બાપ સામે ચાલીને આવ્યો હતો… આંગણાના દરવાજે જોયું તો તેના પિતાજી ઉભા હતા… પરંતુ એકાએક તેમના કપડાં પર ધ્યાન જતા રિવાને નવાઈ લાગી. હજુ તો તે આગળ વધીને કઈ કહેવા જાય તે પહેલા જ નાનકડો નવરાગ બૂમો પાડવા લાગ્યો..
“એ મારા ઘરે સાન્તાક્લોઝ આવ્યો.. એ મારા ઘરે સાન્તાક્લોઝ આવ્યો….!”

ને રિવાને તે કપડાનો તાળો મળી ગયો.. તેના પિતાજી લાલ કલરના તે કોટ-પેન્ટમાં અદ્દલ સાન્તાક્લોઝ જેવા લાગતા હતા..! આંસુભરી આંખે રિવા પોતાના પિતાજીને જોઈ રહી.. નવરાગ દોડતો સાન્તાક્લોઝ પાસે પહોંચી ગયો.. સાત વર્ષની જિંદગીમાં સમજણો થયો ત્યારથી નાનાને મળ્યો ના હતો એટલે તેના માટે તો એ રિયલ સાન્તાક્લોઝ જ હતો…!
સાન્તાક્લોઝ એટલે કે રિવાના પપ્પા પાસે જઈ નવરાગે તેને સંબોધીને કહ્યું,
“સાંતાદાદા.. હું તમારી જ વેઇટ કરતો હતો સવારથી. અને હા મારા પપ્પાની પણ.. હવે તમે આવી ગયા તો તમે મારી વિશ પુરી કરશો કે???”
“શું જોઈએ દીકરા તારે? માંગને…!”
સાન્તાક્લોઝના એ સવાલના જવાબમાં માર્મિક હસીને એ સાત વર્ષનો નવરાગ બોલ્યો.
“મને મારા ડેડી જોઈએ છે.. મારા માટે પણ અને મમી માટે પણ..! મમીના ડેડી ક્યારેય નથી આવતા. મમી અપસેટ થઇ જાય છે… તો તમે મારી મારી વિશ પુરી કરશો આ??”
સાન્તાક્લોઝ બનેલા રિવાના પપ્પાની આંખો પોતાના નાતિનની આ વાત સાંભળી આંસુઓથી છલકાઈ ગઈ..! તેને જવાબ આપતા, પોતાની દીકરી તરફ નજર કરીને તેઓ બોલ્યા,
“બિલકુલ પુરી કરીશ દીકરા. તારા ડેડી અને તારા મમીના ડેડી બંને આવી જશે…!”
આટલું કહીને તેઓ રિવા તરફ ગયા.. તેના માથે હાથ મૂકીને બોલ્યા…,
“દીકરી મને માફ કરી દે.. કોઈની વાતોમાં આવી મેં મારી દીકરીને તરછોડી દીધી. એકલી મૂકી દીધી.
બસ એ વાતનું આજે હું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું..
નવરાગને પપ્પાની જરૂર છે દીકરી. વિધવા બનીને અપશુકનિયાળની જિંદગી તે બહુ જીવી લીધી. હવે તારા લગ્ન હું ફરીથી કરાવીશ. તું કહીશ ત્યાં ને તું કહીશ તેમજ…!
મારી વાત માનીશ ને મારી ઢીંગલી??”
ને ત્યારે નવરાગની ઉંમરની થઇ ગયેલી નાનકડી રિવા પોતાના સાન્તાક્લોઝના બાહુપાશમાં લપાઈ ગઈ..
ને પછી રિવાના પિતાજીએ સમાજ સમક્ષ પોતાની વિધવા દીકરીના પુનર્વિવાહ કરાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..!!
લેખિકા : આયુષી સેલાણી 
રોજ રોજ નવી વાર્તાઓ તમારા મોબાઈલમાં વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી