આલુ- પ્યાઝ પરાઠા – એકના એક આલું પરોઠા નહિ હવે બનાવો કઈક નવીન…

સ્ટફિંગ કરેલા પરાઠા લગભગ બધાના ઘર માં બનતા જ હોય છે. અને જે ઘણી બધી અલગ પ્રકારે બનાવી શકાય છે. એમાં પંજાબી આલુ- પ્યાઝ પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે.

બાળકો ને ટીફીન માં આપવા હોય , સવારે નાસ્તા માં બનાવવા હોય કે રાતે જમવામાં બનાવવા હોય તો આ પરાઠા બેસ્ટ છે. બહાર મળતા આલુ- પ્યાઝ પરાઠા કરતા પણ વધુ ટેસ્ટી લાગશે આ પરાઠા નું સ્ટફિંગ … ચોક્કસ થી બનાવી ને ટ્રાય કરો…

આલુ- પ્યાઝ પરાઠા માટે ની સામગ્રી:-

સ્ટફિંગ માટે:-

5-7 નંગ બાફેલા બટેટા

2-3 નંગ ઝીણી સમારેલી ડુંગળી

1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ

1/2 કપ ઝીણી સમારેલી કોથમીર

3 ચમચા દાણાદાર સિંગદાણા નો ભુકો

1 ચમચી લાલ મરચું

1/2 ચમચી હળદર

1/4 ચમચી અમચુર પાવડર

1/8 ચમચી ગરમ મસાલો

1 ચમચી ધાણા જીરું

2 ચપટી રાઈ

1/2 ચમચી આખું જીરુ

1/4 ચમચી અજમો

2 ચમચી તેલ

2 ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર

કણક બાંધવા માટે:-

4 કપ ઘઉં નો લોટ

2 ચમચી તેલ

મીઠું સ્વાદાનુસાર

પાણી કણક બાંધવા માટે

પરાઠા શેકવા માટે ઘી

પરાઠા બનાવવા માટે ની રીત:-

સૌ પ્રથમ કણક બનાવવા માટે એક બાઉલ માં લોટ લો . તેમાં મીઠું અને તેલ ઉમેરી ને બરાબર મિક્સ કરી. ત્યારબાદ હવે ધીરે ધીરે પાણી ઉમેરી ને મધ્યમ સોફ્ટ કણક બાંધો.હવે ઢાંકી ને 15-20 મિનીટ નો રેસ્ટ આપો..

કણક ને રેસ્ટ મળે ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લઈએ..


સૌ પ્રથમ બટેટા ને બાફી ને છાલ ઉતારી લો. અને હાથે થી મસળી લો.


એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. રાઈ ઉમેરો અને થાય પછી તેમાં જીરું અને અજમો ઉમેરો.ત્યારબાદ હિંગ અને હળદર ઉમેરી ને સમારેલી ડુંગળી ઉમેરો.બધું બરાબર મિક્સ કરી ને 1 મિનીટ સુધી સાંતળો હવે તેમાં કોથમીર , લાલ મરચું, આદુ-મરચાં ની પેસ્ટ, ધાણાજીરૂં , અમચુર પાવડર , મીઠું( બટેટા ના ભાગ નું મીઠું પણ ઉમેરી દો) ઉમેરી ને બધું મિકસ કરી એન સાંતળો . હવે ગરમ મસાલો ઉમેરી ને મિક્સ કરી ને ગેસ બંધ કરી દો. અને થોડું ઠંડુ થવા દો.


એક બાઉલ માં મસળેલા બટેટા લો. તેમાં વઘારેલું ડુંગળી નું મિશ્રણ અને સિંગદાણા નો ભુકો ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે .


હવે કણક ને બરાબર મસળી ને મોટા લુઆ બનાવો. હવે અટામણ ની મદદ થી પુરી થી મોટી ગોળ જાડી રોટલી બનાવો. કિનારી પર જરા પાણી લગાવો અને અટામણ ભભરાવો હવે વચ્ચે સ્ટફિંગ મુકો અને સેમ સામે ની બાજુ ભેગી કરો અને વધારાનું લોટ નું મિશ્રણ નીકાળી ને દબાવી ને લુઆ જેવું બનાવો.


અટામણની મદદ થી હળવા હાથે વેલણ થી વણી લો.

હવે નોનસ્ટિક તવા પર કે જાડા સાદા તવા પર આ પરાઠા બંને બાજુ આછા બ્રાઉન થાય ત્યાં સુધી ઘી લગાવી ને મધ્યમ આંચ પર શેકી લો.

ગરમ ગરમ પરાઠા દહીં, લીલી કોથમીર-ફુદીના ચટણી, ખાટું આથાણું અને સોસ સાથે સર્વ કરો.


બાળકો ને ટીફીન માં આપવા માટે સ્ટફિંગ માં થોડું ચીઝ ઉમેરો અને સોસ સાથે આપો..

નોંધ:–

બટેટા પાણી પોચા ના બાફવા.

તાજા ફુદીના ના પાન સમારી ને સ્ટફિંગ ના મિશ્રણ માં ઉમેરી શકો.

સિંગદાણા નો ભુકો વધુ કે ઓછો ઉમેરી શકાય.

સ્ટફિંગ અગાઉ થી બનાવી ને ફ્રીઝ માં મૂકી શકાય છે .

કણકમાંથી બે રોટલી વણી ને સ્ટફિંગ વચ્ચે મૂકી ને પણ પરાઠા બનાવી શકાય અથવા એક મોટી રોટલી વણી અડધા માં સ્ટફિંગ મુકો અને હાફ સર્કલ પણ બનાવી શકાય.

કણક બહું કઠણ ના હોવી જોઈએ .

કોથમીર ધોઈ ને કોરી કરેલી વાપરવી જેથી સ્ટફિંગ માં પાણી નો ભાગ ના રહે.

આ પરાઠા તેલ માં પણ શેકી શકાય પરંતુ ઘી માં શેકેલા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ