ખાવાના દરેક શોખીન મિત્રો માટે ખાસ, જીવનમાં એકવાર અચૂક મુલાકાત લેવા જેવી ૪ જગ્યાઓ…

અહીં સ્ટ્રીટફૂડની મોસમ ક્યારેય ઓસરતી નથી!

સ્ટ્રીટફૂડનું નામ પડતાં જ કેટલીક એવી જગ્યાઓના નામ તે યાદીમાં સામેલ કરવા પડે જેના ઉલ્લેખ વિના સ્ટ્રીટફૂડની વ્યાખ્યા અધુરી રહી ગયા જેવું લાગે. એવું નથી કે સ્ટ્રીટફૂડ અને તેના ચટાકા માત્ર આપણાં દેશમાં જ મશહૂર છે અને આપણાં દેશના લોકો જ તેના દિવાના છે. જેમ ભારતમાં સ્ટ્રીટફૂડ માટેની કેટલીક ગલીઓ કે વિસ્તાર અલાયદા છે તે જ રીતે દુનિયાના બીજા દેશોમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જેણે સ્ટ્રીટફૂડના મામલામાં પોતાની અલાયદી ઓળખ ઊભી કરી છે.

શરાફા બજાર – ઈન્દૌરશરાફા બજાર પાસે તમારી પ્લેટમાં પીરસવા માટે અનેક વાનગીઓ છે. જીભના ચટાકાની સાથે સાથે તમારા પેટને પણ સંતુષ્ટી અને ઉજવણીનો અહેસાસ કરાવે એવી અહીંની વાનગીઓ કઈ ખાવી અને કઈ છોડી દેવી તે નક્કી કરવું મુશ્કેલ થઈ પડે છે.

ઈન્દૌરનું શરાફા બજાર રાતની મહેફિલનું કે ઉજવણીનું બજાર છે. મોટાં મોટાં તવા, તેલ-ઘીથી ભરેલા પતીલા અને તવેથા. પાવભાજી, આઈસક્રીમ અને ઈન્દૌર જે ચાટ અને નમકીન માટે મશહૂર છે તેની સાથે જ શરાફા બજાર બીજી અનેક એવી-એવી વાનગીઓ તમારી સામે પીરસે છે જે ચટાકેદાર હોવાની સાથે જ અહીંની સ્પેશિયાલિટી પણ છે.
સાંવરીયાની સાબૂદાણા ખીચડી અને ભૂટ્ટા (મક્કાઈ)ની ખીસ જે રાતના દસ વાગતામાં તો સફાચટ થઈ જાય છે. તો બીજી તરફ મહારાષ્ટ્રીયન અને અરેબિક વાનગીનું યુનિક કોમ્બિનેશન એવી સ્પાઈસી અને ક્રન્ચી મિશલ સાથે પીરસાતી પૌંવા જલેબી. તો વળી ગારાડુને કેમ ભૂલાય. જીભના ચટાકા સાથે થોડો ગરમાટો ગમતો હોય તો લેમન જ્યુસ સાથે પીરસાતું ગારાડુની લિજ્જત એકવાર માણવા જેવી ખરી. ત્યાંથી આગળ ચાલો તો જોવા મળે કોપરાની પેટીસ. કોપરાના સ્ટફીંગવાળી બટાટાની પેટીસ તમારી સામે ગરમ ગરમ તળીને ચટની સાથે પીરસાતી હોય ત્યારે વિજય ચાટ હાઉસ પર તમારે તે ખાવા માટે ઊભા જ રહી જવું પડે.

આટલું ખાધા પછી એકવાર કાન્જી વડા ખાઈ લો, એપેટાઈઝરની ગરજ સારે તેવા ચાટમસાલાવાળા પાણીમાં બોળેલા દંહીવડાના વડા ખાધા પછી ફરી પેટમાં થોડી ભુખ રહી ગઈ હોય તેવું જણાય એટલે ફરી દાલ બાફલા પર હાથ અજમાવી લેવાનો, રાજસ્થાની વાનગી દાલ બાટીના ભાઈ સમુ આ દાલ બાફલા ખાધા પછી એકદમ કુરકુરા રતાળુ અને ત્યારબાદ દૂધ ચણા અને નમકીન. કાબુલી ચણાને કલાકો પહેલાં દૂધમાં પલાળી રાખ્યા હોય, અને તમે ખાવા માટે મગાવો ત્યારે તેને એક નમકીન ચાટનું સ્વરૂપ આપવામાં આવે. શરાફા બજારનું ગણેશ નમકીન આ માટે માનીતું નામ છે.

અરે, હજી ગળ્યુ ખાવાનો તો વારો જ નથી આવ્યો. ગળ્યા વગર આ લિજ્જતદાર ખાણી-પીણી પૂર્ણ ક્યાંથી થાય. દેશી ધીમાં તળેલા માલપૂડા અને ગુલાબ જાંબુની સાથે જય ભોલેની જલેબી નહીં પણ જલેબો (કિંગ સાઈઝની જલેબી) તમારી ડિશમાં અને ત્યાંથી મોંમા રવાના થવા માટે રાહ જોતા હોય. અને આ બધા પછીય હજી અગ્રવાલ આઈસક્રીમ હાઉસના હાફૂસ આઈસક્રીમ અને શ્રીખંડ તો બાકી રહી ગયા. અને આ બધી જ વાનગીઓની ચટાકેદાર લિજ્જત માણ્યા બાદ પેટમાં જરા ભાર જેવું લાગે તો ઈન્દૌરી શીકંજી અને પેઠાના પાન તમારે માટે હાજર છે.
ઈન્દૌરના રહેવાસીઓ સિવાય શરાફા બજાર દેશ-વિદેશથી આવેલા અનેક સહેલાણીઓને રોજ રાત્રે આવી અનેક ટેસ્ટી અને યુનિક વાનગીઓ પીરસતુ અને પ્રેમથી ખવડાવતું રહે છે. સ્ટ્રીટફૂડની અલાયદી ઓળખ ઊભી કરનારી જગ્યાઓની યાદી ઈન્દૌરના શરાફા બજાર વિના અધુરી રહી જાય છે.

ચાંદની ચોક – જૂની દિલ્હીજૈન મંદિર, લાલ કિલ્લાથી લઈને ફતેહપુરી મસ્જીદ સુધી વિસ્તરેલું ચાંદની ચોક શાહજહાંની રાજકુમારી જહાંઆરાએ ડિઝાઈન કર્યું હતું. ભારતના સૌથી વિશાળ હોલસેલ માર્કેટ તરીકે જાણિતુ થયેલુ ચાંદની ચોક ત્યાં મળતી અનેક ખાવાની વાનગીઓ એટલે કે સ્ટ્રીટફૂડ માટે પણ વખણાય છે. પુરાની દિલ્હીની એક અલાયદી ઓળખસમા બની ગયેલું, બે કિલોમીટરના એરીઆમાં વિસ્તરેલુ ચાંદની ચોક વેજ અને નોનવેજ બંને ખાણી-પીણીના શોખીનો માટે ગજબની દુનિયા છે. જ્યાં નટરાજના દહીં ભલ્લાથી લઈને પરાંઠેવાલી ગલી અને કરીમ્સથી શરૂ કરીને ઉસ્તાદ મોઈનુદ્દીન કબાબ સુધી

એકથી એક ખાવાની વાનગીઓનું વિશ્વ ફેલાયેલું છે.
અચ્છા, નટરાજના દહીંથી ભરેલા દડીયામાં તમને ભલ્લા કે ટીક્કી મળે જ્યાંથી શરૂઆત કરી ડોગરા સ્નેક્સ સુધી જાવ જ્યાં રામ લાડૂ (દાલની પકોડીઓ) અને બ્રેડ પકોડા કે કારેલાના પકોડા પણ એકવાર ટ્રાય કરવા જેવા છે. જ્યારે માત્ર શિયાળામાં મળતી દોલતની ચાટ. ત્યાંથી આગળ વધો એટલે કુરેમલ મોહનલાલ કુલ્ફીવાળાની સ્ટફ્ડ મેંગો કુલ્ફી અને ત્યાંથી જલેબીવાળા. ખસ્તા કચોરી ખાધા વિના ચાંદની ચોકની સફર તો વળી અધુરી ગણાય. તો વળી આશારામ ફૂડમાં નવો જ સીરસ્તો છે. તમારા ગ્રુપમાં કોઈ લેડીસ છે? તો તમે બેઠા હોય ત્યાં ટેબલ પર પીરસવામાં આવે નહીં તો લાઈનમાં ઊભા રહીને જે જોઈતુ હોય એ ખરીદી લેવાનું. અહીં રસાવાળા બટાટાના શાકમાં બોળેલી પુરી તો મળે જ છે પણ દૂધવાળા પનીરએ એક નવી જ વેરાઈટી છે. હવે વેદપ્રકાશ લેમનવાલાને ત્યાંનું લીંબુપાણી પીવું પડે અને ત્યારબાદ તિવારી બ્રધર્સના કોકટેલ સમોસા. અને શિવ મિસ્ટાન ભંડારના છોલે ભટુરે પછી ઘેવરથી મોઢું મીઠું કરી લેવાનું. પરંતુ, આ બધાની સાથે ચાંદની ચોકમાં તમને ખાવાની નવી કોઈ વાનગી જોવા મળે ખરી? હા કેમ નહીં. છોલે પાલક ચાવલ, પાલકની ગ્રેવીમાં છોલે ચણાં અને ભાત જે માટીની કુલડીમાં પીરસાવામાં આવી હોય. રબડી ફાલુદો પણ ખરો. જ્યારે કાકે દી હટ્ટીના પરોઠાં અને લોટન છોલે કુલ્છાવાળા પણ ખરાંને.

આ બધી જ વેજ વાનગીઓ સિવાય ચાંદની ચોકનું નોનવેજ ફૂડ પણ મસાલેદાર અને ચટાકેદાર હોય છે. રસાવાળુ મટન અને કબાબ જેવી વાનગીઓ સિવાય અહીં તમને કલ્લુ નિહારીવાલાને ત્યાંની નિહારી પણ લલચાવે એવી છે. અને ગળ્યુ ખાવાના શોખીન લોકો માટે રબડીથી લઈને ગાજરનો હલવો, કરાચી હલવો અને નાનખટાઈ પણ ખરી જ.

વિક્ટરી મોન્યુમેન્ટ – બેંગકોકઓ.કે. મને એ કહો કે આ સ્ટ્રીટફૂડ કે ફૂડસ્ટ્રીટનો કન્સેપ્ટ આવ્યો ક્યાંથી? એક ધારણા એવી છે કે ભારતમાં જ ખાઉ ગલી કે સ્ટ્રીટફૂડનો કન્સેપ્ટ વિકસ્યો છે. પરંતુ ઘણાં ઓછા લોકોને એ ખબર હશે કે સ્ટ્રીટફૂડ સ્ટ્રીટનો કન્સેપ્ટ જનમ્યો અને સૌથી વધારે વિકસ્યો છે, બેંગકોકમાં. બેંગકોકમાં સ્ટ્રીટફૂડ સ્ટ્રીટનો અનુભવ એક અનોખો અનુભવ છે. અહીં સ્ટ્રીટફૂડ સ્ટ્રીટ્સ એટલા મોટા પ્રમાણમાં વિકાસ પામી છે કે, અઠવાડિયાનો એક દિવસ તેમણે ક્લિનીંગ માટે બધી સ્ટ્રીટફૂડ સ્ટ્રીટ બંધ રાખવાનું નક્કી કરવું પડ્યું. આથી જ સોમવારના દિવસે જો તમે બેંગકોકમાં સ્ટ્રીટફૂડ શોધવા નીકળો તો જવ્વલે જ કોઈક દૂકાન કે ફૂડ ટ્રક ખુલ્લી જોવા મળે.

અહીં વિક્ટરી મોન્યુમેન્ટ નામનો એક વિસ્તાર છે. જે ખાઉ ગલ્લી તરીકે એટલો વિકાસ પામ્યો છે કે ત્યાંના લોકલ માણસોએ તેને વિક્ટરી મોન્યુમેન્ટની જગ્યાએ હવે વિક્ટરી મંચનું નામ આપી દીધું છે. અહીં આ ફૂડ સ્ટ્રીટ આટલી ધમધોકાર વિકસી હોવા પાછળનું એક કારણ એ પણ છે કે, વિક્ટરી મોન્યુમેન્ટ બેંગકોક શહેરનું એક મુખ્ય ટ્રાન્સપોર્ટેશન હબ છે.

અહીં મળતી ગરમ-ગરમ થોડા ગળ્યા સ્વાદવાળી બોટ નુડલ્સના લોકો દિવાના છે. ત્યારબાદ સૌથી વધુ પ્રિય વાનગીમાં આવે છે રંગનામ બીફ નુડલ્સ. રંગનામ એક એવી રેંકડી છે જ્યાં દિવસ દરમિયાન કોઈપણ સમયે તમે ત્યાં જાવ તો લોકોની ભીડ જામેલી જોવા મળે. અહીં બીફના નાના બોલ્સ બનાવી તેને શક્ય એટલા બધાં જ કોમ્બિનેશન સાથે મેળવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. અચ્છા તમને થાઈ ફૂડ ખાવાનું પસંદ છે? તો સાચુ સરનામુ છે ‘જાકી’ અહીંનું થાઈ ફૂડ, ચાઈનિઝ અને થાઈ રસોઈના કોમ્બિનેશનથી બનાવવામાં આવ્યું હોય છે અને મોટાભાગની વાનગીઓ હોમમેડ હોય છે. થાઈ ફૂડ માટે જ બીજી એક જાણિતી જગ્યા છે ‘તકસૂરા’ વિક્ટરી મોન્યુમેન્ટમાં કોઈક એક જગ્યાએ જો તમને યુનિવર્સિટીના સ્ટૂડન્ટ્સની જબરદસ્ત ભીડ જોવા મળે તો સમજી જવું કે તે રેંકડી તકસૂરા જ હોવાની. આ સિવાય અલગ અલગ પ્રકારના સ્નેક્સ, સલાડ્સ અને પાસ્તા ખાવાના શોખીન માટે બેંગકોકના વિક્ટરી મોન્યુમેન્ટ પાસે મેન્યુમાં અનેક આઈટમો છે.

શાંઘાઈનો વુજીયાંગ રોડ ;
ખાવામાં થોડા અવનવા પ્રયોગો કરતા રહેવાના શોખીન લોકો માટે બીજી એક સ્ટ્રીટફૂડ સ્ટ્રીટ શાંઘાઈના વુજીયાંગ રોડની સ્નેક સ્ટ્રીટ છે. શાંઘાઈ ફરવા ગયેલા લોકો સામાન્ય રીતે પહેલાં નાન્જીંગ રોડ પરની કતારબંધ દૂકાનોમાંથી મન ભરીને શોપિંગ કરે છે અને ત્યારબાદ સીધા નાન્જીંગ રોડની બાજુમાં જ આવેલા વુજીયાંગ રોડની ખાઉ ગલ્લી એટલે કે સ્નેક સ્ટ્રીટની લિજ્જત માણતા હોય છે. વુજીયાંગ રોડ ખાસ કરીને શાંઘાઈના ટ્રેડિશ્‍નલ નાસ્તા માટે ખૂબ જાણિતી જગ્યા છે. જેમકે, યાંગ ફ્રાય ડમ્પલિંગના ફ્રાય્ડ સ્ટફ્ડ બન જાણિતા છે તો, ઓરિએન્ટલ એક્સપ્રેસ નામની રેંકડી પર મળતા મીટ બોલ્સ મોઢામાં પાણી લાવી દે તેવા છે. અચ્છા સ્વીટીઝનો ઉલ્લેખ કઈ રીતે ભૂલાય. હોંકકોંગની ટ્રેડિશ્‍નલ રેસિપીઝથી બનાવવામાં આવેલી બધી મિઠાઈઓ તમને આ સ્વીટીઝમાં મળી રહે. તો વળી નુડલ્સ, દક્ષિણ ચાઈનાની પારંપરિક

ડિશો અને નાસ્તા માટેનું સાચુ સરનામું છે વુયુયે રેન્જીઆ.

એવું નથી કે અહીં તમને કંઈ નવું ખાવા નહીં મળે. ચીઝ બટર લોપસ્ટરથી લઈને સ્મોક ફીશ સ્લાઈસ, પેપર ડક અને રોસ્ટેડ ડક જેવી અનેક ચીજો છે જે અહીંની સ્પેશિયલ વેરાઈટી ગણાય છે. સાથે જ તમને પીજન એગ નુડલ્સ, ડમ્પલીંગ અને બેક્ડ બ્રાઉન ક્રેબ પણ ખાવા મળે. અને હા જો તમે વેજીટેરીયન છો તો વેજીટેરિયન સ્ટફ્ડ બન્સ અને સ્ટીમ મન્સથી લઈને બાફેલા લાડવા જેવી ખાવાની વાનગી મોમો પણ અહીં ઉપલબ્ધ ખરી જ.

લેખન : આશુતોષ દેસાઈ

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી