જલ્સા કરોને જેંતીલાલ

આક્રંદ : એક અભિશાપ ભાગ 4 – જો તમે ભૂત, પ્રેત અને જીનમાં વિશ્વાસ નથી રાખતા તો તમારે એકવાર આ સ્ટોરી વાંચવી રહી…

જે મિત્રોને જે તે ભાગ વાંચવાનો બાકી છે તે ભાગ 1, ભાગ 2, ભાગ 3 પર ક્લિક કરે.

ભાગ 4

હસન દ્વારા ત્રિપાઈ પર રાખવામાં આવેલ વસ્તુ એક પથ્થર હોવાનું માલુમ પડતાં નૂર નાં મુખેથી અનાયાસે જ “પથ્થર” શબ્દ નીકળી પડે છે. નૂર ની વાત સાંભળી હસને ત્રિપાઈ પર પડેલ પથ્થર તરફ ઈશારો કરી કહ્યું. “હા,આ એક પથ્થર જ છે..પણ આ કોઈ સામાન્ય પથ્થર નથી..આ કોરલ સ્ટોન છે..” “કોરલ સ્ટોન..?”નૂર અને ફાતિમા એકસાથે બોલી ઉઠયાં. “કોરલ સ્ટોન એવો પથ્થર છે જેનો ઉપયોગ પ્રાચીન ઈજીપ્ત નાં લોકો જિન જેવી કોઈ અદ્રશ્ય શક્તિની હાજરી ની શકયતા તપાસવા માટે કરતાં હતાં.. આ પથ્થર એક અરબી હકીમે મારાં દાદા ને આપ્યો હતો..”કોરલ સ્ટોન વિશે ની માહિતી આપતાં હસન બોલ્યો.

image source

“પણ અત્યારે આ કોરલ સ્ટોન ની અંદર અચાનક ધ્રુજારી કેમ ઉત્તપન્ન થઈ..?”આ સવાલ નતાશા નો હતો..બે વર્ષ સુધી એ હસન જોડે હતી એને કોરલ સ્ટોન વિશે તો સાંભળ્યું હતું પણ આમ એની અંદર ધ્રુજારી ઉત્તપન્ન થતાં નતાશા એ પ્રથમ વખત જોઈ હતી. “આની અંદર ધ્રુજારી થવાનું કારણ એક જ હોય કે અહીં જિન ની હાજરી છે..અને આ ઘર ની અંદર એ જિન ને વધુ શક્તિશાળી બનવા માટે ની સગવડ પુરી પાડવામાં આવી છે..મતલબ કે જિન એની મરજીથી આ ઘરમાં આવ-જા કરી શકે છે..”હસન ઓમરે કહ્યું. “પણ એવું કઈ રીતે બની શકે..??અમારાં ઘરમાંથી કોઈ કેમ જાણી જોઈને જિન ની મદદ કરે..?”ફાતિમા એ સવાલ કર્યો.

ફાતિમા નો સવાલ સાંભળી હસને વિચારશીલ મુદ્રામાં પોતાની નજર આમતેમ ઘુમાવી..અચાનક એની નજરે એ વસ્તુ ચડી ગઈ જેને લીધે કોરલ સ્ટોન ધ્રુજી ઉઠ્યો હતો. “આ એક આંખ નાં નિશાન વાળી તસવીરો ઘરમાં કોને લગાવી..??મારાં અંદાજા મુજબ આખા ઘરમાં આવી એક આંખોવાળી તસવીરો છે..?”હસને આશ્ચર્ય સાથે પૂછ્યું. “આ તો મને મારી બહેન કાસમા એ કહ્યું હતું કે આવી તસવીરો જિન ને આપણાં ઘરમાં આવતાં રોકશે..એમની વાત માની મેં બધે આવી તસવીરો લગાવી દીધી..”ફાતિમા એ હસન ની વાત નો જવાબ આપતાં કહ્યું.

“તમારી બહેન ને કોઈએ ખોટી માહિતી આપી લાગે છે..હકીકતમાં આવી એક આંખવાળી આકૃતિઓ જિન ને અહીં આવવા આમંત્રણ પૂરું પાડે છે..અને એકરીતે જિન ને એનર્જી આપવાનું કામ આ એક આંખવાળી આકૃતિ કરે છે..જલ્દી માં જલ્દી ઘરમાંથી બધી એક આંખવાળી આકૃતિઓ નીકાળી દો..”હસને વ્યગ્ર સ્વરે કહ્યું.

હસન ની વાત સાંભળી ફાતિમા એ પણ બધી આકૃતિઓ દૂર કરવાની સહમતિ આપી દીધી..અને એની સહમતિ મળતાં જ નૂર,નતાશા અને હસન આખાં ઘરમાં ફરી એવી બધી એક આંખવાળી આકૃતિ કે તસવીરો નીકાળી મૂકે છે..એ બધી વસ્તુઓનો નાશ થતાં ની સાથે કોરલ સ્ટોન ની ધ્રુજારી અટકી જાય છે અને એ જોઈ દરેક ને હાશ થયાં ની લાગણી થાય છે.

image source

આ બધી વસ્તુઓ જોયાં પછી પોતાની જાત ને સાયકોલોજી ની સ્ટુન્ડટ કહેતી નૂર પણ આ બધી વસ્તુઓ પર વિશ્વાસ રાખતી થઈ ગઈ હતી..થોડી ઘણી ચર્ચા પછી નૂર અને નતાશા પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયાં.. હસન પોતાનાં રૂમમાં આવીને બેઠો અને પછી રૂમનો દરવાજો બંધ કરી દીધો. રૂમ નો દરવાજો બંધ કરી હસને ખુદાની બંદગી ની મુદ્રામાં ફર્શ પર જ સ્થાન ગ્રહણ કર્યું અને કંઈક આયાતો બોલ્યાં બાદ ઉભો થયો..ત્યારબાદ હસને પોતાની બેગમાંથી મસ્જિદ નું પાક પાણી કાઢ્યું અને એનો રૂમનાં દરવાજા આગળ છંટકાવ કર્યો.આ બધું કર્યાં બાદ હસન નિરાંતે સુઈ ગયો.

*****************

સવાર નો નિત્યક્રમ પૂર્ણ કર્યાં બાદ ફાતિમા ની સહમતિ લીધાં બાદ હસન ઓમર રેશમા સાથે એકાંત માં મળવા અને થોડાં સવાલાત કરવા માટે એક અલાયદા રૂમમાં પ્રવેશ્યાં. નૂર પણ ત્યારે હસન ની સાથે જ અંદર ગઈ..પણ નતાશા હસન ની સ્ટુડન્ટ હોવાં છતાં હસને નતાશા ને બહાર રોકાઈ જવાનું કહ્યું જે વાત નું નતાશા ને પારાવાર ખોટું લાગ્યું હતું..હકીકતમાં નતાશા હસન ને મનોમન પ્રેમ કરતી હતી અને હસન પણ એની પ્રત્યે કૂણી લાગણી ધરાવતો હતો.નૂર ની હસન દ્વારા જે પ્રકારે કાળજી લેવાઈ રહી હતી એ બાબત નતાશા નાં હૃદયમાં શૂળ ની માફક ખૂંપી રહી હતી..એને મનોમન કંઈક નવું કરવાનું આયોજન કરી લીધું હતું.

રેશમા નાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધાં બાદ હસન ઓમર રેશમા ની સમીપ એનાં બેડ ઉપર જઈને બેઠો..નૂર પણ એમની બાજુમાં એક ખુરશી પર ગોઠવાઈ..હસન અને રેશમા વચ્ચે થતી વાતચીત પર એ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી. “રેશમા હવે કેમ છે તને..?”હસને રેશમા ની તરફ જોઈને કહ્યું. “મને અત્યારે તો ઠીક છે પણ ખબર નહીં મને શું થઈ જાય છે ક્યારેક ક્યારેક..”રેશમા નો અવાજ તરડાઈ રહ્યો હતો.

“રેશમા તારી સુહાગરાત નાં દિવસે તે તારાં સોહર આફતાબ પર કેમ હુમલો કર્યો..હું એ વિશે કંઈક જાણી શકું.તને આફતાબ પસંદ નહોતો કે પછી બીજી વાત હતી..?”હસન રેશમા ની આંખો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને બોલ્યો. “ના એવું કંઈ નહોતું..હું આફતાબ ને ખુબ ચાહતી હતી..આફતાબ પણ મને ખુબ પ્રેમ કરતો હતો..હું એની સાથે નિકાહ કરી બહુ જ ખુશ હતી.એ રાતે હું આફતાબ ની રાહ જોઈને મારી રૂમમાં બેઠી હતી ત્યારે મને કોઈનો અવાજ સંભળાયો.. અને હું મારી જાત પર કાબુ ના રાખી શકી..”આટલું કહેતાં તો રેશમા ની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં.

નૂરે ઉભી થઈ પાણી નો એક ગ્લાસ રેશમા ને આપ્યો અને એનાં ખભે હાથ ફેરવી એને થોડી સાંત્વના આપી..રેશમાએ થોડી સ્વસ્થતા પ્રાપ્ત કર્યાં બાદ પુનઃ પોતાની વાત આગળ વધારી. “એ રાતે મને એવું લાગ્યું કે કોઈ મારાં કાનમાં આવીને કહી રહ્યું હતું..’મારી નાંખ એને..મારી નાંખ..’..આફતાબ નાં આવતાં ની સાથે મને ખબર નથી શું થઈ ગયું અને મેં મારી જોડે રહેલી છરી એનાં પેટમાં હુલાવી એને મારી નાંખ્યો..ભલે મેં આફતાબ ને માર્યો પણ એ બધું મેં જાણીજોઈ નહોતું કર્યું પણ કોઈ મારી જોડે એ બધું કરાવી રહ્યું હતું..”રેશમા નાં ચહેરા પર પસ્તાવા ની સાથે દુઃખ નાં ભાવ હતાં.

image source

“પછી શું થયું એ વિશે તું જણાવી શકીશ..?”હસને રેશમા ને પૂછ્યું. “પછી મને ખબર નથી શું થયું પણ હું સવારે સોનગઢ ની બહાર આવેલાં ખંડેરમાં એક evil tree નીચેથી બેભાન અવસ્થામાં મળી આવી હતી..મારાં સાસરિયાં વાળા મારી માનસિક સ્થિતિ સમજતાં હોવાથી એમને પોલીસ કેસ તો ના કર્યો પણ મને પાછી અહીં અમ્મી જોડે મુકી ગયાં..પણ એ દિવસ પછી પણ મારી સાથે અવારનવાર રહસ્યમયી ઘટનાઓ બનતી રહે છે..”આટલું કહી રહેલી રેશમા નો ચહેરો એનાં મનમાં ઊંડે સુધી વ્યાપી ગયેલાં ડર ની ઝાંખી કરાવતો હતો.

હસન રેશમા ની માનસિક સ્થિતિ સારી રીતે સમજી ગયો હતો..કેમકે એને આવાં ઘણાં લોકો સાથે મુલાકાત કરી હતી અને એમની સારવાર પણ કરી હતી.રેશમા નક્કી નૂર સાથે જ્યાં વિચિત્ર ઘટના બની હતી ત્યાંથી મળી આવી હતી એ હસન સમજી ગયો હતો. “રેશમા એ સિવાય તને બીજું કંઈ દેખાય છે..?”જિન થી pussest લોકો ને અવારનવાર કોઈ સપનાં કે દ્રશ્યો દેખાતાં હોવાની વાતની જાણ હોવાથી હસને આવો સવાલ રેશમા ને કર્યો.

“હું અમુકવાર એવાં સપનાં જોવું છે જે મને રાતે સુવા પણ નથી દેતાં.. ક્યારેક કોફીન ની અંદર કેદ કોઈ યુવતી ને જોવું જે મારી જેવી જ લાગી રહી હોય..એ યુવતી ની ઉપર સાપ અને અજગર રેંગતા હોવાનું હું સ્પષ્ટ જોઈ શકું છું..એ યુવતી મદદ માટે ચિલ્લાઈને આક્રંદ કરી રહી હોવાનું મને સંભળાય છે.. આ સિવાય હું ઘણીવાર એક આંખ વાળા બાળકનું ચિત્ર પણ જોવું છું.”રેશમા જાણે અત્યારે પોતાની આંખો સામે એ દ્રશ્ય ભજવાતાં હોય એમ બોલી રહી હતી. હસને આ દરમિયાન નોટિસ કર્યું કે રેશમા ની આંખો નો રંગ બદલાઈ રહ્યો હતો..અને ચહેરો પણ થોડો ગુસ્સામાં હોય એવાં ભાવ દર્શાવતો હતો..હસને રેશમા ની વાત પૂર્ણ થતાં જ કહ્યું.

“રેશમા હવે તું આરામ કર..અત્યારે અમે જઈએ છીએ..તને ચોક્કસ સારું થઈ જશે..” આટલું કહી હસને નૂર ની તરફ જોયું અને ત્યાંથી અત્યારે બહાર જતાં રહેવાનો ઈશારો કર્યો..હસન નો ઈશારો સમજીને નૂર પણ રેશમા ને શાંતિથી આરામ કરવાનું કહી હસન ની સાથે રેશમા નાં ઓરડામાંથી બહાર નીકળી ગઈ. હસન અને નૂર બહાર નીકળ્યાં ત્યારે ફાતિમા અને નૂર એમની રાહ જોઈને હોલ ની મધ્યમાં બેઠાં હતાં..એમનાં બહાર આવતાં ની સાથે ફાતિમા એમની તરફ ચાલીને ગઈ અને હસન ને ઉદ્દેશીને પૂછ્યું.

“શું થયું છે મારી રેશમા ને..શું કીધું એને..?” હસને કંઈપણ જવાબ આપવાનાં બદલે ફાતિમા ને હોલ ની વચ્ચે એ લોકો જ્યાં બેઠાં હતાં ત્યાં જઈને પુનઃ બેસવા માટે કહ્યું..હસનનાં ઈશારાનો અર્થ સમજી ફાતિમા બેગમે પાછાં પોતે જ્યાં બેઠાં હતાં ત્યાં સ્થાન ગ્રહણ કર્યું અને હસન શું કહેશે એ જાણવા પોતાનું ધ્યાન હસન ની તરફ કેન્દ્રિત કર્યું. “રેશમા એ જે કંઈપણ કહ્યું એ વાત પરથી હું એ વાત પર ચોક્કસ થઈ ગયો છું કે રેશમા કોઈ જિન ની ગિરફ્તમાં છે..જે મનફાવે ત્યારે એનું ધાર્યું એની જોડે કરાવે છે..”હસને કહ્યું.

હસન ની વાત સાંભળી ત્યાં હાજર દરેક નાં ચહેરા પર થોડું આશ્ચર્ય ફરી વળ્યું..આમ તો એ દરેક જાણતાં હતાં કે રેશમા પર કોઈ શૈતાની શક્તિ કે જિન નો ઓછાયો છે પણ હસન એ વાત આટલાં આત્મવિશ્વાસ થી કેમ કહી રહ્યો હતો એની એમને નવાઈ હતી. “પણ તમે આ કઈ રીતે આટલાં વિશ્વાસ થી બોલી રહ્યાં છો..?”બધાં વતી નતાશા એ પૂછી લીધું..નતાશા ને પણ અંદર રેશમા એ શું કહ્યું એ જાણવાની તાલાવેલી હતી.

“રેશમા એ મને એક વાત કહી જે સાંભળ્યા પછી હું મક્કમતાથી કહી શકું કે એ જિન દ્વારા pussest છે..”હસને નતાશા ની વાત ન જવાબમાં કહ્યું. “કઈ વાત..જે રેશમા એ કરી એનાં પરથી તને લાગ્યું કે રેશમા જિન દ્વારા pussest છે..?”નૂરે પૂછ્યું.રેશમા એ કહેલી વાતો પોતે પણ સાંભળી હતી પણ એને કોઈ ચોક્કસ કારણ ના દેખાયું હસન નાં એ વિશે માનવાનું એટલે એને સવાલ કરી લીધો. “રેશમા ને હવે એક આંખવાળું બાળક દેખાય છે..”આંખો મોટી કરીને હસન બોલ્યો..આ એક આંખવાળું બાળક દેખાવું બહુ મોટી વાત હતી એવું હસનનાં બોલવાનાં અંદાજ પરથી સમજી શકાતું હતું. “એક આંખવાળું બાળક..?”ફાતિમા નાં મોંઢેથી શબ્દો સરી પડ્યાં.

image source

આ એક આંખવાળું બાળક દેખાવું કઈ રીતે જિન દ્વારા કોઈ વ્યક્તિ pussest થવાની નિશાની હતી એ વિશેની એક પ્રાચીન કથા કહેતાં હસન બોલ્યો. “કહેવાય છે હજારો વર્ષ પહેલાં ખુદા નાં દરબાર માં એક હેરિસ નામનાં એક ફરિશ્તા રહેતાં હતાં..કોઈ કારણોસર એમને સ્વર્ગમાંથી બેદખલ કરી દેવામાં આવ્યાં.ત્યારબાદ હેરિસ એક ક્રૂર શૈતાની જિન બની ગયાં..પ્રાચીન ઇજિપ્ત નાં લોકો હેરિસ ની હોરસ તરીકે પૂજા કરતાં.. માનવામાં આવે છે કે હોરસ બધાં જિન નો સર્વોપરી જિન છે જેની દરેક જિન કદર અને પૂજા કરે છે..આ જિન ને ગુસ્સાનો દેવતાં કે evil eye પણ કહે છે જેની ફક્ત એક આંખ હતી.”

“એટલાં માટે જ જ્યારે કોઈ વ્યક્તિ ને જિન દ્વારા pussest કરવામાં આવે ત્યારે એને એક નિયત સમયે આ એક આંખવાળા બાળકનું ચિહ્નન દેખાય છે..અને આ નિયત સમય આવે છે pussetion નાં છેલ્લાં સ્ટેજમાં..” હસન ઓમર ની વાત પૂર્ણ થતાં ની સાથે હોલમાં રીતસર નો સોપો પડી ગયો..નૂર,નતાશા અને ફાતિમા ની સાથે હસન નાં ચહેરા ની પણ રંગત અત્યારે એ વાત ની સાબિતી પુરી રહી હતી કે રેશમા નો જીવ જોખમમાં છે. “તો હવે આગળ શું કરીશું..”?નૂરે હસનને સવાલ કર્યો..ધીરે ધીરે નૂર પણ હસન ની વાતો માનવા લાગી હતી.

“Exorcism..એટલે કે ઝાડફૂંક વિધિ..હા હવે વધુ સમય રાહ જોવાય એવી નથી.જેમ બને એમ આપણે રેશમા પર Exorcism કરવું જ પડશે..શક્ય હોય તો આજે રાતે જ એની પર Exorcism વિધિ કરી દઈએ…” હસન ને ચિંતાતુર સ્વરે કહ્યું. હસન ની વાત સાંભળી નૂરે ફાતિમા નો હાથ પકડી એમની તરફ આંખો દ્વારા જ હસન ને પોતાનાં કામ માટે સહમતિ આપી દેવાંનું કહ્યું.નૂર નો ઈશારો સમજી ફાતિમા એ હસન ને ઉદ્દેશીને કહ્યું. “સારું તો આજે સાંજે તમે રેશમા પર Exorcism કરી શકો છો..હું એ માટે ની બધી જરૂરી સગવડો આપને પુરી પાડીશ..” “શુક્રિયા..”હસને ડોકું હલાવીને કહ્યું.

એ લોકો ની હોલમાં થતી વાતચીત કાસમા રસોડામાં ઉભાં-ઉભાં સાંભળી રહી હતી..એમની વાત સાંભળી કાસમા નાં ચહેરા પર એક ભેદી મુસ્કાન ફરી વળી અને એ ધીરેથી બોલી.. “કોઈ નહીં બચે..કોઈ નહીં બચે..” રાતે હસન રેશમા પર exorcism વિધિ કરવાની વાત ફાતિમા બેગમ ને જણાવે છે એટલે એ વાત ફાતિમા બેગમ જઈને રેશમા ને કરે છે..રેશમા પણ પોતાની ઉપર આ વિધિ કરવા માટેની પરવાનગી આપી દે છે..રાત્રી ભોજન બતાવ્યાં બાદ હસન આ વિધિ માટે ની તૈયારી કરી ચુક્યો હોય છે.

રાતે નિયત સમયે હસન રેશમા પર ઝાડફૂંક વિધિ કરવા માટે નું જણાવે છે..આ માટે એ રેશમાનાં રૂમમાં પોતે એકલો જશે એવું ફાતિમા ને જણાવે છે..પણ નૂર પોતે એની જોડે આવશે એ વાત નું રટણ ચાલુ રાખે છે એટલે હસન એને આ વખતે પણ પોતાની સાથે રેશમા નાં રૂમમાં લઈ જવા સહમત થઈ જાય છે..અને નતાશા ગુસ્સામાં આ બધું જોઈને કંઈક વિચારી રહી હોય છે.

હસન જઈને રેશમા ની નજીક બેડમાં જ સ્થાન ગ્રહણ કરે છે..અત્યારે રેશમા નાં હાવભાવ પરથી એટલું તો હસન સાફ-સાફ સમજી ગયો હતો કે નક્કી રેશમા ની અંદર અત્યારે જિન મોજુદ છ..હસન રેશમા ની તરફ જોઈને એનાં માથે હાથ મૂકી કંઈક મંત્રોચ્ચાર કરે છે જેનાંથી રેશમા નાં હાવભાવ પરિવર્તિત થઈ જાય છે.. જિન તો એની અંદર જ હોય છે પણ હસન પોતાની શક્તિ થી જિન ને થોડો સમય શાંત કરી દે છે જેથી એની ઝાડફૂંક વિધિ વખતે જિન બાધારૂપ ના બને.

image source

હસન રેશમા પર એજ exorcism વિધિ કરવાનો હોય છે જે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સેમિનાર વખતે નૂરે જોઈ હતી..આ exorcism વિધિને ઝાડફૂંક કરતાં ઓઝા “the god’s cution” એટલે કે ખુદા ની ચાદર કહેતાં.ઝાડફૂંક ની આ એક બેઝિક વિધિ હતી જે સૌથી વધુ ઉપયોગમાં આવતી હતી exorcism વખતે અને એટલી જ કારગર હતી.

હસને પોતાનાં ખિસ્સામાંથી અત્તર ની શીશી કાઢી અને એ અત્તર રેશમા નાં હાથ ની હથેળીમાં લગાવી દીધું..હસને આ દરમિયાન એક વાત નોંધી કે રેશમા ની હથેળીમાં પણ એક આંખ નું નિશાન મહેંદી મૂકી બનાવવામાં આવ્યું હતું. રેશમા માં હાથમાં અત્તર લગાવ્યા બાદ હસન ખુદાની ઈબાદત માં કંઈક બોલ્યો અને પછી રેશમા ને પોતાનાં હાથની હથેળી સૂંઘવા કહ્યું..રેશમા એ જેવી પોતાનાં હાથની હથેળી સુંધી એ અત્તર ની ખુશ્બુ પોતાનાં નાક વાતે મગજ સુધી પહોંચાડી એવોજ રૂમમાં જાણે ભૂકંપ આવ્યો હોય એવું વાતાવરણ સર્જાયું.

હસન અને રેશમા જ્યાં બેઠાં હતાં એ બેડ પણ હાલકડોલક થવાં લાગ્યો..નૂર તો એ બેઠી હતી એ ખુરશીમાંથી નીચે પડતાં માંડ બચી હતી..હસને નૂર ની તરફ જોયું અને કહ્યું. “જલ્દી પેલો કાળો ધાબળો લાવ..અને લાઈટ બંધ કરી દે..” હસન ની વાત સાંભળી નૂર પોતાની જાત પર કાબુ મેળવી ફટાફટ ઉભી થઈ અને કાળો ધાબળો લઈને હસન નાં હાથમાં રાખ્યો..આ દરમિયાન હસને પણ પોતાનાં જમણાં હાથમાં અત્તર લગાવી દીધું..નૂર દ્વારા લાઈટ બંધ કરતાં ની સાથે જ હસને એ કાળો ધાબળો રેશમા ને ઓઢાળી દીધો..આમ કરતાં ની સાથે અચાનક રૂમમાં પહેલાં જેવી પૂર્વવત શાંતિ ફરી વળી.

ત્યારબાદ હસને પોતાનો એક હાથ ધાબળા ની અંદર નાંખ્યો..અને રેશમા ની અંદર મોજુદ જિન ને રેશમા નું શરીર મૂકીને ચાલી જવા માટે નો આદેશ આપ્યો.નૂર એક દમ આછા પ્રકાશમાં આ બધું જોઈ રહી હતી..નૂર ને વિશ્વાસ હતો કે એને જોયેલાં વીડિયો ની માફક હસન પણ રેશમા ની અંદર રહેલી શૈતાની તાકાત ને બહાર નીકાળી દેશે..પણ ત્યાં એનાંથી ઊલટું જ દ્રશ્ય સર્જાયું.

હસન નાં અંદર હાથ નાંખતાની સાથે હસન ને પારાવાર પીડા ની અનુભૂતિ થવા લાગી..એનો હાથ જાણે કોઈ આગ ની ભઠ્ઠીમાં શેકાતો હોય એવું દર્દ એને થઈ રહ્યું હતું..આ દર્દ એટલું અસહ્ય બની ગયું કે હસને નાછૂટકે પોતાનો હાથ ધાબળાની અંદરથી બહાર કાઢી નાંખ્યો..હસન ની પીડા જોઈને નૂરે તાત્કાલિક રૂમની લાઈટ ઓન કરી દીધી.

હસન દ્વારા પોતાનો હાથ બહાર કાઢતાં ની સાથે નૂર હસન ની સમીપ આવી અને હસન નાં હાથ ની હથેળી તરફ જોયું..હસન અને નૂરે જોયું તો હસન નાં હાથમાં લોહી વડે એક શબ્દ લખેલો હતો..’આઈના..’આ શબ્દ વાંચતાં ની સાથે જ હસને રેશમા ની ઉપરથી કાળો ધાબળો દૂર કરી દીધો..રેશમા ની આંખો અત્યારે અર્ધખુલ્લી હતી અને અત્યારે ધીરા અવાજે એ બબડી રહી હતી..’7175′.

image source

હસન ફટાફટ રેશમા નાં માથે હાથ મૂકી કંઈક બોલ્યો જેનાંથી રેશમા સુઈ ગઈ..રેશમા ને બેડમાં સરખી રીતે સુવાડી હસન નૂર નો હાથ પકડીને એને બહાર લઈ આવ્યો.ફાતિમા અને નતાશા એ પણ રેશમા નાં રૂમની અંદરથી આવતાં ચિત્ર-વિચિત્ર અવાજો સાંભળ્યા હતાં એટલે એ લોકો પણ ચિંતા માં હતાં કે આખરે અંદર આઆખરે થઈ શું રહ્યું હતું..?

હસન બહાર આવીને કંઈપણ બોલ્યાં વગર સીધો પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો..હસન અને નૂર નાં ચહેરા પરથી ફાતિમા સમજી ગઈ હતી કે exorcism વિધિ નાકામયાબ રહી હતી. હસન દ્વારા એ વિધિ નિષ્ફળ જવાનું કારણ આપ્યાં વગર પોતાનાં રૂમમાં જતું રહેવું ત્યાં હાજર કોઈને પણ ગમ્યું નહોતું..પણ સૌથી વધુ આ વાતથી ગુસ્સે ભરાઈ હતી નૂર.

નૂર ને પહેલાં આવી જિન કે તંત્ર મંત્ર ની બાબતો પર વિશ્વાસ નહોતો..એ તો કોલેજમાં જોયેલાં હસનનાં વીડિયો ને પણ ખોટો જ માનતી હતી..પણ એને ધીરે-ધીરે હસન ની વાતો પર વિશ્વાસ આવવા લાગ્યો હતો..પણ આજે એને જે કંઈપણ સગી આંખે નિહાળ્યું એ જોઈ હસનની ઝાડફૂંક વિધિ પર નો પોતાનો સંદેહ સાચો પડતો જણાયો. નૂર જોડે ઘણાં સવાલો હતાં જે હસન ને અત્યારે પૂછવા જરૂરી હતાં એટલે એ પણ ફટાફટ હસન નાં રૂમ તરફ આગળ વધી.

**************

નૂરે જોયું તો હસન પોતાનાં રૂમમાં બેઠો બેઠો અત્યારે કોઈ દળદાર પુસ્તકનાં પાનાં ઉથલાવી રહ્યો હતો..નૂર અત્યારે થોડી ગુસ્સામાં હતી..એને આવતાં ની સાથે હસન પર ચિલ્લાઈને કહ્યું. “હસન ઓમર..દુનિયા માં જેમની ગણના એક ફેમસ ઝાડફૂંક વિધિ કરતાં તજજ્ઞ તરીકે થાય છે એની આવી હાલત કે એ પોતાની નિષ્ફળતાનું કારણ આપ્યાં વીના પોતાનાં રૂમમાં આવીને ભરાઈ ગયો..” નૂર ની વાત સાંભળ્યા બાદ પણ હસન નાં હાવભાવ પર ખાસ કોઈ ફરક પડ્યો નહીં.. કોઈ સાધુ ની માફક એનો ચહેરો પર અત્યારે શાંત હતો..હા જરૂર એનાં મગજમાં અત્યારે સેંકડો વિચારો ચાલી રહ્યાં હતાં પણ એ પોતાનાં હાવભાવ થી કળવા ના દીધું.

નૂર ની તરફ જોઈને હસન બોલ્યો.. “હું મારાં હાથ પર લખેલાં શબ્દનો અર્થ સમજવા માટે આવ્યો હતો..અને હું નિષ્ફળ કેમ ગયો મારી ઝાડફૂંક વિધિમાં એનું કારણ પણ હું આવીને જણાવવાનો હતો પણ તારામાં એટલી ધીરજ નથી..” હસન ની વાત સાંભળી નૂર ને પોતાનાં હસન પર ચિલ્લવાની વાત નો વસવસો થયો અને એને હસન ની માફી માંગતા કહ્યું. “Sorry..પણ મને તારી ઉપર જરૂર કરતાં વધારે પડતો વિશ્વાસ આવી ગયો હતો એટલે શાયદ હું તારું એમ નિષ્ફળ જવું પચાવી ના શકી અને વગર વિચારે અહીં આવી ગઈ..” “વાંધો નહીં… પણ જો રેશમા ને બચાવવી હોય તો મારી ઉપર અને ખુદા ની ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે..”હસન નો સપાટ અવાજ નૂર નાં કાને અફડાયો.

“હા હવે ધ્યાન રાખીશ..પણ તારાં હાથ પર જિન દ્વારા લખવામાં આવેલ ‘આઈના’ શબ્દ નો અર્થ અને એ પાછળનું મર્મ શું હતો એ વિશે કંઈ ખબર પડી કે નહીં..?”નૂરે મૃદુ સ્વરે પૂછ્યું. “નૂર મેં આ વર્ષો જુનું પુસ્તક વાંચેલું હતું જેમાં આ શબ્દ મેં વાંચ્યો હોવાનું યાદ આવતાં હું અહીં મારાં રૂમમાં આવીને એ વિશે વાંચતો હતો ત્યાં મારી નજરે આ શબ્દ અને એની સાથે સંકળાયેલ રહસ્ય નજરે પડ્યું..”હસન ઓમરે નૂર નાં સવાલનાં જવાબમાં કહ્યું. આ દરમિયાન ફાતિમા અને નતાશા પણ હસનનાં રૂમમાં પ્રવેશ કરી ચૂક્યાં હતાં.. હસન દ્વારા આઈના શબ્દ જોડે સંકળાયેલ શબ્દ નું રહસ્ય જાણવા આતુર બનેલાં ફાતિમા બેગમે પૂછ્યું.

“આઈના એટલે તો મિરર થાય..તો એની જોડે જોડાયેલ રહસ્ય..?” ફાતિમા બેગમ ની વાત સાંભળી હસન બોલ્યો. “સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે રેશમા ની અંદર જે જિન છે એ કોઈ સામાન્ય જિન નથી પણ કોઈ શક્તિશાળી જિન છે..જે આસાનીથી રેશમાનું શરીર નહીં છોડે..એ કોણ છે એની જાણકારી મેળવવા એને મારાં હાથ પર લખેલો શબ્દ જ કામ આવશે..” “આઈના..એટલે કે મિરર..કહેવાય છે કે જિન મિરર ની દુનિયામાં રહે છે..મતલબ કે એ નરી આંખે ભલે દ્રશ્યમાન ના હોય પણ એ મિરર દ્વારા પોતાની હાજરી દર્શાવતાં રહે છે..હું કાલે એક વિધિ કરીશ જેનાંથી હું રેશમા ની અંદર રહેલાં જિન વિશેની માહિતી મેળવી શકીશ..”

“કઈ વિધિ ની વાત કરે છે તું..?”નૂરે હસન ની વાત પૂર્ણ થતાં જ પૂછી લીધું. “એ વિધિને ‘mirror and candle’ વિધિ કહે છે..એ વિધિ માટે મારે એક બંધ રૂમ જોઈશે..જોડે બે મોટાં મિરર અને દસેક મીણબત્તી ની જરૂર પડશે..”હસન બોલ્યો. “સારું તમારી વિધિ માટે બધી આવશ્યક સગવડ તમને મળી જશે…પણ મારી દીકરીને કંઈપણ કરીને બચાવી લો..”ફાતિમા એ જણાવ્યું..ફાતિમા નાં અવાજમાં પોતાની દીકરી ની હાલત નું દુઃખ સ્પષ્ટ જણાતું હતું.

ફાતિમા ની વાત સાંભળી હસને એમની તરફ જોઈને કહ્યું. “તમે ચિંતા ના કરશો..હું મારાં થી બનતાં પ્રયાસ કરીશ..એ જિન ને રેશમા નું શરીર મૂકવું જ પડશે..” હસન ની વાત સાંભળી નૂર અને ફાતિમા ને થોડી હૈયાધારણા બંધાઈ અને એ લોકો પોતાનાં રૂમ તરફ પ્રયાણ કરે છે..હસન ખુદા ની ઈબાદત કરી પોતાનાં રૂમમાં જ સુઈ જાય છે..!!

***********

image source

રાતે બધાં ઘસઘસાટ પોતપોતાનાં ઓરડામાં સૂતાં હતાં.. નૂર અને નતાશા પણ પોતાનાં રૂમમાં આરામ ફરમાવી રહ્યાં હતાં.નૂર તો ગાઢ ઊંઘમાં હતી પણ નતાશાની આંખોમાંથી ઊંઘ જોજનો દૂર હતી. રાતનાં લગભગ બે વાગે નતાશા ઉભી થઈ અને એને નિંદ્રા માં બિરાજમાન નૂર ની તરફ જોયું અને પછી પોતે ઉભી થઈને ધીરેથી ચાલીને પોતાનાં રૂમથી એટેચ બાથરૂમમાં પ્રવેશી. નતાશા એ બાથરૂમમાં જઈને એક કાગળ પર કંઈક લખ્યું અને એની અંદર બે વાળ નાં ટુકડા મૂકી એ કાગળ ને આવીને પોતાનાં રૂમની અલમારી ની અંદર છુપાવી દીધો..આટલું કર્યા બાદ નતાશા નાં ચહેરા પર લુચ્ચાઈભર્યું સ્મિત ફરી વળ્યું હતું. “હવે હું જોવું છું કે હસન સર અને મને એક થતાં કોણ રોકે છે..?” મનોમન આટલું બોલી નતાશા પોતાનાં બેડ પર આવીને શાંતિથી સુઈ ગઈ જાણે કંઈ બન્યું જ ના હોય..!!

************

સવાર થતાં ની સાથે હસન ઓમર પોતાનો નિત્યક્રમ પતાવી ફાતિમા ને મળ્યો અને એ સવારે જ mirror and candle વિધિ કરવા માંગે છે એવું જણાવ્યું..ફાતિમા એ તાત્કાલિક ગ્રાઉન્ડ ફ્લોર પર જ એક રૂમમાં હસન ની વિધિ માટે ની જરૂરી બધી તૈયારી કરી દીધી હતી..રૂમની બારી પર પદડાં લગાવી દેવામાં આવ્યાં અને રૂમની મધ્યમાં બે મોટાં મિરર ગોઠવી દેવામાં આવ્યાં. આ વખતે નૂર અને નતાશા બંને હસન ની સાથે એ વિધિ વખતે હાજર રહેવાના હતાં.. નતાશા નાં જોડે આવવાની વાત નો હસન ઓમરે વિરોધ ના કર્યો એ વાતથી નતાશા મનોમન ખુશ હતી.

હસને રૂમમાં જઈને બે મિરર ની સામે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને મીણબત્તીઓ સળગાવી મિરર ની ફરતે ગોઠવી દીધી..ત્યારબાદ હસને પોતાની આંખો બંધ કરી કુરાન ની આયાતો બોલવાનું શરૂ કર્યું. થોડીવારમાં રૂમની અંદર તેજ ગતિમાં પવન આવવાનો શરૂ થઈ ગયો..નૂર અને નતાશા નું ધ્યાન અત્યારે હસન ની તરફ કેન્દ્રિત હતું. “તારું નામ હું નથી જાણતો..પણ તું જે કોઈપણ હોય મને ખબર છે રેશમા ની અંદર અત્યારે તું પોતાનું સ્થાન જમાવીને બેઠો છે.ખુદા નાં નામે હું તને આદેશ આપું છું કે એ માસુમ છોકરીનો જીવ લેવાનો તારો નાપાક મનસૂબો પૂરો નહીં થાય..તારી ખેરીયત ઈચ્છતો હોય તો રેશમા નું શરીર મૂકીને ચાલ્યો જા”હસન જોરજોરથી મોટા સાદે બોલતો હતો.

image source

હસને પોતાની વાત ને ત્રણ-ચાર વખત પુનરાવર્તિત કરી.હસન નાં આવું બોલવાનાં લીધે રૂમની અંદર જાણે વંટોળ આવ્યું હોય એમ પવન ફૂંકાવા લાગ્યો પણ નૂર અને નતાશા નાં આશ્ચર્ય વચ્ચે મિરર ની ફરતે ગોઠવેલી મીણબત્તીઓ હજુ પણ સળગી રહી હતી. “હું કોઈ ખુદા ને માનતો નથી..તો તે કઈ રીતે માની લીધું કે હું તારાં જેવાં આદમજાત ની વાત માનીશ..”અચાનક એક અટ્ટહાસ્ય સાથે રહસ્યમયી અવાજ રૂમની અંદર સંભળાયો.એ અવાજ રેશમા ની અંદર મોજુદ જિન નો જ હતો એ બધાં સમજી ગયાં હતાં. “તું આખરે કરવા શું માંગે છે..તારી મનસા શું છે..?”હસને પોતાનો ચહેરો નૂર અને નતાશા તરફ ફેરવીને કહ્યું..નૂર અને નતાશા ની પાછળ અત્યારે એ જિન મોજુદ હતો એ હસન ને મિરર દ્વારા દેખાઈ ગયું હતું.નતાશા અને નૂર પણ જિન પોતાની પાછળ હાજર છે એ વાત હસન નાં હાવભાવ પરથી સમજી ગયાં હોવાથી ડર નાં લીધે ધ્રુજી રહ્યાં હતાં.

હસન ની વાત નો એ જિન દ્વારા કોઈ જવાબ આપવામાં ના આવ્યો..પણ અચાનક હસન નાં એવું પૂછતાં ની સાથે રૂમ ની અંદર પવન ની ગતિ વધુ તીવ્ર થઈ ગઈ અને મીણબત્તીઓ ઓલવાઈ ગઈ..એ સાથે જ બંને મિરર ધડાકાભેર તૂટી ગયાં. ત્યારબાદ રૂમનાં એક ખૂણામાં ધુમાડો ઉત્તપન્ન થયો અને ત્યાં ફર્શ પર કંઈક ચિહ્ન ઉભરાઈ આવ્યું. હસન,નૂર અને નતાશા ત્રણેય એ ચિહ્ન ને ધ્યાનથી જોવા એ તરફ આગળ વધ્યા.નૂર અને નતાશા એ એ પ્રકારનું ચિહ્ન પ્રથમ વખત જ જોયું હતું..પણ એ ચિહ્ન જોતાં જ હસનનાં દ્વારા આશ્ચર્ય સાથે બોલાઈ ગયું.

“ટોઈલેટ સ્પેલ..” “ટોઈલેટ સ્પેલ” શું છે..?હસન નાં મુખેથી ટોઈલેટ સ્પેલ શબ્દ સાંભળી નૂરે પૂછ્યું. “આ અહીં જે નિશાની છે એ ટોઈલેટ સ્પેલ ની છે..ટોઈલેટ સ્પેલ દુનિયા નો સૌથી ખતરનાક સ્પેલ છે.પણ અહીં આ સ્પેલ ની નિશાની નું કારણ સમજાતું નથી..”હસન નો ચહેરો અત્યારે એની અંદર ચાલી રહેલાં વિચારો ની ચાડી ખાતો હતો. આ બધી વાતચીત કરતાં કરતાં નૂર,હસન અને નતાશા એ વિધિ ચાલતી હતી એ રૂમમાંથી બહાર નીકળ્યા..ફાતિમા એમને જોતાં જ એમની નજીક આવી પહોંચી. “હસન ભાઈ કંઈ ખબર પડી તમને એ જિન વિશે..?”ફાતિમા એ હસન ને ઉદ્દેશીને પૂછ્યું.

“મામી જિન ત્યાં આવ્યો હતો..એ અમારી પાસે જ ઉભો હતો..એનો અવાજ પણ અમે સાંભળ્યો.જ્યારે હસને એ જિન ને એની ઓળખાણ આપવાનું અને એનો મનસૂબો જણાવવાનું કહ્યું ત્યારે એ કાફીર જિન ત્યાંથી ગાયબ થઈ ગયો અને સાથે સાથે રૂમનાં તળિયે એક વિચિત્ર નિશાની બનાવતો ગયો..”હસન ની જગ્યાએ નૂરે ફાતિમા ની વાત નો સવાલ આપ્યો.આ દરમિયાન નૂર હસન ને અડીને ઉભી હતી. “વિચિત્ર નિશાની..શેની છે એ નિશાની..?” નૂર ની વાત સાંભળી ફાતિમા એ સવાલ કર્યો.

image source

“ટોઈલેટ સ્પેલ..એક એવો સ્પેલ જેને કોઈ સિદ્ધ વ્યક્તિ જ કરી શકે..મને આ સ્પેલ વિશે ઝાઝી જાણકારી નથી પણ શાયદ નામ મુજબ એ ટોઈલેટ સાથે જોડાયેલ હોવો જોઈએ..”હસને ફાતિમા ની વાત સાંભળી કહ્યું. “હસન ભાઈ પણ ઘરમાં એવું કોઈ ટોઈલેટ જ નથી જ્યાં આવી કોઈ સ્પેલ કે વિધિ થવાની શકયતા હોય..મોટાં ભાગનાં ટોઈલેટ તો અવારનવાર યુઝ થતાં રહે છે..સ્પેલ જોડે જોડાયેલ કોઈ વસ્તુ ક્યારેય ટોઈલેટમાંથી મળી આવી નથી.”ફાતિમા એ કહ્યું.

“તો પછી આપણે હવે શું કરીશું..?”નૂર એ ચિંતાતુર સ્વરે કહ્યું. “હા,યાદ આવ્યું..ઘર નાં બેઝમેન્ટમાં એક ટોઈલેટ છે જેનો વર્ષોથી ઉપયોગ નથી થયો..”કંઈક અચાનક ઝબકારો થયો હોય ફાતિમા એ કહ્યું. “તો ચાલો જલ્દી બેઝમેન્ટમાં જઈને ચેક કરીએ..નક્કી ત્યાંથી જ કોઈ એવી વસ્તુ મળશે જેનો સંદર્ભ રેશમાની અંદર મોજુદ જિન ને ભગાડવામાં મદદ કરી શકશે..”હસન બોલ્યો..હસન નાં અવાજમાં એક ઉમ્મીદ ની લાગણી સ્પષ્ટ જણાતી હતી.

***********

થોડીવારમાં જ એ લોકો ફટાફટ એક લોખંડનો દાદરો ઉતરી ને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ઘરનાં બેઝમેન્ટમાં આવ્યાં.. નીચે આવતાં ની સાથે ફાતિમા એ બેઝમેન્ટનાં એક ખૂણા ની તરફ આંગળી ચીંધી ને કહ્યું. “ત્યાં ખૂણામાં છે કમબાઈન્ડ ટોઈલેટ અને વોશરૂમ..” ફાતિમા ની દર્શાવેલી જગ્યા તરફ હસન ઉતાવળાં પગલે આગળ વધ્યો..હસન ની પાછળ પાછળ નૂર અને નતાશા પણ એ તરફ આગળ વધી રહ્યાં હતાં..ઉંમર થઈ ગઈ હોવાથી ફાતિમા એ લોકો જેટલી ગતિમાં તો આગળ નહોતી વધી રહી છતાંપણ એ ધીરે તો ધીરે એ ટોઈલેટ તરફ આગળ વધી તો રહી જ હતી.

હસને ત્યાં જઈને ફટાફટ એ ટોઈલેટ નો ખખડધજ દરવાજો ખોલ્યો..દરવાજો ખોલતાં જ અંદરથી આવી રહેલી બદબુ નાં લીધે હસન બે ડગલાં પાછો પડ્યો..પાછો પડવાનાં લીધે હસન પોતાનાં શરીર પરનું બેલેન્સ ગુમાવી બેઠો અને સીધો નૂર ની સાથે અથડાયો જેથી એ બંને નીચે પડ્યાં.. નૂર ની ઉપર હસન અત્યારે હતો અને બંને નાં વચ્ચે કોઈ અંતર નહોતું..નૂર અને હસન એકબીજા તરફ જોઈ મંદ હસ્યાં અને પછી હસન ધીરેથી ઉભો થયો. “હસન સર શું થયું..?” નતાશા હસન ની નજીક આવીને બોલી.

“હું all right છું..ચિંતા કરવાની જરૂર નથી..પણ અંદર થી જે બદબુ આવી રહી છે એનાં લીધે હું પાછો પડ્યો..”સપાટ અવાજમાં નતાશા ની વાત નો જવાબ આપતાં હસન બોલ્યો. “યા અલ્લાહ..આ તો ભયંકર વાસ છે..માથું ફાટી જાય એવી..”ટોઈલેટ ની નજીક આવતાં જ ફાતિમા બેગમે કહ્યું. “મને લાગે છે અંદર કંઈક તો છે…મારે અંદર જઈને ચેક કરવું પડશે..”હસને કહ્યું. “સારું પણ સાચવીને જજે..”આત્મીયતા ભર્યા અવાજે નૂર બોલી.

આંખોથી જ મને કંઈ નહીં થાય એવો ઈશારો કરી હસન ટોઈલેટ નો દરવાજો ખોલી નાક પર હાથ રાખી ટોઈલેટ ની અંદર પ્રવેશ્યો..થોડીવારમાં હસન ચિત્ર વિચિત્ર વસ્તુઓ લઈને બહાર આવ્યો અને એને એ બધી વસ્તુઓ લાવીને બહાર રાખી દીધી. એ વસ્તુઓમાં એક ઘોડાનું માથું,ધુવડની પાંખ,બકરીની આંખ,બે કાચા સફરજન,એક ડુંગળી અને એક કાગળ હતું જેની પર કંઈક લખેલું હતું..આ બધી વસ્તુઓને જોતાં જ ત્યાં હાજર ત્રણેય મહિલાઓએ પોતાનો ચહેરો બીજી તરફ ઘુમાવી લીધો. “મતલબ આ બધો ટોઈલેટ સ્પેલ માટેનો સામાન છે..?”નૂરે હસન ઓમર ની તરફ જોઈને પૂછ્યું.

“ના આ ટોઈલેટ સ્પેલ નો સરંજામ નથી..આ તો ફિટર સ્પેલ નો સામાન છે..”એ બધી વિચિત્ર વસ્તુઓ પર આંગળી ચીંધીને હસન બોલ્યો. “ફિટર સ્પેલ..આ વળી કેવો નવાં પ્રકારનો સ્પેલ છે..?”ફાતિમા બોલી. હસને અંદરથી મળેલ કાગળ પોતાનાં હાથમાં લીધું અને ફાતિમા બેગમ ને ઉદ્દેશીને કહ્યું. “હા આ ફિટર સ્પેલ છે..જે ગર્ભવતી મહિલા પર કરવામાં આવે છે..અને આ કાગળ પર લખેલી વાત ને સત્ય માનો તો આ ફિટર સ્પેલ જેની ઉપર કરવામાં આવ્યો હતો એ બીજું કોઈ નહીં પણ તમે છો..જોવો અહીં તમારું નામ લખ્યું છે..’ફાતિમા બિલાલ અહેમદ’..”

image source

“આ સ્પેલ મારી ઉપર કરવાનું કોઈ ઠોસ કારણ..?”આંખો મોટી કરીને આશ્ચર્ય સાથે ફાતિમા એ હસન ને સવાલ કર્યો. “આ સ્પેલ તમારી ઉપર કરવામાં આવ્યો હશે પણ એની અસર તમારી દીકરી રેશમા ને થઈ હશે..આ સ્પેલ જેની ઉપર કરવામાં આવે એની સંતાન નાં જન્મનાં બીજાં દિવસે જ એનાં પિતાનું મૃત્યુ થાય છે..”હસન બોલ્યો. “હા રેશમા નાં અબ્બુ નું મૃત્યુ પણ રેશમા નાં જન્મ નાં બીજાં દિવસે જ થઈ ગયું હતું..મૃત્યુનાં થોડાં સમય પહેલાં જ એમની હાલત બિલકુલ ઠીક હતી..પણ ખબર નહીં અચાનક એમને શું થઈ ગયું અને એ અલ્લાહ ને પ્યારા થઈ ગયાં..”હસન ની વાત સાંભળતા જ ફાતિમા એ રેશમા નાં જન્મ સમયે બનેલી ઘટના વિશે જણાવ્યું.

“એક બીજો સવાલ..રેશમા નાં 23 વર્ષ ક્યારે થયાં..?”હસને ફાતિમા ને પૂછ્યું. હસન નો સવાલ સાંભળી ફાતિમા થોડું વિચારતી હોય એવાં અંદાજમાં પોતાની આંખો બંધ કરી ને મગજ ને જોર આપી રહી..થોડીવારમાં ફાતિમા એ કહ્યું. “રેશમા અત્યારે ચોવીસ વર્ષ ની થઈ ગઈ છે..એનાં લગ્ન ન ચાર દિવસ પહેલાં જ એ ત્રેવીસ વર્ષ ની થઈ હતી..આફતાબ પણ એની જન્મદિવસ ની ઉજવણી માટે અમારાં ઘરે આવ્યો હતો..પણ રેશમા ની ઉંમર ને આ ફિટર સ્પેલ સાથે શું સંબંધ.?” “આ સ્પેલ મુજબ રેશમા જ્યારે 23 વર્ષ ની થશે ત્યારે જિન એનાં બદન પર પોતાનો કબજો જમાવી દેશે.. જિન દ્વારા રેશમા ને એનાં લગ્ન ન થોડાંક દિવસ પહેલાં જ pussest કરી દેવામાં આવી હતી..અને એટલે જ રેશમા એ પોતાનાં સોહર આફતાબ નું એ જિન નાં ઉકસાવવાથી ખુન કરી દીધું..”હસને કહ્યું.

“આ બધી વાત જાણ્યાં પછી તમે રેશમા ને કઈ રીતે છોડાવી શકશો એ જિન નાં કબજામાંથી..”ફાતિમા ખરેખર આ બધું જાણ્યાં પછી ડરનાં લીધે ધ્રુજી રહી હતી એ એનાં વર્તન પરથી સમજાઈ રહ્યું હતું. “એતો ખબર નથી કે હું એ જિન થી કઈ રીતે રેશમા ને આઝાદ કરીશ..પણ મને મારી ઈબાદત અને મારાં ખુદા ની તાકાત પર પૂરો વિશ્વાસ છે..એ જિન ને તો હું કોઈપણ રીતે રેશમાનું શરીર મૂકીને જવા મજબુર કરીને જ રહીશ..”આત્મવિશ્વાસ સાથે હસન ઓમર બોલ્યો.

હસન ની વાત પૂર્ણ થતાં ની સાથે એક અટ્ટહાસ્ય બેઝમેન્ટમાં ગુંજી ઉઠ્યું.એ અટ્ટહાસ્ય એ ત્યાં બેઝમેન્ટમાં હાજર દરેક નું ધ્યાન એ તરફ દોર્યું.એ અટ્ટહાસ્ય બીજું કોઈ નહીં પણ રેશમા જ કરી રહી હતી..અત્યારે રેશમા બેઝમેન્ટ ની ઉપર આવેલી લોખંડ ની ડ્રેનેજ પાઈપ પર બેઠી હતી..એનાં હાવભાવ અત્યારે ખતરનાક અને બિહામણા લાગી રહ્યાં હતાં..!

image source

અચાનક એ અટ્ટહાસ્ય અટકી ગયું અને એક અવાજ સંભળાયો..આ અવાજ મિરર વિધિ વખતે જિન દ્વારા બોલાયેલાં અવાજ જેવોજ હતો.આ અવાજ રેશમા નાં બોલવાથી આવી રહ્યો હતો જેનો મતલબ સાફ હતો કે રેશમા ની અંદર મોજુદ જિન હવે જાહેરમાં પોતાની જાતને લાવ્યો હતો. “એ આદમજાત તું હજુ મારી વાત સમજવા તૈયાર નથી એમજ ને..હું તારી કોઈપણ વાત માનવાનો નથી..હું કોઈ ખુદા ને નથી માનતો.તારું ભલું એમાં જ છે કે આ છોકરીને એનાં હાલ પર મૂકીને અહીંથી ચાલ્યો જા..”જિનની સીધી ધમકી હસન ઓમર ની તરફ હતી.

જિન ની વાત સાંભળીને હસન પોતાનાં મગજ નાં વિચારોની ગતિ ને ખૂબ વેગવંતી બનાવે છે..આ જિન ને હવે જો કાબુમાં નહીં લેવામાં આવે તો એ રેશમા નો જીવ લીધાં વગર નહીં જાય એ સ્પષ્ટ હતું..હસન આ બધું વિચારી રહ્યો હતો ત્યારે રેશમા પાઇપ નો ઉપયોગ કરી નીચે ઉતરી રહી હતી. “તું એમ નહીં માને એમજ ને..આ આદમજાત તને તારી આજે ઔકાત બતાવશે..”હસને રેશમા ની તરફ જોઈને જોરથી કહ્યું.

ડર નાં લીધે ફાતિમા,નૂર અને નતાશા ડરીને એક ખૂણામાં આવી ગયાં હતાં..એ લોકો હવે હસન શું કરશે એ તરફ પોતાનું ધ્યાન રાખીને ઉભાં હતાં. “તું મને મારી ઔકાત બતાવીશ એમને..મને તારી આ બાલીશ વાત પર હસવું કે ગુસ્સો કરવો એજ ખબર નથી પડી રહી..?”હસતાં હસતાં બેફિકરાઈથી રેશમા ની અંદર મોજુદ જિન બોલી રહ્યો હતો.

રેશમા અત્યારે હસન ઓમર ની બિલકુલ સામે ઉભી હતી..બંને વચ્ચેનું અંતર માંડ પાંચેક ડગલાં વધ્યું હતું..પણ હસન નાં ચહેરા પર સહેજપણ ડર દેખાઈ નહોતો રહ્યો..હસન જાણતો હતો કે શૈતાન થી ડરવાનો મતલબ હતો એની શક્તિ માં વધારો કરવો. “તારી હિંમત હોય તો મને હાથ લગાવીને બતાવ..હું પણ જોવું છું કે તું એટલી હિંમત ધરાવે છે કે પછી ખાલી નામ પૂરતો જિન છે..”હસન પોતાની યોજના મુજબ રેશમા ની અંદર મોજુદ જિન ને ઉશ્કેરી રહ્યો હતો.

હસન ની યોજના સાચી પડી અને રેશમા ની અંદર મોજુદ જિને હસન પર હુમલો કરી દીધો..મતલબ કે રેશમા નાં શરીર નો ઉપયોગ કરી એને હસન ને નુકસાન પહોંચાડવા એને ધક્કો મારવા માટેનો પ્રયત્ન કર્યો..પણ હસન કુનેહપૂર્વક ચાલાકીથી પોતાનાં ખિસ્સામાં રહેલ કોરલ સ્ટોન ને રેશમા નાં કપાળ ની મધ્યમાં રાખી દે છે.

કોરલ સ્ટોન મુકતાં ની સાથે જ રેશમા ની અંદર રહેલ જિન તરફડીયા મારવા લાગે છે..હસન આ સાથે જ ઉંચા અવાજે એ જિન ને આદેશ આપતો હોય એમ કહે છે. “હું તને ખુદા વતી..આદેશ આપું છું કે તું આ યુવતી નું શરીર મૂકીને ચાલ્યો જા..હું તને જિનો પર રાજ કરતાં કિંગ સોલેમોન નાં નામ પર આદેશ આપું છું કે તું રેશમા ને મૂકી દે..આજે તારી જીંદગી નો છેલ્લો દિવસ છે..” આટલું કહી હસને ખુદાની ઈબાદત માં બોલાતી આયાતો નું રટણ શરૂ કર્યું..હસન નાં અસમ કરતાં ની સાથે જ રેશમા જમીન થી બે ત્રણ ફૂટ ઊંચે જવા લાગી..પણ હસને પોતાનાં હાથમાં રહેલ પથ્થર ને એનાં કપાળ પરથી દૂર નહોતો કર્યો..રેશમા ની અંદર મોજુદ જિન દયા ની અરજી કરી રહ્યો હતો..પણ હસન અત્યારે એની કોઈ વાત માનવા તૈયાર નહોતો.

image source

આખરે હસને આયાતો પઢવાનું બંધ કર્યું..એમ કરતાં ની સાથે જ રેશમા નો દેહ જમીન પર ઘૂંટણભેર ફસડાઈ પડ્યો..રેશમા એ અચાનક જોરથી ઉલ્ટી કરી જેમાં રક્ત જેવો કાળો પદાર્થ અને માંસ નાં ટુકડા નીકળ્યાં.. આ જોઈ હસન નાં ચહેરા પર વિજયસુચક સ્મિત ફરી વળ્યું. હસન નો ચહેરો બધું કહી જતો હતો કે રેશમા ની અંદર હાજર જિન નો ખાત્મો થઈ ચૂક્યો હતો અને હવે એ સંપૂર્ણપણે જિન નાં ઓછાયા થી મુક્ત હતી. “તમે તમારી દીકરીને હવે રાજીખુશીથી ઉપર લઈ જઈ શકો છો..એ જિન ખતમ થઈ ચૂક્યો છે જે રેશમા નાં બદન ને પોતાની જાગીર સમજી એની અંદર મોજુદ હતો..”હસને ફાતિમા બેગમ તરફ જોઈને કહ્યું.

હસન ની વાત સાંભળી ફાતિમા દોડીને રેશમા ની સમીપ ગયાં અને એને પૂછ્યું..”બેટા રેશમા તને હવે સારું તો છે ને .?” રેશમા એ પોતાનું ડોકુ હકારમાં હલાવી પોતાની અમ્મી નાં સવાલનો જવાબ આપ્યો..રેશમા ની હાલત માં થયેલો સુધારો જોઈ ફાતિમા ની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાઈ આવ્યાં..એમને આભારવશ હસન ની તરફ જોઈને કહ્યું. “શુક્રિયા..તમારી લાખ લાખ મહેરબાની કે તમે મારી દીકરીને બચાવી લીધી..અલ્લાહ તમને લાંબી ઉમર આપે..”

હસને આંખો ઝુકાવી એમનો આભાર સ્વીકાર કર્યો..ત્યારબાદ બેઝમેન્ટનાં ટોઈલેટમાંથી મળેલ દરેક વસ્તુઓનો નાશ કર્યાં બાદ નૂર અને ફાતિમા ટેકો આપી રેશમા ને એનાં રૂમમાં લાવીને સુવડાવી દે છે..નૂર રેશમા ને એક ચાદર ઓઢાડી એને આરામ કરવાનું કહી બહાર નીકળી જાય છે. નૂર નાં બહાર જતાં ની સાથે રેશમા પોતાની પથારીમાં જ બેઠી થાય છે..અને એનાં ચહેરા પર એક રહસ્યમયી મુસ્કાન ફરી વળે છે..!!

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version