સંજૂ મારા જીવનની લાઈફટાઈમ અપોર્ચ્યુનિટી સમી ફિલ્મ છે… રણબીર કપૂર…

આજે વર્ષ ૨૦૧૮ની અત્યાર સુધીની હિન્દી સિનેમા જગતની મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ છે એમ કહીએ તો કદાચ ખોટું નથી. સંજય દત્ત જેલમાં હતો ત્યારથી જ આ ફિલ્મ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. એટલુંજ નહીં આ ફિલ્મ બનાવવા વિશે ચર્ચા હેતું ફિલ્મના ડીરેક્ટર રાજકુમાર હિરાણી સંજૂને જેલમાં મળવા માટે સુધ્ધા જઈ આવ્યા હતાં. હવે આજે જ્યારે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે જે રીતે આપણે ગત સપ્તાહ સંજય દત્ત ‘ધ ઓરિજીનલ’ને મળ્યા હતાં તેજ રીતે આજે આપણે ‘સંજૂ ‘ધ ઓનસ્ક્રીન હીરો’ને મળીએ તો કેવું? જી હાં, આજે રિલીઝ થનારી ફિલ્મ સંજૂના હીરો રણબીર કપૂર વિશે જ વાતકરી રહ્યા છીએ અમે.

પહેલાં લૂક પછી સ્ટાઈલ પછી બોલવાની લઢણ પછી અભિનયની સાવઅલગ યુનિક સ્ટાઇલ, સંજૂ પોતાની જિંદગી બાબતે જ નહીં બીજી હજારો બાબતોમાં દુનિયાથી સાવનોખો છે. અને રાજૂ (ડીરેક્ટર રાજકુમાર હિરાણી) સાથે એક પછી એક આ બધી જ બાબતો પર કામ કરતાં મને ખુબ સમય અને મહેનત લાગી હતી. ફિલ્મનું પ્રોડક્શન જ નહીં તેનું કાસ્ટીંગ અને બીજા પ્રીપેરેશનના સમયને યાદ કરતાં રણબીર કહે છે. તે આ વિશે વાત કરતાં જણાવે છે કે, ‘તમે માનશો આઠ મહિના, આઠ મહિનાતો માત્ર અમને સંજૂનો લૂક તૈયાર કરતાં લાગ્યા હતાં. રણબીર કહે છે સંજૂનું પાત્ર ભજવતી વખતે સૌથી પહેલાં તો મારે મારી જાતને ભૂલી જતાં શીખવાનું હતું. કારણ કે તો જ હું સંજૂના પાત્રને મારી જાતમાં જીવિત કરી શકું તેમ હતું.

એક આખે આખી ટ્રાન્સફોર્મેશન પ્રોસેસમાંથી મારે પસાર થવાનું હતું. અને તેમાં મને માત્ર મારા ડીરેક્ટર રાજૂએ જ નહીં પરંતુ સંજય દત્તે પણ ખુબ મદદ કરી હતી. શરૂઆતથી વાત કરુંતો જ્યારે રાજૂનો પહેલીવાર મારા પર ફોન આવ્યો ત્યારે તેમણે મને કહ્યું કે એક ખુબ સારું પાત્ર છે, આપણે એક ફિલ્મ માટે સાથે કામ કરવું છે. અને મને ખબર હતી કે તે સમય દરમિયાન રાજૂ સંજય દત્તની બાયોપિક પર કામ કરી રહ્યા હતાં. હવે આ સમયે મારે માટે એક મોટી અસમંજસ ઊભી થઈ. એક તરફ મારે રાજૂ જેવા જબરદસ્ત ટેલેન્ટેડ અને માંઘાતા દિગ્દર્શક સાથે કામ પણ કરવું હતું અને બીજી તરફ મને ડર હતો કે જો કદાચ તેમણે મને સંજૂની ફિલ્મ વિશે ઓફર કરી તો હું એ કરી શકું તેમ નથી. કારણ કે, મને લાગતું હતું કે મારામાં એટલી કાબેલિયત નથી. આથી, મેં રાજૂને કહ્યું કે સંજૂના પાત્ર શિવાયની વાત કરજો, પ્લીઝ. અને ત્યારે રાજૂએ કહ્યું કે આપણે એક વાર મળીએ તો ખરાં, પછી નક્કી કરશું. રાજૂનો આ જવાબ સાંભળી હું સમજી ગયો કે નક્કી તેઓ આડકતરી રીતે સંજય દત્તની બાયોપિક વિશે જ વાત કરી રહ્યા છે. પરંતુ, રાજૂને આમ પૂર્ણ વાત જાણ્યા વિનાજ સીધેસીધી ના કહી દેવી વ્યાજબી નહોતી. જો તેમ કરું તો શક્ય છે કદાચ હું કોઈ ખુબ મોટી તક ગુમાવી બેસું. આથી આમે મળ્યા અને રાજૂએ કહ્યું કે આ ફિલ્મ હું બનાવી રહ્યો છું અને મને ખાતરી છે કે તું આ પાત્ર ખુબ સારી રીતે કરી શકશે.

હવે તમને કહું કે એક એક્ટર તરીકે હું દ્રઢપણે માનું છું કે જો તમે તમારી બધી જ ફિલ્મ માટે કોઈ એક જ મેથડ કે એક જ સ્ટાઇલ વાપરો છો તો ખુબ જલ્દી તમે રિપીટીટીવ બની જશો. પછી તમારામાં અને મશીનમાં કોઈ જ ફર્ક નહીં રહે. આથી હું હંમેશા મારી દરેક ફિલ્મમાં કંઈક અલગ પાત્ર અને અલગ અભિનય કરવાની તક વિશે વિચારતો રહું છું. સંજૂનું પાત્ર મારે માટે એક મોટી કસોટી હતી એ વાત સાચી પરંતુ, આ કસોટીનો મારે સામનો કરવો હતો. મારે મારી જાતને જ ચેલેન્જ કરવી હતી. આથી મેં રાજૂની વાત સ્વીકારી લીધી. જૂઓ એક વાત તો નક્કી હતી કે એક ફિલ્મ સંજૂ અને તેનું મુખ્ય પાત્ર સંજય દત્ત એ મારે માટે, મારા કરિઅર માટે એક લાઈફ ટાઈમ અપોર્ચ્યુનિટી સમાન હતી. જો હું આ ફિલ્મ માટે ના કહું તો ન માત્ર રાજૂનો મારા પરનો ભરોસો તોડી બેસુ બલ્કે જિંદગીમાં આવેલી એક સુનહરી તકને પણલાત મારી દઉં તેમ બને. જે હું કરવા નહોતો માગતો.

હવે જ્યારે અમારી બધાની જબરદસ્ત મહેનતનું પરિણામ આજે તમારા મનોરંજન માટે પીરસાવા જઈ રહ્યું છે ત્યારે જો મને કોઈ પૂછે કે આ ફિલ્મમાં મારો ફેવરિટ ડાયલોગ કયો છે અથવા કયો સીન છે તો હું કહીશ કે આખીય ફિલ્મ મારા માટે એક અલગ અનુભવ અને અલગ જ દુનિયામાં લઈ જનારું પાત્ર મેં ભજવ્યુ છે. આથી કોઈ એક સીન કે એક ડાયલોગ ફેવરિટ હોવા તરીકે સિલેક્ટ કરવો ખુબ મુશ્કેલ છે. પરંતુ, છતાં હું એમ કહીશ કે ફિલ્મના ટીઝરમાં સંજૂ કહે છે કે ‘અપના લાઈફ ફૂલ સાપસીડીકા બોર્ડ હૈ, કભી અપ તો કભી ડાઉન…’ આ એક લાંબી લાઈનમાં મારા પાત્રને બને એટલી સરળતાથી અને ટૂંકાણમાં પ્રદર્શિત કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે મને ખુબ ગમે છે. સાચે જસંજૂની વાસ્તવિક જિંદગી અનેક ઉતાર-ચઢાવવાળી અને જબરદસ્ત ફેસિનેટીંગ રહી છે.

ક્યારેક લાગે કે આ માણસ દુનિયાનો સૌથી નિચી કેટેગરીનો માણસ છે અને ક્યારેક લાગે કે આટલો લાગણીશીલ અને જિંદગી સાથે સતત લડતાં રહી જીતતા રહેવાનું તેનું જુનૂન કાબિલે તારીફ છે. ખરેખર સંજય દત્ત પોતાની એક જિંદગીમાં અનેક જિંદગીઓ જીવ્યો છે. એમ હું કહીશ.

એક વાત તમને કહું? જ્યારે મને આ ફિલ્મ ઓફર થઈ અને મેં ઘરમાં વાત કરી ત્યારે મને ત્રણ અલગ-અલગ રિએક્શન્સ જોવા મળ્યા હતાં. મારા પિતા રિષિ કપૂરને જ્યારે મેં કહ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘વાઉ, ઈટ્સ અ બ્લોક બસ્ટર ફિલ્મ, સંજય દત્તની લાઈફ પરથી ફિલ્મ બનતી હોય તો કોઈ પ્રશ્નજ નથી કે રસપ્રદ નહીં બને. અને મારા દાદી, હું આ ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે તેમની સાથે ચેમ્બુરમાં રહેતો હતો. તેમણે જ્યારે જાણ્યુ કે હું સંજૂ કરી રહ્યો છું ત્યારે તેમને પહેલાં તો થોડો ડર હતો. તેમણે મને કહ્યું કે તું આમ બાયોપિકમાં શું કામ કરીરહ્યો છે. તારે તો હીરોના રોલ્સ કરવા જોઈએ, રોમાન્સ, ગીતો, ફાઈટીંગ વગેરે. પરંતુ, જેમ જેમ મારી તેમની સાથે આ ફિલ્મ વિશે વાતો થવા માંડી તેઓ પણ મારી સાથે એ સમયને યાદ કરી લેતાં હતાં જ્યારે સંજય દત્ત નાનો હતો અને આર.કે. સ્ટૂડિયોમાં આવતો હતો. તેમણે એક કિસ્સો યાદ કરતાં મને કહ્યું હતું કે સંજૂ એક દિવસ સ્ટૂડિયોમાં આવ્યો હતો અને તેણે એટલી ડ્રગ્સ લીધી હતી કે તે સતત ૩૬ કલાક સુધી બાથરૂમમાં જ બેસી રહ્યો હતો. અને મારી મમ્મી, નીતુ કપૂર. મારી મમ્મી સાથે હું મારી બધી જ ફિલ્મો વિશે, તેની સ્ક્રિપ્ટ વિશે વાતો કરતો હોઉં છું. અને તેમનો પોઈન્ટ ઓફ વ્યુ પણ જાણતો રહેતો હોઉં છું, કારણ કે, તેમનો અભિપ્રાય મારા માટે ખુબ મહત્વનો છે. તે ખુબ ખુશહતી જ્યારે તેમને ખબર પડી કે મેં આ ફિલ્મ સ્વીકારી છે.

એટલું જ નહીં તે સતત ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે પોતાના ઈનપુટ્સ પણ આપતી રહેતી હતી. અને તે ફિલ્મની સ્ક્રિપ્ટ અનુસાર જે એન્ડ હતો તે સાથે સહમત નહોતી આથી તેમણે પોતાનો અભિપ્રાય રાજૂને પણ જણાવ્યો અને અમે બધાં તેમની વાતથી સહમત હતાં. અને તમે નહીં માનો અમે સાચે જ ફિલ્મનો એન્ડ બદલાવ્યો પણ ખરો.

આશા છે અમારી બધાની મહેનત સારું પ્રદર્શન કરી શકે અને આ ફિલ્મ બધાંને પસંદ પડે. એટલું જ નહીં મારું માનવું છે કે આ ફિલ્મ બાદ કદાચ દરેક માણસની સંજય દત્તને જોવાની દ્રષ્ટિ પણ બદલાઈ જશે. કદાચ આ ફિલ્મ પછી સંજય દત્ત વિશેની આખીય છાપ બદલાઈ જશે.

લેખક : આશુતોષ દેસાઈ

તો શું વિચાર છે ક્યારે જોવા જવાના છો? આ રસપ્રદ મુવી, દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી