જલ્સા કરોને જેંતીલાલ

આ ગુજરાતી જવાનોની યુદ્ધકથા એક નિમિત્ત છે, એક પ્રયાસ છે એ સઘળા જવાનોને નમન કરવાનો જેમણે આ દેશ માટે પોતાનું લોહી વહાવ્યું છે…

પુસ્તક વિમોચન કાર્યક્રમની પ્રેસ નોંધ

કારગીલ યુદ્ધ – ગુજરાતના શહીદો

પુસ્તક વિમોચન કાર્યક્રમની રૂપરેખા

સ્થળ: અરવિંદભાઈ મણિયાર હોલ

સમય: ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ સવારના ૧૦ કલાકે

મુખ્ય અતિથી: પરમ પૂજ્ય સ્વામીજી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી (આર્ષ વિદ્યામંદિર, મુંજકા)

અતિથીવિશેષ: કેબીનેટ મીનીસ્ટર શ્રી. જયેશભાઈ રાદડિયા

અતિથીવિશેષ: રાજકોટના સંસદસભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા

લેખક – ઓફીસર મનન ભટ્ટ (સેવા નિવૃત્ત – ભારતીય નૌસેના)

“કારગીલ યુદ્ધ – ગુજરાતના શહીદો” ગુજરાતી ભાષામાં લખાયેલી સર્વપ્રથમ યુદ્ધ કથા. માની ન શકાય તેવું છે પણ, “ખરેખર એક ગુજ્જુ વોર સ્ટોરી”. ભારતના ઈતિહાસમાં સૌપ્રથમવાર સૈનિકો ખુદ, પોતાની અને તેમના સાથીઓની વીરગાથાઓ વર્ણવી રહ્યા છે. સમગ્ર કારગીલ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ૧૨ ગુજરાતી શહીદ જવાનોની યુદ્ધ ક્ષેત્રે ગજબનાક બહાદુરીની શબ્દસહ કહેવાયેલી અમીટ દાસ્તાન. “છાતી ઠોકીને વર્ણન કરાયેલું, ખુલ્લું, નગ્ન અને વિચલિત કરી મૂકે તેવું, કશું જ છુપાવ્યા વગરનું યુદ્ધ.”.

 ‘કારગીલ યુદ્ધ – ગુજરાતના શહીદો’ આ પુસ્તક મારફત નેવી ઓફિસર મનન ભટ્ટ આપની સમક્ષ લઇ આવ્યા છે, વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર એવા, કારગીલના વિશ્વાસઘાતી પર્વતો પર, ૧૮,૦૦૦ ફૂટની અધધ ઉંચાઈએ જ્યાં અત્યંત પાતળી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે, હાડ ગાળી નાખે તેવી કાતિલ ઠંડી, અને જીવલેણ બર્ફીલા તોફાનો વચ્ચે ગદ્દાર દુશ્મનો વિરુદ્ધની લડાઈમાં આપણા જવાનોએ દાખવેલા શૌર્ય અને બલિદાનોની અમર સત્ય કથાઓ.

સમગ્ર કારગીલ યુદ્ધના પાને પાને, એક તરફ તો આપણા જવાનોની બહાદુરી, ઝીન્દાદીલી અને માનવતા છે તો બીજી ગદ્દાર દુશ્મનની ખંધાઈ, બેક સ્ટેબિંગ અને અમાનવીય વર્તન છે. આવા વિપરીત સંજોગોમાં પણ ભારતીય જવાનોએ મર્યાદા જાળવી અને આપણી સંસ્કૃતિની સહિષ્ણુતાનો પરચો આપ્યો.

પુસ્તકમાંથી…….

પુસ્તકનું પાનું નંબર ૮૮ ખોલશો તો તમને અમર શહીદ મુકેશ રાઠોડની જાંબાઝીનો પુરાવો મળશે અને નાપાક દુશ્મનની ગદ્દારી ચોંકાવી દેશે:

અમર શહીદ મુકેશ રાઠોડ, ૧૨ મહાર પલટનની જાન હતા. એ જાંબાઝ જવાનની પલટનને દુશ્મન પર આક્રમણ કરવા જવાનું હતું, તેની આગલી રાતે મુકેશે તેની પર્સનલ ડાયરી તેમના સાથી મહેબુબ પટેલને આપી અને કહે, “જો હું પાછો ન ફરું તો આ મારી પત્ની ને આપજો અને તેને કહેજો કે મારા આવનારા બાળકનું નામ પણ મુકેશ રાખે. ફરી પાછો હસી ને કહે, “હું પરમવીર ચક્ર જીતીને જ પાછો આવીશ.”

કાળી ડીબાંગ રાતના અંધારામાં કારગીલના એ ભયાવહ પર્વત પર ચઢાઈ કરતાં અને દુશ્મનના જીવલેણ ગોળીબારનો સામનો કરતાં, દુશ્મનની ગોળીઓ વડે વીંધાઈને મુકેશ ખાઈમાં પડ્યા અને શહીદ થયા. ગદ્દાર દુશ્મન કેમે કરીને આપણને તેમના પાર્થિવ શરીર સુધી પહોંચવા દેતો નહોતો. અંતે એ વીરની શહાદતના એક મહિના બાદ આપણે શહીદના પાર્થિવ શરીરને પાછું લાવીને તેમના પરિવારજનોને જાણ કરી, મોરચા પરથી નીચે લાવીને યુદ્ધક્ષેત્રે જ અંતિમ સંસ્કાર કર્યા.     

મિત્રો, મુકેશ રાઠોડ વીરગતિને પામ્યા ત્યારે તેમના પત્ની રાજશ્રીબેનને પાંચ મહિનાનો ગર્ભ હતો.

આપણા અમર શહીદોના બલિદાન વિષે આવું કટુ સત્ય લખવા પાછળ નો મારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણે દુશ્મનની હરકતોને ભૂલી જવી ન જોઈએ … ન તો આપણે શહીદોના બલિદાનોને ભૂલવા જોઈએ..

સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, સારી કોશિશ હૈ કી યે સુરત બદલની ચાહીએ.

મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી, હો કહીં ભી આગ લેકિન આગ જલની ચાહીએ…

વિરગાથા…. યુદ્ધ કથા….. કંઈ શાહીથી લખવામાં નથી આવતી. વીરગાથા તો, રાષ્ટ્ર માટે સર્વસ્વ અર્પણ કરવા તત્પર વીર જવાનો પોતાના લોહીથી લખે છે અને લોહી વડે લખાયેલી આ સત્યકથાઓ સદૈવ અપૂર્ણ રહે છે. વીરગાથાનું ક્યારેય કોઈ પરફેક્ટ એન્ડીંગ હોતું નથી.

આ ગુજરાતી જવાનોની યુદ્ધકથા એક નિમિત્ત છે, એક પ્રયાસ છે એ સઘળા જવાનોને નમન કરવાનો જેમણે આ દેશ માટે પોતાનું લોહી વહાવ્યું છે. તેમાંથી કેટલાકની નોંધ લેવાઈ છે તો મોટાભાગના જવાનોના બલિદાનોની નોંધ લેવાનું આપણે ચૂકી ગયા છીએ. આ યુવાનોનું આપણાપર ઋણ છે. તેમના બલીદાનોએ આપણને કદીય ન ઉતરી શકાય તેવા કરજમાં ઉતાર્યા  છે. આપણે આ ઋણ ઉતારવા એ શૂરાઓની ગાથા ઘરે ઘરે પહોંચાડવી જ રહી.

જય હિન્દ

લેખક પરિચય


પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ કારગીલ યુદ્ધમાં અને ઓપરેશન પરાક્રમમાં ભાગ લઇ ચુકેલા ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત નોન કમિશન્ડ અધિકારી છે. તેઓ, વર્ષ ૧૯૯૭ માં ભારતીય નૌસેનામાં જોડાયા. તેમણે ફ્રિગેટ અને કોર્વેટ ક્લાસના યુદ્ધજહાજોમાં, સૈન્યના એકીકૃત મુખ્યાલય ખાતે, ડીફેન્સ રીસર્ચ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ખાતે તથા નૌસેનાના અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં સેવા આપી અને વર્ષ ૨૦૧૨ માં ૧૫ વર્ષ ગૌરવપૂર્ણ સૈન્ય સેવા બાદ સેવાનિવૃત્તિ સ્વીકારી.

પેટ્ટી ઓફિસર ભટ્ટ, નૌસેનાના એલીટ કમાન્ડો ફોર્સ માર્કોસ સાથે પણ અત્યંત નજદીકી સેવાઓ આપી ચુક્યા છે. તેઓ, રશિયા, અમેરિકા અને અન્ય મિત્ર દેશોમાં ભારતીય નૌસેના પ્રતિનિધિ તરીકે જઈ ચુક્યા છે. ન્યુક્લીયર, બાયોલોજીકલ, કેમિકલ વોરફેર અને ડિફેન્સ તથા ફાયર એન્ડ સેફટી ફિલ્ડમાં એક્સપર્ટ છે.


‘કારગીલ યુદ્ધ’ આ પુસ્તક માટે પેટ્ટી ઓફિસર ભટ્ટે સતત બે વર્ષથી વધુ સમય સુધી સઘન સંશોધન કર્યું અને 20 વર્ષ પૂર્વે લડાયેલા યુદ્ધમાં ભાગ લેનાર જવાનોના સંસ્મરણો થકી, તેમના સાથી એવા શહીદ જવાનોની વિરગાથાઓને પોતાના લેખન વડે અમર કરી દીધી છે. સૈનિકોની વિરગાથાઓ લખવાની સાથે સાથે તેઓ આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના વિષયોના નિષ્ણાત પણ છે.


પૂર્વ સૈનિકોના સેવાકીય સંગઠન સૂર્યોદય માજી સૈનિક મહામંડળ, રાજકોટ દ્વારા તેઓ શહીદ સૈનિકોના પરિવાર તેમજ માજી સૈનિકો અને સૈનિકોની વિધવાઓના રિહેબીલીટેશન અને રિસેટલમેન્ટ તથા પેન્શનને લગતી બાબતોમાં સલાહ અને મદદ, વિકલાંગ સૈનિકોને મેડિકલ પ્રશ્નોમાં સહાય તથા સેવા પૂરી પાડી રહ્યા છે.

તેમનો સમ્પર્ક નીચે મુજબ કરી શકાય:

e-mail: sainikswaraj@gmail.com

twitter: @mananbhattnavy

Exit mobile version