સુંગધ અને સ્વાદમાં વધારો કરતી, આદુ, ‘મરચાં અને મીઠાં લીમડાની પૅસ્ટ’ ટ્રાય કરો, રોજનો ઘણો સમય બચશે

શિયાળામાં આદુ અને મરચાં ખૂબ જ સરસ આવે છે. જો એની પેસ્ટ બનાવીને ફ્રીઝરમાં મૂકી દો તો તમે આખું વર્ષ તમારી બધી ડીશને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

આજકાલ માર્કેટમાં જીન્જર ચીલી પેસ્ટ તૈયાર પણ મળે જ છે પરંતુ તેમાં ઘણા પ્રિઝર્વેટિવ ઉમેરેલા હોય છે.

મારા ઘરે વર્ષોથી આદુ ,મરચાં અને મીઠા લીમડાની પેસ્ટ બનાવું છું જે મોટા ભાગની બધી જ ડીશમાં ઉપયોગ કરું છું. તમે વઘારમાં આ પેસ્ટ ઉમેરશો તો સુંગધ અને સ્વાદનો ઉમેરો કરશે.

આદુ, મરચાં અને મીઠાં લીમડાની પૅસ્ટથી માત્ર તમારું જમવાનું જ સ્વાદિષ્ટ નથી બની જતું પરંતુ એ હેલ્થ માટે ખૂબ ગુણકારી છે .

એના ફાયદાઓ પણ એક વાર જરૂર થી વાંચવા જેવા છે.

આદુ આપણા માટે ખૂબ જ લાભદાયક છે. આદુ પાચન માટે મદદરૂપ છે. પેટ ના રોગો સામે , કેન્સર સામે રક્ષણ આપે છે. કોઈ પણ દુખાવામાં ફાયદા કારક છે. અને વજન ઘટાડવા માં મોટો ફાળો ભજવે છે.
લીલા મરચાં આપના પાચન માટે, વજન ઘટાડવા માટે , સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીસ હોય એવા લોકો એ એનો ઉપયોગ વધુ કરવો જોઈએ.
મીઠો લીમડો આપણે વઘાર માં ઉમેરતાં હોય છે જેનાથી સ્વાદ અને સુંગધ માં વધારો થાય છે. પરંતુ એ જમતી વખતે અપને નીકાળી દઈએ છીએ. જો એને ખાવામાં લેવામાં આવે તો એ આપણા માટે ખૂબ જ પૌષ્ટિક છે. મીઠો લીમડા માં ભરપૂર એન્ટિઓક્સિડન્ટ આવેલા હોય છે . એ આપણા વાળ વધારવા હેલ્પ કરે છે.કેન્સર અને પેટ ના રોગો સામે રક્ષણ આપે છે. મીઠો લીમડો આંખો માટે પણ ખૂબ લાભદાયક છે. કોલેસ્ટેરોલ ઓછું કરવામાં પણ મદદ કરે છે.

આટલી ગુણકારી , સરળ અને સ્વાદ માં ઉમેરો કરતી પેસ્ટની રીત જોઈ લઈએ .

આદુ, મરચાં અને લીમડાની પેસ્ટની સામગ્રી :-

350 ગ્રામ આદુ,
200 ગ્રામ લીલા તીખા મરચાં,
1 મોટો કપ લીમડાનાં પાન,
1 મોટું લીંબુ,
3 ચમચી મીઠું,
1 ચમચો તેલ.

રીત:-

સૌ પ્રથમ આદુને પાણીમાં ધોઈ લો અને 30 મિનીટ સુધી પાણીમાં પલાળી રાખો. જેનાથી એમાં ચોંટેલી માટી બધી જ નીકળી જાય. હવે આદુ ને ફરીથી પાણીમાં ધોઈને સાફ કરી લો.

ત્યારબાદ એની છાલ ઉતારી ને કટકા કરી લો. મરચાંને પણ ધોઈ ને કટ કરી લો. લીમડાના પાનને ધોઈને સાફ કરી લો.

હવે મોટા મિક્સર બૉઉલમાં આદુ , મરચાં અને લીમડો ઉમેરો. તેમાં મીઠું, લીંબુ, અને તેલ ઉમેરો. 1 ચમચો પાણી ઉમેરી ને મિક્સરમાં ચટણી જેવી પેસ્ટ બનાવી લો.

મિક્સર બાઉલમાં આદુ સૌથી નીચે નાખવું એટલે જલ્દી થઈ ક્રશ થઈ જશે.

આ પેસ્ટ ને નાનાં નાનાં એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીઝરમાં સ્ટોર કરી લો . હવે જરૂર મુજબ એક – એક ડબ્બો નિકાળો અને તેને નીચે રેફ્રીજરેટરમાં મૂકી દો.

એક વપરાય જાય એટલે બીજો ડબ્બો ફ્રીઝરની બહાર નીકાળી લો.

આવી રીતે આખું વર્ષ આ પેસ્ટ જરૂર મુજબના ડબ્બામાં ભરીને સ્ટોર કરાય છે.

નોંધ:-

-આ પેસ્ટ તમે શાક, દાળ, ફરસાણ, પંજાબી ડીશ, સૂપ , પરાઠા જેવી બહુ વાનગી માં ઉમેરી શકો છો.

-આદુની છાલ જો એકદમ ચોખ્ખી હોય તો નીકાળવાની જરૂર નથી એ વધુ ફાયદાકારક છે.

-મીઠો લીમડો એકદમ કૂણો હોય તો ડાળી સહિત જ ઉમેરી દો.

-એકવાર ફ્રીઝરમાંથી ડબ્બો નીકળો એટલે તરત જ નીચે રેફ્રીજરેટરમાં મૂકી દો. વાપરીને તરત જ પાછું રેફ્રીજરેટરમાં મૂકી દો એટલે પેસ્ટ એવી જ સરસ રહેશે .

-નાના નાના ડબ્બામાં ભરવાથી ઉપયોગમાં આસાની રહે છે. રેફ્રીજરેટરમાં મુકેલી પેસ્ટ થોડી અઠવાડિયા પછી થોડી ડાર્ક થઇ જાય છે જે જે નોર્મલ છે.

-આદુ, મરચાં અને લીમડાના પાનનું માપ ઈચ્છો તો વધુ કે ઓછું કરી શકો છો.

-લીંબુ , તેલ ઉમેરવાથી ગ્રીન કલર જળવાય રહે છે.

-મીઠું થોડું વધુ જ ઉમેર્યું છે જેથી એ લાંબા ટાઈમ માટે નીચે રેફ્રીજરેટર માં પણ બગડતી નથી.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી