આરુષી – એક નાની ઉંમરની યુવતીની પ્રેરણાદાયી દાસ્તાન…

નર્મદા નદીનાં કિનારે આવેલું સુંદર મજાનું ગામ એટલે જગતપુર.જગતપુરની ચારેકોર ફેલાયેલું કુદરતી વાતાવરણ આંખોને એવી તે અજીબ શાતા આપતું કે, બે ઘડી નજરો સમક્ષ બીજું કંઇ ન દેખાઈ કે ન સંભળાય.ને અહીંના ભલા-ભોળા લોકો તો ભારે માયાળુ અને દયાળુ.પૈસેટકે ભલે દેખીતી રીતે ગરીબ પણ સૌ સ્વભાવે દરિયાદિલ.

ગામલોકો નો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી સવારે પાંચ વાગે ખેતરે જવાં નીકળી પડતાં હોવાથી બપોરનાં સમયે બધાં ગ્રામજનો ઘડીક આરામ કરી લેતાં.એટલે ખેતરે થી આવી ભાતુ ખાઈ ને સૌ સુઈ રહ્યા હતાં,ત્યાં અચાનક જ એક આવાજ આવ્યો. “ક્કક્કડ ક્કડ્ડ..”

image source

અને પછી મોટો તડાકા બંધ અવાજ આવ્યો ને એક આખુંય ઘર જમીનદોસ્ત.મોટી મોટી ભીંત નો ભાગ હતો એ ઘર ઉપર પડ્યો જેનાં ટેકે જ એ ઘર ઉભું હતું.અંદર સૂતાં હતાં આરુષી એટલે કે આરુનાં બા બાપુજી અને ઘોડિયે સૂતો હતો આરુનો અઢી વર્ષનો નાનો ભાઈ હરિ.મકાન પડતાં ની સાથે જ એનાં રડવા નો અવાજ આવ્યો.

બહાર આંગણે સૂતી આરુ સફાળી જાગી ગઈ. અચાનક જ આવેલા આ ધરતીકંપ જેવા અવાજ ની સાથે પોતાના ભયલું નો અવાજ સાંભળી.જોયું તો આ શું!! આંખ સામે બધુંય ધૂંધળું ચિત્ર દેખાયું. ધૂળની ડમરી ઉડતી,આંખે નીર ઉભરાઈ આવ્યા.આરુની બાજુમાં એની નાનકી બેન જીગી સૂતી હતી. આજુબાજુ નજર ફેરવી ત્યાં એકાદ બે ઘર ખૂલ્યાં ને લોકો આરુ પાસે દોડી આવ્યા.

image source

બાઈઓ આરુ પાસે બેસી એને સાંત્વના આપવા લાગી. ભાઈઓ મકાનનો બધો કાટમાળ ખસેડવાની કામગીરી કરવા લાગ્યા. ત્યાં પાછો આરુનાં બા-બાપુજીની ચીસાચીસ નો અવાજ વધુ દર્દનાક બન્યો.જે પોતાના પુત્રનું રુદન સાંભળી શકતાં હોવા છતાં કંઈ પણ કરી શકવા અસમર્થ હતા. ઘડીભરમાં તો આરુ ની પાંચ વર્ષની નાનકી બેન જીગી પણ જાગી ગઈ.એ જાગનાં ની સાથે જ આંખો સમક્ષ આવું ભયાવહ દ્રશ્ય જોઈ હેબતાઈ ગઈ અને આરુ ને વળગી બા બા કરી રડવા લાગી.આરુ પણ તેને બાથમાં લઇ ડૂસકાં ભરવા લાગી. પડોસ માં રહેતા જડી કાકી બંને ને શાંત પાડવા લાગ્યા.આરુ ને સખી બીના તેના માટે પાણી લઈ આવી પણ આરુએ પાણી પીવાની એ ના પાડી દીધી.

image source

આરુ કે જીગી કોઈ શાંત રહેવા નું નામ નોતું લેતું. ને ત્યાંજ માવતરનો એક સાથે સાદ આવ્યો “આરુ..” બા-બાપુજીનાં અવાજ આપતાં જ આરુ ઝપાટાભેર ઉભી એ રીતે ઉભી થઈ જાણે કંઈ બન્યું જ ન હોય.નાનકી ને પાણી પાય કાકી ને સોંપી પોતાનાં આંસુ લુછી આરુ મકાન નાં કાટમાળ તરફ ચાલતી થઈ જ્યાંથી એનાં બા-બાપુજી તથા ભઈલુનો અવાજ આવતો હતો.આરુએ આસપાસ માં રહેતા કાકા કે ભાઈઓનું એક ન સાંભળ્યું અને મોતને હાથમાં લઈ નાનકડું બાખું હતું એમાંથી મકાનના કાટમાળમાં જઈ બૂમો પાડવા લાગી.

“બા એ બા..બાપુજી, હું આવી ગઈ તમારી આરુ. મને સામો સાદ તો આપો.. હરિ હરિ મારા ભાયલું રડ માં. હું આવી ગઈ હો ઘડીક રે.” આગળ અંદર જતાં પથ્થરો અને પતરાંનાં ઘસરકા લાગવાથી આરુની નાજુક ચામડી ચિરાતી અને એમાંથી રક્ત વહેતું જતું હતું.છતાં પોતાનાં જીવની પરવા કર્યા વિના આરુ બસ લોહીલોહાણ થતી બસ આગળ કાટમાળમાં ઊંડે ચાલે જતી હતી.

image source

બહાર થી નાનકડી જીગી આરુ આરુ સાદ પાડી રડી રહી હતી. લોકો આ પરિસ્થિતિનો સામનો કેમનો કરવો અને આરુ ને કેમની મદદ કરવી તે અંગે વાતો કરી રહ્યા હતા.અતિ પછાત ગામડું હોય ત્યાં ક્યાં કોઈ મોટા લોક ની મદદ કે સગવડ મળવાની. બસ જાત મહેનતે બધું પાર પાડવા નું હતું.લોકો બને તેમ વધુ ઝડપે આસપાસનો નકામો સામાન દૂર કરવા લાગ્યા.શિયાળાનો દિવસ ટુંકો હોય ત્યાં અંધારું ઝટ થવા આવે એમ હતું.પાંચ વાગતા ની સાથે જ શીતળ પવનની લહેરકીઓ લહેરાવવા લાગતી.

લોકો ને કાંઈ સૂઝી નોતું રહ્યું. અંદર થી આવતો આરુ નો અને તેના ભાઈનો રડવાનો અવાજ પણ હવે શાંત થઈ ગયો હતો આમ થતાં બહારથી લોકો બુમ રાડ કરવા લાગ્યા અને આરુ આરુની બૂમો પાડવાં લાગી.આ દ્રશ્યને વધુ ભયાનક બનાવતું હતું નાનકી નું રુદન તો બીજું બાજુ ચિર શાંતિ.જ્યાં સોનેરી પ્રભાત સંગ બાળકો નો કોલાહલ હતો,બા બાપુજી ની વાતો હતી ત્યાંજ આ અોચિંતું.!

image source

એક પછી એક લોક ફાનસ સળગાવવા લાગ્યાં.વાતાવરણનાં ઠંડી ની સાથે અંધારું પણ વધ્યું ને એનાંથી પણ ઝડપી વધી લોકોમાં થતી વાતો કે “અંદર શું બન્યું હશે કેમ કશોજ અવાજ નથી આવતો આરુ પણ સામો સાદ નથી આપતી. શું બધાય આ નાનકી ને મૂકી ને ક્યાંક… ક્યાંક પ્રભુ ને વ્હાલા તો નય થઈ ગયા હોય ને.” નાનકી ને જડી કાકી ની છોકરી સમજાવી એમના ઘરે લઈ. બીજા બધા પુરુષ ભાઈ હવે બધો કાટમાળ ઉંચકી ઉચકી થાક્યા હતા. છતાંય થોભ્યા ન હતાં,સફળતા હવે આરે જ હતી.

ત્યાં આરુ નો સાદ સંભળાયો “હરિ હરિ મારા ભયલુ..” ને આખા શરીરે લોહીલોહાણ પોતાના ભાઈ ને કેડ માં ઉંચકી બહાર આવતી આરુ ફાનસનાં આ અજવાળે સિંહણ સમી વીરાંગના લાગતી હતી.એની આંખોમાં અજીબ તેજ ચમકી રહ્યું હતું.જે કહેતું હતું કે, હવે મારે જ હિંમત એકઠી કરી નાનકીનાં અને ભયલુંનાં બા બાપુજી બનવાનું છે.

image source

ત્યારબાદ ગાઢ અંધકારને અને ભય ને ચિરતું સોનેરી પ્રભાત ઉગ્યું.આખી રાત નો ઉજાગરો લઇ આરુ ખોળા માં બે ભાઈ-બેનને સુવાડી બેઠી બેઠી દૂરથી એમનું કાટમાળ બની ચુકેલું ઘર નિહાળી રહી હતી.હરિ અને જીગી બંને ને ખાટલા માં સુવડાવી રાખી પોતે ઉભી થઇ ને કાકા ને સાદ પાડવા લાગી. કાકા ત્યાં આવ્યાં એટલે આરુએ એમનાં કાનમાં કાંઇક કહ્યું ને પોતાનાં કાટમાળ બની ચુકેલાં ઘર તરફ ચાલી નીકળી.ઘડીવાર પછી તે હાથમાં એક કોથળો લઈને આવે છે જેમાં હતાં આરુનાં બા-બાપુજીનાં માંસનાં ટુકડાઓ.બધું વ્યવસ્થિત રીતે સમેટી પોતે જ પોતાના બા બાપુજી ના અગ્નિ સંસ્કાર કર્યાં.

હવે આરુ પોતાનું અને પોતાનાં ભાઈ-બહેન નું પેટ કઈ રીતે ભરશે એની લોકો ચર્ચા કરતાં હતાં જે સાંભળી આરુએ કહ્યું. “હું શહેરમાં જઈશ..” એનો આ નિર્ણય સાંભળી ગ્રામજનો એ એને ગામમાં રહેવાં સમજાવી પણ આરુ એક ની બે ના થઈ.ક્યાં સુધી લોકોની મહેરબાની નીચે જીવવું એ વિચારી આરુએ શહેરમાં જઈ રોટલો મેળવવાનું નક્કી કરી લીધું હતું.આરુ પોતાની સાથે ભાતુ બાંધી પોતાના ભાઈ-બેનને લઈને શહેર જતી બસ માં બેસી જાય છે.

image source

પડોશમાં રહેતા કાકીએ અને અન્ય ગ્રામજનોએ આપેલાં પૈસા બરોબર કપડાંમાં સંતાડી,હાથમાં નાનકડાં હરીને લઈ,બાજુમાં જીગીને બેસાડી આરુ બસમાં સવાર થઈ ને શહેર તરફ ચાલી નીકળી હતી.શહેર તરફ આગળ વધતાં મનમાં વિચારોની ક્રમબદ્ધ હારમાળા સર્જી રહી હતી આ માત્ર બાર વર્ષની માસુમ આરુ.

“શહેર માં પગ મૂકતાંની સાથે જ ક્યાંક રાતવાસો થાય એવી જગા શોધી ત્યાં જ ભાતું ને વાળુ સમજી આરોગી લઈશું.હું આજથી જ નજીકમાં કોઈ શેઠાણી ને ત્યાં કે કોઈ વેપારી ને ત્યાં મજૂરી એ જવા લાગીશ. ” “ક્યારેય મારી નાનકી ને કે ભયલુ ને બા બાપુજી ની ખોટ નય સાલવા દઉં.હું રાત દહાડો એક કરી તનતોડ મહેનત કરી એમને ભણતર પૂરું પાડીશ અને એવાં મોટા દિલના માણસ બનાવીશ કે કોઈ માણસની ગરીબાઈ, દર્દ અને જરૂરિયાત જોઈ તેઓ મદદ કરવા હમેંશ તત્પર રહે.”

image source

પોતાનાં નામ આરુષીનાં અર્થ સૂર્યોદય નાં પ્રથમ કિરણ મુજબ ભાઈ-બહેન માટે ભૂતકાળ ભુલાવી નવજીવન તરફ આગળ વધતી નાની પણ મક્કમ મનની આરુ આ બધું વિચારતી હતી ત્યાં જ બસ સ્ટેન્ડ આવતાં બસની બ્રેક લાગી અને માંડ માંડ વિચાર મગ્ન બનેલી આરુ અસલી દુનિયા માં પાછી પ્રવેશી.આ સાથે જ અત્યાર સુધી હિંમતથી માંડ રોકી રાખેલું આંસુ પણ આરુની આશાભરી આંખોમાંથી સરી પડ્યું.જેને લુંછવા એક નહીં પણ બે હાથ આગળ આવ્યાં અને આરુ જીગી અને હરિ ને વળગી પડી.!!

લેખક : સીમરન જતીન પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ