આક્રંદ : એક અભિશાપ ભાગ 3 અચાનક તેના પગ ત્યાં જ સ્થિર થઇ ગયા જાણે કોઈએ તેને પકડી રાખી હોય…

જે મિત્રોને જે તે ભાગ વાંચવાનો બાકી છે તે ભાગ 1, ભાગ 2 પર ક્લિક કરે.

ભાગ 3

હસન લોજ ની અંદરનાં રૂમમાંથી આવતો અવાજ સાંભળી ધીરા ડગલે બહુ સાવચેતીથી એ તરફ આગળ વધી રહ્યો હતો.નૂર અને નતાશા પણ એની પાછળ-પાછળ ચાલી રહ્યાં હતાં.જેમ-જેમ એ આગળ વધી રહ્યાં હતાં એમ-એમ અંદરથી આવતો અવાજ વધુ સ્પષ્ટ થઈ રહ્યો હતો..અંદર ચાર કે પાંચ પુરુષો હોવાનું અવાજ પરથી સમજી શકાતું હતું.

હસન એ રૂમનાં દરવાજા સુધી ગયો અને અઘખુલ્લાં દરવાજાથી અંદર નજર કરી તો એને જોયું કે ત્યાં પાંચ લોકો બેઠાં હતાં જેમાં એક વ્યક્તિ સાઠ વર્ષની ઉંમરનો હતો,એક વ્યક્તિ ચાલીસેક વર્ષનો જ્યારે બાકીનાં વીસ થી ત્રીસ ની વચ્ચેની ઉંમરના..એ લોકો ટેલિવિઝન પર કંઈક જોઈ રહ્યાં હતાં.. હસનને એક નજરમાં જ સમજાઈ ગયું કે એ લોકો કોઈ B ગ્રેડ ની અશ્લીલ ફિલ્મ જોઈ રહ્યાં હતાં.નૂર અને નતાશા પણ અંદર કોણ હતું એ જોવા આગળ વધી રહ્યાં હતાં પણ હસને હાથનાં ઈશારાથી એમને આગળ વધતાં રોકી દીધાં.

image source

હસને એ લોકો જ્યાં બેઠાં હતાં એ રૂમનો દરવાજો હાથ વડે નોક કર્યો.બારણે થયેલો અવાજ સાંભળી અંદર હાજર પાંચેય જણા થોડાં ચમકી ગયાં.. એમાંથી પેલાં વૃદ્ધ વ્યક્તિ એ ટેલિવિઝન બંધ કર્યું અને ઉંચા અવાજે પૂછ્યું. “કોણ છે ત્યાં…?અને કોનું કામ છે..?” હસન ને લાગ્યું કે જો એવું કહીશ કે રસ્તો પૂછવા અહીં સુધી લાંબા થયા છીએ તો એ યોગ્ય નહીં રહે એટલે એને કહ્યું. “ચાચા મુસાફર છીએ..લાંબી મુસાફરી થી થાકી ગયાં છીએ તો થોડો ચા-નાસ્તો કરવો હતો માટે આ લોજ ને ખુલ્લી જોઈ અને અહીં આવ્યાં.. મારી જોડે બે મોહતરમા પણ છે.”

હસને એવું કેમ કહ્યું એ નૂર અને નતાશા સમજી ગયાં હતાં એટલે એ કંઈપણ ના બોલ્યાં. “એ જુબેર..જઈને સાહેબ ને જે જરૂર હોય એ વસ્તુ આપી દે..”જોડે બેસેલાં એક પચ્ચીસેક વર્ષના નવયુવાન સામે જોઈ એ વૃદ્ધ વ્યક્તિ બોલ્યો.એની વાત સાંભળી જુબેર નામનો એ નવયુવક ઉભો થયો અને બારણું ખોલી બહાર આવ્યો. જુબેરે આવીને હસન,નૂર અને નતાશા ની તરફ જોયું અને એમને એક ટેબલ પર બેસવા માટેનું કહી સ્ટવ ઓન કરી ચા બનાવવા મુકી.. ચા બનાવતાં બનાવતાં જુબેર હિમેશ રેશમિયા નું આશિક બનાયા ગીત ગુનગનાવી રહ્યો હતો. “સાહેબ આ લો ગરમાગરમ ચાય અને નાસ્તામાં આજે જ બનાવેલી તાજી ફુલવડી..”જુબેરે ચા ની પ્યાલીઓ અને ફુલવડી ભરેલી પ્લેટ હસન,નૂર અને નતાશા જ્યાં બેઠાં હતાં એ ટેબલ પર લાવીને મુકતાં કહ્યું. મસાલેદાર ચા અને ફુલવડી ની લિજ્જત માણ્યા બાદ હસન પોતાની જગ્યાએથી ઉભો થયો અને જુબેર ની જોડે જઈને બોલ્યો.

“ભાઈ ચા જોરદાર હતી..અને કેટલાં રૂપિયા થયા..?” “૩૦ રૂપિયા ચા નાં ને ૪૫ રૂપિયા ફુલવડી નાં..કુલ ૭૫ રૂપિયા થયાં સાહેબ..”જુબેરે કહ્યું. જુબેર ની વાત સાંભળી હસને પોતાનાં કુર્તા નાં ખિસ્સામાંથી ૧૦૦ ની નોટ કાઢી અને જુબેર ને આપી..જુબેર બાકીનાં પૈસા પાછાં આપવા જતો હતો પણ હસને એને એ પૈસા રાખવા કહ્યું.જુબેર માટે એ નાની રકમ પર ઘણી મોટી હતી એ એનાં ચહેરાની ચમક પરથી સાફ સમજી શકાતું હતું. જુબેરે ખુશ થઈને હસનને પૂછ્યું.

“સાહેબ મારાં લાયક બીજું કોઈ કામ હોય તો જણાવો..” “તારું નામ જુબેર છે ને..?”હસને જુબેર ની તરફ જોઈને પૂછ્યું. “હા સાહેબ..”જુબેર ટૂંકમાં બોલ્યો. “જુબેર અમારે સોનગઢ જવું છે..તો અહીંથી કયો રસ્તો પકડવાનો..?”હસને જુબેરને સવાલ કર્યો. “સોનગઢ….”જુબેર કંઈક વિચારતો હતો. જુબેર ને વિચારતો જોઈ હસન ને લાગ્યું કે એને સોનગઢ નો નામ સાંભળ્યું નથી લાગતું એટલે હસને કહ્યું.

“જુબેર સોનગઢ નો રસ્તો ખબર ના હોય તો તું રહમત ગામ નો રસ્તો તો જણાવી શકે..રહમત ગામ નું નામ તો તે સાંભળ્યું જ હશે..” હસન ની વાત સાંભળતા જ જુબેર નાં ચહેરા નો ભાવ બદલાઈ ગયો..એનું શરીર ધ્રુજવા લાગ્યો.અને ચિલ્લાઈને બોલ્યો. “તમે જે કોઈપણ હોય અહીંથી નીકળી જાઓ..લો આ તમારાં બાકીનાં પૈસા..” જુબેર નું વર્તન અચાનક કેમ બદલાઈ ગયું એ હસન ને નહોતું સમજાઈ રહ્યું..નૂર અને નતાશા પણ જુબેર નાં ચિલ્લાવાનાં લીધે પોતાની જગ્યાએથી ઉભાં થઈ ગયાં હતાં. “પણ જુબેર શું થયું..કેમ મેં કંઈ ખોટું તો નથી કહ્યું ને..રહમત ગામ નો રસ્તો પૂછ્યો એનાં સિવાય તો”આશ્ચર્ય સાથે હસને સવાલ કર્યો.

image source

“મારે કંઈપણ નથી કહેવું..બસ બે હાથ જોડી કહું અહીંથી નીકળી જાઓ..નહીંતો તમારી ભૂંડી દશા આવશે અને સાથે-સાથે મારી પણ બદ થી બદતર હાલત થઈ જશે “જુબેર જાણે કોઈ અજાણ્યાં ડરથી એમને ચેતવી રહ્યો હતો. “હસન મને લાગે છે આપણે અહીંથી નીકળી જવું જોઈએ..આનું મગજ ભમી ગયું લાગે છે..”નૂર હસનની નજીક જઈ હળવેકથી બોલી. અહીંથી નીકળી જવામાં જ મજા છે એમ વિચારી હસન,નૂર અને નતાશા ત્યાંથી નીકળી કારમાં બેસી ગયાં અને હસને કારને પાછી મેઈન રોડ પર લાવી દીધી..મેઈન રોડ ઉપર આવતાં જ નતાશા ની નજર એક ઝાડ ની પાછળ વેલાઓ થી ઢંકાયેલા સાઈન બોર્ડ પર પડી..નતાશા એ હસન ને એ બોર્ડ બતાવ્યું. હસન કારમાંથી નીચે ઉતર્યો અને વેલાંઓ દૂર કરી એ સાઈન બોર્ડ પર નું લખાણ વાંચ્યું તો ત્યાં તીર નું નિશાન મારી લખ્યું હતું સોનગઢ 157 km..તીર જે દિશા બતાવતું હતું એ તરફ હસને કાર ને પુરપાટ વેગે દોડાવી મુકી.

*************

એ લોકો નાં ત્યાંથી નીકળતાં ની સાથે જુબેરે ત્યાં દીવાલ પર લટકાવેલી ઈમામ હુસૈન સાહેબ ની તસવીર તરફ જોઈને પોતાને બચાવી લેવાની દુવા માંગી અને ત્યાંથી નીકળી પોતે પહેલાં જે રૂમમાં બેસીને ટેલિવિઝન જોતો હતો એ તરફ આગળ વધ્યો..જુબેરે જઈને જોયું તો એ રૂમનો દરવાજો અંદરની તરફથી બંધ હતો. “ચાચા હું જુબેર છું.દરવાજો ખોલો મારે અંદર આવવું છે..”

જુબેર ની વાતનાં જવાબમાં ના કોઈ બોલ્યું ના કોઈએ દરવાજો ખોલ્યો..એટલે જુબેરે ફરીથી બે-ત્રણ વખત પોતાની વાત નું પુનરાવર્તન કર્યું.આખરે અંદરથી જે કંઈપણ અવાજ મળ્યો એ સાંભળી જુબેર નો શ્વાસ ગળામાં જ અટકી ગયો. “જુબેર,અમને માફ કરી દેજે પણ તારાં લીધે હું મારી અને મારાં અન્ય વફાદાર મુલાજીમો ની જીંદગી ની કુરબાની નથી આપવા માંગતો..”અંદરથી એ ચાચા નો અવાજ આવ્યો.એ ચાચા આ લોજ જેવી જગ્યાનાં માલિક હતાં અને જુબેર અને પેલાં ત્રણ લોકો એમનાં મુલાજીમ એટલે કે નોકર હતાં જે લોજમાં કામ કરતાં હતાં.

“ચાચા પણ એમાં મારો કોઈ વાંક નથી..એ લોકો એ મને રહમત ગામ નો રસ્તો પૂછ્યો હતો..”જુબેર આટલું બોલતાં લગભગ રડી ગયો હતો..એ સમજી ગયો હતો કે અજાણ્યાં મુસાફરો એ એને જે કંઈપણ પૂછ્યું એ ચાચા સાંભળી ગયાં હતાં..થોડી જ ક્ષણો માં જુબેર ને ચિત્ર વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યાં હતાં. “બેટા,હવે તો તને કોઈ બચાવી નહીં શકે માટે તું અમારી સલામતી માટે પોતાની કુરબાની આપવા તૈયાર થઈ જા..”અંદરથી ચાચા ની મજબુરી ભર્યો અવાજ આવ્યો.

image source

અચાનક એ ગેબી અવાજો ની ગતી માં વધારો થયો અને કોઈ અજાણી શક્તિ એ જુબેર ને પગથી ખેંચી નીચે પાડી દીધો.જુબેરે પાછાં વળીને જોયું તો એક આકૃતિ એની નજરે ચડી જેની આંખો ચમકી રહી હતી.જુબેર કંઈપણ પ્રતિકાર કરે એ પહેલાં તો એ આકૃતિ એને બળપૂર્વક ખેંચવા લાગી. પોતાની સાથે હવે જે થવાનું હતું એની કલ્પના પણ જુબેર કરી શકે એમ નહોતો.આવનારી ભયાવહ ક્ષણો વિશે વિચારીને જુબેરે દિલ નાં પદડાં ધ્રુજાવી મુકતી ચીસોથી વાતાવરણ ને હલબલાવી મૂક્યું.થોડીવારમાં એ રહસ્યમયી આકૃતિ નો અવાજ અને જુબેર ની કારમી ચીસો બંધ થઈ ગઈ અને પાછો પૂર્વવત સન્નાટો વ્યાપી ગયો..જે ખૂબ બિહામણો ભાસી રહ્યો હતો. ચાચા અને અંદર હાજર એમનાં મુલાજીમો જાણતાં હતાં કે હવે એમને જુબેર નાં હાડકાં પણ નથી જોવા મળવાના..એમને આંખો બંધ કરી અને જુબેર ની રૂહ ને જન્નત નસીબ થાય એવી અલ્લાહ ને પ્રાર્થના કરી.

************

લોજમાંથી નીકળ્યાં બાદ હસન,નૂર અને નતાશા લગભગ બે કલાક સુધી સતત કાર માં સફર કરતાં રહ્યાં.અહમદનગર થી નીકળ્યાં બાદ હસન સતત કાર ચલાવી રહ્યો હતો..એટલે હસન ને થોડો આરામ મળે એ હેતુથી નૂરે હસન ને આરામ કરવાનું કહી પોતે હવે કાર ચલાવશે એવું કહી દીધું. નૂર રાત્રી નાં ઘોર અંધકારમાં બહુ સિફતપૂર્વક કાર ચલાવી રહી હતી અને નતાશા એની બાજુમાં આગળ ની સીટ માં બેસી ને એની સાથે વાતો કરી રહી હતી જેથી નૂર ને એકલું ના લાગે..હસન અત્યારે વચ્ચેની સીટ માં લાંબો થઈને સૂતો હતો.

હસન દ્વારા રહમત ગામ નો ઉલ્લેખ કરાતાં ની સાથે લોજ નો નોકર જુબેર કેમ આક્રમક થઈ ગયો હતો એ હજુ નૂર માટે એક મોટો સવાલ હતો.એ ગામ સાથે કંઈક તો રહસ્ય છુપાયેલું હોવું જોઈએ કેમકે એને પણ આ ગામ નું નામ સાંભળ્યું હોવાનું એને આછું પાતળું યાદ આવી રહ્યું હતું.પોતે આ વિશે જરૂર હસન જોડે વાત કરશે એવું મનોમન નૂરે વિચારી લીધું હતું. એ લોકો હવે લગભગ સોનગઢ પહોંચવા જ આવ્યાં હતાં..હવે બીજું પચાસેક કિલોમીટર જેટલું અંતર બાકી હતું.સમય અત્યારે સાડા ત્રણ થઈ રહ્યો હતો મતલબ કે સવાર પડવામાં હવે દોઢેક કલાક જેટલો સમય બાકી હતો.

નૂરે આગળ જતાં કાર ને થોભાવી દીધી કેમકે હવે ત્યાં બે રસ્તા પડતાં હતાં..કઈ તરફ આગળ વધવું એ ના સુજતાં નૂર વિચારમગ્ન અવસ્થામાં કાર ને રોડ ની સાઈડમાં કરીને ઉભી હતી..કાર અટકતાં ની સાથે હસન ની આંખ પણ ખુલી ગઈ અને એને નૂર ને પૂછ્યું. “શું થયું કેમ આમ અચાનક કાર ને થોભાવી દીધી..?” “હસન,આગળ બે રસ્તા નજરે પડી રહ્યાં છે..કયાં રસ્તે આગળ વધવું એ વિચારીને મેં ગાડી અહીં અટકાવી દીધી છે..”નૂરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું. નૂર ની વાત સાંભળી હસન પણ વિચારમાં પડી ગયો..અચાનક હસન ની નજર થોડે દુર વિચરી રહેલી બકરીઓ પર પડી જે જોતાં જ હસને કહ્યું. “જોવો ત્યાં બકરીઓ ચરી રહી છે મતલબ એનો બકરવાલ પણ અહીં જ ક્યાંક હશે..જો એ મળી જાય તો આપણે એને આગળનો રસ્તો પૂછી શકીએ.”

“હા એ વાત તો સાચી..પણ આટલી મોડી રાતે કોઈ બકરીઓ કેમ ચરાવતું હશે..આ થોડું વિચિત્ર નથી લાગતું..?” નતાશા એ કહ્યું. “આ વિસ્તાર બહુ ગરમ છે અહીં પાણી ની ખૂબ અછત હોય છે.. દિવસે અહીં સૂર્ય ની તેજ ગરમીથી બચવા અહીંના પશુપાલન કરતાં લોકોએ આ રસ્તો કાઢ્યો હોય એવું મને લાગે છે.”હસને નતાશા ની વાત સાંભળીને કહ્યું. “એ જે કંઈપણ હોય પણ આપણે પહેલાં એ બકરવાલ ને શોધવો પડશે..નહીંતો સવાર સુધી અહીં ઉભા રહીને અહીંથી નીકળતી કોઈ અન્ય ગાડી ની રાહ જોવી પડશે.”નૂરે કહ્યું. નૂર ની વાત સાંભળી એ બધાં નીચે ઉતરી ને એ બકરીઓ જ્યાં ચરતી હતી એ તરફ આગળ વધ્યા અને ત્યાં કોઈ વ્યક્તિ છે કે નહીં એની શોધખોળ કરવા લાગ્યાં. “ત્યાં કોઈ છે..”એક તરફ આંગળી કરી નૂર બોલી.

image source

“હા,મને લાગે છે એ વ્યક્તિ જ બકરવાલ હશે..જે આ બકરીઓ ચરાવી રહ્યો હશે..”નૂર ની વાત સાથે સહમત છે એવું જણાવતાં હસન બોલ્યો. હસન ની વાત સાંભળી એ લોકો પેલાં બકરી ચરાવતાં વ્યક્તિ તરફ આગળ વધ્યા..એ લોકો બકરવાળથી દસેક ડગલાં દૂર હતાં ત્યાં એમનાં પગલાંનો અવાજ સાંભળી બકરવાલ ડરી ગયો હોય એવું લાગ્યું અને એ ત્યાંથી ભાગવા લાગ્યો. એને આમ અચાનક ભગતો જોઈ હસન ચમક્યો..હસને ઉંચા અવાજે એ બકરવાલ ને અવાજ લગાવીને કહ્યું. “અરે ભાઈ..અમે મુસાફર છીએ અને રસ્તો ભૂલી ગયાં છીએ..” હસન નો અવાજ કાને પડતાં એ વ્યક્તિ દોડતાં અટકી ગયો અને એ લોકો જ્યાં ઉભાં હતાં એ તરફ આગળ વધ્યો.એમની નજીક આવીને એ બકરવાલે કહ્યું. “અહીં રાતે હિંસક પશુઓ નો ડર રહે છે માટે હું ડરીને ભાગ્યો હતો..બોલો બોલો તમારે ક્યાં જવાનું છે..”

“ભાઈ,અમારે સોનગઢ જવું છે.અને અહીં બે રસ્તા છે તો તમે જણાવી શકશો અમારે કઈ તરફ આગળ વધવું..?”નૂરે વિનયપૂર્વક પૂછ્યું. “તમે ડાબી તરફ નો રસ્તો પકડીને આગળ વધો.. એ રસ્તો સીધો સોનગઢ પહોંચી જશો.”એ બકરવાલે હાથનાં ઈશારા સાથે જણાવ્યું. “શુક્રિયા..”નૂરે આભારવશ કહ્યું. ત્યારબાદ નૂર,નતાશા અને હસન કારમાં આવીને બેઠાં..આ વખતે ડ્રાઈવર સીટ માં હસન બેઠો હતો અને નૂર તથા નતાશા મધ્ય સીટ માં.હવે રસ્તો દોઢેક કલાક જેટલો જ બાકી હતો.

એ લોકો બીજું દસેક કિલોમીટર જેટલું આગળ વધ્યા હશે ત્યાં નૂર એ બારીમાંથી બહાર જોયું તો એક દ્રશ્ય જોઈ એનું મગજ સુન્ન મારી ગયું.નૂરે જોયું કે જે બકરવાલે એમને સોનગઢ નો રસ્તો બતાવ્યો હતો એ રોડ થી દુર ઉભો એમની કાર ની તરફ જોઈ રહ્યો હતો.એ વ્યક્તિ અત્યારે એકલો નહોતો પણ એની જોડે બુરખા માં કોઈ સ્ત્રી હતી એવું નૂર ને પહેલી નજરે લાગ્યું.

પોતે જોયેલું સત્ય છે કે પોતાની કલ્પના છે એ તપાસ કરવા નૂરે પોતાની આંખો ચોળી જોઈ પણ એ જે જોઈ રહી હતી એ સત્ય હતું.કાર થોડી આગળ નીકળી ગઈ હતી..નૂરે પાછાં વળી એ બકરવાલ તરફ નજર કરી તો એ આકાશ તરફ આંગળી કરી કંઈક બબડી રહ્યો હોય એવું નૂર ને લાગ્યું. આ વાત નો કોઈની જોડે ઉલ્લેખ કરવો અત્યારે યોગ્ય નથી એમ વિચારી નૂરે બારી નાં કાચ પર પોતાનું માથું ઢાળી દીધું અને આદિલ જોડે છેલ્લે વિતાવેલી હસીન પળો વિશે વિચારવા લાગી.એનાં વિચારો ની માફક કાર પણ સોનગઢ નાં રસ્તા તરફ આગળ વધી રહી હતી.

હસન,નૂર અને નતાશા એક એવી જગ્યાએ જવા માટે નીકળી પડ્યાં હતાં જ્યાં મોત થી પણ વધુ બદતર વસ્તુ એમની રાહ જોઈને ઉભી હતી..પોતાનાં મામા ની દીકરી રેશમા ની સારવાર પોતાનાં તબીબી જ્ઞાન થી કરી નૂર પોતાની જાત ને ચડિયાતી સાબિત કરવા માંગતો હતો જ્યારે સામા પક્ષે એનાંથી વિપરીત હસન ઓમર રેશમા ને ઠીક કરી પોતે ઝાડફૂંક માં કેટલો પારંગત છે એ પુરવાર કરવા માંગતો હતો.

એક રીતે જોઈએ તો એ બંને ને અત્યારે પોતાનો અહમ હતો જે એમનાં જ્ઞાન ની સાથે બુદ્ધિશક્તિ ને પણ હણી રહ્યો હતો..આમ પણ મનુષ્ય જન્મ થી જ શૈતાન નાં અમુક ગુણો લઈને જ જન્મે છે..આ સિવાય સોનગઢ માં કંઈક તો એવું હતું જે હસન ને ત્યાં જવા રોમાંચિત કરી રહ્યું હતું.આ સિવાય સોનગઢ ની જોડે રહેલાં રહમત ગામ વિશે પણ કંઈક એવી વાત હતી જેનું રહસ્ય દસ્તક હતી આવનારાં તોફાન ની આગાહી ની. હવે સોનગઢ ફક્ત પાંચેક કિલોમીટર દૂર હતું ત્યાં હસને પોતાની ઘડિયાળ તરફ નજર કરી અને એ સાથે જ એને કાર ને રોડ ની સાઈડમાં લાવીને ઉભી કરી દીધી.નતાશા અને નૂર કંઈ પૂછે એ પહેલાં જ હસને એમની તરફ જોઈને કહ્યું. “સૂરજ ની પહેલી કિરણ પડવાનાં પહેલાં નમાઝ કરવી એ મારો વર્ષો જૂનો સંબંધ છે..અને હવે પાંચ વાગવા આવ્યાં હોવાથી હું ખુદાની ઈબાદત કરીશ પછી જ આપણે આગળ વધીશું.”

હસન ની વાત સાંભળી નૂર કંઈ બોલી નહીં અને એ બધાં કારમાંથી નીચે ઉતર્યાં..હસને કારમાં રહેલી પોતાની બેગમાંથી એક પાઠરણું કાઢ્યું અને એને જમીન પર મૂકી દીધું..ત્યારબાદ એ નમાઝ અતા કરવા માટે એની ઉપર સ્થાન ગ્રહણ કરે છે. નૂર અને નતાશા હસન ને નમાઝ પઢતો જોવાનાં બદલે ત્યાં આજુબાજુ થોડું હરીફરીને હાથ પગ છુટા કરવા માટે ત્યાંથી થોડે દુર ગયાં..એ લોકો જ્યાં ઉતર્યા હતાં એ જગ્યા સુમસાન હતી.ચારેતરફ માત્ર ને માત્ર સન્નાટો હતો જે ક્યારેક નિશાચર પક્ષીઓનાં અવાજથી તો ક્યારેક તમરાઓના અવાજ થી તૂટી જતો હતો.

image source

હસન એક પથ્થરોવાળી જગ્યાએ બેસીને નમાઝ પઢી રહ્યો હતો..અને નૂર અને નતાશા એનાંથી થોડે દુર આવ્યાં.. નૂરે જોયું તો ત્યાં એક જુનું ખંડેર જેવું હતું..હકીકતમાં ત્યાં સેંકડો વર્ષો પહેલાં કોઈ ઈમારત હોવી જોઈએ એવું નૂર ને મહેસુસ થયું..પણ એ ઈમારત નાં નામે અત્યારે ફક્ત બિસ્માર હાલતમાં દરવાજો જ વધ્યો હતો. કુતૂહલાથી નૂર એ દરવાજામાં પ્રવેશી અને આગળ વધી..નતાશા પણ એની પાછળ પાછળ એનાં કદમ થી કદમ મિલાવીને ચાલી રહી હતી..રાત પોતાનું સામ્રાજ્ય ફેલાવીને બેઠી હોવાથી સર્વત્ર અંધકાર વ્યાપ્ત હતો..એટલે નૂરે પોતાનાં મોબાઈલની ફ્લેશ લાઈટ ને ચાલુ રાખી હતી.

એ ઈમારત કોઈ મકબરો હોવી જોઈએ એવો અંદાજ નૂર ને આવી ગયો હતો કેમકે એ વર્ષોથી આવી જગ્યાઓની મુલાકાત કોઈ ને કોઈ પ્રોજેકટ અંતર્ગત લેતી આવી હતી..મકબરો હોવાથી એનો બીજો દરવાજો પણ અંદર પ્રવેશતાં જ દ્રશ્યમાન થયો જે શાયદ બીજી તરફ જવાનો રસ્તો દર્શાવતો હતો.નૂર સાચવીને એ દરવાજો ખોલીને બીજી તરફ આવી..નતાશા પણ એની બિલકુલ પાછળ ચાલી રહી હતી.

દરવાજો ઓળંગતા જ એ લોકો એક બિહામણી જગ્યાએ આવી જવાનું એમને ભાન થયું..એ જગ્યા પણ એકદમ વિરાન હતી પણ ત્યાં વ્યાપ્ત ભેંકાર નૂરે આજસુધી ક્યારેય જોયો કે અનુભવ્યો નહોતો.નૂર ની વાત તો દૂર રહી પણ નતાશા તો હસનની સાથે ઘણીવાર અગોચર જગ્યાઓએ જઈ આવી હતી છતાંપણ ત્યાં જે કંઈપણ ખામોશી અને ભેંકાર નું સામ્રાજ્ય હતું એવું એને પણ ક્યારેય જોયું નહોતું.

image source

અચાનક એક કાગડો કાં.. કાં.. કરતો નૂર નાં ચહેરાની આગળથી પસાર થયો જેનાં લીધે નૂર બેહદ ડરી ગઈ..નતાશા ની પણ શ્વાસ અત્યારે ગળે અટકી ગઈ હોય એવું એનાં ચહેરા પરથી સમજી શકાતું હતું..નૂર નાં હાથ માં રહેલાં મોબાઈલ ની ફ્લેશલાઈટ નૂરે કાગડા ની દિશા તરફ કરી તો એને એ કાગડો બીજાં કાગડાથી બિલકુલ અલગ લાગ્યો..એનું કદ અને મુખાકૃતિ ભિન્ન હતી..સાથે એની આંખો ચમકી રહી હતી.

થોડીવારમાં પોતાનાં ડર પર કાબુ મેળવવામાં નૂર કામિયાબ થઈ અને ધીરા ડગલે આગળ વધી..નતાશા આગળ જવા નહોતી ઈચ્છતી હોવાં છતાં પણ ના છૂટકે નૂર ની પાછળ જઈ રહી હતી કેમકે હસન ની ગેરહાજરીમાં નૂર નું રક્ષણ કરવું અને એની સલામતી ની ચિંતા કરવી એ પોતાની ફરજ બની જાય એવું નતાશા સમજતી હતી. નૂર જેવી આગળ વધી ત્યાં એને એવું લાગ્યું કે જાણે એ કોઈ મોટાં કબ્રસ્તાન માં આવી ગઈ છે અને એ પણ એવું કબ્રસ્તાન જ્યાં લાશો ને દાટવામાં નથી આવતી પણ ખુલ્લી રાખી દેવામાં આવતી હશે..આજુબાજુ બધે માનવ હાડપિંજર વિખરાયેલાં પડ્યાં હતાં..હાડકાં પણ અહીં તહીં બધે નજરે પડી રહ્યાં હતાં.

“નૂર ચાલ હવે પાછા નીકળી જઈએ..મને આ જગ્યા ઠીક નથી લાગતી..”નતાશા એ હળવેકથી નૂર ની નજીક જઈને એનાં કાનમાં કહ્યું. નતાશા ની વાત સાંભળી નૂરે પણ જવાનું મન બનાવી લીધું અને એ દરવાજા તરફ પાછી વળી.નૂર જેવી દરવાજા ની સમીપ પહોંચી એવું જ એનાં કાને કોઈ પીડાતું હોય અને કણસી રહ્યું હોય એવો અવાજ કાને પડ્યો..અવાજ ની સાથે એક ધીમું રુદન પણ નૂર ને સંભળાઈ રહ્યું હતું. “નતાશા તે કંઈ સાંભળ્યું..મને લાગે છે કોઈને આપણી મદદની જરૂર છે..”નતાશા નો હાથ પકડી નૂર બોલી. “નૂર આ બધો તારાં મન નો વહેમ છે..મેં કીધું ને અહીં રહેવું યોગ્ય નથી..ચાલ જલ્દી અહીંથી નીકળીએ..”નતાશા એ પણ નૂરે જે રુદન સાંભળ્યું હતું એ સાંભળ્યું હતું પણ એને ખબર હતી કે આગળ કોઈ evil spirit છે એટલે એ ત્યાંથી નીકળી જવું મુનાસીબ સમજી રહી હતી.

“નતાશા તારે ના આવવું હોય તો કંઈ નહીં પણ હું તો ત્યાં જઉં છું એ જોવા કે કોણ રડી રહ્યું છે અને કોને મારી મદદની જરૂર છે..”નૂર આટલું કહી ત્યાંથી નીકળી આગળ વધી. નૂર પોતાની વાત નહીં માને અને પોતાની સાથે બધાં ને સંકટમાં નાંખશે એવું વિચારી એ હસન ની મદદ લેવા માટે બહાર ની તરફ ઉતાવળાં પગલે નીકળી ગઈ. રુદન અને કણસવાનો અવાજ જે તરફથી આવી રહ્યો હતો એ દિશામાં નૂર પોતાનાં મોબાઈલની ફ્લેશલાઈટ નાં અજવાળાંમાં આગળ વધી રહી હતી..એ જેમ-જેમ આગળ જતી હતી એમ-એમ રડવાનો અવાજ વધુ તીવ્ર બનીને આવી રહ્યો હતો.એ રુદન આખરે એક આક્રંદ નું રૂપ લઈ ચૂક્યું હતું. નૂરે આગળ જતાં જોયું તો ત્યાં એક મોટું આંબલી નું વૃક્ષ હતું જેની પર હજારોની સંખ્યામાં કપડાંના ટુકડા બાંધવામાં આવ્યાં હતાં અને રડવાનો અવાજ પણ એ વૃક્ષ ની આજુબાજુમાંથી જ આવી રહ્યો હોવાનું એને લાગ્યું.

****************

આ તરફ પોતાની નમાઝ પૂર્ણ કર્યાં પછી હસને ખુદાની બંદગી માં પોતાની અને પોતાનાં સાથીદારો ની હિફાઝત ની દુવા માંગી..ત્યારબાદ પોતાનાં પાથરણા નું કપડું ઉઠાવી ગાડીમાં રાખ્યું અને નૂર અને નતાશા ની તપાસ માટે આજુબાજુ નજર દોડાવી પણ એની નજરે કોઈ ના પડ્યું. “આ બંને ક્યાં ગયાં હશે..?”હસન મનોમન બોલ્યો. થોડીવારમાં નૂર અને નતાશા પાછા આવી જશે એમ વિચારી હસન ગાડી ને ટેકે ઉભો હતો ત્યાં એને દૂરથી નતાશા ને એની તરફ આવતી જોઈ..નતાશા ને એકલી જોઈને એને થોડું આશ્ચર્ય થયું. “નૂર ક્યાં છે..?”નતાશા નાં નજીક આવતાં ની સાથે હસને સવાલ કર્યો.

image source

“નૂર ત્યાં અંદર ની તરફ છે..એ નક્કી કોઈ મુસીબતમાં ફસાઈ જશે એવું મને લાગી રહ્યું છે..”પોતે જે જગ્યાએ હતાં એ તરફ આંગળી કરી નતાશા બોલી. “ચાલ જલ્દી..તારે એને એકલી મૂકીને નહોતું આવવું જોઈતું..”હસન નાં અવાજમાં રોષ હતો જે નતાશા સમજી ગઈ હતી. હસન ને દોરીને નતાશા પેલાં મકબરા ની ઈમારત જોડે લઈ ગઈ અને હસનને દરવાજા જોડે લાવીને બોલી. “નૂર અંદર ગઈ છે..અને અંદર બીજો દરવાજો છે એમાં થઈને પાછળ આવેલી વેરાન જગ્યાએ અત્યારે એ હાજર છે..”

નતાશા ની વાત સાંભળી હસન દોડીને દરવાજા ની અંદર પ્રવેશ્યો અને બીજાં દરવાજાથી નીકળી પાછળની તરફ આવ્યો..હસને પણ ત્યાં રહેલાં માનવ હાડપિંજર નિહાળ્યા..ત્યાં અંધકાર વ્યાપ્ત હોવાથી દૂરથી જ એને નતાશાના મોબાઈલ ની ફ્લેશ લાઈટ દેખાઈ ગઈ અને હસન દોડીને નતાશા જ્યાં હતી એ તરફ આગળ વધ્યો.

હસને જોયું તો નૂર અત્યારે એક evil tree નીચે ઉભી હતી..આ એવું વૃક્ષ હોય છે જેનાં પર અતૃપ્ત આત્માઓ વાસ કરે છે..લોકો પોતાને પરેશાન કરતી આત્માઓને ગમતી વસ્તુ આવાં વૃક્ષ નીચે મૂકી એ આત્માને પોતાનો પીછો છોડી દેવાની અરજી કરે છે..સાથે સાથે ખુદા ની ઈબાદત કરી એક કપડું વૃક્ષ નીચે બાંધી દે છે. હસને નૂર ની તરફ આગળ વધતાં એને અવાજ લગાવ્યો.. “નૂર..ચાલ ત્યાંથી..આ જગ્યાએ વધુ સમય રોકાવું યોગ્ય નથી..”

પણ નૂર જાણે જડવત બની ગઈ હોય એમ ત્યાં ઉભી હતી..હસન નાં અવાજ નો કોઈ પ્રતિભાવ એ નહોતી આપી રહી..નૂર ને અત્યારે કોઈ અજબની ગંધ આવી રહી હતી જેનાં લીધે એનું મગજ સુન્ન થઈ ગયું હતું..અચાનક હસનની નજર નૂર નાં પગ તરફ ગઈ તો એને જોયું કે નૂર અત્યારે હાડકાં નાં બનેલાં વર્તુળ ની અંદર મોજુદ હતી. નૂર પોતાનું સાનભાન ભુલાવી લગભગ બેહોશ થવાની અણી પર હતી ત્યાં હસન એની નજીક આવી પહોંચ્યો અને એને પોતાનાં હાથનાં ટેકાથી પકડી લીધી..હસને પોતાનાં પગ ને હાડકાં નાં એ વર્તુળની અંદર ના જાય એ રીતે નૂર ને પોતાનાં બંને હાથ વડે પકડી લીધી અને ફટાફટ દોડીને દરવાજા ની અંદર પ્રવેશીને બીજી તરફનાં દરવાજાથી બહાર નીકળી ગયો.

નતાશા પણ અત્યારે એની સાથે જ હતી એની નજર સતત હસન ની તરફ સ્થિર હતી.જે રીતે હસન નૂર ની ચિંતા કરી રહ્યો હતો અને નૂર નાં ગાંડપણ નાં લીધે પોતાને હસન ની દાંટ સાંભળવી પડી એ વાતનું નતાશા ને ખોટું લાગ્યું હતું. હસને કાર નો વચ્ચેનો દરવાજો ખોલી નૂર ને ત્યાં લાવીને રાખી દીધી..ત્યારબાદ નૂર નાં ચહેરા પર પાણી છાંટી એને ભાનમાં લાવવાની કોશિશ કરી.. થોડીવારમાં તો નૂર સંપૂર્ણ ભાનમાં આવી ગઈ..એનો ચહેરો અત્યારે એ કહી રહ્યો હતો કે એને પોતાની સાથે શું થયું એની બિલકુલ જાણ નહોતી.. એનો ડર ઓછો કરવાનાં ઉદ્દેશથી હસને એને શાંત સુરે કહ્યું.

“નૂર અત્યારે બધું ઠીક છે..પણ તારે મને પૂછ્યા વગર આવી કોઈ સુમસાન જગ્યાએ એકલું ના જવું જોઈએ..” નૂર ને અત્યારે પોતાની ભૂલ સમજાઈ રહી હતી..એને હસન ની વાતનાં જવાબમાં કહ્યું. “હું આગળ જતાં ધ્યાન રાખીશ..” થોડીવાર માં હસને ત્યાંથી કાર ને દોડાવી મૂકી સોનગઢ ની તરફ..હવે સવાર થઈ ગઈ હતી અને સૂરજ નાં કિરણો ધીરે ધીરે અંધકાર ને દૂર કરી અજવાસ પાથરી રહ્યાં હતાં..હવે એમની મંજીલ થોડીક મિનિટો જ દૂર હતી. હસન કાર ને ડ્રાઈવ કરી રહ્યો હતો અને નૂર ની સાથે નતાશા કાર ની મધ્ય સીટ માં બેઠી હતી..કાર નાં પૈડાં ની જેમ હસન,નૂર,અને નતાશા નું મગજ પણ જુદાં જુદાં વિચારોમાં દોડી રહ્યું હતું.

image source

નૂર હજુપણ એની સાથે એવું કેમ થયું એ વિશે વિચારી રહી હતી..એને જે આક્રંદ સંભળાયું હતું એ સાચેમાં હતું કે પછી એનાં મનનો કોઈ વહેમ હતો..?.સાથે-સાથે પેલાં રહસ્યમયી બકરવાલ નાં વિચારો પણ એનાં વિચારોમાં ઘુમી રહ્યાં હતાં..રહમત ગામ ની સાથે જોડાયેલું રહસ્ય પણ એને જાણવું હતું..પણ અત્યારે એ ચૂપચાપ બેસી પોતાનાં મામા નાં ઘરે પહોંચવાની વાટ જોઈ રહી હતી. નતાશા અત્યારે ગુસ્સા અને ઈર્ષા ની આગમાં સળગી રહી હતી..નૂર ની તરફ હસન નો વ્યવહાર જોઈ એનાં મનમાં આગ ભભૂકી હતી જે આગળ જતાં કયું સ્વરૂપ ધારણ કરવાની હતી એ કોઈને ખબર નહોતી.

નૂર અને નતાશા થી વિપરીત હસન ઓમર પોતાનાં વિચારો ને એક અલગ દિશામાં જ દોડાવી રહ્યો હતો..હસને એ મકબરા ની દીવાલો ની સાથે evil tree પર એક નંબર કોતરીને લખેલો જોયો હતો જેનો અર્થ એને ખબર નહોતી..એ નંબર હતો. “7175” આ નંબર વગર કારણે તો નહીં જ લખાયું હોય એવું હસન માની રહ્યો હતો..7175 નું લખવાનું કારણ કોઈ રહસ્ય ધરાવતું હતું જેને ઉકેલવું જરૂરી હતું એવું હસન નું માનવું હતું.

પોતપોતાનાં વિચારોમાં ખોવાયેલા નૂર,નતાશા અને હસન ઓમર આ સાથે જ સોનગઢ ની હદમાં પ્રવેશ કરી ચૂક્યાં હતાં.જ્યાં એકપછી એક રહસ્યો એમની રાહ જોઈને ઉભાં હતાં એ વાત થી બધાં અજાણ હતાં.જો પોતાની સાથે શું બનવાનું હતું એની ખબર હોત તો શાયદ એમનામાંથી કોઈ ત્યાં જવાની હિંમત ના કરી શક્યું હોત..!! હસન,નૂર અને નતાશા જ્યારે સોનગઢ પહોંચ્યા ત્યારે સાડા છ વાગ્યાં નો સમય ઘડિયાળ બતાવી રહી હતી..આટલાં વહેલાં કોઈનાં ઘરે જવું હસન ને ઉચિત ના લાગ્યું.એટલે એને ગામ ની બહાર જ આવેલી એક ચા ની દુકાને બેઠાં.. અહીં જ થોડાં ફ્રેશ થઈને જ એમને નૂર નાં મામા નાં ઘરે જવાનું નક્કી કરી લીધું.

ચા નો ઓર્ડર અપાઈ ગયો અને એ લોકો એ બેઠાં બેઠાં સમય પસાર કરવા માટે વાતો ચાલુ કરી. “હસન..એક વાત ક્યારનીયે મારાં મગજમાં ચાલે જાય છે..મને લાગે છે એ વિશે તું ચોક્કસ કંઈક જાણે છે..”નૂર પોતાનાં સ્વભાવ મુજબ હસન ની તરફ જોઈને બોલી. “અત્યાર સુધી જે કંઈપણ જીન સાથે જોડાયેલા રહસ્યો હતાં એ વિશે તો હું તને જણાવી ચુક્યો છું.તો પછી તું કઈ વાત વિશે કહે છે..?”હસને નૂર ની વાત સાંભળી સામે પૂછ્યું. “તે ત્યાં લોજ પર જુબેર ને સોનગઢ ની જગ્યાએ રહમત ગામ વિશે પૂછ્યું હતું અને એટલે જ શાયદ જુબેર અચાનક ક્રોધે ભરાયો હતો..આ રહમત ગામ ક્યાં આવેલું છે અને એની જોડે જોડાયેલ રહસ્ય ખરેખર શું છે..?”નૂરે પૂછ્યું.

“નૂર રહમત ગામ વિશે ની હકીકત અને રહસ્ય ખરેખર હું પૂર્ણપણે જાણતો નથી..પણ મને જે કંઈપણ ખબર છે એ વાત હું તને જણાવીશ..”આટલું કહી હસન ઓમરે રહમત ગામ વિશે પોતે જે કંઈપણ જાણતો હતો એ નૂર ને જણાવતાં કહ્યું. “આજથી 25 વર્ષ પહેલાં રહમત એક સમૃદ્ધ ગામ ગણાતું હતું..ત્યાંના મોટાભાગનાં લોકો સાધન-સંપન્ન હતાં.. એ બધાં નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો છતાં પણ એ બધાં પોતાની મહેનત નાં જોરે સારું એવું કમાઈ લેતાં.. બધું એની રીતે યોગ્ય ચાલી રહ્યું હતું ત્યાં ખબર નહીં શું ઘટના બની કે એકાએક થોડાંક દિવસો ની અંદર તો આખું ગામ ખાલી થઈ ગયું..”

“રહમત ગામ ની નજીક સોનગઢ નામનું કોઈ ગામ ત્યારે અસ્તિત્વ ધરાવતું નહોતું..ત્યાં સોનારીયા નામે એક બસ્તી હતી..રહમત ગામમાં કોઈ ભેદી કારણથી મોરાભાગ નાં લોકો બીમાર પડ્યાં અને મૃત્યુ પામ્યાં.. જે બચી ગયાં એ સોનારીયા આવી ગયાં અને ધીરે ધીરે સોનારીયા બસ્તી ની જગ્યાએ સોનગઢ અસ્તિત્વ માં આવ્યું.સોનગઢ હજુ નવું નવું અસ્તિત્વ માં આવ્યું હોવાથી મને એમ કે જુબેર એનાં વિશે ના જાણતો હોય પણ રહમત ગામ વિશે એ ચોક્કસ જાણતો હોવો જોઈએ એમ વિચારી મેં એને પછી રહમત ગામ નો રસ્તો પૂછ્યો. ”

“એક વખત નું સમૃદ્ધ ગામ ભેદી સંજોગોમાં ખંડેર સમાન બની ગયું..આખાં રહમત ગામ માં કોઈ વ્યક્તિ રહેતું નથી.. લોકો નું કહેવું છે ત્યાં આજેપણ જીનો નો વાસ છે..એ ગામ પર જીનો નો કોઈ અભિશાપ મોજુદ છે જેનાં લીધે જ ત્યાંની આવી દશા થઈ.રહમત ગામ સોનગઢ થી ફક્ત દસ કિલોમીટર જેટલું પણ દૂર નથી છતાં આ ગામનું કોઈ વ્યક્તિ ત્યાં જતું નથી..જવાની વાત તો દૂર રહી રહમત ગામ નું નામ પણ એ લોકો ની જીભે આવતું નથી..”

image source

“હું જે દિવસથી આ ઝાડફૂંક વિધિ નાં ક્ષેત્ર માં છું ત્યારથી મારી ઈચ્છા હતી કે એક દિવસ તો રહમત ગામ ની મુલાકાત જરૂર લઈશ પણ ક્યારેક એવો મોકો મળ્યો જ નહોતો.જ્યારે આદિલ ભાઈ એ કોલ કરી તારી સાથે સોનગઢ જવાનું કહ્યું ત્યારે જ મેં વિચારી લીધું હતું કે આખરે સોનગઢ નું કામ પતાવી ત્યાંથી એકાદ દિવસ રહમત ગામ પણ જવા મળશે..હું રહમત ગામ ના લોકો સાથે હકીકતમાં શું બન્યું હતું એ વિશે જાણવા માંગુ છું..” આટલું જણાવી હસન ઓમરે નૂર નાં મન માં ચાલી રહેલી ધમાસણ ને કંઈક અંશે શાંત જરૂર કરી દીધી હતી…નૂર ને પણ જિન ની દુનિયાનાં અસ્તિત્વ પર થોડો તો થોડો પણ વિશ્વાસ જરૂર આવવા લાગ્યો હતો..!!

*************

“ફાતિમા બેગમ નું ઘર ક્યાં આવ્યું છે..?”એકાદ કલાક જેટલો સમય ત્યાં ચા ની દુકાને પસાર કર્યાં બાદ નૂરે દુકાન નાં મલિક ને પૂછ્યું. “ફાતિમા બેગમ..બિલાલ અહેમદ નાં જોરુ થાય એ જ ને..?”દુકાનદારે ફાતિમા બેગમ નાં નામની ખરાઈ કરતાં પૂછ્યું. “હા બિલાલ અહેમદ મારાં મામા હતાં અને ફાતિમા બેગમ મારાં મામી..”નૂરે પોતાની ઓળખ આપતાં કહ્યું. ત્યારબાદ દુકાનદારે ફાતિમા બેગમ નાં ઘર તરફનો રસ્તો બતાવ્યો એટલે એ લોકો કારમાં ગોઠવાયાં અને હસને કારને દુકાનદારે બતાવેલાં રસ્તે ભગાવી મૂકી..નૂરે પણ પોતે પાંચ મિનિટમાં આવે છે એવું ફાતિમા બેગમ ને કોલ કરી જણાવી દીધું હતું.

હસને કાર ને નૂર નાં મામા નાં ઘર જોડે લાવીને ઉભી રાખી..અને ત્યારબાદ નૂર,હસન અને નતાશા એમાંથી પોતાનો સામાન લઈને નીચે ઉતર્યાં.નૂર નાં મામા નું ઘર ગામનાં અન્ય ઘર નું તુલનામાં આલીશાન કહેવાય એવું હતું..એ લોકો જેવાં નીચે આવ્યાં એજ સમયે એક પચાસેક વર્ષ ની મહિલા અને એક પચ્ચીસેક વર્ષ ની યુવતી ચહેરા પર ખુશી સાથે ઉભાં હતાં.

એ મહિલા હતી નૂર ની મામી ફતિમા અને એ યુવતી બીજું કોઈ નહીં પણ નૂર ની મામા ની દીકરી રેશમા હતી જેની સારવાર માટે એ લોકો સોનગઢ આવ્યાં હતાં.પણ રેશમા ની તબિયત અત્યારે તો સ્વસ્થ લાગી રહી હતી તો પછી ફાતિમા મામી એ રેશમા ની હાલત ખરાબ છે એવી વાત પોતાને કેમ કરી..??એવો પ્રશ્ન જરૂર નૂર નાં દિમાગમાં ઉઠ્યો.

ફાતિમા અને રેશમા એ એ ત્રણેય મુ ઉમળકાભેર સ્વાગત કર્યું.ફાતિમા એ તો જે રીતે નૂર ને ગળે લગાવી અને હેતથી એનાં માથે હાથ ફેરવ્યો એ જોઈ એવું લાગતું હતું કે મામી અને ભાણી ભલે મળ્યાં નહોતાં પણ એમની વચ્ચે સારી એવી આત્મીયતા જરૂર હતી ભલેને એ આત્મીયતા પછી કોલ અને વીડિયો કોલ નાં લીધે કેમ ના આવી હોય.

image source

નૂરે હસન અને નતાશા ની ઓળખાણ રેશમા અને ફાતિમા ને આપી..ફાતિમા એ એ બધાં ને ઘર માં આવવાનું કહ્યું.ઘર નાં પહેલાં માળે નૂર અને નતાશા ને ઉતારો આપ્યો..અને હસન ને પહેલાં માળે કોર્નરમાં આવેલાં ગેસ્ટ રૂમમાં રોકાણ માટેની સુવિધા કરી આપી. આ દરમિયાન હસને ઘરમાં એક સાઠ વર્ષ ની ઉંમરની એક વૃદ્ધ સ્ત્રી પણ જોઈ જે એમની તરફ કોઈ વિચિત્ર હાવભાવ સાથે દેખી રહી હતી..નૂર અને નતાશા એ પણ એ વૃદ્ધ મહિલાને એમની તરફ નજર રાખતાં જોઈ હતી. નતાશા,નૂર અને હસન ફ્રેશ થઈને ફાતિમા નાં કહેવા પર ઘર નાં હોલ માં ચા-નાસ્તા માટે આવ્યાં.એ વૃદ્ધ મહિલા પણ ત્યાં હાજર હતી.ફાતિમા એ નૂર ને ઉદ્દેશીને કહ્યું.

“આ મારી મોટી બહેન કાસમા છે..મારાં જીજાજી નાં અવસાન પછી એ મારી સાથે જ રહે છે..એમને કોઈ સંતાન નથી એટલે બિચારાં ક્યાં જાય માટે હું એમને મારી સાથે જ લેતી આવી..જીજાજી નાં અવસાન પછી એમની માનસિક સ્થિતિ પન થોડી ખરાબ છે.” ફાતિમા ની વાત સાંભળી હસન,નૂર અને નતાશા ને કાસમા નાં એવાં વિચિત્ર વ્યવહાર નું કારણ મળી ગયું ઉલટા નું એમને કાસમા પ્રત્યે થોડી ઘણી હૈયાધારણા બંધાઈ.ચા-નાસ્તો પૂર્ણ કર્યાં બાદ એ બધાં થોડો આરામ કરવા માટે પોતપોતાનાં રૂમમાં પ્રવેશ્યાં..આખી રાત નો ઉજાગરો અને રસ્તામાં બનેલી વિચિત્ર ઘટનાઓનાં લીધે એ ત્રણેય ને થોડીવારમાં જ ઘસઘસાટ સુઈ પણ ગયાં.

*****************

એ લોકો છેક સાંજે નિંદરમાંથી ઉભાં થયાં..ફાતિમા એ પોતાનાં હાથે જ લાજવાબ જમવાનું બનાવ્યું હતું.રાત નું જમવાનું પૂર્ણ કરી બધાં ઘર નાં મુખ્ય હોલ માં એકઠાં થયાં.નૂર નાં મામા ની ગેરહાજરી અને ઘર માં એમની તસવીર જોઈ નતાશા અને હસન સમજી ચૂક્યાં હતા કે બિલાલ અહેમદ આ દુનિયામાં હયાત નથી અને આ ઘરમાં ફક્ત ત્રણ સ્ત્રીઓ જ રહે છે ફાતિમા,કાસમા અને રેશમા. “રેશમા હવે તને કેવું છે..મામી એ કહ્યું તારી તબિયત વધુ બગડતી જાય છે.?”નૂરે રેશમા ની તરફ જોઈને પૂછ્યું.

“આમ તો નૂર બેટા આએને એકંદરે સારું જ હોય છે પણ ક્યારેક ક્યારેક..એને ખબર નહીં શું થઈ જાય છે..”રેશમા તો ચૂપ રહી પણ એની વતી ફાતિમા એ નૂરનાં સવાલ નો જવાબ આપ્યો. “આ બધું ક્યારથી શરૂ થયું..મતલબ કે રેશમા નાં બદલાયેલા વ્યવહાર ની તમને ક્યારે ખબર પડી..?”હસન ઓમર હવે પોતાનાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હોવાથી જરૂરી જાણકારી એકઠી કરવાનાં હેતુથી ફાતિમા ની તરફ જોઈને કહ્યું. હસન ની વાત સાંભળી ફાતિમા ને કાસમા ની તરફ જોઈને કંઈક ઈશારો કર્યો…ફાતિમા નાં ઈશારાનો મતલબ સમજીને કાસમા રેશમા ને અંદર નાં રૂમમાં લઈ આવી.રેશમા નાં ત્યાંથી જતાં ની સાથે ફાતિમા એ હસન ની તરફ જોયું અને થોડાં દબાયેલાં અવાજે કહ્યું.

“આ બધું શરૂ થયું હતું રેશમા નાં લગ્ન ની પ્રથમ રાત્રી એ..મતલબ એની સુહાગરાત નાં દિવસે..રેશમા એ પોતાની સુહાગરાત નાં દિવસે જ એનાં સોહર આફતાબ નું છરી નાં ઘા કરી ખુન કરી દીધું.એ દિવસ પછી અવારનવાર રેશમા પર આ પ્રકારનું ઝનૂન સવાર થઈ જાય છે..” “એ રાતે એકજેક્ટ શું બન્યું હતું એ આપ જણાવી શકશો..?”હસન ઓમરે ફાતિમા ને સવાલ કર્યો. “મારી જોડે એ રાત નો વીડિયો રેકોર્ડ કરેલો છે..અમારે અહીં નવ પરિણીત યુગલો સુહાગરાત ની શરૂવાત ની ક્ષણો ની વીડિયો ઉતારે છે..જો તમે ઈચ્છતા હોય તો હું તમને એ વીડિયો બતાવી શકું..?”ફાતિમા એ પૂછ્યું.

“ચોક્કસ..એ તો સૌથી સારું રહેશે..”હસને કહ્યું. થોડીવારમાં ફાતિમા એક લેપટોપ લઈ આવી અને એ લોકો જ્યાં હોલ માં બેઠાં હતાં ત્યાં એક ત્રિપાઈ પર રાખી દીધું અને નૂર ની સુહાગરાત નો વીડિયો પ્લે કર્યો. વીડિયો માં દેખાઈ રહ્યું હતું કે નૂર પોતાનાં રૂમમાં બેડ ઉપર બેઠી હોય છે..એ અત્યારે પોતાનાં સોહર આફતાબ ની રાહ જોઈને બેઠી હોય છે એવું સરળતાથી સમજાઈ રહ્યું હોય છે.થોડીવાર માં નૂર ઉભી થાય છે અને રૂમમાં રાખેલી એક છરી પોતાનાં હાથ માં લઈને પોતાની પીઠ પાછળ છુપાવી દે છે..આ બધું કરતી વખતે રેશમા ની આંખો નો રંગ બદલાઈ ગયો હતો અને એનાં ચહેરાની ચામડી પણ બદલાઈ ચુકી હતી.

થોડીવાર માં આફતાબ રૂમમાં પ્રવેશ્યો અને રૂમ નો દરવાજો અંદરથી બંધ કરી રેશ્માની સમીપ આવ્યો..જેવો આફતાબ રેશમા ને સ્પર્શ કરવા હાથ લંબાવે છે એવી જ રેશમા ઘાતકી હુમલો કરીને એકપછી એક છરી નાં ઘા કરી આફતાબ ની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દે છે..આ દરમિયાન રેશમા કંઈક બોલી રહી હોય છે જેનો અર્થ ત્યાં હાજર કોઈ સમજી શકવા અસમર્થ હોય છે..સિવાય કે હસન નાં.

image source

રેશમા જે કંઈપણ બોલી રહી હતી એ એરેમિક ભાષા માં હતું..આ ભાષામાં જ ભગવાન ઈસુ એ સહારા નાં રણમાં જીન સાથે વાત કરી હતી.એનો મતલબ એ ભાષા જિન સમુદાયની ગુપ્ત ભાષા હતી.આફતાબ ની હત્યા કરી પોતાનું રટણ બંધ કર્યા બાદ રેશમા જોર-જોરથી અટ્ટહાસ્ય કરે છે અને બીજી જ ક્ષણે રડવા લાગે છે. ફાતિમા ત્યારબાદ લેપટોપ બંધ કરી દે છે અને આશભરી નજરે હસન તરફ જોવે છે અને સવાલ કરે છે. “તમને શું લાગે છે..રેશમા ની આવી હાલત નું કોઈ કારણ..”

“મને લાગે છે રેશમા પર ચોક્કસ કોઈ રુહાની શક્તિ શાયદ કોઈ કાફિર જિને કાબુ કરી લીધો છે અને એને જ રેશમા ને પોતાનાં સોહર આફતાબ નું ખુન કરવા ઉકસાવી હશે..”હસને શાંતિ થી કહ્યું. નૂર ને હસન ની વાતો પર હજુપણ પૂર્ણપણે વિશ્વાસ નહોતો પણ અત્યારે એ જોવા માંગતી હતી કે આખરે હસન કરે છે શું..જો હસન નિષ્ફળ રહેશે તો પોતે રેશમા નો મેડિકલ સાયન્સની રીતે ઈલાજ કરીને પોતાની જાત ને શ્રેષ્ઠ સાબિત કરશે એટલે હવે જે કંઈપણ થશે એ પોતે ચુપચાપ જોયાં કરશે એવું રેશમા એ મનોમન નક્કી કર્યું હતું.

રેશમા પર રુહાની તાકાતો નો કબજો હતો એ વાત સાંભળી ફાતિમા નાં ચહેરાનો રંગ જાણે ઉડી જાય છે..ફાતિમા ચિંતાતુર અવાજે હસન ને કહે છે. “તમે કોઈપણ રીતે મારી દીકરીને બચાવી લો..હું તમારો આ ઉપકાર આજીવન નહીં ભૂલું..” “ઉપકાર તો ઉપરવાળો કરે..આપણે તો એનું કામ કરવા આવ્યાં છીએ..હું ચોક્કસ આપની મદદ કરીશ પણ એ માટે મારે રેશમા ને મળવું પડશે..”હસન ખુબજ નમ્રતા થી બોલ્યો. “કેમ નહીં.. તમે રેશમા જે જ્યારે ઈચ્છો ત્યારે એકાંત માં મળી શકો છો..”ફાતિમા એ કહ્યું..પોતાની દીકરી માટે ની ચિંતા અને ફિકર ફાતિમા નાં અવાજમાં સ્પષ્ટ જણાઈ રહી હતી. “સારું તો હું કાલે સવારે વહેલાં ફાતિમા ને મળીશ..”હસને કહ્યું.

એટલામાં હસન ને કંઈક મહેસુસ થયું..જાણે ફોન માં ધ્રુજારી થતી હોય એમ હસન નાં ખિસ્સામાં રાખેલ એક વસ્તુ માં ધ્રુજારી ઉત્તપન્ન થઈ જેનાં લીધે હસન નાં ચહેરા પર ડર ની અને ચિંતા ની તંગ રેખાઓ ઉભરાઈ આવી..એ વસ્તુ જે કંઈપણ હતી પણ એમાં અત્યારે થઈ રહેલી ધ્રુજારી નૂર,નતાશા અને ફાતિમા ત્રણેય દૂરથી જ મહેસુસ કરી રહ્યાં હતાં..સાથે-સાથે એ ધ્રુજારી હસન નાં હાવભાવ માં પરિવર્તન લાવી હતી એ પણ એમનાંથી છૂપું ના રહ્યું.

હસને એ નૂર,નતાશા અને ફાતિમા બેગમ પર એક પછી એક નજર ફેંકી અને પોતાનાં કુર્તા ની અંદર હાથ નાંખી એ ધ્રૂજતી વસ્તુ ને બહાર કાઢી અને ત્રિપાઈ ની મધ્યમાં રાખી દીધી.હસન દ્વારા ત્રિપાઈ પર રાખવામાં આવેલી એ વસ્તુ તરફ નૂર,નતાશા અને ફાતિમા એકીટશે જોઈ રહ્યાં કે આખરે એ વસ્તુ હતી શું..?? ત્રિપાઈ પર મૂકેલ વસ્તુને જોતાં ની સાથે નૂરનાં મોંઢેથી આશ્ચર્ય સાથે સરી પડ્યું.. “એક પથ્થર..?”

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ