આ હોટેલે ગજબની સ્પર્ધા કરી છે, ઇનામ જાણીને તમારી આંખો ચાર થઇ જશે…

આપણે કોઈ પણ હોટેલ કે ગેસ્ટ હાઉઝમાં ભલેને એક રાત પણ રોકાઈએ તે હોટેલમાં મળતી સુવિધાઓમાં સાબુ, શેમ્પૂ કે લોન્ડ્રી સોપ કે પછી ક્રોકરીમાં ચમચી – ચાકૂ; ટોવેલ, નેપકીન જેવી નાની અમથી વસ્તુ લઈ લેવાની આપણને ટેવ પડી ગઈ હોય છે. ક્યારેક આપણનેય હસવું આવી જતું હોય એ સાંભળીને કે અમુક લોકો તો મુલાયમ બ્લેન્કેટ અને પોચાં ઓશિકાં પણ પોતાની સાથે સામાનમાં લઈ જવાની ફિરાતમાં હોય છે. હવે તેઓ આવી તમામ વસ્તુઓ કઈ રીતે તફ્ડાવી જતાં હોય છે એ તો તે હોટેલના મહેમાનો જ જાણે. અમે આપને એક આવી જ હોટેલની કોટેસ્ટ વિશે વાત કરી રહ્યાં છીએ જે પોતાની હોટેલની ૧૨૫મી વર્ષગાંઠ એક અનોખી રીતે કરે છે.


અમેરિકાનું ન્યૂ ઓરલેન્સ વિસ્તારમાં આવેલ હોટેલ ‘રુઝવેલ્ટ’ ત્યાંની પ્રતિષ્ઠિત અને જૂનામાં જૂની હોટેલ તરીકે જાણીતી છે. આ હોટેલ રુઝવેલ્ટ પોતાનો ૧૨૫મો જન્મદિવસ એટલે કે તેનો સ્થાપના દિવસ ઉજવવાની તૈયારી કરી રહી છે. તેની મેનેજમેન્ટ ટીમે આ પ્રસંગને યાદગાર બનાવવા એક સ્પર્ધાનું એલાન કર્યું છે અને જે પણ જીતશે તેમને આ હોટેલનું સૌથી મોંઘું અને સ્પેશિયલ સ્ટે પેકેજ ગીફ્ટમાં અપાશે.

હવે અમે તમને જણાવીએ કે આ સ્પર્ધા છે શેની. લોકોની હોટેલમાંથી કંઈને કંઈ ઉપાડી લઈ જવાની સામાન્ય ટેવને લીધે જ આ સ્પર્ધાનો આઈડિયા આવ્યો છે. અહીંનું મેનેજમેન્ટ કહે છે કે અમારી હોટેલને ૧૨૫ વર્ષ પૂરાં થશે. આ સમય દરમિયાન ઘણી વસ્તુઓ અમારા પાસેથી ચોરાઈ છે કે ગાયબ થઈ છે. અમે લોકોને ઓફર કરીએ છીએ કે આટલા વર્ષોમાં અહીંથી તમે જે કંઈ પણ લઈ ગયાં હોવ એમાંથી સૌથી કિંમતી કોઈ વસ્તુ નીકળશે તેને અમે વિજેતા ઘોષિત કરશું અને તેને ઇનામમાં એક શાનદાર હોલિડે પેકેજ આપશું.


આ વિચિત્ર લાગતી ઓફરમાં હજુ સુધીમાં સૌથી મોટી વસ્તુ તરીકે એક નકશીદાર ટેબલ પરત ફરી છે એ સિવાય કેટલીય નાની મોટી વસ્તુઓ પાછી મળી ગઈ છે. અહીં રસપ્રદ વાત એ છે કે અહીંના મેનેજમેન્ટે એવું પણ એલાન કર્યું છે કે જે લોકો વસ્તુઓ પાછી આપશે તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ નહીં કરાય ઉલ્ટાનું વિજેતાને ઈનામ અપાશે. આ ઈનામ છે આ હોટેલ રુઝવેલ્ટમાં તેના પ્રેસિડેન્શિયલ સ્યૂઈટનો પરિવાર સહિત એક અઠવાડિયાનું મફત રોકાણ. જેમાં પ્રાઈવેટ ડિનર, સ્પા અને અન્ય લક્ક્ષરિયસ સુવિધાઓ પણ શામેલ છે. જેનો એક દિવસનો અંદાજિત ખર્ચ ૧.૪૨ લાખ રૂપિયા છે. આવી આકર્ષક ઓફર પછી અનેક લોકોએ તેમને સામાન પાછો મોકલવાનું શરૂ કર્યું છે.


તેઓનું કહેવું છે કે અહીં રોકાવવા આવેલ ગેસ્ટને અમારો સામાન અને અહીંનું ડેકોર ખૂબ પસંદ કરે છે અને તેથી તેને પોતાની સાથે ઘરે લઈ જવા માટે મન લલચાઈ જાય છે. આ સ્પર્ધાનું પરિણામ આવતાં હજુ વાર લાગશે કેમ કે સ્પર્ધાની આખર તારિખ જૂલાઈ મહિનાના અંત સુધી લંબાવાઈ છે. જોઈએ કોણ હશે એ લક્કી ચોર!