200 વ્યક્તિઓની ટીમ સાથે 18 કરોડ રૂપિયાનો ખર્ચ કરી બનાવી ગુજરાતની ધરતીને હરિયાળી, સાથે કરે છે અનેક સદ્કાર્ય…

પડધરી તાલુકાના ફતેપુર નામના નાના એવા ગામના વતની વિજયભાઈ ડોબરિયાને 5 વર્ષ પહેલા એક એવો વિચાર આવ્યો કે મારે માત્ર મારા માટે જ નથી જીવવું પણ અન્ય લોકોને ઉપયોગી થાય અને સમાજને કંઇક આપી શકાય એવું જીવન જીવવું છે.

પોતાની અંગત બચતમાંથી 7 લાખ સેવા માટે જુદા કાઢ્યા અને મિત્રોનો અભિપ્રાય મેળવ્યો કે આ 7 લાખમાંથી હું એવું કયું સમાજસેવાનું કામ કરું જે લોકોને ઉપયોગી થાય. મિત્રોના સુચનોના આધારે વૃક્ષારોપણ અને વૃક્ષઉછેરનું સેવાકાર્ય કરવાનું નક્કી થયું. પોતાના જ ગામમાં 1000 જેટલા વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ કર્યો.

નાના છોડને મોટા થયેલા જોઈને હૈયું હરખાયું. એક અનોખા આનંદની અનુભૂતિ થઇ. વિજયભાઈએ હવે સંકલ્પ કર્યો કે ધરતીને હરિયાળી કરવાનું સેવા કાર્ય કરવું છે. એમના બિઝનેશ પાર્ટનરને કહીને પોતાના ભાગે આવતી મિલ્કતનો હિસ્સો રોકડમાં લઇ લીધો. ભાગમાં આવેલી આ બધી જ રકમ વૃક્ષના વાવેતર અને ઉછેર માટે સમર્પિત કરી દીધી.

માત્ર 37 વર્ષની ઉંમરના આ યુવાન પાસે આજે પોતાની સામાન્ય નાની કાર છે અને એક નાનું મકાન છે પણ પોતાના પરિવારના સુખનો વિચાર બાજુએ મુકીને એ ધરતી માતાને હરિયાળી કરવાના કાર્યમાં લાગી ગયા છે.

મિત્રો, તમને જાણીને આશ્વર્ય થશે કે આ માણસે પોતાની આર્થિક સેવા અને લોકો પાસેથી મળતા સહયોગથી છેલ્લા 5 વર્ષમાં 3લાખ અને 20 હજાર વૃક્ષો વાવીને ઉછેર્યા છે. આ માટે કૂલ 18 કરોડથી વધારે ખર્ચો કર્યો છે. વૃક્ષારોપણ માટે એમણે 200 માણસોની ટીમ બનાવી છે જેને પગાર પેટે મહિને 28 લાખ જેવી રકમ પણ ખર્ચે છે.

આ 18 કરોડમાંથી 90% થી વધુ દાન નાના નાના દાતાઓએ 500 રૂપિયા જેવી સામાન્ય રકમથી પૂરું પાડ્યું છે. આ વર્ષે એમનું બજેટ 10 કરોડની આસપાસનું છે. વિજયભાઈના નિસ્વાર્થ કાર્યને જોઈને લોકોનો પણ અનેરો સહયોગ મળતો જાય છે. વિજયભાઈનો સંકલ્પ છે કે મારે આખા ગુજરાતને હરિયાળું કરવું છે.

વિજયભાઈ આ વૃક્ષારોપણના કાર્ય ઉપરાંત રાજકોટમાં વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે. 3 સ્ટાર હોટલને પણ ઝાંખી પાડે એવા વૃદ્ધાશ્રમમાં 175થી વધુ વૃદ્ધોની સેવા કરે છે. જેના પરિવારમાં સાચવનાર કોઈ ના હોય અને જેની પાસે જીવવા માટેનો કોઈ આધાર ના હોય એવા વૃધ્ધોને કોઈ જાતના ચાર્જ વગર આદર સાથે સાચવવામાં આવે છે.

સુખી સંપન્ન પરિવારમાં વડીલોને જે સુવિધા ન મળતી હોય એવી સુવિધા વિજયભાઈએ આ વડીલો માટે ઉભી કરી છે. અત્યંત કંગાળ અવસ્થામાં લાચારી ભર્યું જીવન જીવતા વડીલોને શોધી શોધીને ખુમારી પૂર્વક જીવી શકે એવી વ્યવસ્થા ઉભી કરી છે.

ભગવાને આપણને જરૂરિયાત કરતા પણ અનેકગણું વધુ આપ્યું હોવા છતાં બીજાનું પડાવી લેવાના કાવાદાવા કરીએ છીએ ત્યારે શ્રી વિજયભાઈ જેવા યુવાન ગાંઠનું ગોપીચંદન ખર્ચીને સમાજસેવાનો અનોખો યજ્ઞ ચલાવી રહ્યા છે.

લેખક : શૈલેષ સગપરીયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ