જલ્સા કરોને જેંતીલાલ

આભાસી મોહજાળ – એક પરણિત પુરુષ ખેચાઈ રહ્યો છે બીજી યુવતી તરફ તો શું થશે…

આભાસી મોહજાળ

“મામા, તમે આજે સાંજે આવી જાઓ, તમારા બધા રિપોર્ટ મારી હોસ્પિટલ માં જ કરાવી લઈએ અને મારે ત્યાં આવતા નિષ્ણાત ડોક્ટર ને બતાવી દઈએ, તમને સારું થઈ જશે.” અમદાવાદ ના એસજી હાઈવે પર સડસડાટ જતી કાર માં ડ્રાઇવ કરતાં કરતાં જ ડૉ.એકાગ્ર એ પોતાના મામાને ફોન પર કહ્યું. એ મામા કે જેમના ઘરે એકાગ્રએ પોતાના નાનપણ નું દરેક વેકેશન વિતાવ્યું હતું અને આજે એ મામા એકાગ્ર ના ઘરે આવવાના હતા છતાંય એકાગ્ર ના મોં પર ખુશી ના હાવભાવ નહોતાં. રસ્તો ભીનો હતો. કાર ચલાવતા થયેલી સહેજ ગફલત અકસ્માત ને આમંત્રણ આપી શકે એમ હોવા છતાં એકાગ્ર આજે એકાગ્ર રહી કાર નહોતો ચલાવી રહ્યો.

શહેર માં 2 દિવસ થી વર્ષી રહેલા અનરાધાર વરસાદે આજે વિરામ લીધો હતો તોય સહેજ અમી છાંટણા રૂપે ધીમી ધારે વર્ષી હજુય ધરા ને ભીંજવી રહ્યો હતો. વાતાવરણ માં પ્રસરેલી ભીની માટી ની સોડમ સ્પષ્ટ અનુભવાતી હતી. ક્યાંક નાના ભૂલકાં પાણી માં છબછબિયાં કરી રહ્યા હતાં તો ક્યાંક મોટેરા પોતાના કપડાં ના બગડે તેનું ધ્યાન રાખી રસ્તો પસાર કરી રહ્યાં હતાં. પુષ્પ ને ભ્રમરો ઘેરી વળે એમ નાના ભૂલકાંઓએ મકાઇ ની લારીને ઘેરી લીધી હતી. વાદળો માં થતી મેઘ ગર્જના અને એના પ્રતિસાદ રૂપે મોર દ્વારા થતાં “ટેહૂક” એવા અવાજ ના લીધે વાતાવરણ જીવંત બની ઉઠ્યું હતું. આવા આહલાદક વાતાવરણ માં કાર ડ્રાઇવ કરી ને પોતાની હોસ્પિટલ પહોંચી રહેલા એકાગ્ર ના મન પર છવાયેલા ઉદાસી ના વાદળો ના લીધે એકાગ્ર ગમગીન હતો. વારે વારે બસ પૂર્વજા નો ચહેરો નજર સમક્ષ આવતો અને પોતાના ના મન ને જાતેજ મનાવવા પ્રયાસ કરી રહ્યો હતો.

પૂર્વજા નું 3 માસ પૂર્વે જ એકાગ્ર ના વોર્ડ માં પોસ્ટિંગ થયું હતું. જેવુ પૂર્વજા નું નર્સિંગ પૂરું થયું કે ત્વરિત જ એને શહેર ની પ્રતિષ્ઠિત હોસ્પિટલ માં જોબ મળી ગઈ અને પ્રથમ જ પોસ્ટિંગ ડૉ.એકાગ્ર ના વોર્ડ માં થયું. ધ્યાનાકર્ષક દેહલાલિત્ય, ચહેરા પર સહેજ હળવો મેક અપ, ગુલાબ ની પાંખડી જેવા ઓષ્ઠ અને એ જ્યારે ખૂલે ત્યારે સફેદ મોતી વેરાય એમ વેરાતું એનું સ્મિત એકાગ્ર ના હ્રદય ને ભીંજવી ગયું. સામે પક્ષે પૂર્વજા પણ એકાગ્ર ના શરીર શૌષ્ઠવ અને મોહક વ્યક્તિત્વ, મૃદુ અને સરળ સ્વભાવ થી અંજાઈ ગઈ. બંને હવે ડ્યૂટિ પૂરી કરી કેન્ટીન માં સાથે જ જમવા લાગ્યાં. ક્યારેક ક્યારેક તો સાંજ નું ડિનર પર સાથે જ હોસ્પિટલ કેન્ટીન માં લઈ ને છૂટા પડતાં. રોજ એકાગ્ર પૂર્વજા ને એના સોસાયટી ના દરવાજા સુધી મૂકવા જતો. ધીમે ધીમે મુલાકાતોનો સિલસિલો હોસ્પિટલ ની બહાર પણ વધતો ગયો.

ક્યારેક રીસેસ દરમ્યાન રેસ્ટોરન્ટ માં જતાં તો વળી ક્યારેક મલ્ટીપ્લેક્સ માં મૂવી જોવા. પૂર્વજા ને લઈ એકાગ્ર શોપિંગ મોલ ભરપૂર શોપિંગ કરાવતો અને આ રીતે બંને જણા એકબીજા માં મગ્ન રહી જિંદગી નો પૂર્ણ લૂત્ફ ઉઠાવી રહ્યા હતા. એક દિવસ એ પૂર્વજા એ મલ્ટીપ્લેક્સ માં મૂવી જોતાં જોતાં જ એકાગ્ર ને “આઇ લવ યૂ” એવું કહી દીધું.

એકાગ્ર બસ એની આંખો માં આંખો નાખી એને નીરખી રહ્યો. એકાગ્ર ના મુખ માંથી એક પણ શબ્દ ના નીકળ્યો. શું કહેવું એ કદાચ એકાગ્ર ને ના સૂઝયું. બંને એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં હતાં. ના ! એવું કહી ના શકાય. કેમ કે પૂર્વજા કુંવારી હતી જ્યારે એકાગ્ર વિવાહિત હતો.

એકાગ્ર ના 3 વર્ષ પૂર્વે જ લિપિકા સાથે લગ્ન ગ્રંથિ થી જોડાયો. લિપિકા આવતાં જ જાણે એકાગ્ર નું જીવન વસંત ની જેમ મઘમઘી ઉઠ્યું. લિપિકા ના આછા સ્મિત સાથે એકાગ્રની સવાર થતી. એ તૈયાર થાય ત્યાં સુધી તો લિપિકા એના માટે કોફી નો કપ તૈયાર રાખતી. એકાગ્ર હોસ્પિટલ જવા નીકળે ત્યાં તો એનું ટિફિન, ઘડિયાળ, પર્સ, બેલ્ટ અને રૂમાલ બધુ જ તૈયાર હોતું. એક પ્રેમ ભર્યા સ્મિત સાથે ગૅલૅરી માં ઊભી રહી લિપિકા એકાગ્ર ને રોજ વિદાય આપતી. સાંજે એકાગ્ર હોસ્પિટલ થી આવે ત્યારે કોફી ના કપ સાથે લિપિકા આવકાર આપતી. સાંજે બંને જણા ક્યારેક ફરવા જતાં તો ક્યારેક હીંચકા માં બેસી સંધ્યા નો લૂત્ફ ઉઠાવતાં. થોડાં જ સમય માં બંનેના જીવન માં પ્રેમ ના સેતુ રૂપે મિષ્ટિ નું અવતરણ થયું.

મિષ્ટિ ના જન્મ થી બંને બહુ ખુશ હતાં. બંને ની જીવન શૈલી થોડું પરીવર્તન આવ્યું. હવે લિપિકા મિષ્ટિ ના ઉછેર અને એની દેખરેખ માં થોડી વ્યસ્ત થઈ ગઈ. સ્વાભાવિક છે કે હવે એકાગ્ર ને એ પૂરતો સમય નહોતી આપી શકતી. ક્યારેક કોફી અને ટિફિન બનતાં તો ક્યારેક એકાગ્ર જાતે જ બનાવતો. ક્યારેક વળી ટિફિન લીધા વગર જ નીકળી જતો. સાંજ નું બહાર ફરવા જવાનું અને હીંચકા પર બેસવાનું તો સદંતર બંધ થઈ ગયું કેમ કે હવે લિપિકા પાસે સમય જ નહોતો. આમ તો એકાગ્ર ના જીવન માં લિપિકા ના પ્રેમ ની કોઈ ઓટ નહોતી પરંતુ મિષ્ટિ ના અવતરણ પછી લિપિકા ના એકાગ્ર પર અનરાધાર વરસતા પ્રેમરૂપી વર્ષા માં થોડો વિરામ આવ્યો હતો.

ત્યાંજ એકાગ્ર ના જીવન માં પૂર્વજા ની હેલી વર્ષી. ક્યારે એ પૂર્વજા જોડે સંલગ્ન થયો એની એને ખબર જ ના રહી. પણ પોતાના જીવન માં પૂર્વજા ને પ્રેમિકા નો દરજ્જો આપવો કે નહીં એ અવઢવ માં પૂર્વજા ના “આઇ લવ યૂ” ના જવાબ માં કઈંજ કહી ના શક્યો. પણ પૂર્વજા જોડે આમ સંલગ્ન થઈ ખુશ હતો અને પૂર્વજા પર પોતાની પત્ની જેવો જ હક જમાવતો. સામે પક્ષે પૂર્વજા પણ એકાગ્ર પોતાનો પતિ હોય એમ એકાગ્ર ની બધી વાત માં હકારાત્મક સૂર પુરાવતી.

આજે એકાગ્ર ના મન પર છવાયેલા ઉદાસી ના વાદળો નું કારણ પૂર્વજા હતી. ગઈ કાલે એકાગ્ર એ પૂર્વજા ને કોઈ બીજા ડોક્ટર જોડે હાથ માં હાથ પકડી સ્મિત સાથે કાર બેસતાં જોઈ હતી. પોતે ત્યાં હોવા છતાં જાણે પૂર્વજા ને કોઈ જ ફર્ક ના પડતો હોય એમ એની સામે જોયા વિના એ બીજા કોઈ ડોક્ટર સાથે ચાલી ગઈ. એકાગ્ર ના હ્રદય પર જાણે વીજળી નો પ્રત્યાઘાત થયો અને પૂર્વજા સાથે વિવાદ કરવાનું મન થયું પરંતુ એ અસમર્થ હતો કેમ કે પૂર્વજા એની પત્ની કે પ્રેમિકા નહોતી કે આમ પૂર્વજા પર હક કરી શકે વળી એકાગ્ર વિવાહિત હતો. પોતે આમ પૂર્વજા રૂપ અને સૌંદર્ય ની આભાસી મોહજાળ માં ફસાયો હતો અને પૂર્વજા એ પોતાના સોંદર્ય વડે એકાગ્ર ના સમય અને પૈસા નો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો, જેનું એકાગ્ર ને હવે ભાન થયું. એકાગ્ર ને લિપિકા નો વિચાર આવી ગયો. પોતે કઈંક ખોટું કર્યાના ભાર નીચે આજે કાર ચલાવતાં ચલાવતાં પશ્ચયાતાપ કરી રહ્યો હતો.

આજે એને સમજાતું નહોતું કે એને શેનું દુખ વધારે છે, પૂર્વજાથી આમ અલગ થયા નું કે લિપિકા સાથે આમ કઈંક ખોટું કર્યાનું. શૂન્યમનસ્ક મન અને ઉદાસ ચહેરે એ સાંજે ઘરે પહોંચ્યો. ડોર બેલ વગાડી અને જોયું તો લિપિકા લાલ સાડી, હાથ માં બંગડીઓ ની ખનક, ઓષ્ઠ પર લાલ લિપસ્ટિક અને ચહેરા પર જરા હળવા મેક અપ સાથે સજ્જ શીતળ ચાંદની જેવી લાગતી હતી. સો પૂર્વજા પણ લિપિકા ના રૂપ ની તોલે ના આવી શકે એવો આજે એને ભાસ થયો અને લિપિકા ને ઘર માં પ્રવેશતાં જ ભેટી પડ્યો અને ખુશી સભર સ્વરે કહ્યું” આમ લિપિકા આજે અચાનક આટલી સુસજ્જ? બહુ જ સુંદર લાગે છે, તારાથી સુંદર તો દુનિયામાં કોઈ જ નથી.”

લિપિકા એ પણ જરા શરમાઇ ને કહ્યું “ શું તમે પણ, તમે ભૂલી ગયા ? સવારે તો તમે કહ્યું કે આજે સાંજે મામા-મામી આવવાનાં છે અને આપણે એમને લેવા બસ સ્ટેન્ડ જવાનું છે એટ્લે જરા સાજ સજ્જા સજી લીધી બાકી આમ મીષ્ટિ ના ઉછેર માં ક્યાં સમય જ મળે છે, ચાલો ફ્રેશ થઈ જાઓ તમારા માટે કોફી તૈયાર જ છે.”

“લિપિકા, આઇ લવ યૂ”

“આઇ લવ યૂ ટૂ માય ડિયર હસબન્ડ, મારો પ્રેમ કદીય તમારા માટે ઓછો નથી થવાનો કે કદીય એમાં ઓટ નથી આવવાની.”

ભેટતાં ભેટતાં એકાગ્ર નું મન પશ્ચયાતાપ કરી રહ્યું હતું અને પોતે ક્યારેય હવે આવી કોઈ ની ય અભાષી મોહજાળ માં નહીં ફસાય એની અને પોતાની પત્ની ને જ વફાદાર રહેવાની સૌંગંધ લઈ રહ્યું હતું.

મામા મામી ને લેવા એકાગ્ર, લિપિકા અને મીષ્ટિ ત્રણેય નીકળી પડ્યાં. એકાગ્ર કાર ડ્રાઇવ કરી રહ્યો હતો. મીષ્ટિ લિપિકા ના ખોળા માં નીંદર ની મજા માણી રહી હતી, લિપિકા નું માથું એકાગ્ર ના ખભા પર ઢળેલું હતું. બહાર વરસાદ સહેજ અમી છાંટણા રૂપે ધીમી ધારે વર્ષી હજુય ધરા ને ભીંજવી રહ્યો હતો. વાતાવરણ માં પ્રસરેલી ભીની માટી ની સોડમ સ્પષ્ટ અનુભવાતી હતી. ક્યાંક નાના ભૂલકાં પાણી માં છબછબિયાં કરી રહ્યા હતાં તો ક્યાંક મોટેરા પોતાના કપડાં ના બગડે તેનું ધ્યાન રાખી રસ્તો પસાર કરી રહ્યાં હતાં. પુષ્પ ને ભ્રમરો ઘેરી વળે એમ નાના ભૂલકાંઓએ મકાઇ ની લારીને ઘેરી લીધી હતી. વાદળો માં થતી મેઘ ગર્જના અને એના પ્રતિસાદ રૂપે મોર દ્વારા થતાં “ટેહૂક” એવા અવાજ ના લીધે વાતાવરણ જીવંત બની ઉઠ્યું હતું. આવા રોમાંટિક અને આહલાદક વાતાવરણનો બંને લૂત્ફ ઉઠાવી રહ્યાં હતાં. ભીના રસ્તા પર કાર ડ્રાઇવ કરી રહેલા એકાગ્ર નું મન એકાગ્ર હતું અને મન માં લિપિકા ને પાછી મેળવ્યા ની અને મામા ને મળવાની ખુશી નો પાર નહોતો.

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

મદદનીશ પ્રાધ્યાપક

જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર

દરરોજ આવી અનેક નવીન વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

Exit mobile version