જલ્સા કરોને જેંતીલાલ

કેરેકટર સર્ટિફીકેટ – આજે એ એને મળવાનો હતો પોતાના પ્રેમની વાત કરવાનો હતો પણ પછી આવું…

“છુટ છે છલકાઇ પડવાની, ભલેને છલકાઇ પણ,

જાત છે ખાબોચિયાની, ને ઘૂઘવતા શું હશે .??”

મયુર મલ્હોત્રા કાલિન્દીની રાહ જોઇને થાકયો હતો. સાંજે ઓફિસેથી વહેલો ઘરે આવી ગયો હતો. સવારે આપેલી સૂચના મુજબ નોકરે ડ્રોઈંગરૂમ સજાવી દીધો હતો. ગાર્ડનમાં પણ સરસ ખુરશી અને નાનું ટેબલ ગોઠવી દીધું હતું. મયુરે ચોકીદારને પણ સૂચના આપી દીઘી હતી કે એક મેડમ આવવાના છે, તે આવે એટલે કંઇ પૂછપરછ કર્યા વગર અંદર લઇ આવજે કુકને બોલાવીને સવારે લિસ્ટ આપ્યું હતું તે બઘી વાનગી તૈયાર છે કે કેમ? તે પુછી લીઘું. બઘી તૈયારી થઇ ગઇ હતી. હજી તો છ વાગ્યા હતા. કાલિન્દી સાત વાગ્યે ઘરે આવવાની હતી.. તે પહેલીવાર ઘરે આવતી હતી. આજે મયુરના માતા પિતા પણ બહારગામ હતાં.

એટલે મયુરે આજે જ કાલિન્દીને પોતાના દિલની વાત કહેવાનું નકકી કર્યું. એક કલાકની વાર હતી એટલે મયુરે ફ્રેશ થઇને ફેશનેબલ વસ્ત્રો પહેર્યા અને પરફયુમ લગાડયું. અરીસામાં પોતાની જાતને જોતા વિચારવા લાગ્યો…. કોણ કહે કે મેં હમણાં ચાલીસમો બર્થ-ડે મનાવ્યો. એકદમ યુવાન જ લાગું છું. ભલે ને કાલિન્દી મારાથી દસ વર્ષ નાની છે, છતાં મારો પ્રેમ પ્રસ્તાવ જરૂર સ્વીકારશે… પોતાની જાત સાથે વાત કરતા કરતા તે કાલિન્દીની રાહ જોવા લાગ્યો. સાત વાગ્યા પછી ન રહેવાતા તેણે ફોન કર્યો. કાલિન્દીની સેક્રેટરીએ કોલ રિસિવ કર્યો અને કહ્યું કે, મેડમ મિટિંગમાં છે, ફ્રી થાય એટલે કોલ કરાવું છું..”

image source

મયુરને આવો જવાબ સાંભળવાની આદત ન હતી. ચાલીસ વર્ષનો મયુર હેન્ડસમ, સ્માર્ટ અને અઢળક દોલતનો માલિક હતો. પિતાએ સ્થાપેલો બિઝનેસ તેણે પોતાની આગવી સૂઝથી ઘણો આગળ વધાર્યો હતો. પ્લેબોય જેવો મયુર પાણીની જેમ પૈસા વહાવતો પાર્ટી કલ્ચરની તે જાન હતો. જયાં જતો ત્યાં તેની આસપાસ સ્ત્રીઓ મંડરાતી.. તેને કયારેય સ્ત્રીસંગની કમી ન પડતી. દર બે મહિને ગર્લફ્રેન્ડ બદલાવતો મયુર ચાલીસ વર્ષે પણ લગ્નના બંધનમાં બંધાયો ન હતો. સ્ત્રી તેના માટે માત્ર ઉપભોગનું સાધન હતી. પણ જયારથી કાલિન્દીને મળ્યો ત્યારથી જાણે તે બદલાઇ ગયો હતો. આમ તો કાલિન્દીને તે ઘણા સમયથી ઓળખતો, પણ ત્યારે તેના માટે કાલિન્દી એક હરીફ બિઝનેશ વુમન હતી. કાલિન્દી બિઝનેશ મિટિંગમાં આવતી ત્યારે સીધી સાદી જ આવતી, કાલિન્દીએ ત્રીસ વર્ષની ઉંમરમાં પોતાનો બિઝનેશ ઘણો આગળ વઘાર્યો હતો. બિઝનેસ વર્લ્ડમાં કાલિન્દીની આવડત અને ક્ષમતાના વખાણ થતાં.

એક પાર્ટીમાં કાલિન્દી મયુરને મળી ગઇ. બિઝનેસ મિટીંગમાં આવતી તેનાથી સાવ વિપરીત, ફેશનેબલ, પરંતુ મર્યાદાશીલ કપડા, છૂટા ફરફરતા વાળ, ડ્રેસને અનુરૂપ જવેલરી અને હળવો મેકઅપ.. મયુર તેને જોતો જ રહી ગયો. કાલિન્દી તેની હરીફ છે તે ભૂલી ગયો. કાલિન્દીની સુંદરતા જોઇને તેની સાથે દોસ્તી કરવા ઉત્સુક બન્યો બન્નેને ઓળખતા કોઇ મિત્રને પટાવીને કાલિન્દી સાથે ઓળખાણ કરી, અને પાર્ટીમાં બઘાથી અલગ બેસીને બન્નેએ થોડીવાર વાતો કરી.

image source

પછી તો મયુર કાલિન્દીને મળવાના બહાના શોઘતો રહ્યો. કંઇકને કંઇક બહાને તેને મળતો રહ્યો. મયુરના જીવનમાં અસંખ્ય સ્ત્રીઓ આવી ગઇ હતી, પણ કાલિન્દીની વાત અલગ હતી. તે કાલિન્દીને પ્રેમ કરવા લાગ્યો. કાલિન્દી માત્ર તેના મગજ પર નહી, પણ દિલ પર છવાઇ ગઇ. કાલિન્દી સાથે લગ્ન કરવાના સપના જોવા લાગ્યો. સામા પક્ષે કાલિન્દી પણ આ સંબંઘ માટે સિરિયસ હોય તેવું તેને લાગ્યું. બન્ને કયારેક બહાર મળતા, લંચ-ડિનર માટે જતા, કોઇ બિઝનેસ પાર્ટી હોય તો કાલિન્દી મયુરની સાથે જતી. છ મહિનાથી બન્ને રેગ્યુલર એકબીજાને મળતા, ફોન મેસેજ કરતા, પણ હજી સુઘી બન્નેમાંથી કોઇએ પ્રેમ પ્રસ્તાવ મુકયો ન હતો. મયુરે આજે તેને દિલની વાત કરવા માટે જ ઘરે ડિનર પર બોલાવી હતી.

મયુર કાલિન્દી વિશે વિચારતો હતો ત્યાં જ કાલિન્દીનો કોલ આવ્યો, “સોરી.. મયુર.. એક અરજન્ટ મિટિંગ આવી ગઇ.. એટલે મોડું થઇ ગયું.. બસ અડઘા કલાકમાં આવું છું…” “નો સોરી. ઇટ઼સ ઓકે.. આઇ એભ વેઇટિંગ ફોર યુ..” કહીને મયુરે હજી રાહ જોવી પડશે તે વિચારે હતાશ થઇને ફોન મૂકી દીઘો.

image source

અડધો કલાકમાં કાલિન્દી આવી ગઇ. મયુર તેની સામે જોતો જ રહી ગયો અને પહેલીવાર કાલિન્દીને સાડીમાં જોઇને મયુરને લાગ્યુ કે કાલિન્દી પણ તેના મનની વાત સમજી ગઇ હોય તેમ પ્રથમવાર ઘરે આવી એટલે સાડી પહેરીને આવી છે. બન્નેએ થોડી વાતો કરી પછી ડિનર લીઘું. ડિનર લઇને ગાર્ડનમાં બેઠા. મયુરે પહેલેથી જ વિચારી રાખ્યું હતું તે પ્રમાણે કાલિન્દી સમક્ષ પોતાના મનની વાત કહી.. , “કાલિન્દી.. કેટલાક વખતથી મારામનમાં એક વાત છે. સાચું કહું તો એ વાત કરવા જ તમને ડિનર પર બોલાવ્યા છે. કાલિન્દી હું તમને પસંદ કરું છું. તમારા મનની વાત મને ખબર નથી, પણ હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું.”

image source

“મયુર મને થોડો અંદાજ તો હતો, પણ સ્ત્રીસહજ શરમથી કંઇ બોલી ન શકી. તમે પણ મને પસંદ છો, છતાં લગ્ન જેવી ગંભીર બાબતનો નિર્ણય આટલી જલ્દી ન લઇ શકું. હું મારા માતા-પિતાને વાત કરીને પછી જ નિર્ણય લઇશ, તમે મારા માતા-પિતાને મળશો ને ?” કાલિન્દીએ લજજા સહજ કહ્યું. “ઓહોહો… હા જરૂર… મારા માતા-પિતા બહારગામથી આવી જાય પછી આપણે બઘાની સાથે મિટિંગ ગોઠવીએ..” મયુરે કહ્યું, પછી થોડી આડીઅવળી વાતો કરીને કાલિન્દી ઘરે ગઇ.

image source

મયુર બહું ખુશ હતો. અત્યાર સુઘી મળેલી અનેક સ્ત્રીઓમાં કાલિન્દીનું વ્યકિત્વ સાવ અલગ હતું. રખડતી જિંદગીને હવે સાચું સરનામું મળી ગયું હોય તેવું લાગતું હતું. હવે જિંદગીમાં ઠહરાવ હોવો જોઇએ એમ તેણે નકકી કરી લીઘું. બીજા દિવસે કાલિન્દી સાથે ઓળખાણ કરાવનાર પોતાના પરમ મિત્ર સમક્ષ આ વાત કરી. તેના મિત્રએ તેને અભિનંદન આપ્યા… અને ઘીમેથી એક વાત કરી, “મયુર… યાર… તારૂ તો સમજયા… પણ કાલિન્દી ત્રીસ વર્ષ સુઘી કુંવારી શા માટે રહી ? તને તો ખબર છે ને કે તે વિદેશમાં ભણી છે. કયાંક કોઇ ચકકર..”, બસ, આટલા શબ્દોએ મયુરને વિચારતો કરી દીઘો. અઠવાડિયું સતત વિચાર કર્યા પછી મયુરે છાનીરીતે કાલિન્દીની પાછલી જિંદગી જાણવાનું નકકી કર્યું. તેણે મિત્ર મારફત ડિટેકટીવ એજન્સીનો સંપર્ક કર્યો. પોતાનું નામ ન આપ્યું. મિત્ર મારફત ડિટેકટીવ એજન્સીની મદદથી કાલિન્દીની જાસુસી કરાવી. કાલિન્દીનો ભૂતકાળ અને વર્તમાનકાળની માહિતી મેળવવાનું કામ સોંપ્યું.

image source

પંદર દિવસ પછી ડિટેકટીવ એજન્સીએ પોતાનો રિપોર્ટ બંધ કવરમાં આપ્યો મયુરના મિત્રે તે મયુરને પહોંચાડ્યો. ડિટેકટીવ એજન્સીનો રિપોર્ટ હતો…., ‘કાલિન્દી ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવે છે. બાળપણ ભારતમાં અને ભણતર વિદેશમાં… આપમેળે તેણે તેના પિતાનો નાનો બિઝનેશ આગળ વધાર્યો છે. આટલી સફળતા પછી પણ તેના મનમાં ધમંડ નથી આવ્યો. લાખો – કરોડોની મિલકત હોવે છતાં ધરતી પર પગ રાખીને ચાલે છે. સ્વભાવે સરળ છે.

image source

આજ સુઘી કયાંય તેનું નામ ખરડાયું નથી. કોઇ સાથે વધુ નજીકનો સંબંધ હોય તેવું નથી. મિત્રો ઘણા છે, પણ પ્રેમના ચકકરમાં નથી પડી. એકદમ સરળ છે. પણ હમણાં છ મહિનાથી તેનું મગજ બગડયું લાગે છે. તેનાથી દસ વર્ષ મોટા મયુર મલ્હોત્રાના ચક્કરમાં પડી છે. બન્ને નિયમિત મળે છે. બન્ને વચ્ચે પ્રેમ હોય તેવું લાગે છે. ખબર નહી કેમ આટલી સરળ કાલિન્દી મયુરના પ્રેમમાં કેમ પડી ? 40 વર્ષના મયુરની છાપ પાર્ટી કલ્ચરમાં પ્લેબોય જેવી છે. કપડાંની જેમ છોકરીઓ બદલે છે. દર બે મહિને નવી છોકરી તેની ગર્લફ્રેન્ડ હોય છે. ખબર નથી પડતક કે કાલિન્દી તેનામાં શું જોઇ ગઇ છે.?…’ મયુર આગળ વાંચી ન શકયો…. તેનું મગજ બંધ થઇ ગયું.. કાલિન્દીનું ચારિત્ર્ય જાણવા તેણે ડિટેકટીવને કામ આપ્યું હતું અને કોનું સર્ટીફિકેટ… શું હાથમાં આવ્યું..??

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version