આ છ કામથી દૂર રહેનારી સ્ત્રીઓ પરિવારને સંપૂર્ણ સુખ આપે છે

મનુસ્મૃતિનું હિન્દુ ધર્મમાં ખુબ મહત્ત્વ છે અને એક આગવું સ્થાન છે. આ ગ્રંથમાં જીવનમાં સુખી થવાની ચાવીઓ આપવામાં આવી છે. આ ગ્રંથમાં સાંસારિક જીવનને લગતાં અનેક સૂત્રો દર્શાવવામાં આવ્યા છે જે કોઈપણ મનુષ્ય માટે ખુબ જ પ્રાસંગિક છે. આ ગ્રંથમાં સ્ત્રી-પુરુષ માટે સામાન્ય તેમજ સ્ત્રી અને પુરુષ એમ અલગ અલગ જાતિ માટે પણ કેટલાક સૂત્રો આપવામાં આવ્યા છે.

આજે આપણે કેટલાક એવા સૂત્રોની ચર્ચા કરીશું જે સ્ત્રી માટે છે. અહીં એવા છ કૃત્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને સ્ત્રી નહીં કરે તો તે પોતાના કુટુંબને પરમ સુખ આપી શકશે.

શ્લોકઃ

पानं दुर्जनसंसर्गः पत्या च विरहोटनम्।
स्वप्नोन्यगेहेवासश्च नारीणां दूषणानि षट्।।

અર્થઃ

1 મદ્યપાન કરવું.
2 પરપુરુષ સાથે સંબંધ રાખવો
3 પતિથી અલગ રહેવું.
4 વગર કામનું હરવું ફરવું.
5 સમય વગર ઉંઘવું.
6 બીજાના ઘરે રહેવું.

આ છ કૃત્યો સ્ત્રીને ભ્રષ્ટ કરી દે છે.

1. મદ્યપાન અથવા અન્ય કોઈ જ મગજને ભ્રમિત કરતા નશીલા પદાર્થનું સેવનઃહિન્દુ ધર્મમાં મહિલાની શરમને તેનું આભૂષણ માનવામાં આવ્યું છે. શરમ એટલે કે મર્યાદ. આપણા ધર્મમાં સ્ત્રી માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જ્યારે મહિલા પોતાની મર્યાદા ઓળંગે છે ત્યારે તેની મતિ ભ્રષ્ટ થઈ જાય છે.

મદ્યપાન કરવાથી અથવા અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન કરવાથી સ્ત્રીનું મગજ ભ્રમિત થઈ જાય છે તેને સારાનરસાનો ખ્યાલ નથી રહેતો અને તે બધી જ મર્યાદાઓ ઓળંગી લે છે. આમ કરવાથી તે કુટુંબને નુકસાન પહોંચાડે છે.

2. પરપુરુષની સંગતઃમનુસ્મૃતિ ગ્રંથમાં જણાવ્યા પ્રમણે સ્ત્રીએ પર પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ અને તેની સંગત પણ ન રાખવી જોઈએ. આમ કરવાથી તે પોતાની જાતની સાથે સાથે પોતાની મર્યાદા અને પોતાના કુટુંબની મર્યાદા પણ જોખમમાં મુકે છે. આમ થવાથી સ્ત્રીના ચારિત્ર્ય પર પણ શંકા જાય છે.

આવી સ્ત્રીઓનો સમાજ સ્વિકાર કરતો નથી. આમ કરવાથી કુટુંબની અન્ય સ્ત્રીઓનું પણ માનસમ્માન હણાઈ જાય છે. માટે સ્ત્રીએ પારકા પુરુષ સાથે સુમેળ કેળવવો જોઈએ નહીં.

3. પતિથી જુદા રહેવુઃ આ ગ્રંથ પ્રમાણે સ્ત્રીના લગ્ન સુધી તેની રક્ષા તેનો પિતા કરે છે અને લગ્ન બાદ તેનો પતિ તેની રક્ષા કરે છે. અને તેના ગઢપણમાં તેનો પુત્ર તેની રક્ષા કરે છે. માટે સ્ત્રીએ પતિ સાથે જ રહેવું જોઈએ તેનો સાથ ક્યારેય છોડવો જોઈએ નહીં.

પતિના કપરા સમયમાં જ સ્ત્રીની ખરી પરીક્ષા હોય છે જો તેણી તે સમય સાંચવી લે તો જગ જીતી લે છે. તેને તેના કારણે સમાજમાં સમ્માન મળે છે. પણ જો તે પોતાના પતિથી અલગ રહેવા લાગે તો તેને સમાજમાં માન મળતું નથી અને તેનો પરિવાર દુઃખી થાય છે.

પતિથી દૂર રહેનારી સ્ત્રી સ્વચ્છંદી બની જાય છે. ઘણીવાર તે ભટકી જાય છે અને તેને સારાનરસાનું ભાન નથી રહેતું. જો તેણી માતા હોય ત્યારે તો તેણે પોતાના બાળકોનો ખાસ વિચાર કરીને આવું પગલું ભરવું જોઈએ નહીં. બાળક પર પિતાની છત્રછાયા હોવી ખુબ જ જરૂરી છે.

4. કામવગર હરવું ફરવુઃ જે સ્ત્રી કોઈ પણ કામ વગર આમ તેમ ફરતી રહે છે તે સ્વચ્છંદી થઈ જાય છે, આવી સ્ત્રીઓ કોઈપણનું કહેવું માનતી નથી સામાજિક તેમજ કૌટુંબિક મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે. તેને સમ્માન નથી આપતી. આગળ જતાં તેની આ કુટેવથી તેની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચે છે અને તેના કારણે તેનો પરિવાર પણ તેને અપનાવતા ખચકાય છે. તે કુટુંબમાં પોતાનું સમ્માન ખોઈ બેસે છે.

આવી સ્ત્રીઓના કારણે તેના પરિવારને સમાજમાં માનની નજરે જોવામાં નથી આવતો. જો પરણેલી સ્ત્રી આવું કૃત્ય કરે તો તેના પતિ તેના સંતાનો બધાને તેના પરિણામ ભોગવવા પડે છે. આમતેમ નિરર્થક ફરવાથી સ્ત્રીના ચારિત્ર્યમાં છિંડા પડે છે.

5. કોઈપણ સમયે સુતા રહેવાની કુટેવઃસ્ત્રીના આળસુ હોવાનું આ એક લક્ષણ છે. અને આળસ હોય ત્યાં ક્યારેય ઐશ્વર્ય આવતું નથી. તે ઘરમાં હંમેશા સમસ્યા જ રહ્યા કરે છે. માટે જ તો સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવામાં આવી છે અને જો તે જ લક્ષ્મી આળસુ હશે સમયસર ઉંઘતી-ઉઠતી નહીં હોય તો તેનાથી ઘરમાં પનોતી આવે છે.

તેની સુવાની આ કૂટેવને કારણે તે કુટુંબની જવાબદારી વ્યવસ્થિત રીતે પૂરી કરી શકતી નથી. અને કુટુંબમાં અસંતોષનું વાતાવરણ ઉભું થાય છે. તેવા સંજોગોમાં બાળકનો ઉછેર પણ યોગ્ય રીતે નથી થઈ શકતો. માટે જો કુંબને સુખી તેમજ સંપૂર્ણ રાખવું હોય તો નિયમિત ઉંઘવું જોઈએ.

6. પારકા ઘરમાં રહેવુઃઆપણે બધા જાણીએ છીએ કે પિતાના ઘર બાદ સ્ત્રીનું બીજું ઘર તેના પતિનું ઘર હોય છે. માટે તેણે પોતાના પતિના ઘરે જ રહેવું જોઈએ. પછી તે ઘર ગમે તેટલી અસગવડોથી ભરેલું હોય તો પણ તેણે ઘરનો ત્યાગ કરવો જોઈએ નહીં.

બની શકે કે તેના પિયરમાં તેને બધી જ સુખસાહ્યબી મળી રહેતી હોય અથવા અન્ય કુટુંબીજનનું ઘર વધારે સુવિધાજનક હોય પણ ક્યારેય ભૌતિકતાની લાલચમાં પોતાના પતિનું ઘર છોડી અન્યના ઘરમાં રહેવું જોઈએ નહીં. સ્ત્રીએ પોતાના કુટુંબ સાથે જ પોતાના પતિ સાથે જ બધા સુખ તેમજ દુઃખ ભોગવવા જોઈએ. સમસ્યાઓથી ભાગવું જોઈએ નહીં. તેનો અડગ રીતે સામનો કરવો જોઈએ.