ડોક્ટરે આંતરજ્ઞાતિય લગ્ન કરીને સામાજીક સમરસતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ…

સુર્યોદય થાય એ પહેલા ઘરમાં ચહલ પહલ શરૂ થઇ ગઇ છે. પુજા પાઠ સહિતની ધાર્મિક વિધીઓ થઇ રહી છે. પરીવારમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ કે પરીવારના લાડલા દિકરા હર્ષિલનું આજે ધોરણ ૧૨ સાયન્સનું પરીણામ આવવાનું છે. હર્ષિલના પિતાજી ઓફિસ જવાનું માંડી વાળે છે તથા પરીવારના બધા જ સભ્યો પોતાના બધા કામ બાજુ પર મુકીને હર્ષિલનુ ધોરણ ૧૨ સાયન્સનુ પરીણામ લેવા માટે સાથે જાય છે. થોડીવારમાં હર્ષિલનું પરીણામ આવી જાય છે અને પરીવારની ખુશી બેવડાઇ જાય છે.

હર્ષિલ ઉત્તમ પરીણામ મેળવે છે અને પરીવારનો લાડલો દિકરો ડોક્ટર બનશે તેવી બધા આશા રાખે છે. ધોરણ ૧૨ સાયન્સના પરીણામ પછી સૌરાષ્ટ્રની મેડિકલ કોલેજમાં હર્ષિલને પ્રવેશ મળી જાય છે. તો બીજી બાજુ અભ્યાસને સૌથી વધુ મહત્વનો માનતો એક સામાન્ય જીવન જીવતો પરીવાર પણ પોતાની લાડલી દિકરી સ્વાતિનું ૧૨ સાયન્સનું પરીણામ આવવાનું હોઇ અતિ ઉત્સાહિત બની જાય છે. પરીવારની બધી જ આશાઓ સ્વાતિના ૧૨ સાયન્સના પરીણામ પર ટકેલી હોય છે. કોઇ સ્વાતિને એન્જીનિયર તો પરીવારના કોઇ સભ્યો સ્વાતિને ડોક્ટર બનાવવા માંગે છે.

આખરે સ્વાતિનું ધોરણ ૧૨ સાયન્સનું પરીણામ આવે છે અને આખો પરીવાર ખુશીથી ઝુમી ઉઠે છે. બધા લોકોના હરખનો કોઇ પાર નથી રહેતો. એમા પણ સ્વાતિને સૌરાષ્ટ્રની જાણીતી મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી જતા એક સામાન્ય પરીવારમાં ખુશી બેવડાઇ જાય છે. સ્વાતિ પરીવારની પહેલી દિકરી છે કે જેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. પરીવાર સ્વાતિ ડોક્ટર બનીને ખુબ જ પ્રગતિ કરે તેમ ઇચ્છી રહ્યો છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી નજીક આવેલા ધમધમતા શહેરમાં આવેલી મેડિકલ કોલેજનું કેમ્પસ પણ ભવ્ય છે. કોલેજ કેમ્પસમાં ચારેબાજુ ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષો પર પક્ષીઓ નિવાસ કરી રહ્યા છે. પક્ષીઓના કલરવના કારણે કોલેજનું વાતાવરણ પણ ગુંજી ઉઠે છે. મેડીકલ કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો કોલેજમાં આવવાનો પ્રવાહ ચાલુ થાય છે અને બધા વિદ્યાર્થીઓ એક બીજાથી પરીચીત ન હોવાથી સામે જોઇને મલકાયા કરે છે. કોલેજમાં પ્રથમ દિવસે ક્લાસમાં ઇન્ટ્રોડક્શન જ થાય છે અને વિદ્યાર્થીઓ એકબીજાને મળીને પરીચય કેળવે છે.

અઠવાડીયા જેટલો સમય વિત્યા પછી કોલેજમાં અભ્યાસ શરૂ કરવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરીને આવ્યા હોવાથી શરૂઆતના સમયગાળામાં અભ્યાસ કરવામાં થોડી તકલીફો પડે છે પરંતુ થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા માટે ટેવાઇ જાય છે. કોલેજના પ્રથમ વર્ષમાં સાથે અભ્યાસ કરતો વિપુલ સ્વાતિ તરફ આકર્ષાય છે અને સ્વાતિના વિચારોમાં ખોવાયેલો રહ્યા કરે છે. થોડા દિવસ પછી વિપુલ સ્વાતિને મિત્ર બનાવવા માટે પુછે છે પરંતુ સ્વાતિ વિપુલને જણાવે છે કે કોલેજમાં સાથે અભ્યાસ કરતા આપણે બધા વિદ્યાર્થીઓ મિત્ર જ છીએ અને આપણે હળીમળીને સાથે જ રહીએ છીએ.

વિપુલ હું તારી દોસ્ત જ છુ પણ તું બીજુ કાઇ ન વિચારતો. વિપુલ પણ સ્વાતિની વાત ઇશારામાં સમજી જાય છે અને સ્વાતિ હું તને પ્રેમ કરૂ છુ તેમ જણાવવાની હિમ્મત કરતો નથી. આ ઘટના બાદ કોલેજમાં સ્વાતિની ઇમેજ વધુ મજબુત બને છે અને કોઇ વિદ્યાર્થી પ્રેમના ઇરાદાથી સ્વાતિની આજુબાજુ પણ ફરકતો નથી. સ્વાતિ ફક્ત મેડિકલ કોલેજના અભ્યાસમાં જ ધ્યાન કેન્દ્રીત કરે છે અને પ્રોફેસરોની પણ પ્રિય વિદ્યાર્થી બની જાય છે. પ્રેમના નામથી પણ સતત દુર રહેતી સ્વાતિના જીવનમાં અચાનક જ નાટ્યાત્મક વળાંક આવે છે. મેડિકલ કોલેજમાં સાથે અભ્યાસ કરતો હર્ષિલ સ્વાતિ તરફ થોડો આકર્ષાય છે અને સ્વાતિને પ્રેમ કરવા લાગે છે. આ વાતથી સ્વાતિ સાવ અજાણ હોય છે.

હર્ષિલ સ્વાતિની સતત ચિંતા કર્યા કરે છે અને અભ્યાસમાં પણ મદદરૂપ બની રહ્યો છે. હર્ષિલ સ્વાતિને પ્રેમ કરે છે તે વિપુલથી જોઇ શકાતુ નથી. એક દિવસ વિપુલ સ્વાતિની પાસે પહોંચી જાય છે અને સ્વાતિને કહે છે કે આપણા ક્લાસનો તથા તારી આસપાસ હમણાથી સતત ફર્યા કરતો હર્ષિલથી થોડી ચેતીને રહેજે. સ્વાતિ આશ્ચર્ય સાથે પુછે છે કે કેમ હર્ષિલથી ચેતીને રહુ? એ તો આપણી કોલેજનો સારો વિદ્યાર્થી છે અને મારો મિત્ર પણ છે. વિપુલે કહ્યુ સ્વાતિ તું બહુ ભોળી છુ. હર્ષિલ તારો મિત્ર ખરો પણ એ મિત્રનો સ્વાંગ રચીને તને પામવા માંગે છે. એ તને પ્રેમ કરે છે. પણ તું તો પ્રેમથી નફરત કરે છે. બરાબર ને? ત્યારે સ્વાતિએ વિપુલને મોઢા પર જ સંભળાવી દિધુ કે, મારી જીંદગીનો નિર્ણય કરવાવાળો તું કોણ છે.

મારે મારા જીવનમાં શુ કરવુ એ હું જ જાતે નક્કી કરીશ. મારે કોઇના સલાહ સુચનની કોઇ જરૂર નથી. હર્ષિલ મને પ્રેમ કરે છે તો તને શુ તકલીફ છે. સ્વાતિના આ શબ્દો સાંભળતા જ વિપુલ પણ સ્તબ્ધ બની જાય છે અને એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો જાય છે. વિપુલ સ્વાતિ તથા હર્ષિલના પ્રેમમાં વિલન બનવા માંગતો હતો પરંતુ વિપુલનો દાવ સાવ ઉંધો પડ્યો અને સ્વાતિ પણ હર્ષિલ પોતાને પ્રેમ કરતો હોવાનું જાણીને મનમાં ને મનમાં મલકાય છે. સ્વાતિ સીધી હર્ષિલ પાસે પહોંચી જાય છે અને હર્ષિલને પુછે છે કે તું કેમ મારી આટલી બધી ચિંતા કર્યા કરે છે. સતત મારી આસપાસ રહ્યા કરે છે? આ સાંભળતા જ હર્ષિલ થોડો સંકોચ અનુભવે છે. હર્ષિલ પ્રતિઉત્તર આપવામાં પણ થોડો અચકાય છે.

હર્ષિલ તું કેમ અચકાય છે જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દે ને એમ સ્વાતિએ કહ્યુ તેમ છતાં પણ હર્ષિલ કઇ બોલી શકતો નથી. સ્વાતિ પણ થોડો સમય મૌન રહીને પુછે છે કે તું મને પ્રેમ કરે છે? એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર હર્ષિલ બોલી ઉઠે છે કે હું તો તને પ્રેમ કરૂ જ છુ, પરંતુ અત્યાર સુધી તને કહી શક્યો નહી. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ. સ્વાતિએ કહ્યુ લગ્ન માટે ઉતાવળ ના કરીશ હજું તો આપણો અભ્યાસ ચાલુ છે. બન્ને ડોક્ટર બની જઇએ પછી લગ્ન કરીશુ. હર્ષિલે કહ્યુ જેવી તારી મરજી. મેડીકલ કોલેજમાં અભ્યાસની સાથે હર્ષિલ તથા સ્વાતિ અપાર પ્રેમ કરી રહ્યા છે.

ક્લાસ રૂમ હોય કે કોલેજ કેમ્પસ પડછાયાની જેમ બન્ને સાથે જ જોવા મળી રહ્યા છે. એક દિવસ પોતાના ઘરે જાય છે ત્યારે સ્વાતિ સાથેના પ્રેમ અંગે પરીવારના સભ્યોને વાત કરે છે અને તેની સાથે લગ્ન કરવાનું પણ કહે છે. પરંતુ પરીવારના સભ્યો આંતરજ્ઞાતિય લગ્ન માટે તૈયાર થતા નથી અને કહે છે કે હર્ષિલ તારો પ્રેમ સાચો હશે પરંતુ આપણે સમાજમાં રહેવાનું છે તું આપણા સમાજની કોઇ પણ છોકરી પસંદ કર અને તેની સાથે લગ્ન કરી લે. પણ આંતરજ્ઞાતિય લગ્નનો વિચાર રહેવા દે. હર્ષિલે પરીવારને સાંભળ્યા બાદ કહ્યુ કે આજે તો દુનિયા આગળ નિકળી ગઇ છે અને તમે જ્ઞાતિઓના વાડાઓમાં અટવાયેલા રહ્યા છો. વ્યક્તિ જન્મથી નહી કર્મથી મહાન બને છે.

સ્વાતિ પણ મારી જેમ ડોક્ટર જ છે. મેડીકલ કોલેજનો અભ્યાસ પુર્ણ થયા પછી હર્ષિલ સ્વાતિ સાથે લગ્ન કરે છે. હર્ષિલ આંતરજ્ઞાતિય લગ્ન કરીને સામાજીક સમરસતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડે છે. હર્ષિલનો પરીવાર પણ સ્વાતિને પોતાના ઘરની વહું તરીકે સ્વીકારી લે છે. શરૂઆતમાં થોડી તકલીફો વેઠ્યા પછી હર્ષિલ તથા સ્વાતિ બન્ને ડોક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે અને સાથે સાથે પહેલાની જેમ જ પ્રેમ પણ અકબંધ રહ્યો છે. (સત્ય ઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે)

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ