આવા પણ દીકરા હોય છે!!! – શું એની પાસે આત્મહત્યા એ એક જ ઉપાય હતો???

આવા પણ દીકરા હોય છે!!! કોઈપણ વ્યક્તિ હોય એનું જીવન એક નહિ પણ એનેક કહાનીઓથી ભરેલું હોય છે. એની સાથે એક એક બનતી ઘટનાને જો જોડવામાં આવે તો એક નહિ બે નહિ પણ હજારો કહાણીઓ જન્મ લેશે એમાં કોઈ શંકા નથી …. ચાલો આજે થોડા ભૂતકાળને વાગોળીને બનાવીએ એક કહાની…!!!

વર્ષો પહેલાની વાત છે. સાંજનો સમય હતો.નદીકિનારો ઠંડા પવનોની હલકી હલકી લહેરો મને મન મૂકીન્રે સ્પર્શી રહી હતી.આથમતા સૂર્યનો કુણો કુણો તડકો આજે મને મીઠો લાગતો હતો…હું એક વડના ઝાડ પાસે બેસીને એ તડકાને પકડવા માટે ઉભી થઇ…પણ આ શું એ તડકો મારી સાથે છૂપાછૂપી રમતો હોય એવું લાગ્યું. નદીના પાણીમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ પણ ગજબ હતું…એવું લાગતું કે આજે આ નદીને સોળે સણગાર એના સોનેરી કિરણોનાં પ્રતિબિંબથી સજાવી રહ્યા છે. દૂર દૂર દેખાતા લીલાછમ ખેતરો જોઇને તો હું પાગલ જ થઇ ગઈ…


પણ, અફસોસ !! મને એ દૂર દૂર ખેતરોમાં કોણ લઇ જાય ? મારે ખેતરમાં બેઠેલા ચાડીયાને જોવો છે. મને ચાડીયો દેખાડવા કોણ લઈ જાય ? હજી હું આ વિચારોમાં ને વિચારોમાં અટવાયેલી હતી… ત્યાં જ એક જોરદાર અવાજ આવ્યો, “ ધબ્બ્બ્બબ્બ્બ્બબ…….” ખરેખર આ અવાજ ક્યાંથી આવ્યો એ તો મને ખ્યાલ ન આવ્યો પણ અવાજ ખુબ જ મોટો હતો. એટલે આજુબાજુના લોકો નદીના એક કુવા તરફ દોડવા લાગ્યા..

મને ગામના લોકો કેમ દોડી રહ્યા છે એનો ખ્યાલ ન આવ્યો…થોડી જ વારમાં આખું ગામ એ કુવા પાસે એકઠું થઇ ગયું. કોઈ દોડીને ગામમાંથી ખાટલો, દોરડું લઈ આવ્યા…તો કોઈ બે ચાર જુવાનીયાને દોરડું બાંધીને કુવામાં ઉતારવાની તૈયારી કરતુ હતું. હું દૂર બેઠા બેઠા આ બધું જોઈ રહી હતી. મને નવાઈ લાગી કે એવું તો શું થયું છે કે આખું ગામ હો…હો મચાવી રહ્યું છે.. ત્યાં એક બહેન દોડતા દોડતા હાંફતા હાંફતા શ્વાસ માંડ માંડ લઈને મોટેથી બૂમો પાડતા નીકળ્યા, એ કોઈ મારી વહુને બચાવો. એ કુવામાં પડી ગઈ છે…કોઈ મારી વહુને બચાવો..!


આ સાંભળી હું તો પહેલા એકદમ ડરી જ ગઈ કે કુવામાં કોઈ પડ્યું છે ? ,મને આમ પણ લોકોના ટોળાથી ડર લાગતો નાનપણમાં. એટલે, હું ક્યારેક જ્યાં વધારે લોકો એકઠા થયા હોય ત્યાં તો ક્યારેય ઉભી પણ ન રહું. મેં ઘરે આવીને કોઈને કશું કહ્યું નહિ. હું ચૂપચાપ મારું સ્કુલનું અધૂરું હોમવર્ક બાકી હતું એ કરવા લાગી. આમ તો એ ગામ અમારું વતન જ પણ ગામડે રહેવાનું નહી એટલે હું કોઈને નામ જોગ ઓળખું નહિ. પણ હજી હું એ મારા ગામનો નદી કિનારો આજે પણ ખુબ જ મિસ કરું છું.

બીજે દિવસે સવારે ખબર પડી કે, નાથાની વહુએ પાંચમી દીકરીને જન્મ આપ્યો. એટલે સુવાવડના ખાટલામાં જ નાથાએ એને ખુબ મારી, મારી મારીને અધમૂઈ કરી નાખી…રોજ રાત્રે દારૂ પીને ઘરે આવવું …ને એની વહુ હીરાને દીકરો નથી આપતી..નકરી દીકરીઓ જ તારી કુંખે જન્મે છે. અભાગણી ! તું ક્યાંથી મારા ઘરમાં આવી ? આ મારી માને પો’ચાયું નહિ. નહિતર ક્યારની તને આ ઘરમાંથી કાઢી મૂકી હોત !


રોજનો આ કકળાટ, રોજનો ઢોર માર ખાવાનો, રોજ હાલતા ચાલતા અપમાન સહન કરવાના. આ બધું ક્યા સુધી સહન કરી શકે બિચારી? બિચારી અંતે થાકીને હારી ગઈ આ દારૂડિયા પતિથી…એટલે એણે પાંચેય છોકરીઓ સાથે કુવામાં પડીને મોતને ઝંપલાવ્યું..હજી એની સુવાવડ આવ્યાને ખાલી બે’દિ જ થયા છે..જન્મનાર છોકરીના નસીબ તો જોવો. જે માયે જન્મ આપ્યો એ જ માએ એને બે’દાડામાં મોત આપ્યું..

અરેરે..! દીકરાની લ્હાયમાં ને લ્હાયમાં પાંચ પાંચ ફૂલ જેવી દીકરીઓને ખોઈ..હવે એ અભાગીયા નાથીયાને બીજું બયરુ કોણ આપશે..? બયરુ સારું મળ્યું તો કદર ન કરી ! જ્યાં જોવો ત્યાં આખા ગામમાં આવી જ વાતો ચોરે ને ચૌટે સાંભળવા મળતી… પણ મને ત્યારે આ દીકરા દીકરીનો ભેદ શું કહેવાય એ સમજણ ન પડી. પણ, વર્ષો પછી એ વાતનો ખ્યાલ આવ્યો.

આખું ગામ હવે નાથીયાને બોલાવતું નહિ…એને જોઇને ગામના બધા દૂર દૂર ભાગે. સમય જતા નાથિયો એકલતા અનુભવવા લાગ્યો..એને પસ્તાવો થયો કે ન થયો એ તો કોને ખબર પણ એ થોડો દારૂડિયો હતો જે ખાલી રાત્રે જ પીતો. હવે એ આખો દીવસ કલાકે કલાકે દારૂના એક એક પેગ લેવા માંડ્યો. ઘરમાં હવે ખાવાના પણ સાસા પડવા લાગ્યા. નાથીયાની મા હીરાબાને ઘરનું પૂરું પાડવા આ ઉમરે દાડિયે જવાના દિવસો આવ્યા.


આખા દિવસની મજૂરી કરીને થાકેલા પાકેલા હિરાબાને ઘરનું કામ તો ઉભું ને ઉભું..રોજ હીરાબા એની વહુને યાદ કરીને આંસુ સારે! “ તું તો જતી રહી આ દુનિયા છોડીને ! તે મારોય વિચાર ન કર્યો ? કે તારા વગર આ અભાગણીનું કોણ ? ભલે તું મારી વહુ હતી. પણ મેં તને મારો દીકરો માન્યો હતો ..મેં ક્યા તને ક્યારેક દીકરી બાબતે મેં’ણા મારેલા ? તને મારો પ્રેમ પણ ન દેખાણો ? તું તો આ નરકમાંથી છૂટી ગઈ, હવે ખબર નહિ હું ક્યારે છૂટીશ ??

તે જાતે મોત વ્હાલું કર્યું તો આ નાથીયાને સજા પણ ન મળી! જો નહિતર હું જ એને જેલ ભેગો કરેત. માંડ માંડ ગળામાંથી એક ડૂસકું નીકળ્યું ને ધ્રૂજતા હાથે આંખે આંસુઓ લૂછતા હીરાબા ઘરનું કામ કરવા લાગ્યા. ત્યાં નાથીયાનો અવાજ સંભળાયો , એય ડોશી, શું તું અ’તારે બોલતી’તી? તને આ નર્ક લાગે છે એમ ? તું મને સજા આપાવીશ ? હે …! તું મા છે કે ડાકણ ! જેને તારા વંશને આગળ વધારવા એક વારસ નથી આપ્યો. ઈ અભાગણીને તું યાદ કરે ને હું તારો દીકરો છું તો તું મને નરાધમ સમજે છે ? “આટલું બોલી જોરથી એક તમાચો નાથીયાએ હીરાબાના મોઢાપર માર્યો…”


બિચારા હીરાબમાં ક્યા એટલી તાકાત કે એ આ દારૂડિયાનો સામનો કરી શકે…!! એક લાફે તો હીરાબા નીચે પડી ગયા.. નાથીયાનો ગુસ્સો એટલો કાબુ બહાર હતો કે એને એ પણ ખ્યાલ ન રહ્યો કે આ ગમે એમ તોયે મારી મા છે.

હીરાબા ફળીયામાં પોતાના બચાવ માટે નીકળી ગયા…નાથિયો પાછળ પાછળ ફળીયામાં આવ્યો દોડતો દોડતો..હવે એ ફળીયામાં બધાની સામે ઉઘાડો પડી ગયો. એનું અસલીરૂપ લોકોએ આજે જોયું. એ વધારે ફૂંગરાયો ને એનું ધ્યાન ધરિયા પર પડ્યું..એ ધારિયું લઈને એને હીરાબાનાં ત્યાં ને ત્યાં જ બે કટકા કરી નાખ્યા. હીરાબાના ત્યાં ને ત્યાં જ રામ રમી ગયા ! જીવતા જીવ હીરાબા નાથીયાને સજા ન આપી શક્યા…પણ એમના મૃત્યુનાં ગુનામાં નાથિયો પંદર વર્ષ જેલમાં રહ્યો..


આજે પણ જ્યાં હીરાબાને નાથીયાએ મારી નાખ્યા હતા એ જગ્યા પર ક્યારેક ક્યારેક લાચાર હાલતમાં હીરાબા કોઈને ને કોઈને જોવા મળે છે…હજી હીરાબાના આત્માને શાંતિ નથી મળી…

કહેવાય છે કે દીકરો જ કુળને અને માં-બાપ ને મોક્સ અપાવે છે..પણ, અહિયાં તો ઊંધું થયું એક દીકરાએ જ માની આત્માને ભટકતી કરી…અતૃપ્ત કરી ! આ વર્ષો પહેલા બનેલી એક વાસ્તવિક ને સત્ય ઘટના છે જ્યારે હું સાતમાં ધોરણમાં ભણતી હતી.. એક દીકરાની લ્હાયમાં કેટલી જિંદગી ખોઈ ને અંતે શું મળ્યું ? પંદર વર્ષની જેલ જ ને ? આપણા આ સમાજની શું આ જ વાસ્તવિકતા છે ??

||અસ્તુ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી અનેક હ્રદયસ્પર્શી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ