આજની નારી – એ સ્ત્રી રહેતી હતી પોતાની દિકરી સાથે એકલી અને તેના પાડોશીએ એકવાર…

*”નારી તું સબસે ભારી*

*તેરે આગે દુનિયા બેચારી*”

સ્વપ્નીલ એપાર્ટમેન્ટમાં આઠમાં માળે આવેલા પોતાના ઘરમાં આવતા અવિનાશે જોયું તો તેના ફલેટની સામેનો ફલેટ આજે ખુલ્લો હતો. બારીમાં ઝુલતા પડદાં અને બારણાં બહારની ડોરમેટ ફલેટમાં કોઇ રહેવા આવ્યું હોય તેની સાબિતી આપતા હતા.


કોણ હશે ? તે વિચારતા તે ઘરમાં ગયો. તેની પત્ની અમ્રિતાએ ખુશ થતાં કહ્યુ, “તમે જોયું ? સામે રહેવા આવી ગયા છે, હવે મને કંપની મળશે, કેટલા વખતથી આઠમા માળે ફકત આપણે એકલા જ રહેતા હતા, હવે મને એકલું નહી લાગે.”

અવિનાશ જાણતો હતો કે અમ્રિતા બહુ જ મિલનસાર છે. તે બઘાં સાથે ઝડપથી દોસ્તી કરી શકતી. કોણ રહેવા આવ્યુ છે..? શું કરે છે ? ઘરમાં કેટલા સભ્યો છે..? તે બઘી વાતની અમ્રિતાને એક જ દિવસમાં ખબર પડી ગઇ હશે, તેવું વિચારીને તેણે પુછયું,” કોણ આવ્યું છે ? તું મળી..?” “હા.. હા… હું મળી આવી. શિવાની અને તેની આઠ વર્ષની દીકરી પિન્કી, બે જ વ્યકિત છે. શિવાનીના પતિ મલ્ટીનેશનલ કંપનીમાં ઓફિસર છે. શિવાની પોતે બેંકમાં નોકરી કરે છે. પોશ એરિયામાં તેનો બંગલો છે. હમણાં તેના પતિને કંપનીએ ત્રણ વર્ષ માટે લંડન મોકલ્યા છે. એટલે મા દીકરી બંગલામાં એકલા રહેવાને બદલે આપણી સોસાયટીમાં રહેવા આવ્યા છે. આમ તો શિવાની બહુ હિંમતવાળી છે, પણ દીકરી નાની છે એટલે એકલું રહેવા કરતાં કોઇ સાથે હોય તો વધુ સારું એમ વિચારીને અહીં રહેવા આવ્યા છે. આજે મેં બન્નેને જમવા બોલાવી લીઘાં છે.”


અમ્રિતાની જીભ સુપરફાસ્ટ ટ્રેનની જેમ ચાલતી જ રહી. આમ પણ તેની જીભમાં બ્રેક હતી જ નહી, અમ્રિતા બોલતી રહી પણ અવિનાશ વિચારતો રહ્યો, યુવાન, ખુબસુરત, એકલી સ્ત્રી… તેના મનમાં કંઇક થવા લાગ્યું. આમ પણ તે થોડો રંગીન મીજાજનો હતી. સ્ત્રીને જોઇને લલચાઇ જતો, ભલે કંઇ ન મળે પણ તેની નજીક જવાની કોશિશ કરતો. કંઇક ને કંઇક મદદ કરવાના બહાના શોઘતો, તેણે વિચાર્યુ… એકલી નોકરી કરતી સ્ત્રી.. સાથે નાની દીકરી.. કયારેક તો મદદની જરૂર પડશે ને ..??


રાત્રે જમવાના સમયે શિવાની અને પિન્કી ઘરે આવ્યા. જીન્સ પેન્ટ, ટાઇટ ટીશર્ટ, ખુલ્લા વાળ લઇને આવેલી શિવાનીને જોઇને અવિનાશ ભાન ભુલી ગયો. તેની દીકરી પિન્કી તો અવિનાશ – અમ્રિતાની દસ વર્ષની દીકરી સ્વીટી સાથે એક જ મિનિટમાં દોસ્ત બની ગઇ. અમ્રિતા અને શિવાની વાતોએ વળગ્યાં. અવિનાશ તો શિવાનીની સામે જ જોતો હતો. તેના ખુલ્લા વાળ, ચુસ્ત શરીર, વાત કરવાની રીત વગેરે જોઇને મંત્રમુગ્ધ થઇ ગયો. જાણે પી જવાની નજરથી તેને જોઇ રહ્યો. વાત કરતાં કરતાં શિવાનીની નજર અવિનાશ પર પડી, એટલે અવિનાશે પોતાની નજર ફેરવી લીઘી. થોડીવાર પછી જમીને શિવાની અને પિન્કી ઘરે ગયા. રાત્રે સુતી વખતે પણ અમ્રિતા શિવાનીની અને સ્વીટી પિન્કીની વાતો કરતી રહી. અવિનાશ આંખ બંઘ કરીને શિવાનીના સપના જોવાની કોશિશ કરતો રહ્યો. ત્યારપછી એક અઠવાડીયા સુઘી તે ન આવી. અવિનાશ તેને જોવા તડપતો. પણ તેના ઘરનું બારણું હમેંશા બંધ રહેતું.


ખુલ્લી બારીમાંથી ફરફરતા પડદા પાછળ કયારેક શિવાનીની ઝલક જોવા મળતી. અવિનાશ આવતા જતાં તેને જોવાની કોશિશ કરતો, કયારેક સવારમાં તે તેના ઘરમાં એકસરસાઇઝ કરતી જોવા મળતી. ચુસ્ત ટ્રેકશુટમાં ઊંચી પોની બાંઘીને એકસરસાઇઝ કરતો જોઇને અવિનાશને જેઠાલાલની બબિતા યાદ આવી જતી. શિવાની અવિનાશ ઘરે હોય તે સમયે કયારેય ન આવતી. અવિનાશ અમ્રિતાને ઘણીવાર તેના વિશે પુછતો.. તેને ઘરે બોલાવવાનું કહેતો. થોડા દિવસ પછી શિવાનીએ ત્રણેયને ઘરે જમવા બોલાવ્યા. અવિનાશ માટે તેના ઘરે જવાનો પહેલો પ્રસંગ હતો. તેના ઘરની સજાવટ આધુનિક હતી. ઘરની હવામાં કંઇક ખુશ્બુ હતી. અવિનાશને લાગ્યું કે આ શિવાનીની ખુશ્બુ છે. તે ઘરના, તેની પસંદના, તેની રસોઇના વખાણ કરતો રહ્યો.


શિવાનીને રહેવા આવ્યા છ મહિના થઇ ગયા. તેની અને અમ્રિતાની વચ્ચે ખાસ દોસ્તી પણ થઇ ગઇ. બન્ને કયારેક સાથે ખરીદી કરવા માટે જતા. શિવાની ઘણીવાર તેના ઘરે આવતી, પણ અવિનાશ સાથે એક અંતર રાખીને જ વાત કરતી. અવિનાશ તેની નજીક જવાનો પ્રયત્ન કરતો રહેતો, પણ તેને એવો કયારેય મોકો જ ન મળતો. શિવાની હમેંશા અમ્રિતા ઘરે હોય ત્યારે જ આવતી. શિવાની જેટલો સમય સામે હોય તેટલો સમય અવિનાશ તેની સામે જ જોઇ રહેતો, પછી એકલો પડે ત્યારે તેના સપના જોતો, પણ કયારેય તેના સપના સાચા ન પડતા.


પણ એકવાર તેને મોકો મળી ગયો. અમ્રિતાની મોટી બહેનને હોસ્પિટલમાં દાખલ કરી હતી. આખો દિવસ અમ્રિતા હોસ્પિટલમાં અને સ્વીટી શિવાની પાસે રહી. રાત્રે પણ અમ્રિતા હોસ્પિટલમાં રોકાવવાની હતી. આખી રાત અવિનાશ શિવાનીને કેવી રીતે ઘરે બોલાવવી તેનો વિચાર કરતો રહ્યો. સવારે શિવાની જાતે આવી અને ચા – નાસ્તો કરવા ઘરે આવવા કહ્યું. અવિનાશ તેની જ રાહ જોતો હોય તેમ કહ્યુ, “ના..ના.. તમે તકલીફ ન લો. ચા હું બનાવી લઇશ.” છતાં શિવાનીએ માનવતા ખાતર કહ્યું, ” લાવો, હું બનાવી આપુ.” એમ કહીને અવિનાશના ઘરમાં જઇ રસોડામાં ચા બનાવવા લાગી. અવિનાશ જાણે મોકાની રાહ જોતો હોય તેમ ઘીમા પગલે તેની પાછળગયો અને શિવાનીને પાછળથી બાહોંમાં ભરી લીઘી. શિવાનીને જાણે તેના આવા વર્તનની પહેલેથી જ જાણ હોય તેમ જરાય ગભરાયા વગર એક જ સેકન્ડમાં હાથ ઝાટકીને અલગ થઇ ગઇ, અને કરાટેની એક ચાપ મારીને અવિનાશને બેવડો વાળી દીઘો.


પછી બોલી.., “અવિનાશ, પહેલી વાર તમને મળી ત્યારથી જ મને તમારા ખરાબ ઇરાદાની જાણ થઇ ગઇ હતી. અમને સ્ત્રીઓને પુરુષની આંખમાં છુપાયેલા વાસનાના સાપોલીયા દેખાય જ જાય છે. અમ્રિતાની દોસ્તીને કારણે જ હું અહીં આવતી હતી. એકલી રહેતી સ્ત્રી સસ્તી છે એવું માનવાની ભુલ ન કરવી. હિંમત હોય તો જ એકલી રહી શકતી હોય… મને અંદાજ હતો જ કે આવો સમય કયારેક આવશે જ… હું તૈયાર જ હતી.. મને લાગે છે કે કરાટેની એક ચાપ તમારા ભટકતા વિચાર સીઘા રસ્તે લાવવા માટે પૂરતી છે. હું અમ્રિતાને કંઇ નહી કહું… પણ બીજીવાર આવી ભુલ ન કરતા.. નહી તો…!!!!”

આટલું કહીને શિવાની જતી રહી, અવિનાશ હજી પણ કરાટેની ચાપથી બેવડો વળીને પડયો હતો.

લેખક : દિપા સોની “સોનુ”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ