આલુ- પ્યાઝ પરાઠા – ખૂબ ઓછા સમયમાં બનતા આ પરાઠા સવારે નાસ્તામાં બને રાતના ડીનર માટે બેસ્ટ છે …

આલુ- પ્યાઝ પરાઠા

સ્ટફિંગ કરેલા પરાઠા લગભગ બધાના ઘર માં બનતા જ હોય છે. અને જે ઘણી બધી અલગ પ્રકારે બનાવી શકાય છે. એમાં પંજાબી આલુ- પ્યાઝ પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતાથી બની જાય છે. બાળકોને ટીફીનમાં આપવા હોય , સવારે નાસ્તામાં બનાવવા હોય કે રાતે જમવામાં બનાવવા હોય તો આ પરાઠા બેસ્ટ છે.

બહાર મળતા આલુ- પ્યાઝ પરાઠા કરતા પણ વધુ ટેસ્ટી લાગશે આ પરાઠાનું સ્ટફિંગ. ચોક્કસથી બનાવીને ટ્રાય કરો...

આલુ- પ્યાઝ પરાઠા માટેની સામગ્રી:-

સ્ટફિંગ માટે:-

 • 5-7 નંગ બાફેલા બટેટા,,
 • 2-3 નંગ ઝીણી સમારેલી ડુંગળી,
 • 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ,
 • 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર,
 • 3 ચમચા દાણાદાર સિંગદાણાનો ભુકો,
 • 1 ચમચી લાલ મરચું,
 • 1/2 ચમચી હળદર,
 • 1/4 ચમચી અમચુર પાવડર,
 • 1/8 ચમચી ગરમ મસાલો,
 • 1 ચમચી ધાણા જીરું,
 • 2 ચપટી રાઈ,
 • 1/2 ચમચી આખું જીરુ,
 • 1/4 ચમચી અજમો,
 • 2 ચમચી તેલ,
 • 2 ચપટી હિંગ,
 • મીઠું સ્વાદાનુસાર.

કણક બાંધવા માટે:-

 • 4 કપ ઘઉંનો લોટ,
 • 2 ચમચી તેલ,
 • મીઠું સ્વાદાનુસાર,
 • પાણી કણક બાંધવા માટે,
 • પરાઠા શેકવા માટે ઘી.

પરાઠા બનાવવા માટેની રીત:-

સૌ પ્રથમ કણક બનાવવા માટે એક બાઉલમાં લોટ લો . તેમાં મીઠું અને તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી. ત્યારબાદ હવે ધીરે ધીરે પાણી ઉમેરીને મધ્યમ સોફ્ટ કણક બાંધો.હવે ઢાંકી ને 15-20 મિનીટનો રેસ્ટ આપો..કણકને રેસ્ટ મળે ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લઈએ..સૌ પ્રથમ બટેટાને બાફીને છાલ ઉતારી લો. અને હાથેથી મસળી લો.એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. રાઈ ઉમેરો અને થાય પછી તેમાં જીરું અને અજમો ઉમેરો.ત્યારબાદ હિંગ અને હળદર ઉમેરી ને સમારેલી ડુંગળી ઉમેરો.બધું બરાબર મિક્સ કરી ને 1 મિનીટ સુધી સાંતળો. હવે તેમાં કોથમીર , લાલ મરચું, આદુ-મરચાં ની પેસ્ટ, ધાણાજીરૂં , અમચુર પાવડર , મીઠું( બટેટા ના ભાગ નું મીઠું પણ ઉમેરી દો) ઉમેરી ને બધું મિકસ કરી એન સાંતળો . હવે ગરમ મસાલો ઉમેરી ને મિક્સ કરી ને ગેસ બંધ કરી દો. અને થોડું ઠંડુ થવા દો.

એક બાઉલમાં મસળેલા બટેટા લો. તેમાં વઘારેલું ડુંગળી નું મિશ્રણ અને સિંગદાણા નો ભુકો ઉમેરો. 

હવે બધું બરાબર મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે .હવે કણને બરાબર મસળી ને મોટા લુઆ બનાવો. હવે અટામણની મદ થી પુરીથી મોટી ગોળ જાડી રોટલી બનાવો. કિનારી પર જરા પાણી લગાવો અને અટામણ ભભરાવો હવે વચ્ચે સ્ટફિંગ મુકો અને સેમ સામે ની બાજુ ભેગી કરો અને વધારાનું લોટ નું મિશ્રણ નીકાળી ને દબાવી ને લુઆ જેવું બનાવો.

અટામણની મદદથી હળવા હાથે વેલણથી વણી લો.

હવે નોનસ્ટિક તવા પર કે જાડા સાદા તવા પર આ પરાઠા બંને બાજુ આછા બ્રાઉન થાય ત્યાં સુધી ઘી લગાવીને મધ્યમ આંચ પર શેકી લો.

ગરમ ગરમ પરાઠા દહીં, લીલી કોથમીર-ફુદીના ચટણી, ખાટું આથાણું અને સોસ સાથે સર્વ કરો. બાળકોને ટીફીનમાં આપવા માટે સ્ટફિંગમાં થોડું ચીઝ ઉમેરો અને સોસ સાથે આપો..

નોંધ:–

બટેટા પાણી પોચાના બાફવા.તાજા ફુદીનાના પાન સમારીને સ્ટફિંગના મિશ્રણમાં ઉમેરી શકો. સિંગદાણાનો ભુકો વધુ કે ઓછો ઉમેરી શકાય. સ્ટફિંગ અગાઉથી બનાવી ને ફ્રીઝમાં મૂકી શકાય છે . કણકમાંથી બે રોટલી વણીને સ્ટફિંગ વચ્ચે મૂકીને પણ પરાઠા બનાવી શકાય અથવા એક મોટી રોટલી વણી અડધામાં સ્ટફિંગ મુકો અને હાફ સર્કલ પણ બનાવી શકાય. કણક બહું કઠણ ના હોવી જોઈએ . કોથમીર ધોઈ ને કોરી કરેલી વાપરવી જેથી સ્ટફિંગ માં પાણી નો ભાગ ના રહે. આ પરાઠા તેલ માં પણ શેકી શકાય પરંતુ ઘી માં શેકેલા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

ટીપ્પણી