આંસુનું નવું ઘર – આજે ફરીથી યાદ આવ્યો એ દિવસ જયારે તે મને આપી હતી એ અમુલ્ય ભેટ…

ઘરડો રાજ સવારે રાબેતા મુજબ સવારે 6 વાગે ઉઠી ગયો. સ્નાન કરીને તેણે પોતાના માટે ઓછી ખાંડ વાળી ચા બનાવી. પોતાની છડી લઈને રાબેતા મુજબ તે તેના ઓફિસ જવા માટે નીકળી ગયો. રસ્તામાં રીક્ષાવાળો મળ્યો પણ રાજે રૂપિયા બચાવા 1 કિલોમીટર દૂર આવેલ ઓફિસ સુધી ચાલતો ગયો.


ઓફિસમાં રાબેતા મુજબ તે પોતાનું કામ કરતો રહ્યો. આખરે આંઠ કલાકની નોકરી કર્યા પછી તે ઓફિસની નીચે આવ્યો. ઓફિસની નીચે તેની નજર સામેના કેફેબાર પર ગઈ. તે કેફેબારને રાજે ગુલાબના ફૂલોથી શણગારેલું જોયું અને તેમાં બેઠેલા પ્રેમી પંખીડાઓને જોયા.


ત્યાં જ તેણે તેની પાસેથી પસાર થનારા એક યુવાન છોકરાને પૂછ્યું કે દીકરા આજે તારીખ શું છે? તે યુવાને ત્વરીત ઉત્તર આપતા જણાવ્યું કે દાદા આજે 14મી ફેબ્રુઆરી છે. ઘરડો રાજ તરત જ તેના ઘરે જવા નીકળ્યો. રોજ પૈસા બચાવીને ચાલતા-ચાલતા ઘરે જનારા રાજે રીક્ષા લીધી અને રીક્ષાવાળાને પોતાના ઘરે જવાનું કહ્યું. રીક્ષાવાળો ઘરડા રાજના કહ્યા પ્રમાણે તેમને તેમના ઘરે લઇ ગયો.


રીક્ષામાંથી ઉતરીને ઘરડો રાજ તેના ઘર તરફ ચાલવા લાગ્યો. ઘડપણમાં ઘસાઈ ગયેલા ઘૂંટણો અચાનક ઝડપથી ચાલી રહ્યા હતા. આમ ફટાફટ ચાલીને રાજ પોતાના ઘરે પહોંચ્યો અને તેણે ઘર ખોલ્યું. ઘરની અંદર જઈને રાજ તેના રૂમમાં ગયો અને રૂમની અંદરની તોજોરી ખોલી કંઈક શોધવા લાગ્યો. આખરે તેણે જુની એવી એક એવું પુસ્તક તેના હાથમાં લીધું.


વર્ષો પહેલા મળેલ આ પુસ્તક તે ભેટ હતી. જે અગત્ય હતું તે ફક્ત આ ભેંટ જ નતી. રાજે પુસ્તકની અંદરનું 143 નંબરનુ પાનું ખોલ્યું, જેમાં બે પાના વચ્ચે પોતાનો સંસાર બનાવી બેઠેલું એક ગુલાબ હતું.

આ પુસ્તકની સાથે રાજે તેની સ્વ.પત્નીનો ફોટો મુકેલો હતો. આંખમાં આંસુ સાથે રાજે તેની સ્વ.પત્નીના ફોટા પર પડેલી ગુલાબની પાંખડીને પોતાની બે આંગળીઓથી સ્પર્શ કર્યું અને કહ્યું, “હેપ્પી વેલેન્ટાઈન ડે.”

પોતાની ભાવનાઓને વધુ શબ્દો આપતા રાજે કહ્યું, “હા, ખબર છે, ઘણું મોડું તને અભિનંદન પાઠવું છું પણ શું કરું ભૂલી ગયો. એટલે નથી ભુલ્યો કે ઘરડો થઇ ગયો છું પણ એટલે ભૂલી ગયો છું કારણ કે યાદ અપાવા માટે તું સાથે જે નથી.”


આટલું કહીને રાજ ભાંગી પડ્યો. રાજ પુસ્તક બંધ કરવા જઈ રહ્યો હતો કે ત્યાં જ તેનું આંસુ તે ગુલાબ, તેની પાંખડીઓ, પુસ્તકના પાનાઓ અને તેની પત્નીના જુના ફોટામાં ભળી ગયું.

મિત્રો, વેલેન્ટાઈનનો મતલબ કોઈને ગુલાબ આપીને ભૂલવાનું નહીં પણ ગુલાબ આપનારને છેલ્લા શ્વાસ સુધી યાદ રાખવાનું હોય છે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની અનેક નવી નવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ