આક્રંદ : એક અભિશાપ ભાગ 2 – અને તેમણે દૂરથી એ બે આંખો જોઈ રહી હતી કે અચાનક…

જે મિત્રોને પહેલો ભાગ વાંચવાનો બાકી છે તે ભાગ 1 પર ક્લિક કરે.

ભાગ 2

નૂર પોતાની અમ્મી ને પોતે ઇજિપ્ત પિરામિડ પર પોતાનો પ્રોજેકટ તૈયાર કરવા જવા માટેનું જણાવી એમની મંજૂરી મેળવવામાં સફળ થાય છે.આદિલ નૂર ની ઈન્ડિયા જવા માટે ની ફ્લાઈટ ટીકીટ બુક કરે છે.જે મુજબ એમની મુલાકાત નાં બે દિવસ પછી લેટ નાઈટ ની ફ્લાઈટમાં નૂર ઇન્ડીયા જવાની હોય છે.

આદિલ નૂર ને એરપોર્ટ સુધી ડ્રોપ કરવા જાય છે..અને એને જતાં જતાં પોતાનું ધ્યાન રાખવાનું કહી વિદાય આપે છે.. નૂર પણ સામે આદિલ ને પોતે કામ પતાવી તુરંત પાછી આવવાનું વચન આપે છે.જેવી ફ્લાઈટ ઉપર જાય છે એવો જ આદિલ ઉપર આકાશ તરફ હાથ ફેલાવી ખુદાને અરજ કરીને કહે છે.

image source

“યા અલ્લાહ,હવે નૂર ની હિફાઝત તમારાં હાથમાં છે..મને ખબર છે એને તારાં પર યકીન ઓછો છે પણ સમય એને તારી પર યકીન કરવા મજબુર કરી દેશે.બસ તું એની હંમેશા મદદ કરજે..” નૂર ની ફલાઈટ સવારે વહેલાં ઈન્ડિયા લેન્ડ થઈ જાય છે..નૂર પોતાનું ટ્રાવેલિંગ બેગ લઈને એરપોર્ટ લોબીમાં આવીને ઉભી રહે છે જ્યાં એ જોવે છે એક વ્યક્તિ હાથમાં પોતાનાં નામનું બોર્ડ લઈને ઉભો હોય છે..આ વ્યક્તિ જરૂર આદિલે કહ્યું હતું એ સુલેમાન હશે જે પોતાનાં માટે કાર લઈને આવ્યો હશે એમ વિચારી નૂર એની તરફ આગળ વધે છે.

“સુલેમાન..?”એ વ્યક્તિ ની સમીપ જઈને નૂરે પૂછ્યું. “હા જી સુલેમાન..અને આપ નૂર મેડમ..”સુલેમાને કહ્યું. “હા મારું નામ જ નૂર છે..”નૂરે કહ્યું. “મેડમ તો આ રહી ઈનોવા ની ચાવી અને ત્યાં રહી આપની સવારી..”ઈનોવા ની ચાવી નૂર ને આપતાં સુલેમાને કહ્યું. “શુક્રિયા..”સુલેમાનનાં હાથમાંથી ચાવી લઈને નૂર બોલી.

ત્યારબાદ સુલેમાન નૂર ને ગાડી સુધી દોરી ગયો અને પછી નૂર ની રજા લઈને ત્યાંથી નીકળી ગયો..એનાં જતાં જ નૂરે ઈનોવા નો દરવાજો ખોલ્યો અને અંદર જઈને ડ્રાયવર સીટ માં સ્થાન ગ્રહણ કર્યું.એ પછી નૂરે પોતે સહી સલામત ઈન્ડિયા પહોંચી ગઈ અને એને કાર પણ મળી ગઈ છે એવો મેસેજ આદિલ ને કરી દીધો.

image source

આદિલ ને મેસેજ કર્યાં પછી પોતાની અમ્મી ને પોતે ઇજિપ્ત પહોંચી ગઈ છે એવું કોલ કરીને જણાવી દે છે.ત્યારબાદ નૂરે ગૂગલ મેપ ખોલીને અહમદ નગર સર્ચ કર્યું અને પોતાની ઈનોવા કારને અહમદ નગર જતી સડક પર દોડાવી મુકી. અહમદ નગર નૂર જે એરપોર્ટ પર ઉતરી એનાંથી કલાક જેટલું દૂર હતું એટલે નૂર શાંતિ થી ડ્રાઈવ કરી રહી હતી..આ સફર એની જીંદગી જોવાની દ્રષ્ટિ બદલી નાંખવાનો હતો એ વાત થી અજાણ નૂર અત્યારે અહમદ નગર ની હદમાં પ્રવેશી ચુકી હતી..!!

****************

“ઓઝા હસન ઓમર નું ઘર ક્યાં છે..?”અહમદ નગર ની મધ્યમાં જઈને એક ઓટલા પર બેસેલાં વૃદ્ધ વ્યક્તિને નૂરે પૂછ્યું. “હસન નાં ઘરે જવું છે..તો અહીંથી આગળ જતાં એક મસ્જિદ આવશે એનાંથી ડાબી તરફ એક રસ્તો પડે છે જે સીધો તમને એક લાલ રંગની ઈમારત જોડે લઈ જશે..બસ એ ઈમારત ને અડીને એક ભવ્ય મકાન હશે એ મકાન હસન ઓમર નું છે..પણ એક સલાહ આપું એનાંથી થોડું સાચવીને એ માણસ સારો નથી..”એ વૃદ્ધ વ્યક્તિ એ નૂર ની વાત નો જવાબ આપતાં કહ્યું.

“શુક્રિયા”આટલું કહી નૂરે કારનો કાચ બંધ કર્યો અને એ વૃદ્ધે કહ્યું એ દિશામાં કારને પાછી હંકારી મુકી. આ તરફ નૂર નાં જતાં જ એ વૃદ્ધ વ્યક્તિ પોતાની જ્ગ્યાએથી ઉભો થયો અને એક દુષ્ટ હાસ્ય કરી હવામાં જ વિલીન થઈ ગયો જાણે કે એ ફક્ત નૂર ની રાહ જોઈને જ ત્યાં બેઠો હતો. નૂરે હસન ઓમર નાં ઘર ની બહાર આવીને પોતાની કાર પાર્ક કરી અને ઘર નો ગેટ ખોલી અંદર પ્રવેશ કર્યો. “હેલ્લો.. મિસ નૂર..”નૂર નાં અંદર પ્રવેશતાં ની સાથે એની સમવયસ્ક યુવતી એ એને ઉદ્દેશીને કહ્યું.

“હા મારું નામ નૂર છે..પણ તમે કોણ..?અને તમે મને કઈ રીતે ઓળખો..?”નૂર ને એ યુવતી દ્વારા પોતાને નામથી બોલાવતાં આશ્ચર્ય ઉપજ્યું હતું. “મારું નામ નતાશા છે..હું હસન ઓમર ની સ્ટુડન્ટ છું..મારું મૂળ વતન મોરક્કો છે પણ છેલ્લાં બે વર્ષ થી હું હસન સર ને આસીસ્ટ કરી રહી હું.હસન સર એક જરૂરી કામે બહાર ગયાં છે એ સાંજ પહેલાં આવી જશે.જતી વખતે એમને મને કહ્યું હતું કે નૂર કરી ને એક યુવતી આવશે તો તું એમની સારી રીતે સરભરા કરજે..”નૂર નાં બધાં સવાલો નાં જવાબ આપતાં નતાશા એ કહ્યું.

મોરક્કો ની એક યુવતી હસન ને આસીસ્ટ કરી રહી હતી અને પેલાં વૃદ્ધ વ્યક્તિ એ હસન વિશે જે કંઈપણ કહ્યું હતું એ વિચારી નૂર ને આ હસન નું કેરેકટર થોડું રહસ્યમયી લાગી રહ્યું હતું.નૂર હજુ વિચારમગ્ન હતી ત્યાં નતાશા એ કહ્યું. “નૂર તું ફ્રેશ થઈ જા..લાંબી મુસાફરી બાદ થાક લાગ્યો હશે..એટલે તું શાવર લઈને રેડી થા.ત્યાં સુધી હું કંઈક જમવાની વ્યવસ્થા કરું..”નૂર ને પોતાનાં રૂમ માં આવેલા બાથરૂમ નો રસ્તો બતાવી નતાશા બોલી. “Ok..”આટલું કહી નૂરે પોતાની ટ્રાવેલિંગ બેગ ઉપાડી અને નતાશા નાં બેડરૂમમાં પ્રવેશી.

image source

નૂર ખરેખર થોડો થાક અનુભવી રહી હતી..ગરમ પાણી થી શાવર લીધાં બાદ એનો ઘણો ખરો થાક ઉતરી ગયો હતો.નૂરે પોતાનાં કપડાં પહેર્યા અને મુખ્ય હોલમાં પાછી આવી.નૂરે જોયું તો નતાશા કિચન માં કંઈક જમવાનું બનાવી રહી હતી એટલે એ પણ નતાશા ની મદદ કરવા કિચન તરફ આગળ વધી રહી હતી ત્યાં હોલ ની દીવાલો પર લાગેલાં પોસ્ટર જોઈ એનાં પગ અટકી ગયાં.

નૂરે નજીક જઈને એક પછી એક બધાં પોસ્ટર તરફ નજર કરી તો એને લાગ્યું કે આ ખાસ પ્રકારની આયાત છે જે ઉર્દુ માં લખાયેલી હતી એ સિવાય અમુક પોસ્ટર પર અરેબિક અને હિબ્રુ માં કંઈક રહસ્યમયી લખેલું હતું.નૂર એ બધું નિહાળીને જોતી જ હતી ત્યાં નતાશા એ નૂર ને જમવા માટે અવાજ લગાવ્યો.ત્યારબાદ નૂર અને નતાશા એ સાથે ભોજન લીધું.

બપોર નાં સમયે થોડી અહીંતહીં ની વાતો કર્યા બાદ નતાશા ટેલિવિઝન પર હિન્દી મુવી જોઈ રહી હતી..મોરક્કો ની વતની હોવા છતાં પણ નતાશા એ બે વર્ષ ની અંદર અહીંની દરેક વસ્તુ ને સહજતાથી અપનાવી લીધી હતી એ ખરેખર અદ્ભૂત હતું એવું નૂર ને લાગ્યું.નૂર ને ટેલિવિઝન જોવામાં કોઈ રસ નહોતો એટલે એ નતાશા ની રજા લઈ એનાં બેડરૂમમાં જઈને સુઈ ગઈ.થાક નાં લીધે નૂર ને થોડીવારમાં તો ઊંઘ આવી ગઈ.

***************

બે કલાક પછી નૂર ની આંખ હજુ થોડી ખુલી જ હતી ત્યાં નતાશા કોઈ પુરુષ સાથે વાત કરી રહી હોવાનો અવાજ આવતાં જ નૂર બેડ પરથી ઉતરી હોલ ની તરફ અગ્રેસર થઈ. નૂર ની સાથે જે પુરુષ વાત કરી રહ્યો હતો એનો ચહેરો જોતાં જ નૂર ચમકી ઉઠી કેમકે એ વ્યક્તિ એજ હતો જેનો વીડિયો સેમિનાર માં પ્રોફેસર કેવિન ફોરમેને બતાવ્યો હતો. નૂર નાં પગરવ નાં અવાજ થી હસન અને નતાશા નું ધ્યાન એ તરફ ગયું અને એમને પોતાની વાતચીત અટકાવી દીધી..હસને નૂર ને પગ થી માથા સુધી જોઈ અને કહ્યું.

“માશાઅલ્લાહ..આદિલ ભાઈજાન ની પસંદ ખરેખર જન્નત ની હૂર થી કમ નથી..” “હસન ઓમર..તારીફ કરવા બદલ તમારો આભાર..પણ સાથે અન્ય વાત જણાવી દઉં કે તમે મને ભલે પ્રથમ વખત જોઈ હોય પણ મેં તમને જોયેલાં છે..એ પણ એક સ્ત્રી પર ઝાડ ફૂંક વિધિ કરતી વિધિ વખતે.”હસન ની તરફ જોઈને નૂર બોલી. “ક્યારે..અને ક્યાં..?”નૂર ની વાત સાંભળી હસન ને નવાઈ ઉપજી હતી. હસન નાં જવાબમાં નૂરે પોતે સેમિનાર હોલમાં જોયેલાં વીડિયો વિશે ની સઘળી વાત કરી..નૂર ની વાત સાંભળી હસન બોલ્યો. “હા,એ exorcism વિધિ મેં જ કરી હતી અને એ ઘટના આજ થી છ મહિના પહેલાં ની છે જે રાજસ્થાન બિકાનેર માં બની હતી..”

“અને ત્યારે હું પણ હસન સર જોડે હાજર હતી..એ વીડિયો મેં જ બનાવ્યો હતો.ખરેખર એ મહિલાની અંદર જે જીન હતો એ બહુ જિદ્દી હતો પણ હસન સરે પોતાની શક્તિ અને અનુભવ વડે એ જીન ને પીડિત મહિલાનું શરીર છોડવા મજબુર કરી દીધો.”નતાશા એ કહ્યું. “જો તમને ખોટું ના લાગે તો હું તમને એ exorcism વિશે થોડાં સવાલ કરી શકું..?”નૂરે હસન ની તરફ જોઈને પૂછ્યું. “હા કેમ નહીં.ચાલો ત્યાં સોફા પર બેસીને વાત કરીએ..નતાશા તું ચા બનાવીને લેતી આવ..”હસન ઓમર બોલ્યો. ત્યારબાદ હસન ઓમર અને નૂર જઈને સોફા પર બેઠાં એટલે હસને નૂર ને ઉદ્દેશીને કહ્યું.

image source

“મોહતરમા ફરમાવો..તમારે શું પૂછવું હતું..?” “મારો પહેલો સવાલ એ છે કે એ મહિલા ને હકીકતમાં શું થયું હતું..?”નૂરે કહ્યું. “નતાશા એ કહ્યું તો ખરું કે એ ઔરત જીન નાં કબજામાં હતી..કોઈએ એની પર બ્લેક મેજીક કરેલું હતું..તો મેં એનામાંથી જીન ને નીકાળી એ મહિલા ને પહેલાંની જેમ ઠીક કરી દીધી..”નૂર નાં સવાલ નો જવાબ આપતાં હસન બોલ્યો. “તો પછી એ મહિલા પર કાળું કપડું નાંખવાની શું જરૂર હતી..?”નૂરે બીજો સવાલ કર્યો.

“કેમકે જીન ફક્ત અંધારામાં જ કોઈકનું શરીર છોડી શકવા સક્ષમ હોય માટે મારે એ મહિલાને પૂર્ણ અંધકારમાં લાવવી પડી..હજુ બીજો કોઈ સવાલ હોય તો પૂછી શકો છો મિસ નૂર..”નૂર નાં આમ એકપછી એક પુછાતાં સવાલો હસન ને નહોતાં ગમ્યા એવું એની વાત પરથી લાગતું હતું. “આ ઘર ની દીવાલો પર ઠેર ઠેર ઉર્દુ માં કંઈક ચિત્ર વિચિત્ર પોસ્ટરો લાગેલાં છે એનું કારણ જાણી શકું..?”નૂર નાં સવાલો પૂર્ણ થવાનું નામ જ નહોતાં લઈ રહ્યાં.

“આ પોસ્ટર માં કુરાન ની આયાતો છે જે ઉર્દુ ની સાથે એરેબિક ની સાથે હિબ્રુમાં પણ છે..જીન કે અન્ય શૈતાની entity એવાં માધ્યમમાં રહે છે જે એમની ઈચ્છા વગર આપણે લગભગ જોઈ ના પણ શકીએ..હું રહ્યો એમનો દુશ્મન એટલે મારી હિફાઝત કરવા મેં આ આયાતો ને ઘર નાં દરેક ખૂણામાં લગાવી દીધી છે..હવે બીજું કંઈ બાકી રહી ગયું હોય તો એ પણ તમે પૂછી શકો છો..”હસન મૃદુતાથી બોલ્યો.

“તમે આ બધી જીન અને શૈતાન ની વાતો કરો છો એની પણ કોઈ જાહિલ ગમાર વિશ્વાસ કરી શકે..હું એક સાયકોલોજી ની સ્ટુડન્ટ હોવાની ખાતર તમારી આ વાત માનવા તૈયાર નથી..”નૂર પોતાનો મત રજુ કરતાં બોલી. “નૂર હકીકતમાં એ બધી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે જેની ઉપર તમારું સાયન્સ માનવાનો ઇન્કાર કરી ચૂક્યું હોય..”ચા નાં કપ સાથે ટ્રે લઈને ત્યાં આવી પહોંચેલી નતાશા એ કહ્યું. “નૂર..તું ખુદા માં તો માને છે ને કે પછી શૈતાન ની જેમ તું પણ એનાં અસ્તિત્વ નો સ્વીકાર નથી કરતી..?”હસને નૂરને વેધક સવાલ કરતાં કહ્યું.

image source

“હું સાચું કહું તો મને ખુદા માં શ્રદ્ધા છે પણ તમારાં લોકોની માફક અંધશ્રદ્ધા નહીં..હું રોજ મસ્જિદમાં નથી જતી કે નથી રોજ નમાઝ પણ પઢતી.પણ મનમાં ખુદા ને રાખું છું.મારુ મન ખુદા ની પાક મસ્જિદ સમું છે.”નૂર ની જોડે પણ પોતાનો જવાબ તૈયાર હતો. “નૂર તે કુરાન વાંચ્યું હોય તો એમાં પણ મનુષ્ય ની ઉત્તપત્તિ જેમાંથી થઈ એ આદમ અને હવા ની કહાની માં પણ શૈતાન નો ઉલ્લેખ છે..”આટલું કહી હસને કુરાન-એ-શરીફ માં લખેલી આદમ અને હવા(ઈવ) ની કથા કહેવાનું શરૂ કર્યું.

“મનુષ્ય ની જ્યારે ઉત્તપત્તિ નહોતી થઈ ત્યારે ઈશ્વરે પોતાનાં પ્રતિબિંબ મુજબ આદમ અને આદમ ની જરૂરિયાત મુજબ હવા નું સર્જન કર્યું..એ બંને ખુદા નાં બગીચા ઈડન માં જ રહેતાં.જ્યાં ઈશ્વરે એમને ત્યાંની દરેક વસ્તુ વાપરવાની છૂટ આપી હતી.આદમ અને હવા નિઃવસ્ત્ર જ એકબીજા ની સાથે રાજીખુશીથી રહેતાં પણ એમની અંદર કોઈ વિકાર કે વાસના નો ભાવ નહોતો.ખુદા એ એમને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે આ બાગ માં રહેલ વૃક્ષ પરથી સફરજન તોડીને ખાવાનું નથી.”

“આદમ અને હવા કોઈ ફરિશ્તા ની માફક ઈડન માં જીવી રહ્યાં હતાં ત્યાં એક શૈતાન સર્પ નું રૂપ ધારણ કરીને આવ્યો અને હવા ને સફરજન તોડીને ખાવા માટે ભ્રમિત કરી..હવા ની વાત માની આદમે વૃક્ષ પરથી સફરજન તોડ્યું અને ખાઈ લીધું..આ સફરજન ખાધા પછી આદમ અને હવા એકબીજા સામે નગ્ન અવસ્થામાં ના આવી શક્યાં કેમકે એમની અંદર હવે શૈતાની વસ્તુઓ ઘર કરી ગઈ હતી.એ બંને એ પોતાની જાત ને અંજીરના પત્તાં થી ઢાંકી લીધી”

“આ વાત ની જ્યારે ખુદા ને જાણ થઈ ત્યારે પોતાની આજ્ઞા નું ઉલ્લંઘન કરવાની સજારૂપે ખુદા એ આદમ અને હવા ને ઈડન છોડીને પૃથ્વી લોક પર આવવાનો આદેશ આપી દીધો..આપણે બધાં એમની જ સંતાન છીએ..આપણી અંદર પણ નાના મોટાં પ્રમાણમાં લાલચ, લોભ, માયા, મોહ, વાસના, નફરત રૂપે શૈતાન મોજુદ જ છે પણ આપણી અંદર રહેલી સારપ એને ઉપર આવતાં અટકાવતી હોય છે.” “આ સિવાય કુરાન માં એમ પણ કહ્યું છે કે ફરિશ્તા, મનુષ્ય,શૈતાન અને જીન એમ ચાર પ્રજાતી નાં લોકો આ સંસારમાં રહે છે..હવે કુરાન જો આ બધી વાતો નું સમર્થન કરતી હોય તો તારે ને મારે તો આ બધું માનવું જ રહ્યું.”

હસન ઓમર દ્વારા કહેવાયેલી વાત નૂર નાનપણમાં પણ સાંભળી ચુકી હતી..પણ હસન દ્વારા જે રીતે એ કહાની નું વર્ણન કરાયું હતું એ નૂર ને પસંદ આવ્યું હતું. “સારું તો માન્યું કે શૈતાન કે જીન હોય છે પણ હવે એ કહો કે હવે સોનગઢ ક્યારે નીકળવાનું છે..”શૈતાન નાં અસ્તિત્વ ની વાતચીત પર પૂર્ણવિરામ મુકવાના આશયથી નૂર બોલી. “હા આદિલ ભાઈ એ કહ્યું હતું કે ત્યાં તમારી મામા ની દીકરી રેશમા કંઈક ગંભીર સમસ્યા નો સામનો કરી રહી છે..”હસને જણાવ્યું.

image source

“હા એની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે..માટે આપણે જેમ બને એમ જલ્દી ત્યાં પહોંચવું પડશે..”નૂરે કહ્યું. “તો પછી આજે રાતે જ જમ્યા બાદ આપણે સોનગઢ માટે પ્રયાણ કરીશું..નતાશા પણ આપણી સાથે ત્યાં આવશે.. એની મદદ ની મારે મારી exorcism વિધિ વખતે જરૂર પડશે.”હસને કહ્યું. “મને નતાશા આવે એનાંથી કોઈ વાંધો નથી. ઉપરથી મારે કોઈકની કંપની રહેશે.બાકી મને નથી લાગતું કે રેશમા પર કોઈ ઝાડ ફૂંક વિધિ કરવી પડે.”નતાશા તરફ જોઈ સ્માઈલ સાથે નૂર બોલી. રાત નું જમવાનું પૂર્ણ કર્યાં બાદ હસન,નતાશા અને નૂર કાર માં બેસી નીકળી પડ્યાં સોનગઢ ની સફરે..જ્યાં કોઈ એમની રાહ જોઈને આતુરતાથી ઉભું હતું..!!

એમને ત્યાંથી નીકળતી વખતે બે ચમકતી અંગારા જેવી આંખો એકધારી તાકી રહી હતી. નૂર,હસન ઓમર અને નતાશા નીકળી પડે છે સોનગઢ ની તરફ જવા માટે..હસન અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યો હોય છે અને નતાશા અને નૂર ઈનોવા ની મિડલ સીટ પર બેઠાં હોય છે.અહમદનગરથી સોનગઢ નો રસ્તો 400 કિલોમીટર જેટલો હોવાથી ત્યાં પહોંચતા છ થી સાત કલાક લાગી જશે એ જાણતી હોવાથી નૂરે સમય પસાર કરવાનાં ઉદ્દેશથી હસન ઓઝાને ઉદ્દેશીને કહે છે.

“હસન તમે કહ્યું કે જીન હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે અને એ ખરાબ હોય છે પણ મારી કલ્પના માં જે જીન છે એતો બહુ સારો અને નેક દિલ છે..” “નૂર,મેં કહ્યું કે જીન અસ્તિત્વ ધરાવે છે પણ મેં એવું નથી કહ્યું કે બધાં જીન ખરાબ જ હોય છે..જીન સારાં પણ હોય અને ખરાબ પણ હોય.બીજી વાત કે તારાં વિચારો માં જે જીન છે એ ક્યાંક અલાદીન નો જીન તો નથી ને..?”હસને ગાડી ચલાવતાં ચલાવતાં જ નૂર ની વાત નો પ્રત્યુત્તર આપતાં કહ્યું.

“હા હું એજ જીની ની વાત કરી રહી છું જે નેક દિલ ની સાથે યારો નો યાર પણ હતો..”નૂર બોલી. “નૂર તારે જીન વિશે ની વાતો જાણવી હોય તો હું તને દરેક એવી વસ્તુ જણાવીશ જે શાયદ તે સાંભળી નહીં હોય.”આટલું કહી હસને જીન ની ઉત્તપત્તિ થી માંડી ને વિવિધ પ્રકારનાં જીન અને એમની સાથે જોડાયેલી વાતો કહેવાનું શરૂ કર્યું. “અલ્લાહે પ્રકાશમાંથી ફરિશ્તા નું સર્જન કર્યું અને આગ માંથી જીન નું સર્જન કર્યું હોવાનું કુરાન માં કહેવાયું છે..મનુષ્ય ની જેમ અલગ અલગ ખાસિયત અને ગુણધર્મો છે એમ જીન ને પણ વિવિધ શ્રેણીમાં વહેંચવામાં આવ્યાં છે.”

image source

“તું જે અલાદીન નાં જીન ની વાત કરી રહી છે એ મરીદ પ્રકારનાં જીન ની શ્રેણી માં આવે..મરીદ બધાં જીન માં સૌથી વધુ શક્તિશાળી જીન હોવાનું કહેવાય છે એમને વશ કરવા માટે ઘણી સાધના કરવી પડે..આ જીન ખુલ્લા સમુદ્ર અને પાણી પર રહેતાં હોય છે.” “જીન નો બીજો પ્રકાર છે શયતાન..આ શબ્દ પરથી જ શૈતાન શબ્દ ઉતરી આવ્યો છે. શયતાન સીધી રીતે કોઈની પર હુમલો કરી હાની નથી પહોંચાડી શકતાં પણ આ પ્રકારનાં જીન તમારાં મગજ નાં વિચારો પર કાબુ કરે છે અને તમારી જોડે કંઈક ખોટું કે બીજાનું અહિત કરાવે છે.”

હસન ઓઝા ની વાતોમાં હવે નૂર ને પણ રસ પડી રહ્યો હતો અને એ પણ ધ્યાનથી હસન ની જીન વિશેની વાતો સાંભળી રહી હતી. “જીન માં સીલા પ્રકારની મહિલા જીન પણ અસ્તિત્વ ધરાવે છે જે દેખાવે બેહદ ખુબસુરત હોય છે અને સાથે બહુ ચતુર પણ..સીલા જીન મોટાભાગે મનુષ્ય જાતથી દુર જ રહેતી હોય છે.આ ઉપરાંત માણસ નું માંસ ખાતાં ધુલ અને મનુષ્ય રક્ત પીતાં વૈતાલ પ્રકારનાં જીન પણ હોય છે.”

“આ બધામાં સૌથી વધુ રહસ્યમયી જીન છે ઇફરીત જેનો ઉલ્લેખ કુરાન માં પણ મોજુદ છે.ઇફરીત જીનમાં પણ મનુષ્ય ની માફક સ્ત્રી પુરુષ પરિવાર બનાવીને રહે છે.મોટાભાગે ઇફરીત જીન નું એક જ ધ્યેય હોય છે કે પોતાની વસ્તી કોઈપણ રીતે વધારવી એ માટે એ મનુષ્ય જોડે પણ સંબંધ બનાવતાં હોય છે..ઇફરીત ની ગર્ભાવસ્થા ફક્ત એક મહિના ની જ હોય છે.આ જીન નાં શરીર માં ઝેર બને છે જેને દર મહિને કોઈની અંદર દાખલ કરવું પડતું હોય છે નહીંતો ઇફરીત પોતે મૃત્યુ પામી શકે છે.ઇફરીત નાં હાથ પગ નાં નખ પણ રોજ કાપવા પડે એ હદે વધતાં હોય છે.”

“જીન કોઈપણ પ્રાણી કે પક્ષી નું રૂપ ધારણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.એમાંપણ જીન સાપ નું રૂપ ધરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હોવાનું કહેવાય છે.જીન ને જો સાધી શકો તો એ તમને માલામાલ કરી શકે છે અને જો એની સાથે વિશ્વાસઘાત કરો તો તમારી પેઢીઓ સુધી એ તમારો પીછો નથી મુકતાં.જાણકારો નાં કહેવા મુજબ જેમ 786 ખુદા ની હાજરી નું પ્રતીક છે એમ જ 666 નંબર જીનની તમારી આસપાસ હોવાની નિશાની છે”જીન વિશેની અચરજ ભરી વાતો હસન ઓમરે જણાવી.

હસન ઓમર દ્વારા કહેવાયેલી વાતો સાંભળ્યા પછી નૂર ને પણ હસન ની પોતાનાં ક્ષેત્ર ની નાનામાં નાની માહિતી જાણતો હોવાની વાત પર માન ઉપજી રહ્યું હતું. “આટલું બધું રહસ્યમય ધરાવતું પ્રાણી છે જીન એતો મને આજે જ ખબર પડી.બાકી મારાં માટે તો જીન એટલે અલાદીન ની જોડે રહેતો જીની જ હતો.”નૂર બોલી. હસન દ્વારા જીન વિશેની માહિતી અપાયાં બાદ નૂર અને નતાશા એકબીજા સાથે વાર્તાલાપમાં લાગી ગઈ અને હસને પોતાનું સંપૂર્ણ ધ્યાન ડ્રાઈવિંગ પર કેન્દ્રિત કર્યું.

************

અહમદનગર થી સોનગઢ વચ્ચે નું અંતર લગભગ અડધાં થી વધુ કપાઈ ગયું હતું..રાત એની ચરમ પર હતી સાથે કાર ની અધખુલ્લી બારીમાંથી ઠંડો પવન આવી રહ્યો હતો એની અસર રૂપે નતાશા અને નૂર ની આંખો લાગી હતી.હસન અત્યારે રસ્તા પર નજર ગડાઈને સાચવીને કાર ચલાવી રહ્યો હતો.

image source

હસન ને પણ વચ્ચે વચ્ચે એક-બે બગાસાં આવી ગયાં હતાં..છતાંપણ એનું સંપૂર્ણ ધ્યાન ગાડી ચલાવવામાં જ હતો.અચાનક કાર ની બોનેટ જોડે કંઈક ધડાકાભેર અથડાયું હોવાનું જણાતાં હસને કાર ની બ્રેક દબાવી દીધું. બ્રેક દબાવવાથી કાર નાં સ્ટેયરિંગ પર નો કાબુ થોડો સમય માટે હસને ગુમાવી દીધો પણ જેમ તેમ કરી એને કાર ને રસ્તા પર થી નીચે ઉતરવા ના દીધી.બોનેટ જોડે કંઈક અથડાવવાનો અવાજ અને કારમાં થયેલી હિલચાલ ને લીધે નૂર અને નતાશા પણ ઝબકીને જાગી ગયાં.

આંખ ખોલતાં ની સાથે એ બંને એ પહેલાં હસન ની તરફ અને પછી રસ્તા તરફ નજર કરી. “શું થયું હસન..?કેમ કાર ની શોર્ટ બ્રેક મારવાની નોબત આવી.?”નૂરે હસન ની તરફ જોઈને પૂછ્યું. “અરે મને એવું લાગ્યું કે કાર ની જોડે કંઈક અથડાયું એટલે મેં અનાયાસે જ બ્રેક પર પગ રાખી દીધો અને એમાં જ થોડો સ્ટેયરિંગ પર નો કાબુ ગુમાવી દીધો હતો.”ચોખવટ કરતાં હસન બોલ્યો. “આપણે નીચે ઉતરીને જોવું જોઈએ કે એ વસ્તુ શું હતી જે બોનેટ સાથે અથડાઈ..?”નૂરે કહ્યું.

નૂર ની વાત ને હસને સહમતિ આપી એટલે નૂર,હસન અને નતાશા એકપછી એક કારમાંથી નીચે ઉતર્યા અને કાર ની આગળની બાજુ એ આવ્યાં અને બોનેટ તરફ ધ્યાનથી જોવા લાગ્યાં.. બોનેટ પર કંઈક અથડાવાનું નિશાન તો જરૂર હતું પણ ત્યાં કોઈ એવી વસ્તુ ના મળી જેથી ખબર પડે કે હકીકતમાં બોનેટ સાથે શું અથડાયું હતું.

એ લોકો આ વિશે હજુ ચર્ચા જ કરી રહ્યાં હતાં ત્યાં નતાશા ની નજર એક અંગારા જેવી સળગતી રોશની પર પડી..શાયદ કોઈ એમને દૂર ઝાડીઓમાંથી જોઈ રહ્યું હતું એવો ભાસ નતાશા ને થયો..નતાશા એ હસન ની તરફ જોઈ ઈશારામાં જ એ તરફ જોવા માટે કહ્યું.હસને એ તરફ જોયું એટલે એનાં ચહેરા પર નાં હાવભાવ બદલાઈ ગયાં.

“જલ્દી થી તમે બંને ગાડીમાં બેસો..આ જગ્યા વધુ સમય રોકાવા ઉચિત નથી..”નૂર અને નતાશા ની નજીક જઈને હસન દબાયેલી અવાજમાં બોલ્યો. નતાશા હસને એવું કેમ કહ્યું એનું કારણ થોડું થોડું જાણી ગઈ હતી પણ હસન નાં એવું કહેવા પાછળ નો આશય નૂર ને સમજાયો નહીં એટલે એને હસન ને પૂછ્યું. “પણ કેમ એવું તે શું થયું.. કેમ આ જગ્યા રોકાવા માટે ઉચિત નથી..?”

“મહેરબાની કરીને તું કાર માં બેસ..હું તારાં બધાં સવાલો નાં જવાબ કારમાં બેઠાં પછી આપું..”હસન ની વાતો માં ઉતાવળ હતી અને સાથે કંઈક અજબની બેચેની હતી એટલે વધારે પડતી જીભાજોડી કરવાને બદલે નૂર અને નતાશા કારમાં બેસી ગયાં. એ બંને નાં કારમાં બેસતાંની સાથે હસને મનોમન કંઈક રટણ કર્યું અને એ પણ આવીને ડ્રાઈવર સીટ માં બેસી ગયો..કાર માં બેસતાં ની સાથે એને કાર નું એક્સીલેટર દબાવ્યું અને ઝડપથી કારને ત્યાંથી ભગાવી મૂકી.હસન નું આ વર્તન નૂર ને થોડું વિચિત્ર લાગી રહ્યું હતું.!!

***********

લગભગ પંદર મિનિટ સુધી તો એ ત્રણેયમાં કોઈ કંઈપણ ના બોલ્યું..પણ હસન ને ખબર હતી કે નૂર નાં મગજમાં ચાલી રહેલાં સવાલોના જવાબ મેળવવા એ ગમે ત્યારે સવાલો પૂછશે જરૂર..અને બન્યું પણ એવું જ નૂરે હસન ને ઉદ્દેશીને થોડાં ઉંચા અવાજે પૂછ્યું. “તો હસન હું જાણી શકું ત્યાંથી આમ ઉતાવળમાં નીકળી જવાનું કારણ..?” “કારણ એટલું જ કે આપણે જ્યાં ઉભાં હતાં એ જીન ની વસાહત હતી..અને ગાડી જોડે જે કંઈપણ અદ્રશ્ય વસ્તુ અથડાઈ એ બીજું કંઈ નહીં પણ એક જીન હતો જે શાયદ ત્યારે કોઈ પશુ નાં રૂપમાં હશે..”નૂર નાં પૂછાયેલા સવાલનો જવાબ આપતાં હસન ઓમરે કહ્યું.

image source

“હસન મેં પહેલાં પણ કીધું કે હું સાયકોલોજી ની સ્ટુડન્ટ છું અને આવી ભુત-પ્રેત,જીન-પિશાચ ની વાતો પર વિશ્વાસ નથી રાખતી..તે જે કંઈપણ મને જીન કે શૈતાન વિશે કહ્યું એ વાર્તા સમજી સાંભળવામાં સારું લાગે બાકી હકીકત ગણી એનો સ્વીકાર કરવો એ શક્ય નથી મારાં માટે..”નૂર એ હસન ની વાત નો મજાક ઉડાડતાં કહ્યું.

“નૂર એ બધી વાતો સાંભળી લીધી તો એકબીજી વાત પણ સાંભળી લે..એકવાર મોહમ્મદ રશુલ્લાહ પોતાની પત્ની સાથે ક્યાંક સફર કરી રહ્યાં હતાં ત્યારે પેશાબ કરવા માટે એ પોતાની પત્ની થી દુર ઝાડીઓમાં ગયાં.. થોડીવાર થઈ ત્યાં ઝાડીઓમાંથી ચિત્ર વિચિત્ર અવાજો આવવા લાગ્યાં એટલે એમની પત્ની ડરી ગયાં.. એમને થયું કોઈએ રશુલ્લાહ પર હુમલો કરી દીધો..અને એમાં રશુલ્લાહ ને કંઈક થઈ ગયું.”

“પણ રશુલ્લાહ થોડીવારમાં ઝાડીઓમાંથી સહી સલામત બહાર આવ્યાં..એમને નજીક આવતાં ની સાથે એમની પત્ની એ પૂછ્યું કે ત્યાં ઝાડીઓમાં શું થયું હતું કેમ ચિત્ર વિચિત્ર ભેદી અવાજો ત્યાંથી આવી રહ્યાં હતાં.હું તો એ અવાજો સાંભળી ડરી ગઈ હતી..મને એમ કે તમને કંઈક થઈ ગયું તો નહીં હોય ને?” “પત્ની ની વાત સાંભળી રશુલ્લાહે કહ્યું જ્યાં સુધી મારો ખુદા મારી સાથે છે ત્યાં સુધી મને શું થવાનું..? એતો ત્યાં કાફિર જીન અને મોમીન જીન લડતાં લડતાં આવ્યાં અને મને અરજ કરી એમની વાત નું સમાધાન કરવાનું કહેતાં હતાં.”

“તો એમનાં પત્ની એ પૂછ્યું એમની એવી તે કઈ વાત હતી જેનું સમાધાન એ તમારી જોડે કરાવવા આવ્યાં હતાં..હું એ વાત જાણી શકું?” “જવાબમાં રશુલ્લાહે કહ્યું..કે એ જીન પોતપોતાનાં રહેવાની જગ્યા નક્કી કરવા માટેનું મને કહેતાં હતાં.ખુદા એ એમને બનાવ્યાં પણ એમની રહેવાની જગ્યા તો નક્કી કરી જ નથી..તો એમની વાત નું સમાધાન કરવા મેં સારાં જીન હતાં મોમીન એમને પર્વતો ની ટોચ પર રહેવાનું કહ્યું જ્યારે તોફાની અને ખરાબ વૃત્તિ ધરાવતાં કાફિર જીન ને જંગલ,ગીચ ઝાડીઓ પર્વત ની તળેટી અને વિરાન ટાપુ પર રહેવા માટે કહ્યું તો એ લોકો મારી વાત સહજતાથી માની ને ત્યાંથી હસતાં હસતાં જતાં રહ્યાં..”

image source

આટલું કહી હસન ચૂપ થઈ ગયો..પોતાનાં સવાલ નો આતો કોઈ જવાબ ના થયો એ વાત થી અકળાઈને નૂર થોડું ગુસ્સામાં બોલી. “હસન ઓમર,આ તમે કહેલી વાત નો મારાં સવાલ સાથે કોઈ સંબંધ મને નથી લાગતો..” “નૂર આપણે જ્યાં ઉભાં હતાં એ રસ્તો બે પર્વતો વચ્ચે હતો અને એની આજુબાજુ ગીચ ઝાડીઓ પણ હતી..મતલબ આ કાફિર જીનો ને રહેવા માટે ની ઉત્તમ જગ્યા છે..”હસન બોલ્યો.

“હા નૂર..મેં ત્યાં બે ચમકતી અંગારા જેવી આંખો જોઈ હતી..જે એકધારું આપણી સામે જોઈ રહી હતી એટલે મેં જ ઈશારામાં હસન સર ને એ દ્રશ્ય જોવા કહ્યું અને એટલે જ એમને ત્યાં વધુ સમય રોકાવું ઉચિત ના સમજ્યું અને આપણને ઝડપથી ગાડીમાં બેસવા માટે કહ્યું..”નતાશા એ હસન ની વાત નું સમર્થન કરતાં કહ્યું.

“તને ખબર ના હોય તો જણાવી દઉં કે ત્યાં જો વધુ સમય રોકાયા હોત તો શાયદ જીન નો મોટો સમૂહ આપણી પર હુમલો કરીને જીવતાં જીવ આપણને કાચા ને કાચા ખાઈ જાત..મને ખબર છે તું મારી વાત ને માનવાની તો નથી પણ આ હકીકત તને કહેવી જરૂરી હતી..બાકી તારી મરજી તું મારી વાત ને સાચી માને છે કે ખોટી..”

*************

બોનેટ જોડે જીન ને અથડાવના સ્થળથી કાર હજુ ત્રીસેક કિલોમીટર જેટલું આગળ વધી હતી ત્યાં હસન નાં મોબાઈલમાં ગૂગલ મેપ કામ કરવાનું બંધ કરી દે છે એટલે હસને નતાશા ને સોનગઢ નો રુટ પોતાનાં મોબાઈલમાં ગૂગલ મેપ પર સર્ચ કરવાનું કહ્યું..નતાશા એ જેવો પોતાનો ફોન બહાર કાઢ્યો તો એની બેટરી ડિસ્ચાર્જ હોવાથી એનો ફોન ડેડ હતો.

ત્યારબાદ નૂરે પોતાનો ફોન ચેક કરી જોયો તો એનાં ફોનમાં અત્યારે નેટવર્ક જ નહોતું આવી રહ્યું..ત્રણેય નાં ફોન એકસાથે અલગ અલગ કારણથી અત્યારે આગળનો રસ્તો શોધવામાં અસમર્થ હતાં એ વાત ની હસન ને ખૂબ નવાઈ લાગી રહી હતી.એ સમજી ગયો હતો કે કોઈ એવું નથી ઇચ્છતું કે એ લોકો આગળ વધે.

હસને અંદાજે મનમાં વિચારેલાં રસ્તા મુજબ કારને દસેક કિલોમીટર જેટલી આગળ ચલાવે રાખી..હવે જો કોઈ જગ્યાએ બીજાં રસ્તા પડ્યાં તો પોતે સાચી દિશામાં આગળ નહીં વધી શકે એવું હસન ઓમર ને લાગતું હતું ત્યાં એને થોડેદુર પ્રકાશપુંજ દેખાયો..હસને મનોમન વિચાર્યું કે ચોક્કસ ત્યાં કોઈ દુકાન હશે જે અત્યારે પણ ખુલ્લી છે..તો ત્યાં જઈને ત્યાં બેસેલી કોઈ વ્યક્તિ ને સોનગઢ નો રસ્તો પૂછી લઉં.

પોતાનાં મન નાં વિચારો ને એક્શનમાં લાવીને હસને રોશની ની દિશામાં કાર ને હંકાવી મુકી.નતાશા અને નૂર પણ હસન એ તરફ કેમ ગયો એ સમજી ગયાં હતાં. હસને ત્યાં જઈને કાર થોભાવી અને એ નીચે ઉતર્યો..નૂર અને નતાશા પણ એની પાછળ પાછળ નીચે ઉતર્યા..એ જગ્યા એક લોજ હતી જે રસ્તે આવતાં મુસાફરો માટે રાતે પણ ચાલુ રહેતી હતી એવું એ ત્રણેયે અનુમાન લગાવ્યું. ત્યાં કોઈ વ્યક્તિ દેખાતું નહોતું જે વાત ની ઓમર,નૂર અને નતાશા ને નવાઈ લાગી રહી હતી..આચાનક લોજ ની અંદરના રૂમમાંથી આવેલાં અવાજે એ ત્રણેય નું ધ્યાન દોર્યું અને એ બધાં અવાજની દિશામાં આગળ વધ્યા..!!

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ