જલ્સા કરોને જેંતીલાલ

આ ફિલ્મ સ્ટારના પિતાની ભવિષ્યવાણીથી ગિરનારમાં ભજીયા વેચવાવાળા ધીરુભાઈ બની ગયા ભારતના સૌથી અમિર માણસ

“જો તમે જ તમારા સ્વપ્નોને હકીકતમાં નહીં ફેરવો, તો બીજું કોઈ પોતાના સપના પૂરા કરવા માટે તમને રાખી લેશે.”

ધીરુભાઈ અંબાણી

જો તમે અભિષેક-ઐશ્વર્યાની ગુરુ ફિલ્મ જોઈ હશે તો તમને ખ્યાલ હશે કે તે મહદ્અંશે ધીરુભાઈ અંબાણીના જીવન પર આધારીત આ ફિલ્મ હતી. ફિલ્મમાં જે રીતે અભિષેકે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને મોટું બિઝનેસ સામ્રાજ્ય ખડું કર્યું હતું તેવી જ રીતે અને કદાચ તેના કરતાં પણ વધારે પરિશ્રમ કરીને ધીરુભાઈ અંબાણીએ પોતાનું બિઝનેસ એમ્પાયર ખડું કર્યું છે.


આજે તેમના દીકરા જે લાખો કરોડો રૂપિયામાં આળોટે છે તે મૂળે તો તેમના પ્રતાપે જ. ચોક્કસ હાલ મુકેશ અંબાણીએ તેમના આ બિઝનેસને એક નવી જ ઉંચાઈ પર મુકી દીધું છે પણ શરૂઆત તો તેમના પિતાએ જ કરી હતી. એવું કહેવાય છે કે તેઓ માત્ર 500 રૂપિયા લઈને સપનાઓની નગરી મુંબઈમાં આવ્યા હતા. અને તેમણે જ્યારે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેઓ 75000 કરોડનું સામ્રાજ્ય સ્થાપીને ગયા હતા.


ધીરુભાઈ અંબાણીનો જન્મ ગુજરાતના એક સાવ સામાન્ય શીક્ષકના ઘરે 1932માં 28 ડીસેમ્બરના રોજ થયો હતો. ઘરની કપરી આર્થિક સ્થિતિના કારણે તેમનું ભણતર માત્ર શાળા સુધી જ મર્યાદીત રહ્યું હતું પણ પોતાની કોઠા સૂજ અને અડગ મનોબળથી તેમણે એક વિશાળ ઔદ્યોગિક એમ્પાયર ઉભું કરી દીધું. ધીરુભાઈ અંબાણીએ પોતાના સંઘર્ષના દીવસોમાં કંઈ કેટલાએ નાના મોટા બિઝનેસ કર્યા હતા. તેમણે જુનાગઢના ગીરનાર પર્વતની તળેટીમાં ભજીયા વેચ્યા હતા જેથી કરીને તેઓ પોતાના કુટુંબને આર્થિક રીતે મદદ કરી શકે.


માત્ર 17 વર્ષની વયે પૈસા કમાવા માટે તેઓ 1949માં પોતાના મોટા ભાઈ સાથે યમન જતાં રહ્યા. જ્યાં તેમને એક પેટ્રોલ પંપર પર મહિને 300 રૂપિયાની નોકરી મળી ગઈ. આ કંપનીનું નામ હતું એસ. બેસ્સી એન્ડ કંપની. કંપનીને ધીરુભાઈનું કામ ખુબ ગમી ગયું અને તેમને ફિલિંગ સ્ટેશનમાં મેનેજર બનાવી દેવામાં આવ્યા.

પણ તેમના નસીબમાં નોકરી કરવાનું નહીં પણ હજારો લોકો માટે રોજગાર ઉભુ કરવાનો યશ લખ્યો હતો. તેમણે થોડા જ વર્ષ યમનમાં નોકરી કરી અને પાછા ભારત આવી ગયા અને માત્ર 500 રૂપિયા લઈને મુંબઈમાં મક્કમ ઇરાદાથી પગ મુક્યો.


ખુબ જ નાની વયે ધંધાના દાવપેચ ધીરુભાઈ શીખી ગયા હતા તેમને બજારની માંગની સારી એવી જાણકારી હતી. તેમને ભારતમાં પોલિયેસ્ટર કપડાંની ડીમાન્ટ અને ભારતના મસાલાઓની વિદેશમાં માંગ વિષે ખ્યાલ હતો. અને આ પરથી તેમને ધંધાનો આઇડિયા આવ્યો. તેમણે રિલાયંસ કોમર્સ કોર્પોરેશનની શરૂઆત કરી અને વિદેશી પોલિયેસ્ટર ભારતમાં અને ભારતના મસાલા વિદેશમાં વેચવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે તેમનો ધંધો ચાલવા લાગ્યો. પણ તેમણે આટલે નહોતું રોકાવાનું તેમણે તો હજુ આકાશને આંબવાનું હતું.


તેમણે 1966માં અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલિયેસ્ટર કાપડની મિલ નાખી અને ઉત્પાદનનું નામ રાખવામાં આવ્યું વિમલ. ધંધો ફુલવાફાલવા લાગ્યો હતો હવે ઓર વધારે મૂડીની જરૂર પડવાની હતી. હવે તેમણે લોકો પાસેથી પૈસા લેવા પડે તેમ હતાં.

ધીરુભાઈને ભારતમાં સામાન્ય શેયરની શરૂઆત કરવાનો શ્રેય આપવામાં આવે છે. 1977માં તેમણે રિલાયન્સનો આઈપીઓ ખોલ્યો અને ભારતના 58000 સામાન્ય નાગરીકો રિલાયન્સમાં રોકાણ કરીને તેના ભાગીદાર બન્યા.


તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ એક એવી કંપની છે જેની વાર્ષિક સામાન્ય મીટીંગ સ્ટેડિયમમાં રાખવામાં આવે છે. 1986માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગની વાર્ષિક બેઠક મુંબઈ ખાતેના ક્રોસ મેદાનમાં થઈ હતી જેમાં 35000 શેયરધારકો અને રિલાયન્સ પરિવારે ભાગ લીધો હતો.

પણ તમને જણાવી દઈએ કે આવું થવાનું છે એટલે કે ધીરુભાઈ અંબાણી ભારતના ખ્યાતનામ ઉદ્યોગપતિ બનવાના છે તેની જાણ એક વ્યક્તિને પહેલેથી જ હતી અને તેમણે આ ભવિષ્યવાણી પણ કરી હતી. તમને આશ્ચર્ય થશે તેમનું નામ જાણી. તેમનું નામ હતું કાકુલાલ શ્રોફ. તે જાણીતા બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના પિતા હતા. જેઓ જ્યોતિષનું કામ કરતા હતા.


એક ઇન્ટર્વ્યુ દરમિયાન જેકી શ્રોફે જણાવ્યું હતું કે તેના પિતા ઘર ચલાવવા માટે જ્યોતિષનું કામ કરતા હતા અને તેમણે ધીરુભાઈ અંબાણી કરોડપતિ બનશે તેવી આગાહી કરી હતી. જો કે ધીરુભાઈએ તેમની ભવિષ્યવાણી પર વિશ્વાસ નહોતો કર્યો. તેમણે તો આ ભવિષ્યવાણી હસવામાં જ કાઢી નાખી હતી. પણ આજે આપણે બધા જ જાણીએ છીએ કે વર્તમાન શું છે.

આજે પણ જેકી શ્રોફના અંબાણી કુટુંબ સાથે સારા સંબંધ છે. જેકી શ્રોફે ઇન્ટર્વ્યુંમાં ઇમોશનલ થતાં જણાવ્યું હતું કે તેઓ જ્યારે મુકેશ –અનિલ અંબાણીને જુએ છે ત્યારે તેમના પિતાની યાદ આવી જાય છે.


તમને જણાવી દઈએ કે જેકી શ્રોફ ફિલ્મોમાં આવ્યા તે પહેલાં તેમની આર્થિક સ્થિતિ ખુબ જ તંગ હતી. તેઓ મુંબઈની ચાલીમાં રહેતાં હતાં. એક વખત સુભાષ ઘાઈની નજર તેમના પર પડી અને તેમની કિસ્મત ચમકી ગઈ. જો કે આજે પણ તે જમીનથી જોડાયેલો માણસ છે અને તેણે ક્યારેય પોતાના મૂળિયા નથી છોડ્યા.


આજે બોલીવૂડમાં તેમનો દીકરો ટાઇગર શ્રોફ ધૂમ મચાવી રહ્યો છે. આજના યુવાનો તેના એક એક એક્શન સીન અને ડાન્સ મૂવ પર ફીદા છે. જેકી શ્રોફને પોતાના દીકરા માટે ખુબ જ ગર્વ છે અને ટાઇગર શ્રોફને પણ પોતાના પિતા માટે ખુબ જ માન છે. આજે ટાઇગરની બોલીવૂડમાં અન્ય સ્ટાર્સ કરતાં કંઈક અલગ જ ઓળખ છે અને અલગ જ જગ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version