આપણે ગુસ્સો આવે ત્યારે શા માટે મોટેથી બૂમો પાડીએ છીએ?

એક સંત મહાત્મા એક વાર ગંગા નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે કિનારા ઉપર એક કુટુંબના કેટલાક સભ્યોને જોયા, તેઓ ગુસ્સામાં એકબીજા પર જોર જોરથી બૂમો પાડતા હતા.

સંત તેમના શિષ્યો સામે જોઈને બોલ્યા,”માણસો ગુસ્સામાં એકબીજા સામે બૂમો કેમ પાડતા હશે?”


શિષ્યો થોડીવાર વિચારમાં પડ્યા પછી એક શિષ્ય બોલ્યો, ”આપણે ગુસ્સો આવે ત્યારે અશાંત થઇ જઈએ છીએ માટે બૂમબરાડા પાડીએ છીએ.”

“પણ જયારે એ વ્યક્તિ આપણી સામેજ હોય છે તો પછી આપણે શા માટે બૂમો પાડવી પડે? આપણે આપણી વાત શાંતિ થી પણ કહી શકીએ ને?” સંતે પૂછ્યું.


શિષ્યોએ બીજા કેટલાક જવાબો આપ્યા પણ સંતને એનાથી સંતોષ થયો નહિ. પછી સંતે સમજાવ્યું, “કે જયારે બે વ્યક્તિઓ એકબીજા પર ગુસ્સે થાય છે ત્યારે તેમના હૃદયો વચ્ચે ઘણુંજ અંતર પડી જાય છે. તેમના હૃદયો એકબીજા ના સાનિધ્યથી દૂર થઇ જાય છે અને એ દૂરીને પહોંચી વળવા માટે તેઓ જોરથી બૂમો પાડે છે. બે વ્યક્તિઓ જેટલી વધારે ગુસ્સે થાય એટલીજ વધારે મોટેથી બૂમો પાડે છે કે જેથી તેમનો આવાજ એકમેકના હૃદય સુધી પહોંચી શકે.”


“આનાથી ઉંધુ જયારે બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે શું થાય છે? તેઓ એકમેકની સાથે એકદમ ધીમેથી વાત કરે છે કારણકે તેમના હૃદયો એકમેકના સાનિધ્યમાં હોય છે તેઓના હૃદયોની વચ્ચે અંતર હોતુજ નથી અથવા તો બિલકુલ નગણ્ય હોય છે.”

સંતે આગળ કહ્યું,”જયારે તેમનો પ્રેમ થોડો વધારે પરિપક્વ થાય છે ત્યારે તેઓ એકબીજા સાથે ગુસપુસ કરતાં હોય તેવી રીતે વાત કરે છે, હજુ વધારે એકમેકનું સાનિધ્ય મેળવે અને પ્રેમ પરિપક્વ બને એટલે તેમને બિલકુલ બોલવાની જ જરૂર રહેતી નથી તેઓ એકમેકના આંખ કે ચેહરાના હાવભાવ પરથી એકબીજાની વાતને સમજે છે.”


તેમણે શિષ્યો સામે જોયું અને કહ્યું, “માટે તમે જયારે કોઈની સાથે દલીલમાં કે વાદવિવાદમાં પડો તો તમારા હૃદયોની વચ્ચેનું અંતર વધારે એવા કટુ શબ્દો ના બોલશો તેનાથી માત્ર તમારા મન વચ્ચે અંતર વધશે અને એક સમય એવો પણ આવશે કે તમે ગમે એટલા પ્રયત્નો કરશો તોય એ દૂરીને ઓછી કરવા બે હૃદયો વચ્ચે સુમેળનો સેતુ નહિ બાંધી શકો.”

સૌજન્ય : ખુશાલી જોશી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ