પ્રેમની વસંત બારેમાસ – આંખોના જ ઇશારે શરૂ થયો પ્રેમ ને બંધાઇ ગયો અમિત રેશ્માનો પવિત્ર સબંધ.

નદીમાંથી ખળ ખળ નીર વહી રહ્યુ છે અને નદી કીનારા પર જ વસેલા ગામના લોકો નદીમાં સ્નાન કરીને ભગવાન સુર્યા નારાયણને જળ ચડાવીને પુજન અર્ચન કરી રહ્યા છે. કેટલાક ભક્તો નદી કિનાર પર આવેલ શિવાલયમાં જઇને ભગવાન ભોળાનાથને રીજવી રહ્યા છે. સવારમાં મન પ્રફુલ્લીત થઇ જાય તેવુ વાતાવરણ લાગી રહ્યુ છે. મંદિરની આરતીમાં સમસ્ત ગામાના લોકો એક સાથે એકઠા થતા હોઇ ભગવાનની સાથે ગામની એકતા, અખંડીતતાના દર્શન પણ થઇ રહ્યા છે.

સમસ્ત ગામ હળીમળીને રહે છે અને એકબીજાના સુખ દુઃખમાં ખભેખભો મેળવીને ભાગીદાર પણ થઇ રહ્યા છે. આવા નાનકડા ગામના સામાન્ય પરીવારમાં ઉછરેલો અમિત શાળામાં અભ્યાસ કરી રહ્યો છે. અમિત ભણવામાં ખુબ જ હોશિયાર, તેજસ્વીને સાથે સાથે ચપળ, ચંચળને તોફાની પણ ખરો. તેમ છતાં પણ અમિત તેના શિક્ષકોનો લાડકો વિદ્યાર્થી છે. શિક્ષકો બીજા વિદ્યાર્થીઓ કરતા અમિતને થોડા વધારે લાડ લડાવી રહ્યા છે. પરંતુ આનંદ નામના વ્યાયામ શિક્ષકને અમિત આંખમાં કણાની માફક ખુચી રહ્યો છે.

શિક્ષક આનંદ હંમેશા અમિતની કોઇને કોઇ ભુલ શોધીને તેને આકરી સજા કરવાની તક શોધી રહ્યા હોય છે. બધા જ વિદ્યાર્થીઓ શાળામાં સમયસર આવી ગયા હોય છે પરંતુ ચાર થી પાંચ વિદ્યાર્થીઓ શાળામાં પહોચવામાં મોડા પડે છે. જેમાં અમિતનો પણ સમાવેશ થઇ જાય છે. શિક્ષક આનંદ વિદ્યાર્થીઓને પુછી રહ્યા છે કે તમે શાળામાં કેમ મોડા આવ્યા? બીજા વિદ્યાર્થીઓ કઇ જવાબ આપે તે પહેલા જ અમિત કહે છે કે નદીના કારણે.

શિક્ષક આનંદે કહ્યુ કેમ નદીના કારણે? નદી તો બે કાંઠે ધરમસતી વહી રહી છે પરંતુ તેનું પાણી ક્યાય પણ ગામમાં આવ્યુ નથી. અમિતે કહ્યુ કે સાહેબ નદીનું પાણી ગામમાં નથી આવ્યુ પણ હું નદીના પાણીમાં ગયો હતો. અમિત તું હવે વધારે ખોટુ ના બોલીશ. નદીના ધસમસતા પ્રવાહમાં તારા જેવા તો તણાઇને ગોત્યો પણ હાથમાં ન આવે તેમ શિક્ષક આનંદે થોડા મોટા અવાજમાં કહ્યુ. અમિતે વિનમ્રથી કીધુ કે સાહેબ તમારો અવાજ ભલેને મોટો હોય પણ હું સાચો હોવાથી કોઇનાથીય ડરવાનો નથી.

તમે હાલો મારી સાથેને મારા કાકાને પુછી જુઓ. અમિત તેના શિક્ષક આનંદને લઇને ઘરે આવે છે અને તેના કાકા પાસે લઇ જાય છે. આનંદે પુછ્યુ કે આ અમિત નદીના પાણીમાં ગયો હોવાનું કહે છે તેમાં સાચુ શુ છે? અમિતના કાકાએ કીધુ કે સાહેબ આ નદી તો અમારી માતા છે અને માતાના ખોળામાં જતા બાળકને શુ બીક હોય? આનંદ તો નદી અને નદીના પાણીમાં જ રમીને મોટો થયો છે. સામાકાંઠે કેટલાક માલધારીઓએ ઘેટા બકરાઓ સાથે પડાવ નાખ્યો છે અને વરસાદના કારણે તેઓ ભોજન પણ બનાવી શકે તેવી સ્થિતીમાં ન હોવાથી હું અને અમિત ગામના લોકોના સાથ સહકારથી ભોજન બનાવીને તેમને આપવા માટે ગયા હતા. તમારે નજરે જોવુ હોય તો સાંજે આવજો નદી કીનારા પર અમે ફરી ભોજન આપવા જવાના જ છીએ.

આ વાત સાંભળીને શિક્ષક આનંદ તો આશ્ચર્ય ચકીત બની જાય છે અને અમિતને શાળામાં લઇને આવી જાય છે. અમિત તેના વર્ગખંડમાં આવીને બધા વિદ્યાર્થીઓને આખા ઘટનાક્રમની વાત કરે છે. આ વાત તેની સાથે અભ્યાસ કરતી રેશ્મા નામની વિદ્યાર્થીની પણ ધ્યાન પુર્વક સાંભળે છે. આમ તો રેશ્મા પણ અમિત થી ઓછી ઉતરે તેમ નથી. તે પણ રમત ગમત અને ભણવામાં હંમેશા અવ્વલ જ આવે છે. રેશ્માને નવુ જાણવાનો તથા સાહસીક કામ કરવાનો શોખ હોય છે. આજે અમિતના સાહસની વાત સાંભળીને રેશ્મા સહજ અમિત તરફ આકર્ષાય છે. શાળા છુટ્યા પછી શિક્ષકો તથા બધા વિદ્યાર્થીઓ અમિતનું પરાક્રમ જોવા માટે ઘરે જવાને બદલે સીધા નદી કિનારા પર પહોચી જાય છે.

વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ સાંજનો સમય થયો હોવા છતાં અવિરત વરસી રહ્યો છે. નદીમાં સવાર કરતા પણ વધારે ધરમાસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. અમિત અને તેના કાકા માલધારીને પરીવારને માટલામાં ભરીને ભોજન આપવા માટે તૈયાર છે. પરંતુ કેટલાક લોકો અમિતને નદીના ધસમસતા પ્રવાહમાં ન જવાની વિનંતી કરે છે. પણ માને તો એ અમિત ના કહેવાય તેમ અમિત મક્કમ બનીને નદીમાં તેના કાકા પહેલા ઝંપલાવે છે અને તરત જ તેના કાકા પણ નદીમાં ઝંપલાવે છે. અહિ કિનારા પર ઉભેલા બધા જ લોકો અમિતનું પરાક્રમ જોઇને દંગ રહી જાય છે અને શંકા કરે છે કે કદાચ આવા ધસમસતા પ્રવાહમાં અમિત સફળ નહિ થાય.

તો બધાની સાથે જ ઉભેલી રેશ્માને અમિતના પરાક્રમ પર સહેજ પણ શંકા પડતી નથી અને તે નિશ્ચિંત બનીને અમિતનું પરાક્રમ નિહાળી રહી છે. થોડીવારમાં જ અમિત અને તેના કાકા નદીના સામે કાંઠે પહોચી જાય છે અને માલધારી પરીવારને પ્રેમથી જમાડીને પરત ફરે છે. અમિત જેવો નદીમાંથી બહાર આવવા જાય છે ત્યાં જ રેશ્મા હરખમાં આવીને જોરથી બોલી ઉઠે છે કે વાહ…અમિત વાહ… આ સમયે અમિત પણ પ્રેમથી કહે છે કે શુક્રિયા રેશ્મા. શિક્ષક આનંદ સહિત બધા જ લોકો ભેગા થઇને અમિતને ખભા પર બેસાડી લે છે અને આજે શિક્ષક આનંદ અમિત પોતાનો વિદ્યાર્થી હોવાનું ગૌરવ લઇ રહ્યા છે. રાત્રે ઘરે ભોજન કરીને અમિત તો નિરાંતે સુઇ જાય છે પરંતુ રેશ્માને ઉંઘ આવતી જ નથી.

એ તો બસ અમિત અને તેના પરાક્રમના વિચારોમાં જ ખોવાયેલી રહે છે. રેશ્માને તો આંખ બંધ કરતા અમિત જ દેખાય છે. વારંવાર પ્રયત્નો કરવા છતાં રેશ્માને ઉંઘ ન આવતા તે રાત્રે અમિતના ઘર બાજુ જવાનું નક્કી કરે છે. પરંતુ રાત્રે રેશ્મા ઘરની બહાર ન નિકળી શકે તેવી સ્થિતીમાં હોવાથી વહેલી સવારમાં જ રેશ્મા નદી કિનારે શિવાલયમાં પહોચી જાય છે. થોડીમાં જ અમિત નદીમાં સ્નાન કરીને ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવે છે ત્યારે રેશ્મા એક નજરથી માત્ર અમિતને જ જોયા કરે છે. આ બાજુ અમિતનું તો ભગવાન ભોળાનાથની પુજામાં જ ધ્યાન છે. અમિત પુજા પુરી કરીને જેવો શિવાલયની બહાર નિકળે છે ત્યારે રેશ્મા બોલી ઉઠે છે કે વાહ…અમિત વાહ… તારી નિષ્ઠા જોઇને હું ખુબ જ ખુશ થઇ ગઇ છું અને તને પ્રેમ કરૂ છુ.

આ સમયે અમિત પણ આશ્ચર્ય સાથે રેશ્મા તરફ જોયા કરે છે અને તેના મનમાં પણ રેશ્મા પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. શિવાલયની બહાર એવુ દ્રશ્ય સર્જાય છે કે જાણે ભગવાન ભોળાનાથની સાક્ષી તથા આશિર્વાદથી બે પ્રેમીઓનું મિલન થાય છે અને પ્રેમરૂપી પવીત્ર સબંધની શરૂઆત થાય છે. શાળાનો અભ્યાસ પુર્ણ થયા પછી નજીકના શહેરમાં અમિત તથા રેશ્મા કોલેજ કરવા માટે જાય છે ત્યારે રેશ્માના પરિવારમાં પ્રેમ પ્રકરણની જાણ થાય છે અને તેઓ રેશ્માને કોલેજ જવાની ના પાડી દે છે. રેશ્મા કોલેજ ન જતી હોવાની જાણ તેના શિક્ષક આનંદને થતા તે રેશ્માના ઘરે આવે છે અને રેશ્માના પિતાને મળે છે. ત્યારે શિક્ષક આનંદને ખબર પડે છે કે રેશ્મા અને અમિત એકબીજાને પ્રેમ કરે છે.

થોડીવારમાં શિક્ષક આનંદ ત્યાંથી સીધા અમિતના ઘર બાજુ જાય છે અને અમિતને મળવા માટે બોલાવે છે. અમિત તેના શિક્ષકને દિલ ખોલીને બધી વાત કરે છે. શિક્ષક આનંદ બન્ને પ્રેમીઓના લગ્ન કરાવવાનો મનમાં સંકલ્પ કરે છે. શિક્ષક આનંદ રેશ્માના પરિવારને ખુબ સમજાવે છે અને આખરે રેશ્માનો પરીવાર લગ્ન કરાવવા માટે તૈયાર થઇ જાય છે. શિક્ષક આનંદના ઘર આંગણે રેશ્મા અને અમિતના વૈદિક પરંપરા મુજબ લગ્ન કરાવવામાં આવે છે અને આવી રીતે આંખના ઇશારે શરૂ થયેલો પ્રેમ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ જાય છે.

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ