જલ્સા કરોને જેંતીલાલ

એક એવી બિમારી જે તમારા દેખાવને જ બદલી નાખે ! અને છતાંએ શાનથી જીવી જાણે તેવી છે આ યુવતી!

આજે માણસના મન કરતાં તેના તન તેના દેખાવને જ આંકવામાં આવે છે. તેના એક દેખાવ પરથી જ તેના માટેના બધા જ અનુમાનો લગાવી દેવામાં આવે છે. ઘણા લોકોની એવી મેન્ટાલીટી હોય કે સુંદર દેખાતા લોકો જ સુંદર હોય છે જે એક નર્યો ભ્રમ હોય છે. આપણા આજના લેખના મૂળિયામાં પણ માણસની આ મેન્ટાલિટી જ સમાયેલી છે.

એલોપિશિયા, એક એવી બિમારી જેમાં તમારા શરીર પરનાં બધા જ વાળ કાયમને માટે જતાં રહે છે. શું ક્યારેય તમે તમારી જાતને આ રીત ઇમેજિન કરી છે ખરી ? ના જ કરી હોય ! કોઈને તો આવો સ્વપ્ને પણ વિચાર ન આવે. પણ જેની સાથે હકીકતમાં આવું બન્યું હોય તેની સ્થિતિ શું તમે ક્યારેય જાણી છે ?

એક માનવ તરીકે અને ખાસ કરીને એક પરિપક્વ માણસ તરીકે આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે દરેક માનવીમાં કોઈને કોઈ ખોટ હોય જ છે. કોઈને માનસિક હોય તો કોઈકને શારીરિક હોય. કોઈની દેખીતી હોય તો કોઈની અદ્રશ્ય હોય. કોઈ પણ માણસ સંપૂર્ણ નથી હોતો અને જીવન પણ તેને જ કહેવાય છે. પણ આ અસંપૂર્ણતા સાથે પણ જીવનને આપણે જીવવાનું હોય છે તે પણ ગુણવત્તાસભર રીતે જીવવાનું હોય છે, ખુશી-ખુશી જીવવાનું હોય છે. અને આજ સાહસ દિપીકા ઠક્કરે ખેડ્યું છે જેમાં તેમણે સંપૂર્ણ સફળતા મેળવી છે. દીપિકા ગુજરાતના ખેડા નજીકના શેખુપુર ગામની વતની છે. જેણે જીવનની વિકટમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતાની એક ઓળખ ઉભી કરી છે. તો ચાલો જાણીએ તેમની જ જુબાની તેમની કહાની.

“હું ગુજરાતના એક ગામડાની યુવતિ છું. જ્યારે માત્ર ચાર જ વર્ષની હતી તે સમયે મને એલોપિશિયા હોવાનું નિદાન થયું હતું. અને જ્યારે હું દસમાં ધોરણમાં આવી ત્યાં સુધીમાં તો મારા માથાના બધા જ વાળ ઉતેરી ગયા હતા. મારી આસપાસના લોકો હંમેશા મારાથી દૂર રહેતા હતા કારણ કે તેમને લાગતું હતું કે મારો રોગચેપી હતો. તો વળી કેટલાક એવા સલાહકારો પણ હતા જે આ સમસ્યાને દૂર કરવા મને ધાર્મિક વિધિઓ કરાવવાની સલાહ પણ આપતા.

પણ તેમાંનું કોઈ જ નહોતું સમજતું કે મારા હાથમાં કશું જ નહોતું, મેં કંઈ મારા વાળ ખોવાનું નહોતું પસંદ કર્યું કે આવા દેખાવું તે કંઈ મારી પસંદગી નહોતી. પણ હું મારા જીવનને વળગી રહી અને વિચારતી રહી કે એક સમયે તો જીવન સારું થશે જ.

પણ હું ખોટી હતી. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં અમદાવાદની કોલેજમાં પ્રવેશ લીધો. એક દૂઃસ્વપ્ન જેવો આ અનુભવ હતો. એક પણ વ્યક્તિ ક્લાસમાં મારી સાથે બેસવા નહોતી માંગતી, આખોએ વર્ગખંડ વિદ્યાર્થીઓથી ભરેલો હતો તેમ છતાં મેં આટલી એકલતા ક્યારેય નહોતી અનુભવી. મને જાણે બાકાત કરી નાખવામાં આવી હતી. હું કોઈની પાસે જઈને વાત કરવા માગતી તો તે લોકો ઉદ્ધતાઈથી મોઢું ફેરવી લેતા.

આ સમય મારા માટે અત્યંત અસહનીય રહ્યો તેમ છતાં મેં મારી જાતને ભેગી કરી અને કપરી સ્થિતિનો અડગ રહીને સામનો કરીને કોલેજ પુર્ણ કરી. આ બધી જ પરિસ્થિતિમાં મારા પરિવારે મને હંમેશા પ્રેરણા આપવા ઉત્સાહિત રહેવા પ્રયાસ કર્યો છે પણ તેમાંનું કશું જ મને મદદ નહોતું કરી શક્યું.

મને તો એ જ બાબત પરેશાન કરી રહી હતી કે દુનિયા મને નહોતી અપનાવી રહી. આ સમય દરમિયાન અમારા ફેમિલિમાંના એક કઝીનના લગ્નમાં હું ગઈ હતી. બધા જ બહુ ખુશ હતા અને આનંદમાં હતા. પણ તે બધામાં માત્ર હું જ એક એવી હતી જે દુઃખી હતી. મને નહોતી ખબર કેમ, પણ તે વખતે મારામાંનું કંઈક બદલાયું. ટોળામાં ઉભેલી મને ભાન થયું કે હું જ મારી જાતને અપનાવી નથી રહી, અને બીજાઓ પાસે જ આશા રાખી રહી છું ! મેં જ મારી જાતને ક્યારેય પ્રેમ નહોતો કર્યો કે નહોતી તો મારી વાસ્તવિકતાને ક્યારેય અપનાવી. અને માટે જ બીજાઓ પણ તેમ નહોતા કરતા.

મને ખબર હતી કે જો હું આમ જ જીવતી રહીશ, તો હું જીવનમાં ક્યારેય ખુશ નહીં રહી શકું. દુનિયામાં કોઈ જ સંપૂર્ણ નથી જન્મયું હોતું, બધામાં કંઈકને કંઈક ખુટતું હોય છે. ફરક એટલો છે કે મારી તકલીફ થોડી મોટી છે. પણ તે એટલી બધી મોટી નથી કે તેનું ખોટું લગાડવામાં હું આખું જીવન વેડફી નાખું.

માટે મે મારી જાતને ભેગી કરી, અને હું દુનિયા સાથે લડવા માટે તૈયાર થઈ ગઈ. હું અરિસામાં જોવા માટે તૈયાર થઈ ગઈ હતી અને તેમાં જે દેખાય તેને ચાહવા માટે પણ તૈયાર થઈ ગઈ. હવે હું મારા વિષે શું અનુભવું છું તે હું કોઈને પણ જાણવા નહીં દઉં. હવે હું બાહ્ય કારણોથી મારાં આંતરિક પ્રકાશને ઝાંખો નહીં થવા દઉં. હું મારી અસંપૂર્ણતાને ઉજવીશ અને એ ખાતરી રાખીશ કે દુનિયા પણ તેમ જ કરે.”

આજે દિપીકા એક આત્મનિર્ભર યુવતિ છે. આજે તેણી અમદાવાદની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થામાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર છે આ અર્થે તેણીએ કેટલાક વિદેશ પ્રવાસ પણ ખેડ્યા છે. તો વળી તેણીએ એક બ્યુટી કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો જેમાં તેણી ફાયનલિસ્ટ પણ રહી ચૂકી છે. દિપીકા બહેનનો જીવન પ્રત્યેનો આ હકારાત્કમ અભિગમ આપણને પણ હંમેશા મજબૂત રહેવાનો તેમજ હકારાત્મક રહેવાની પ્રેરણા આપે છે. તમે પણ તેને પ્રેરણા મળે એવા બે શબ્દો કોમેન્ટ કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version