લજ્જાનો વિવેક – હજી તો એમની પહેલી મુલાકાત પણ બાકી હતી, ત્યાં તો થઇ ગયા બંને અલગ, કેમ? કોના વાંકે એમને સજા મળી?

“લજ્જાનો વિવેક”

“ મીરાં ક્યાં કદી કૃષ્ણને મળી હતી?
છતાં એ કૃષ્ણમાં કેવી ભળી હતી.”

વહેલી સવારે અઝાનના પવિત્ર સાદ સાથે જ લજ્જા ઉઠી ગઈ. મસ્જીદ ઘરના નજીકમાં જ હોવાથી સવારનું વાતાવરણ રમણીય થઈ ગયું હતું. પારદર્શક પડદાને ખોલતાંજ બારીમાંથી શીત પવનની લહેરખી આખા રૂમમાં પ્રસરી ગઈ. લજ્જાની બંધ આંખોને સૂર્યના હલકા કીરણો વ્હાલથી જાણે એને જગાડી રહ્યાં હતાં. મસ્જીદની પાવનતા અને એના ઘુમ્મટની મનોરમ્યતા, ઠંડો શીત પવન રેલાતો, જાણે આભમાં કોઈ અલ્લડ ઉમંગ ભાસતો હતો. દીદી રાજુલ મુંબઈથી આવી હતી. રાતનામોડા સુધી ગપાટા માર્યા હોવાથી આંખ ખુલવાનું નામ નહોતી લેતી. એકાએક લજ્જાને યાદ આવ્યું.. આજે તો અક્ષર પુરુષોત્તમ મંદિર જવાનું છે. ઘડિયાળમાં જોયું આઠ વાગી ગયાં હતાં. જલ્દી તૈયાર થઇ નીચે આવી. મમ્મી જવાની જલ્દીમાં દોડાદોડ કરી રહી હતી.
પહેલા મોલમાં જઈને થોડીવાર ત્યાં ફરી શોપિંગ કરી, હોટેલમાં જમી, મૂવી જોવા જવાનું અને ત્યાંથી સીધા મંદિરમાં સત્સંગ-સભા કરી.. મંદિરમાંજ પ્રસાદ જમી મોડી રાત્રે ઘરે પાછા ફરવાનો બધો જ પ્રોગ્રામ રાજુલ અને લજ્જાએ ગોઠવ્યો હતો. મમ્મી પપ્પા પણ આજે સહમત હતાં કેમકે રાજુલ ઘણાં સમય પછી રહેવા પિયર આવી હતી.
રાજુલ પણ રેડી થઈ નીચે આવી ગઈ હતી.. પપ્પાએ કિયાનને સાદ દીધો.

“કિયાન કેટલી વાર છે? જલ્દી કર બેટા..”

“હા પપ્પા હું રેડી જ છું..”

આજે કિયાન પણ ખૂબજ ઉત્સાહમાં હતો.. કેમકે ટેન્થની એક્ઝામ પછી એટલો બોર થતો હતો.. હોટેલ, મૂવી, શોપિંગ મોલ સઘળું મજ્જા કરવાના મૂડમાં હતો…
વિભાબેન બધાંજ કામ અટોપી પર્સ ખભે લટકાવી રેડીજ હતાં ને પર્સમાં મોબાઈલ ફોન રણક્યો… નાની બહેન પીનલનું નામ જોઈ ફોન ઉપાડ્યો..

“હા પીનલ કેમ છે? શું કામ પડ્યું..”

“વિભુબેન, મેં તમને વાત કરી હતીને આપણી લજ્જા માટે એક છોકરાની.. એ લોકો દુબઈથી આવી ગયાં છે અને આજે મળવા માગે છે.”

“હા, હો..પીનલ કોઈ વાંધો નથી.. આ દિવસની તો કેટલા સમયથી હું ને તારા જીજાજી રાહ જોઈ રહ્યાં હતાં, આવો અમે નાસ્તા પાણીની તૈયારી કરી રાખીએ છીએ..”
લજ્જા અને રાજુલ દિગ્મૂઢ ચહેરે એકબીજાની સામે જોઈ રહ્યા.. ચપ્પલ કાઢી સહુ આવનાર મહેમાનની તૈયારીમાં લાગી ગયાં..

આપેલ સમયે દુબઈથી આવેલા છોકરાના મમ્મી પપ્પા આવ્યાં.. જોતાંવેત એમને લજ્જા ખૂબ પસંદ પડી ગઈ. ને જણાવ્યું કે અમારા તરફથી હા જ છે.. અમારો વિવેક અને લજ્જા એકબીજાને મળી લે પછી વાત પાક્કી.. એમ.એ. થયેલી લજ્જા સાંભળી રહી હતી. એને થોડી ઘણી ખબર તો હતી. કે વિવેકે એમએસસી કરેલું છે. પણ મળ્યા વગર કોઈ પ્રતિભાવ પણ કંઈ રીતે આપવો? એ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ, ફેસબુક ખોલી વિવેકનો પ્રોફાઇલ ચેક કર્યો, ને પ્રોફાઈલ જોઈ ખુશ થઈ ગઈ. દેખાવડો, એજ્યુકેટેડ અને આટલું બધું કમાતાં છોકરાની વાત આવી છે જાણી એણે રાજુલને વાત કરી, રાજુલ સમજી ગઈ લજ્જાને છોકરો પસંદ છે, જલ્દી બંનેની મિટિંગ ગોઠવી દેવી જોઈએ.. દુબઈ ફોન કરી વિવેકના પપ્પાએ એને વાત કરી.

“અમને છોકરી પસંદ છે, આવતા મહિને તું અહીંયા આવતો હોય તો મિટિંગ ફાઇનલ કરી દઈએ..”
વિવેકે પણ પંદર એક દિવસ પછી ઈન્ડિયા આવવાની હા પાડતાં સહુ ખુશ થયાં ને વિવેક આવે એટલે મળવાનું નક્કી કરી સહુ છુટા પડ્યાં..
મિટિંગ પેરેન્ટ્સ દ્વારા ગોઠવાઈ હતી ને એકબીજાને મળી નહોતાં શક્યાં, પરંતુ પ્રેમ તો આ વર્ચ્યુઅલ દુનિયાએજ એકબીજાને કરાવ્યો હતો.. દરરોજ લજ્જા અને વિવેક ફોન પર કલાકો સુધી વાતચીત કરતાં.. મેસેજ દ્વારા આપલે થતી.. બંને ભલે એકબીજાને મળ્યાં નહોતાં, પરંતુ જાણે વર્ષોથી જાણતાં હોય એટલાં ભળી ગયાં હતાં એકબીજામાં..

‘વિવેક સાથે પંદર દિવસથી રોજ વાત થતી હતી.. એણે આમ અચાનક કેમ વાત કરવાનું છોડી દિધું? અચાનક મોબાઈલ નંબર કેમ લાગતો બંધ થઈ જાય? વોટસએપ મેસેજ રિસિવ નથી કરતો? એવું શું થયું અચાનક મારાથી મોઢું ફેરવી લીધું? એને કોઈ અફેર હતું તો મારાથી કેમ વાતો કરવાની ચાલુ કરી..?’ અનેક પ્રશ્ર્નો લજ્જાને ઘેરી વળ્યા હતાં, પણ એનો ઉત્તર તો ખુદ વિવેક સિવાય કોઈની પાસે એનો વિકલ્પ નહોતો..
લજ્જા અને ઘરના સહુ નક્કી કરેલ તારીખે રાહ જોઈ થાક્યાં.. પંદર દિવસ થયા, મહિનો થયો, બે મહિના થયાં.. કોઈ જ વાવડ નહોતાં. વિભાબેને, નાની બહેન પીનલને વાત કરી. એણે પણ તપાસ કરાવી પરંતુ સામેથી કોઈજ જવાબ ન આવતાં સહુએ એવું ધારી લીધું કે એ લોકોની અથવા વિવેકની ઈચ્છા નથી.. પરંતુ લજ્જા મનોમન એને વરી ચૂકી હતી.. એનું મન માનવા તૈયાર જ નહોતું…

પંદર દિવસ રોજ વાતો કરતી લજ્જા, એક રિંગ વાગેને દોડતી, “વિવેકનો કોલ હશે..”

રાજુલ સમજાવીને થાકી ગઈ કે,
“લજ્જા એને કંઈ પડી નથી ને તું નાહકની જીદ પકડી બેઠી છે, તમે ક્યાં એકબીજાને મળ્યાં પણ હતાં..”

પણ એ તો એનામાં ભળી ગઈ હોય છે, મનોમન વળી ચૂકી હોય છે…
“દીદી…. મીરાં ક્યાં કદી કૃષ્ણને મળી હતી?
છતાં એ કૃષ્ણમાં કેવી ભળી હતી.”
આમને આમ બે વર્ષ નીકળી જાય છે. એક નાની કંપનીમાં જોબ ચાલુ કરી લજ્જા અસ્તવ્યસ્ત થયેલું જીવન સ્વસ્થ કરવાં મથતી રહે છે.

એકવાર વિભાબેનને એમની ફ્રેન્ડની દીકરીનાં લગ્ન પ્રસંગે પૂણે જવાનું થાય છે. લજ્જાને પણ સમજાવી સાથે આવવાં મનાવી લે છે. મમ્મીના ચહેરે ચિંતાનાવાદળો સ્પષ્ટ ઉભરી આવતાં હતાં, જેના કારણે લજ્જા નમતું જોખી સાથે જવા તૈયાર થઈ જાય છે.

અચાનક ત્યાં લગ્નના રિસેપ્શનમાં વિવેકને જોતાંજ લજ્જાની આંખો પહોળી થઈ ગઈ..

વિવેક અને લજ્જા એક જ નજરે એકબીજાને ઓળખી જાય છે…
વિવેકને પણ હવે મોંઢુ છુપાવે તો ક્યાં છુપાવવું.. એણે ભૂલ કબૂલ્યાં વગર છૂટકો નહોતો.. વાઢોતો લોહી નાં નીકળે એવી હાલત વિવેકની થઈ ગઈ હતી..

“અહીં પૂણેમાં ક્યાંથી?
“અહીં પૂણેના આશ્રમમાં નિસર્ગોપચારની સારવાર અર્થે ચાર મહિનાથી રોકાયો છું.”

“ફક્ત એકવાર મને રિપ્લાય તો આપવો જોઈએ..
મારી આંખો નિરાશાના એ વાદળોમાંથી પણ એક આશાનું કિરણ શોધતી હતી..
પણ આવી પરિસ્થિતિ…? અને તું વ્હીલચેર પર કેમ?”

“લજ્જા, તને સરપ્રાઇઝ આપવા કોઈનેય જણાવ્યા વગર હું દુબઈથી અમદાવાદ આવવાં એરપોર્ટ જવા નીકળ્યોને રસ્તામાં મારી કારને એક્સિડેન્ટ થઈ ગયો, માથામાં ઈજા થવાને કારણે માનસિક સ્થિતિ કથળી ગઈ હતી. કેટલીયે જગ્યાએ ફ્રેકચર અને રાઈટ સાઈડ પેરાલિસિસની અસર થઈ ગઈ હતી.. હું હરવાફરવાને લાયક નહોતો રહ્યો. મારા મમ્મી પપ્પાને પણ કોઈની સાથે વાત નહિ કરવાનું મેંજ કહ્યું હતું.. હું તારી લાઈફ ખરાબ કરવાં નહોતો માંગતો…”

“ખરેખર આ ઘટના આશ્ર્ચર્યજનક તો છે જ, આઘાતજનક પણ છે કે તે મારાથી આ વાત છુપાવી..?તે મારો વિચાર જરાયે ના કર્યો કે હું તારા વગર કેવી રીતે જિંદગી જીવીશ..?”
“લજ્જા તારો પ્રેમજ તો મને વ્હિલચેર પર અહિં સુધી ખેંચી લાવ્યો છે.. આટલા દર્દો સામે પણ અડીખમ પર્વતની જેમ લડ્યો છું… તારી દુવાઓને કારણે હું આટલો ઝડપથી સાજો થઈ ગયો.. અને ઈશ્વરે આપણને ભેગા કરી દીધાં છે…”

મરી-મસાલા

હમ તેરી યાદમે દિનરાત રોતે રહે યહાઁ
લોગોને બાતે ક્યા ક્યા બનાઈયે ન પૂછો…
હમ મીરાં બન બેઠેથે બિના મિલેહી
ઔર વે કહાની મે ટ્વીસ્ટ બોતે રહે વહાઁ..
@રુહાના.!

લેખક : આરતી સોની

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો, દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી