૨૬ જાન્યુઆરી ૨૦૦૦ મીલેનીયમ પ્રજાસત્તાક દિન – કુછ યાદેં…

પ્રજાસત્તાક દિનની ઉજવણીની સાથે આપણી બધાની યાદો જોડાયેલી છે. સ્કૂલમાં ધ્વજવંદનનો અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીનો આનંદ જ કઈં અનોખો હોય છે. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સૈનિકો માટે સદૈવ ખાસ રહી છે, ચાલો દેશના પાટનગરમાં વર્ષ 2000માં ઉજવવામાં આવેલા મિલેનિયમ પ્રજાસત્તાક દિનની ઉજવણીની યાદો માણીએ.

મુંબઈના નૌસેના મથક આઈએનએસ આંગ્રેમાં પશ્ચિમી નૌસેના કમાનના અલગ-અલગ યુદ્ધ જહાજોમાંથી આવેલા નૌસૈનિકોની રાજધાનીમાં યોજાનાર વાર્ષિક પ્રજાસત્તાક દિન પરેડ માટે પસંદગી કરવામાં આવી અને ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અમને નવી દિલ્હી ખાતે મોકલવામાં આવ્યા. જ્યાં ચાણક્યપૂરીના નૌસેના બેરેકસમાં નૌસેનાની ઇસ્ટર્ન નેવલ કમાંડ, સદર્ન નેવલ કમાંડ અને વેસ્ટર્ન નેવલ કમાંડ ત્રણેય મુખ્યાલયોથી પરેડ પાર્ટી અને સપોર્ટ સ્ટાફ એમ કરીને કુલ ચારસો જેટલા નૌસૈનિકોને ઉતારો આપવામાં આવ્યો હતો. 

નૌસેનાના સૌથી ખૂંખાર મનાતા, પરેડમાં પરફેક્શન અને શિસ્તબદ્ધતા માટે પંકાયેલા, ગનરી ઇનસ્ટ્રકટર પેટ્ટી ઓફિસર રતન ચંદ્ર દત્તા પર અમને પરેડ ટ્રેનીંગ આપવાની જવાબદારી હતી. દિલ્હીના નૌસેનાના પરેડગ્રાઉન્ડ પર દત્તા સરના આદેશો ઉંચે સાદે છૂટી રહ્યા હતા. “પેટ અંદર, સીના બાહર, કોહની ઔર ઘુટને સીધે, અપની એડી પર માર્ચ કરો, જવાન!” પ્રેક્ટીસના પહેલા જ દિવસે આ લખનાર અને મિત્રોએ પરેડ કરતાં-કરતાં મસ્તી અને વાતચીત શરૂ કરી દીધી. દત્તા સર થોડા દૂર હતા એટલે અમને એમ કે તેમનું ધ્યાન નહીં હોય. પણ, બીજી જ મીનીટે દત્તા સરના પ્રચંડ અવાજમાં ઓર્ડર છૂટ્યો, “દાહિનેસે પહલી તીન લાઈન કે જવાન ‘ફોલ આઉટ’, રાઈફલ સર કે ઉપર, પરેડ ગ્રાઉન્ડ કે દસ રાઉન્ડ, કેરી ઓન.” હું દબાયેલા સ્વરે બોલ્યો “ઇસને બતાયા દસ રાઉન્ડ, મગર યે નહીં બોલા કી, અંદર સે યા બાહર સે?

મશ્કરી અઘરી પડી ગઈ, પેટ્ટી ઓફિસર દત્તાના સરવા કાને મારા શબ્દો પડી ગયા. ફરી ઓર્ડર વછુટ્યો, “દસ રાઉન્ડ પરેડ ગ્રાઉન્ડ કે બાહર સે” બે અઢી કિલોમીટરમાં પતી જનારું પનીશમેન્ટ પાંચ કિલોમીટરે પહોંચ્યું અને તોફાની ટોળકીના મારા આઠ સાથીદારોએ મને પૂરો સમય જે નજરથી જોયો છે! બસ, તે દિવસથી પરેડ ગ્રાઉન્ડનું ‘મીલીટરી ડીસીપ્લીન’ અમે નૌસૈનિકોએ શીખી લીધું અને પછીના, ત્રણ મહિના સુધી રોજ દિલ્હીની કડકડતી શિયાળુ ઠંડીમાં વહેલી સવારના પાંચ વાગ્યાથી લઇને સતત છ કલાક પરફેક્ટ માર્ચ પાસ્ટની પ્રેક્ટીસ કરી.

૨૬ જાન્યુઆરી ૨૦૦૦ ના દિવસનો તેજોમય સૂર્ય પ્રજાસત્તાક ભારતની સુવર્ણજયંતીની આન બાન અને શાન વધારી રહ્યો હતો. આતંકી હુમલાની શક્યતા જોતાં દેશની રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા ચાકચૌબંદ કરી દેવામાં આવી હતી. સમગ્ર દિલ્હી શહેરને ૬૦૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓએ મળીને કિલ્લેબંધ કરી લીધું હતું. ‘ગુરુજી’ રતન ચંદ્ર દત્તાની લોખંડી સૈન્યશિસ્તમાં ત્રણ મહિનાની સખત તાલીમ બાદ તૈયાર થનાર નૌસેનાના અમારા કન્ટીન્જન્ટની પરેડમાં યુદ્ધ વિજયી રાષ્ટ્રના સૈનિકોનો સ્વેગ જોવા મળી રહ્યો હતો. ૨૫ જાન્યુઆરીની સાંજે પડેલા વરસાદે ઠંડીમાં વધારો કરી દીધો હતો. ૨૬ જાન્યુઆરી ૨૦૦૦ની સવારે સાત કલાકે હાથમાં એસએલઆર રાયફલો લઇને મહિનાઓના પોલિશિંગ બાદ અરીસા જેવા ચકચકિત ડ્રીલ બૂટમાં અને નૌસેનાના ડ્રેસ નં.૧ ‘કાળા સૂટ’માં સજ્જ અમે દેશદાઝમાં તરબોળ હતા. બરોબર સાડા આઠ વાગ્યે ‘ભારત માતા કી જય’ ભારતીય નૌસેનાકી જય’ના નારાઓ પ્રચંડ સ્વરે લગાવ્યા બાદ પરેડ કમાન્ડરનો આદેશ છૂટ્યો ‘રિપબ્લિક ડે નેવી કન્ટીન્જન્ટ પ્લાટુન બાંયે સે તેઝ ચલ’. 

ભારતને પ્રજાસત્તાક બન્યે વર્ષ ૨૦૦૦માં પચાસ વર્ષો પુરા થયા હતા. અમારું સૈન્ય સેવામાં હજી ત્રીજું જ વર્ષ હતું. ઇન્ફેન્ટ્રીના વીર જવાનો, આર્ટીલરીના અચૂક નિશાનેબાજ ગનર્સ અને વાયુસેનાના એક્સપર્ટ ફાઈટર પાયલટોની બદૌલત ભારતે કારગીલમાંથી ઘુસણખોરોને મારી હઠાવ્યા, તેને હજી છ મહિના જ પૂરા થયા હતા. પ્રજાસત્તાક દિનની ઉજવણીની ઝાંખીઓ પર પણ કારગીલ યુદ્ધ વિજયની છાંટ સ્પષ્ટપણે વર્તાઈ રહી હતી. ભારતના રાષ્ટ્રપતિ ડો. કે આર નારાયણનના હસ્તે કારગીલ યુદ્ધ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર ચાર વિરલાઓ, શહીદ કેપ્ટન મનોજકુમાર પાંડે, શહીદ કેપ્ટન વિક્રમ બત્રાને મરણોપરાંત તથા રાયફલમેન સંજયકુમાર અને ગ્રેનેડીયર યોગેન્દ્રસિંહ યાદવને દેશનો યુદ્ધ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર અને શહીદ મેજર સુધીર કુમાર વાલિયાને મરણોપરાંત અશોકચક્ર એનાયત થનાર હતો.

ભારતીય પ્રજાસત્તાકની સુવર્ણજયંતિની ઉજવણીની શરૂઆતમાં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી. પ્રધાનમંત્રીની ગાડી રાજપથ પર ડાયસ પાસે ઉભી રહી, તેમાંથી ઉતરીને વાજપેયીજી રાષ્ટ્રપતિના આવવાની રાહ જોઈ રહ્યા. થોડી જ વારમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણન ૪૮ માઉન્ટેડ બોડીગાર્ડ્સ(ઘોડેસવારો)ના દળ સાથે તેમની કાળી મર્સિડીઝમાં આવી પહોંચ્યા.  

રાષ્ટ્રપતિ દ્વારા ચાર પરમવીર ચક્ર અને એક અશોકચક્ર એનાયત કરાયા બાદ તુરંત રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું અને રાષ્ટ્રપતિ તથા રાષ્ટ્રધ્વજને ૨૧ તોપોની સલામી આપવામાં આવી. મીલેનીયમ પ્રજાસતાક દિનની પરેડનો પ્રથમ કન્ટીન્જન્ટ રાષ્ટ્રપતિના ડાયસ સુધી પહોંચે તેની ક્ષણો પહેલા ચાર એમઆઈ-૮ હેલીકોપ્ટરો પ્રેક્ષકો પર ગુલાબના ફૂલોની પાંખડીઓ વરસાવતા પસાર થયા. સૌથી આગળ રહેલા હેલીકોપ્ટરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ, પછી એક લાઈનમાં ઉડી રહેલા ત્રણ હેલીકોપ્ટરોમાં ત્રણેય સેનાઓ આર્મી, નેવી અને એરફોર્સના ફ્લેગ લાગેલા હતા.

પરેડ કમાન્ડર જીઓસી દિલ્હી મેજર જનરલ સુરીન્દર કુમાર અવસ્થીની કમાન હેઠળ પરેડ શરૂ થઇ. તેમની પાછળ ભારતીય સેનાનું ઘુડસવાર દળ, ૬૧ કેવેલરી, પછી આર્મી સપ્લાય કોરના જવાનોનો ઘુડસવાર કન્ટીન્જન્ટ ગર્વભેર રાષ્ટ્રપતિને સલામી આપતો પસાર થયો. ઘુડસવાર દળ બાદ વારો હતો મીકેનાઈઝડ દળોનો. ૪૩ આર્મડ રેજીમેન્ટ મુખ્ય બેટલ ટેંક અર્જુનમાં પસાર થઇ.

હવે પરેડ ફલક પરથી આર્ટીલરીના ‘યુદ્ધ વિજયી’ અચૂક નિશાનેબાજ ગનર્સ કારગીલના રેરીફાઈડ વાતાવરણમાં 48 કિમી સુધી અસરકારક માર્ક ક્ષમતાનું પ્રદર્શન કરનાર, દુશ્મનો પર ત્રણ જ મહિનામાં કુલ અઢી લાખથી વધુ ગોળા વરસાવી કાળોકેર મચાવનાર, ૧૫૫ મીમી ફિલ્ડ હોવીત્ઝર ૭૭બી (ટૂંકું નામ બોફોર્સ તોપ) લઇને પસાર થયા. ત્યારબાદ વારો હતો બે મહાકાય ટ્રકો પર ફીટ કરાયેલી સ્વદેશી બનાવટની પૃથ્વી મિસાઈલો તેમજ તુંન્ગુશ્કા એર ડીફેન્સ વેપન્સ સીસ્ટમ સાથે આર્મીની એડીએ (એર ડીફેન્સ આર્ટીલરી રેજીમેન્ટ)નો.

હવે પરેડમાં આવી રહી હતી તેમના શસ્ત્ર સરંજામ સમેત આર્મીની એન્જીનીયર્સ રેજીમેન્ટ, સિગ્નલ રેજીમેન્ટ અને મીકેનાઈઝડ ઇન્ફેન્ટ્રી. લોકોની ચિચિયારીઓ અને જયઘોષ વચ્ચે મરુન બેરેટમાં બુકાનીધારી અને ‘બલિદાન’ બેજ પહેરેલા શસ્ત્રસજ્જ અને સ્પેશ્યલ ઇક્વિપમેન્ટ પહેરેલા પેરા સ્પેશ્યલ ફોર્સેઝના કમાન્ડોઝ પ્રત્યેક ‘દૌડકે ચલ’ સ્ટેપ્સમાં ઘૂંટણ છાતી સુધી ઉપર ઉછળીને ધરતી ધ્રુજાવતા પસાર થયા.

ગ્રેનેડીયર્સ રેજીમેન્ટની અગુવાઈ, ઓપરેશન ટાઈગર હિલમાં દેશનો યુદ્ધ સમયનો બીજા નંબરનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મહાવીર ચક્ર જીતેલા ૧૮ ગ્રેનેડીયરના કેપ્ટન બલવાન સિંહ કરી રહ્યા હતા. કારગીલ યુદ્ધના બીજા એક હીરો મહાવીર ચક્ર વિજેતા મેજર સોનમ વાંગચુક લદ્દાખ સ્કાઉટ્સના કન્ટીન્જન્ટને લીડ કરી રહ્યા હતા.

આર્મીના કન્ટીન્જન્ટના અંતમાં કારગીલના પર્વતો પર દુશ્મનો પર હુમલો કરવા સજ્જ ભારતીય જવાનોને દર્શાવતી ભારતીય સેનાની ‘કારગીલ વિજય’ ઝાંખી રાજપથ પર પ્રેક્ષકો દ્વારા સ્વયંભુ કરાઈ રહેલા ‘ભારત માતાકી જય’ના ઘોષ સાથે પસાર થઇ હતી.

પ્રજાસત્તાક દિનના આર્મી અને એરફોર્સના કન્ટીજન્ટોની ખાસિયત રહી કે તેમાં મુખ્યત્વે કારગીલ યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવનાર શસ્ત્રો અને વીરતાનું પ્રદર્શન કરી મેડલ જીતનાર અધિકારીઓ તેમની રેજીમેન્ટના કન્ટીજન્ટની આગેવાની લેતા જોવા મળ્યા.

પ્રજાસત્તાક દિન પરેડમાં ભારતીય નૌસેનાના સામાન્યતઃ બે કન્ટીજન્ટ ભાગ લેતા હોય છે. વર્ષ ૨૦૦૦ના પ્રજાસત્તાક દિનની પરેડને ‘મીલેનીયમ પરેડ’ તરીકે ઉજવવામાં આવી રહી હતી માટે નૌસેના તરફથી આજદિન સુધી પડદા પાછળ રાખવામાં આવેલ સિક્રેટ બળ ‘મરીન કમાન્ડો ફોર્સ’ને જાહેર કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું. સૌપ્રથમવાર ૯x૯ માર્કોસ મળીને કુલ ૮૧ મરીન કમાન્ડોઝનો ‘માર્કોસ કન્ટીજન્ટ’ પરેડમાં ઉતારવામાં આવ્યો. આ લખનારના બેચમેટ સુધીર કુમાર સ્વેઈન આ માર્કોસ કન્ટીજન્ટનો હિસ્સો હતા. આ લખનારને અને સુધીરને આજે પણ પબ્લિક એનાઉન્સર દ્વારા માર્કોસ કન્ટીજન્ટ વિષે જાહેરાત થતાવેંત ચોતરફ ગુંજી ઉઠેલા ભારત માતા કી જયનો નાદ, હર્ષની ચિચિયારીઓ અને તાળીઓનો ગડગડાટ યાદ છે.

રાષ્ટ્રપતિ ભવન પાસે આવેલા રાયસીના હિલ્સથી લઇને રાજપથ પરથી ઇન્ડિયા ગેટ થઇને લાલ કિલ્લા સુધીના ૧૪ કિમી લાંબા મુખ્ય પરેડ રૂટ ઉપર, નૌસેનાનો ૧૪૪ નૌસૈનિકોનો એક કન્ટીજન્ટ જેમાં જમણી બાજુના માર્કર તરીકે આ લખનાર ‘કદમ કદમ બઢાયે’ જઈ રહ્યો હતો. વચ્ચે, નૌસેનાનું વિશ્વ પ્રસિદ્ધ બેન્ડ તેની અનુઠી ધૂનો બજાવતું કૂચ કરી રહ્યું હતું. જેના ડ્રમર્સના તાલે અમારા કન્ટીજન્ટ(પ્લાટુન) પરેડ કરી રહ્યા હતા. નૌસેનાના પ્લાટુનોમાં ત્રીજા નંબરે માર્કોસ કન્ટીજન્ટ પરેડની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. માર્કોસ કન્ટીજન્ટની પ્રથમ લાઈનના કમાન્ડોઝ હાથમાં ક્રોસ-બો નામનું શસ્ત્ર, તેના પછીની ચાર લાઈનોના હાથમાં એમપી ફાઈવ અસોલ્ટ રાયફલ અને છેલ્લી ચાર લાઈન એકે -૪૭ રાયફલો લઇને માર્ચ કરી રહી હતી. 

અમારી પછી ‘ટાયગર હિલ’ નામક નવી ધૂન બજાવતું ભારતીય વાયુસેનાનું બેન્ડ અને વાયુસેનાનો એક કન્ટીજન્ટ, ત્યારબાદ એમઆઈ ૧૭ હેલીકોપ્ટર, મીગ-૨૧વિમાન, મીગ ૨૭ અને છેલ્લે મિરાજ ૨૦૦૦ વિમાને એક પછી એક ટ્રક પર સવાર થઇને લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે રાજપથ પર આગેકૂચ કરી.

ત્યારબાદ, અગ્નિ -૨ મિસાઈલ અને તેની પાછળ પેરા મીલીટરી, પોલીસ ફોર્સ અને એનસીસીના કન્ટીન્જન્ટ પસાર થયા બાદ દેશના વિવિધ રાજ્યો અને સરકારી વિભાગોની ઝાંખીઓ એ ભવિષ્યના ભારતનું અને પ્રાદેશિક સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું. દિલ્હી અને જમ્મુ કાશ્મીરની ઝાંખીએ કારગીલ યુદ્ધના શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપી. હવે દેશની સંસ્કૃતિ તથા અનેકતામાં એકતાનું સુંદર દર્શન કરાવતા બાળકો પસાર થયા.

પરેડનું પરંપરાગત સમાપન ભારતીય વાયુસેનાના ફ્લાય પાસ્ટ દ્વારા થવાનું હતું. સૌપ્રથમ વાયુસેનાનું ‘ગજરાજ તરીકે ઓળખાતું આઈએલ -૭૬ હવાઈ જહાજ બે એએન-૩૨ અને બે ડોર્નિયર વિમાનો સાથે ઉપરથી પસાર થયું. ‘વી’ ફોર વિકટરીની વિજયી મુદ્રા બનાવતા વાયુસેનાના સુખોઈ-૩૦ વિમાનો, ડાયસ પર હવામાં લહેરાઈ રહેલા ભારતના રાષ્ટ્રધ્વજ અને દેશના બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ શ્રી. કે આર નારાયણનને સાંકેતિક સેલ્યુટ કરતાં અવાજની ઝડપે, કેવળ ૪૦૦ મીટર ઉપરથી પસાર થયા. વી ફોર્મેશનની ટીપ પર રહેલા સ્કવોડ્રન લીડર નિર્મલ સિંહ જામવાલના વિમાને ફોર્મેશન તોડી અને રાષ્ટ્રપતિની બરોબર ઉપરથી હવાઈ કલાબાજી દેખાડતા સીધી આકાશ તરફ ઉડાન ભરી જેને લોકોએ ચિચિયારીઓથી વધાવી લીધી.

સૈન્ય બેન્ડ દ્વારા ફરી એકવાર રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું અને રાષ્ટ્રપતિએ તેમના પ્રેસીડેન્શીયલ બોડીગાર્ડ્સ સાથે વિદાય લીધી. મીલેનીયમ પ્રજાસતાક દિન પરેડનું સમાપન થયું. ૨૯ જાન્યુઆરીના રોજ જબરદસ્ત મ્યુઝીકલ કન્સર્ટ ‘બીટિંગ ધ રીટ્રીટ’ યોજાઈ અને સૈન્યની પરમ્પરા મુજબ રાષ્ટ્રપતિના આદેશથી ત્રણેય સેનાઓએ ૫૧ મા પ્રજાસતાક દિનની ભવ્યતમ ઉજવણીઓ પશ્ચાત ‘રીટ્રીટ’ કર્યું અને જવાનો પોતપોતાના યુનિટ્સમાં પાછા ફર્યા.

ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના કન્ટીજન્ટને બેસ્ટ માર્ચીંગ કન્ટીજન્ટનો એવોર્ડ અને ગોવાની ઝાંખીને બેસ્ટ ઝાંખીનો એવોર્ડ આપવામાં આવ્યો. નૌસેનાની ૪૦૦ નૌસૈનિકોની ટીમને, જબરદસ્ત પરેડ પ્રદર્શન બાદ ચાર દિવસની કેઝ્યુઅલ લીવ પર ઘરે જવા મળ્યું તેનો આનંદ કંઇક ઔર જ હતો.

જય હિન્દ

લેખક ભારતીય નૌસેનાના નિવૃત અધિકારી છે.