જીવનમાં કોઈપણ મહત્વના નિર્ણય કઈપણ વિચાર્યા વગર લેવા નહિ….

“જીદ્દી પ્રેમ”

 

“પ્લીઝ અવિનાશ, સ્ટોપ મેસેજિંગ મિ.”
“તારો આ જીદ્દીપ્રેમ મને ટોર્ચર કરે છે.”
“આઈ એમ મેરીડ નાઉ, પ્લીઝ મારી મેરીડ લાઈફ બરબાદ ન કર.”
“શેમ ઓન યુ, બ્લડી બ્લેકમેલર, તે એ ફોટોસ અને વિડીયો ડીલીટ કરી નાખ્યાનું કહ્યું હતું. અફસોસ છે મને, શરમ આવે છે, ઘૃણા થાય છે જાત ઉપર કે હું તારા જેવા માણસના પ્રેમમાં પડી હતી. તું તો મારી નફરત ને પણ લાયક નથી.”
“નથી જીવી શકતો તો મરીજા….પણ મારો પીછો છોડ.”

અર્જુન સોનાના ફોનમાં સેન્ટ મેસેજીસ વાંચી રહ્યો હતો. ઈનબોક્સના મેસેજ ડીલીટ થઇ ગયા હતાં અને સેન્ટ મેસેજીસમાં પણ પંદર દિવસ પહેલાના થોડા મેસેજ બાકી રહી ગયા હતા. અર્જુનને આખી ઘટના ધીરે ધીરે સમજવા લાગી. અચાનક સોનાનું અપસેટ રહેવું, પોતાનો ફોન સતત હાથમાં રાખવો અને એક વખત આખી રાત ફ્રેન્ડના ઘરે લગ્નની તૈયારીના બહાને જવું, આ બધું જ અવિનાશ માટે હતું. થોડા દિવસ પહેલા છાપામાં અવસાન નોંધ વાંચીને સોના ધ્રુસકે ધ્રુસકે રડી હતી, કારણ પૂછતા એણે જવાબ આપવાનું ટાળ્યું હતું, એ પણ અવિનાશ માટે જ હતું. મતલબ પોતાને આવેલા એક અનનાઉન કોલની બધી જ વાત સાચી હતી. સોનાનો સાચેજ લગ્ન પહેલા અવિનાશ સાથે સંબંધ હતો. અર્જુનને ગુસ્સો આવ્યો. મન થયું કે હમણાંજ જઈને સોનાની પોલ પરિવાર સામે ખોલી નાખું. અર્જુને બધાં સેન્ટ મેસેજ ફરીથી વાંચ્યા, મગજ ઠંડું રાખીને સમજીને વાંચ્યા.

“અર્જુન….મારો ફોન ક્યાંય જોયો?”
સોનાએ રૂમમાં પ્રવેશતાં કહ્યું.
“હા, આ રહ્યો. અહી બેડ પરજ રહી ગયો હતો.”

અર્જુને બધા મેસેજ ડીલીટ કરી દીધા અને ફોન સોનાને આપ્યો. એની ધારણા મુજબ સોનાએ ત્યાંજ ઊભીને ફોન ચેક કર્યો. સેન્ટ મેસેજનું ફોલ્ડર ખાલી હતું. મનમાં થોડો હાશકારો થયો હોય તેમ અર્જુન સામે નાનું સ્મિત ફરકાવીને રૂમમાંથી ચાલી ગઈ. અર્જુને પોતાની ઓફીસ બેગમાં પડેલું એક કવર કાઢ્યું, જેમાં થોડા ફોટા અને એક સી.ડી. હતી. એક પણ ફોટો જોયા વગર બધાંજ ફોટાનાં
ઝીણા ઝીણા કટકા કરીને બાથરૂમમાં ફ્લશ કરી દીધા અને સી.ડી. તોડીને બહાર ફેંકી દીધી.
* * * * *
સાથે જીવવા મરવાના સપના દેખાડવા વાળા વ્યક્તિ જ્યારે પ્રેમ નિષ્ફળ જતા ટોર્ચર કરવા લાગે ત્યારે પ્રેમ પણ શરમાઈ જાય છે. હકીકતે પ્રેમમાં સફળતા કે નિષ્ફળતા હોતી જ નથી, પ્રેમ થવું એજ સૌથી મોટી જીત છે, પોતા પર, પોતાના દિલ અને લાગણી પરની જીત કે તમે સંપૂર્ણ પણે કોઈ એક વ્યક્તિને સમર્પિત થવા માટે તૈયાર છો.

પણ એ ગમતી વ્યક્તિ સાથે જો આજીવન પતિ કે પત્ની બનીને જીવવા ન મળે તો શું ત્યાં પ્રેમ નથી રહેતો? શું લગ્ન કરવા એ પ્રેમનો ધ્યેય છે? કે જો એ ન થાય તો પ્રેમનો પણ નાશ થાય. પ્રેમ એટલે માત્ર સાથે રહેવું નથી, લગ્ન થવા એ પ્રેમ થયાનું બોનસ છે, બાકી પ્રેમમાં ક્યારેય પામવાની ભાવના નથી હોતી. પ્રેમમાં તો માત્ર સમર્પણ હોય છે.

પ્રેમમાં નિષ્ફળ થયાનો દાવો કરનારા, દુઃખી થનારા, સેડ સોંગ સાંભળનારા – ગાનારા અને આત્મહત્યા કરનારા કે સામેના પાત્રને પજવનારા લોકો પ્રેમ શબ્દથી કોશો દૂર હોય છે. આવા સંબંધમાં પ્રેમ નહિ પણ માત્ર અટ્રેક્શન હોય છે, ફીઝીકલ થવાની ઈચ્છા હોય છે, કામના હોય છે. જે પ્રેમમાં એક ટકો પણ નથી હોતું.

ઘણા લોકો કહેતા હોય છે કે “હું તેને સાચો પ્રેમ કરું છું.” અરે ભાઈ! પ્રેમને સાચા ખોટાના ત્રાજવામાં તોલવાની જરૂર નથી હોતી, પ્રેમ માટે કોઈ પરીક્ષા નથી હોતી, એવા કોઈ મેન્યુઅલ, કે ટર્મ્સ એન્ડ કંડીશનસ નથી હોતા કે આવું આવું કરો તો પ્રેમ સાચો નહીતર ખોટો. એ તો માત્ર એક ભાવના છે, જે કોઈકને જોતા, ઓળખતા, સમજતાં, કેર કરતા, અને તેના ગમતા જન્મે છે.

પણ ફિલ્મોની સાઈડ ઈફેક્ટ કહો કે વ્યક્તિની પોતાનો અહમ કહો, જે વ્યક્તિને પોતાનું ગમતું પાત્ર ન મળે તો દુઃખી થવા માટે, તેને ટોર્ચર કરવા માટે પ્રેરણા આપે છે. આમાં સમર્પણ, ત્યાગ, કોમ્પ્રોમાઈસ કે સેક્રેફાઈસ જેવા શબ્દો ક્યાંય દૂર રહી જાય છે.

અર્જુને સોનાને કંઈ જ ન કહ્યું, સમજદારી પૂર્વક નિર્ણય લીધો એ એક પતિનો પ્રેમ છે, વિશ્વાસ છે, પત્ની માટેની લાગણી છે અને એક જવાબદાર પતિની ફરજ છે. પણ અવિનાશે જે કર્યું એ પ્રેમ પર કલંક છે.

આપણે પણ પોતાના પ્રેમ પર અતૂટ શ્રદ્ધા રાખીએ તો?
જેટલો વિશ્વાસ ભગવાન પર રાખીએ છીએ એટલો પોતાના પ્રેમ પર રાખીએ તો?
આપણા જીવન સાથીને એટલી છૂટ દઈએ કે એ દુનિયાના ગમે તે ખૂણે જાય પણ અંતે તો એ આપણી પાસે જ આવશે, એવો વિશ્વાસ આપણી અંદર જન્માવી એ તો?
માત્ર અટ્રેક્શનના છલાવામાં આવીને નહિ,
રૂપમાં અંજાઈને નહિ,
શરતોની લાંબી લીસ્ટને આધારે નહિ, પણ સાચા અર્થમાં કોઈને પ્રેમ કરતા થઈએ તો?
એક વખત વિચાર જરૂર કરજો.

* * * * *

“પહેલી વખતનું”

“ડોન્ટ બી સીલી નીતુ, યુ નો ધેટ કે જે થયું એ મારા માટે કે તારા માટે પહેલી વખતનું ન હતું, અને તારી સામે ગન પોઈન્ટ કરીને મેં કંઈ ન’તું કર્યું. સાથે તારી પણ ઈચ્છા અને સહમતી હતી. ઈટ વોઝ ઇન ઓપેન રીલેશનશીપ.”

નીતુ છેલ્લા અડધાં કલાકથી કેફેમાં બેઠાં બેઠાં રડી રહી હતી. વ્યોમ સાથેની એની છ મહિનાની રીલેશનશીપ આજે બ્રેકઅપના કિનારા પર ઊભી હતી. આ છ મહિનામાં નીતુ વ્યોમથી અટ્રેક્શનથી આગળ વધીને ઈમોશનલી કનેક્ટ થઇ ગઈ હતી. તેણે વ્યોમ સાથે જીવવાનાં સપનાંઓ જોઈ લીધા હતાં. પણ વ્યોમ શરૂઆતથી જ માત્ર ફિઝીકલી કનેક્ટેડ હતો. માહી સાથે રહેવા માટે આજે તે નીતુ સાથે બ્રેકઅપ કરી રહ્યો હતો.

એક જ મુલાકાતમાં તે માહી પાછળ પાગલ થઇ ગયો હતો. એનો કોન્ટેક્ટ મેળવવા માટે કેટલાય ફાંફા માર્યા હતા અને ફ્રેન્ડશીપ (રીલેશનશીપ) માટે મનાવવા માટે પણ અતિશય હેરાન થયેલો, ખર્ચાઓ કરેલા. ત્યારે જઈને માહી સાથે રીલેશનશીપ આગળ વધી હતી. માટે, નીતુથી દૂર થવામાં તેને સહેજે દુઃખ ન થયું કે ન નીતુના દુઃખનો લાગણીનો વિચાર આવ્યો. નીતુને રડતી છોડીને તે ચાલ્યો ગયો. માહી જેવી ઓપેન માઈન્ડેડ, ઈન્ડીપેન્ડન્ટ અને બ્યુટીફૂલ છોકરી સાથે રીલેશનશીપમાં રહેવા બદલ તે પોતાને ખૂબ ભાગ્યશાળી માનવા લાગ્યો.

ધીરે ધીરે એનું માહી માટેનું અટ્રેક્શન પ્રેમમાં પરિવર્તિત થવા લાગ્યું. જેના કારણે તે વારંવાર માહીને કામની વચ્ચે કોલ કરતો, લેટ આવે તો પુછતાછ કરતો, ઓવરકેર કરતો. જેનાથી માહી ઈરીટેટ થવા લાગી. પરિણામે એક દિવસ તેણે વ્યોમને બ્રેકઅપ માટે કહ્યું. વ્યોમ નાના બાળકની જેમ રડવા લાગ્યો, માહીના પગે પડવા લાગ્યો. પોતાના પ્રેમની લાગણીની દુહાઈ દેવા લાગ્યો. ત્યારે માહી એ કહ્યું. “ડોન્ટ બી સીલી વ્યોમ, યુ નો ધેટ કે જે થયું એ મારા માટે કે તારા માટે પહેલી વખત ન હતું, ઈટ વોઝ ઇન ઓપેન રીલેશનશીપ.”

વ્યોમ ત્યાંજ બેસીને રડતો રહ્યો, માહી એને રડતો છોડીને ચાલી ગઈ. વ્યોમને રડતાં રડતાં ખ્યાલ આવ્યો કે આ એજ કેફે હતું અને એજ ટેબલ હતી જ્યાં એ નીતુને રડવા માટે છોડી આવેલો. આજે નીતુની જગ્યાએ પોતે રડી રહ્યો હતો.

* * * * *

વાત થોડી ફિલ્મી છે પણ સમજવા જેવી છે, આપણી કહેવતો જયારે પણ લખાઈ છે ત્યારે ખૂબજ વિચારીને અને અર્થ સભર લખી છે જેમાંની એક છે “જેવું વાવો તેવું ઊઘે.” માણસ પ્રકૃતિના નિયમને હંમેશાં ભૂલી જાય છે અને આરામથી એવા કામ કરે છે કે જેનાથી અનેક લોકોનું દિલ દુભાય. પણ એ નથી વિચારતો કે ક્યારેક મારો પણ આવો વારો આવશે ત્યારે શું થશે?

પણ એવા લોકોની હિંમત ને દાદ દેવી જોઈએ કે જે લોકો કોઈની લાગણી ને નુકશાન પહોચાડતા પહેલા કોઈને દુઃખના વંટોળમાં ધકેલતા પહેલા એક ક્ષણ પણ વિચાર નથી કરતાં કે આનુ પરિણામ શું આવશે? આટલી હદે બેફીકર રહેવા માટે પણ હિંમત ની જરૂર પડે સાહેબ ! પણ ઈશ્વર જ્યારે આપણા કરેલા કર્મોની સામે અરીસો મુકે અને એજ પરિસ્થિતિ આપણી સામે આવીને ઉભી રહે ત્યારે સમજાય કે પેલા વ્યક્તિ પર શું વીતી હશે?

આવું માત્ર પ્રેમમાં કે રીલેશનશીપમાં જ નહિ, પણ ઘણી જગ્યાએ થતું હોય છે. પછી એ વ્યાપાર હોય, વ્યવસાય હોય, ભણતર હોય કે ઘર હોય, આજે તો મિત્રતામાં પણ મિલાવટ થવા લાગી છે. ઘણી જગ્યા એ માણસ બીજા માણસ ને જ છેતરે છે અને ઘણી વખત તો અભિમાનથી લોકોને તેની વાર્તાઓ પણ સંભળાવે છે જાણે કોઈને બોધપાઠ આપી રહ્યા હોય.

પણ એની જગ્યા એ આપણે કોઈ નામ, સંજ્ઞા કે સંબંધ ધારણ કરતા પહેલા એક માણસની દ્રષ્ટીએ વિચારતા થઇએ તો?

એક છેતરામણ ના બદલામાં આપણને કેટલાં છેતરામણ ભોગવવા પડશે એ વિચારીએ તો?
પોતાનો નિજી સ્વાર્થ કદાચ છોડીએ, પણ કોઈની લાગણી ને સમજીને સંબંધ રાખતા કે તોડતા થઇ તો?
કદાચ જીવન જીવવાની આપણી શૈલીમાં ઘણો પરિવર્તન આવી જશે, ક્યારેક હૃદયના કોઈક ખૂણે ક્યાંક ખૂચતી અપરાધ કર્યાની લાગણી ઓછી થશે. વગર કારણે ઉદ્વિગ્ન રહેતું મન અને જીવન શાંત થશે.

એક વખત વિચાર જરૂર કરજો.

લેખક : A.J.Maker

મિત્રો હમેશા તમે જેવું કરો છો એવું જ પામો છો. શેર કરો આ વાર્તા તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી