બોમ્બે મસાલા ટોસ્ટ – બોમ્બે ચોપાટીની ફેમસ વાનગી બનાવો હવે તમારા ઘરે…

બોમ્બે મસાલા ટોસ્ટ

મુંબઇ જેમ એના ગ્લેમર અને ફેશન માટે બહુ જ પ્રખ્યાત છે એ એજ રીતે એના સ્ટ્રીટ-ફૂડ માટે પણ એટલું જ જાણીતું છે. મુંબઇ ના વડાપાવ , ભાજીપાવ, ભેળ , મસાલા ટોસ્ટ વેગેરે વાનગીઓ ખૂબ જ ફેમસ છે. જે તમને મુંબઇ ની દરેક ગલી માં જોવા મળશે.

આજે મુંબઇ ની લગભગ બધી જ જગ્યા એ મળતા મસાલા ટોસ્ટ ની રેસિપી હું લાવી છું . જેનો એક ચોક્કસ પ્રકાર નો ટેસ્ટ હોય છે અને લીલાં મસાલા થી બનેલી આ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી અને બનાવામાં સરળ છે..

બોમ્બે મસાલા ટોસ્ટ માટે ની સામગ્રી:-

  • 4-5 બાફેલા બટેટા નો માવો,
  • 1/2 કપ બાફેલા લીલા વટાણા,
  • 2 ઝીણી સમારેલી ડુંગળી,
  • 2-3 ઝીણા સમારેલાં મરચાં,
  • 1/2 ઝૂડી ઝીણી સમારેલી કોથમીર,
  • 1 ચમચી આદું મરચાં ની પેસ્ટ( આ ઓપ્શનલ છે),
  • 2 ચમચી તેલ,
  • 1 ચમચી જીરુ,
  • 1/4 ચમચી હળદર,
  • ચપટી હિંગ,
  • સ્વાદાનુસાર મીઠું.

સ્ટફિંગ બનાવાની રીત:-

સૌ પ્રથમ એક ગરમ કડાઈ માં તેલ લો. તેમાં જીરુ , હિંગ અને હળદર ઉમેરો. પછી ડુંગળી ઉમેરી ને સાંતળો. ડુંગળી થાય એટલે લીલા મરચાં, વટાણા ઉમેરી ને 1 મિનીટ માટે સાંતળો. ત્યારબાદ બટેટા નો માવો ,કોથમીર અને મીઠું ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી ને ગેસ બંધ કરી દો.

આ સ્ટફિંગ ના મસાલા માં લીલાં મરચાં ની જ તીખાશ હોય છે તો તમે તમને ગમતાં સ્વાદ મુજબ વધુ કે ઓછા ઉમેરી શકો છો.આ બટેટા નો માવો તમે આલુ પરાઠા બનાવા માટે પણ કરી શકો.

હવે સેન્ડવીચ ટોસ્ટ બનાવા માટે ની સામગ્રી:-

  • 1 બ્રેડ નું પેકેટ ( મેં ઘઉં ના લોટ ની બ્રેડ લીધી છે),
  • બટર,
  • કોથમીર ,મરચાં અને સિંગદાણા ની ચટણી,
  • ચાટ મસાલો,
  • ડુંગળી, ટામેટાં ની ગોળ સ્લાઈસ,
  • કેપ્સિકમ ની લાંબા કટ કરેલા,
  • ટામેટાં સોસ અને ચટણી સર્વ કરવા માટે,
  • ઝીણી સેવ ઉપર થી ગાર્નિશ કરવા માટે.

રીત:-

સૌ પ્રથમ બે બ્રેડ લો અને બંને સ્લાઈસ પર બટર લગાવો. હવે એક સ્લાઈસ પર બટર ઉપર ચટણી લગાવો.

અને તેના પર બટેટા નું બનાવેલું સ્ટફિંગ મુકો હવે થોડો ચાટ મસાલો છાંટો..

અને તેની ઉપર ફરી થી ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ની સ્લાઈસ ગોઠવો અને ફરી થી ચાટ મસાલો સ્પ્રિંકલ કરો. હવે બીજી બ્રેડ બટર લગાવેલી સાઈડ અંદર આવે તે રીતે ઉપર મુકો અને આ સેન્ડવીચ ને ટોસ્ટર માં માં ટોસ્ટ કરવા મુકો. બ્રાઉન જેવી થાય એટલે બહાર નીકાળી લો.મસાલા ટોસ્ટ ને સેવ થી ગાર્નિશ કરો . ચટણી અને સોસ સાથે ગરમાં ગરમ સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી એવા બોમ્બે મસાલા ટોસ્ટ ચોક્કસ થી ટ્રાય કરો.

નોંધ-

ચટણી લગાવતા પેહલા બ્રેડ પર બટર ચોક્કસ થી લગાવો જેથી બ્રેડ પોચી ના પડે.
તમે સ્ટફિંગ માં આમચૂર પણ ઉમેરી શકો છો.
કોથમીર વધુ ઉમેરવાથી સ્વાદ માં વધારો થાય છે.
ટોસ્ટ જ્યારે સર્વ કરવા હોય ત્યારે જ બનાવો. પછી પોચા થઈ જશે.
તમારી પાસે હાથા વાળું ટોસ્ટર હોય જેને ગેસ પર ગરમ કરવામાં આવે છે તો સ્વાદ વધુ સારો બનશે. ઓરિજલ એવી રીતે જ બનાવામાં આવે છે. મેં ઇલેકટ્રીક ટોસ્ટર માં બનાવી છે.

ટોસ્ટ કડક જ સારા લાગશે એટલે બરાબર થવા દેવા..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)