એક વાંદરો માણસ બન્યો, અને જીવતા ભૂલી ગયો !

વિચિત્ર લાગે. માણસ કેવો ગંદી અને દયામણી રીતે પોતે જ રચેલા સંબંધો, રીવાજો, જીવવાનાં નિયમોમાં ફસાતો હોય છે! અજીબ છે.
માણસ ચિમ્પાન્ઝી હતો તે પહેલા, તે સમયે,અને તે પછીના વર્ષોમાં કેવો બદલાયો, ક્યાં પહોંચ્યો, અને જગતમાં કેવા ફેરફાર થયા એ મુજબ જોઈએ તો:

૧) ચિમ્પાન્ઝી તરીકે ‘માણસ’ એકલો હતો, નગ્ન હતો, પાંદડા ખાતો, અને ક્યારેક પથ્થરો લઈને શિકાર કરતો. જીવન સરળ ન હતું.

૨) પછી અગ્નિ આવ્યો, હથિયાર આવ્યા, અને ગુફામાં ભરાઈ રહેતા આવડ્યું. થોડું સરળ જીવન થયું. ભૂખ જલ્દી ભાંગવા લાગી. પરંતુ જીવન સાવ સરળ તો ન હતું.

૩) પછી આપણને એકલતા ભગાડવા એકબીજાની જરૂર છે એવું લાગ્યું. સ્ત્રીને પુરુષની. પુરુષને સ્ત્રીની. વિરુદ્ધ જાતિ સાથે સેક્સ કરીને પેઢીઓ આગળ વધવા લાગી. એક મસલ્સથી મજબૂત, બીજી લાગણીઓથી ભરપુર. સ્ત્રી-પુરુષ જોડકાંમાં રહીને સર્વાઈવલ શીખ્યાં. ‘મારે એકલા નથી મરવું. મોત સમયે મારું કોઈ મારી પાસે હોય’ એવો એક ‘ઉત્સાહ’ હતો જે સ્ત્રી-પુરુષને ભેગા રાખતો.

૪) પછી તો વસ્ત્રો, મકાન, કબિલાઓ બન્યા. સંસ્કૃતિ રચાઈ. ભાષાઓ રચાવા લાગી. થોડું જીવન સરળ થયું. પરંતુ હજુ એટલું બધું સરળ ન હતું.

૫) પછી એણે જંગલ છોડ્યું. ગામડાં બનાવ્યા. ધર્મ રચ્યા. નિયમો બનાવ્યા કે કેમ જીવવું. સમાજમાં કેમ રહેવું. કેવી ક્રિયાને ‘સારું’ કહેવાય અને કેવી ક્રિયાને ‘ખરાબ’ એ રીતે સમાજ બન્યો. એથિક્સ-મોરલ બન્યા. જીવન ઘણું-ઘણું-ઘણું-ઘણું સરળ બન્યું. માણસ એકલું ઓછું અનુભવતો. કુદરત વચ્ચે જીવતો. ખેતી કરતો. શાંતિથી મરી જતો.

૬) …અને પછી માણસે સિરીયસ થવાનું ચાલુ કર્યું. તેણે બાળક જન્મે તો તેને કઈ રીતે ઉછેર કરવો તે જાણ્યું. તેનું ભણતર કેવું કરવું તેના નિયમ બનાવ્યા. મોટા થઈને લગ્ન ફરજીયાત કર્યા. (જે હતા નહીં. ચિમ્પાન્ઝી અને એના પછીના લાખો વર્ષ માણસ પોતાની મરજીથી લગ્ન કરતો. જરૂર હોય તે કરે, ના જરૂર હોય તે એકલા હરે-ફરે-ચરે). લગ્ન પછી બાળકો કરવા, એમને ભણાવીને પરણાવવા, ઘરડું થવું, સતત કામ કરવું, નિવૃત થવું, ભક્તિ કરવી, અને પછી મરી જવું એ એક સિરીયસ ક્રમ બન્યો. આ બધું થયું ત્યાં સુધી પણ માણસ સુખી જ હતો. કહેવાતો. અથવા સુખ છે એવું માનતો.

…પણ
…પણ
…પણ
…પછી એ “જીવવાની સહજતા” ગુમાવી બેઠો. ભણતર, લગ્ન, બાળકો, કમાણી, આરોગ્ય, બુઢાપો, અને મોત…આ બધું જ ભાર બની ગયું. એને આ દરેકનો ઉત્સાહ નહીં, ડર લાગે છે. શું થશે? કેવું જીવાશે? કેમ કરીને પાર પડશે? સમાજ શું કહેશે? હું ફ્લોપ થઈશ તો? મારી કોલેજ મને નોકરી દેશે? મારી પત્ની મને પ્રેમ દેશે? મારી નોકરી મને પૈસો દેશે? મારો પૈસો મને કાર દેશે? મારી કાર મને સુખ દેશે? મારું સુખ મને મોક્ષ દેશે? મારો મોક્ષ…
ઓહ માય ગોડ !

શું થયું છે આ વાંદરાની જાતને? શું છે પણ? વ્હાય સો સિરીયસ? ક્યાં છે એ કુદરતે આપેલી સહજતા? ક્યાં છે એ નર્યું, સાહજિક, અને સરળ સુખ? જીંદગીને કેમ આટલો ભાર કરી છે? કેમ આપણા જ બનાવેલા નિયમોમાં ફસાઈ રહ્યા છીએ આપણે? ક્યાંક એવું નથી લાગતું કે આ રસ્તે જનારા, ઘરમાં પુરાયેલા, આ વાતને વાંચનારા દરેક માણસને કશુંક થઇ ગયું છે. ગાલ પર લાફો મારીને જગાડવાનું મન થાય છે કે ભાઈ…બહેન… Chill….

કશું જ ખોટું નથી થઇ રહ્યું. બધું જ બરાબર છે. જગતને એક શાંત નજરે જો, તારો મોક્ષ તો તારી છાતીએ જ બેઠોબેઠો તારી સહજતાની રાહ જુએ છે ડીયર. તું ભણ, નોકરી કર, લગ્ન કર, છોકરાં કર, બુઢો થા, મર…પણ Chill. આનંદ કર યાર. તું એકલો છે. એકવાર જ આ ધરતીને જીવી રહ્યો છે. કાલે ઉઠીને ભુલાઈ જવાનો છે. તારી મોતની ખાટલી પર પડ્યો હોઈશ ત્યારે તારી કેવી ગાડી, લાડી, કે લાયકાત હતી એ કશું યાદ નહીં આવે. શાંતિ રાખ. રઘવાયાં ઢોરની જેમ ઉપાડો ન લે.
આ જીંદગીની એજ તો જાદુગરી છે યારા. આપણે જે સમાજ-નિયમો-રીત-રીવાજો ઘડ્યા છે કે કરોડો વર્ષથી માણસોના વિચારોની ઉપજ છે. ભણતર-લગ્ન-નોકરી-કે આ આખી મજેદાર જીંદગી કશું જ ખોટું નથી. બધું જ સારું છે. તને ખરાબ અને ભાર લાગે છે કારણકે તે ‘સહજતા’ નથી રાખી. એક નદીની જેમ વહેવા લાગ. જો. આ અદ્ભુત લાગણીઓને. એક બાળક તરીકે જગતને જોયું? થોડો મોટો થઈને એ મોટી નજરથી સવાલ પૂછ. લગ્ન કરીને બીજા જીવ માટે ફના થા. પછી કુટુંબ માટે ઉભો રે. પછી શાંતિથી મર. આ બધી જ ઘટનાઓ માણસ લાખો વર્ષોથી કરતો આવે છે. પરંતુ તમને જે ભાર લાગે છે એ જીંદગી એક ઉત્સવની જેમ જીવવા બની છે. આ તમને બાંધતું દોરડું લાગે છે એવા નિયમો તમારા જ છે. સ્વીકારો કે બહિષ્કાર કરો. સબ ચલતા હે. આ લગ્ન કે બાળકો ક્યાંક જે સુખ આપે એ પામતાં શીખ.

આટલું બધું સિરીયસ કેમ છે તારું અસ્તિત્વ ? કેમ? કેમ આટલા બધાં વિચારો કરીને ફૂંક મારી-મારીને જિંદગીની પીવે છે?
સહજતા દોસ્ત.
સહજતા.
સહજતા. આકાશમાં કોઈ પંખીડું જે રીતે પાંખો ફેલાવીને હળવું બનીને ઉડતું હોય, ઉડાનથી આસમાનને ચુમતું હોય, મોજ કરતુ હોય એ સહજતા. હળવાશ. જે કરવું હોય એ કર. પોતાની મરજીથી જીવ. દોસ્તી કર, દુશ્મની કર, પ્રેમ કર, કે પુરુષાર્થ કર…પણ Chill. એક નદીની જેમ ખળભળ, કિલકિલાટ કરતો જીવ, અને પછી આ બધું કર.
માણસે પ્રગતિ જ કરી છે, ડોન્ટ વરી. તું પહેલા શાંતિથી તારી છાતીએ જ, હૃદયમાં જ પડેલા મોક્ષને પામ, થોડું હસ, થોડું મોટેથી હસ…
બસ…એજ. સહજતા.

-જીતેશ દોંગા

જીતેશ દોંગા બેસ્ટસેલર ગુજરાતી વાર્તાકાર છે. એમની નવલકથાઓ પણ આ જ સંદેશ આપે છે. નવલકથા ‘નોર્થપોલ’ એક આવા જ વધુ સિરીયસ થઇ ગયેલા એક એન્જીનિયરની વાર્તા છે. આ મસ્ટ-રીડ નવલકથાઓ તમે અહીં ખરીદી શકો છો.

20% Special Discount on North Pole

https://goo.gl/8evYCv

20% Special Discount on Vishwa Manav

https://goo.gl/MiFZTN

25% Special Discount on Vishwamanav + North Pole

https://goo.gl/WrCY41

આ ઓફર ટુક સમય માટે જ

આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ  fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું લેન્ડમાર્ક અને પીનકોડ સાથે મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા Whatsapp કરો 08000057004  પર અમારા કસ્ટમર કેરમાં. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક પુસ્તક પર 15% DISCOUNT.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા ઈમેલ [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર…