જલ્સા કરોને જેંતીલાલ

૧૫ વર્ષના વિરહ બાદ સોસિયલ મિડીયાથી પ્રેમી પંખીડાનું પુનઃમિલન થયુ…

સુર્યોદય થવાની તૈયારી છે અને આકાશ પણ રંગબેરંગી લાગી રહ્યુ છે. પક્ષીઓ પણ મુક્ત ગગનમાં વિહાર કરી રહ્યા છે. રસ્તા પર એકલ દોકલ વ્યક્તિઓ જ નજરે પડી રહી છે. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો આતિષ હજુ પણ અગાસી પર જ આરામ ફરમાવી રહ્યો છે. કોલેજ પહોચવાના અડધો કલાક પહેલા આતિષ અચાનક ઉંઘમાંથી જાગી જાય છે અને ફટાફટ કોલેજ જવા માટે તૈયાર થઇ જાય છે. મોડુ થઇ ગયુ હોવાથી આતિષ નાસ્તો કર્યા વગર કોલેજ જવા માટે નિકળી જાય છે. રસ્તા પર ચાલતા ચાલતા ફિલ્મી ગીતો ગાતા ગાતા આતિષ કોલેજ પહોચે છે અને કોલેજ કેમ્પસમાં મિત્રો સાથે થોડી વાર ઉભો રહીને ક્લાસરૂમમાં પહોચી જાય છે.


થોડાવારમાં જ પ્રોફેસર આવીને ભણાવવાનું શરૂ કરે છે પણ આતિષનું મન ક્લાસમાં લાગતુ નથી. એ તો ચારે બાજુ ક્લાસરૂમમાં નજર દોડાવીને કોઇને શોધી રહ્યો હોય છે. ક્લાસરૂમમાં મોટા ભાગના યુવક યુવતિઓ આવી ગયા છે પરંતુ આતિષ જેને શોધે છે એ રક્ષા હજુ આવી નથી. પહેલો પિરીયડ પુરો થઇ જાય છે પરંતુ રક્ષા કોલેજ ન પહોચતા આતિષ થોડો વ્યાકુળ બની જાય છે. બીજો પિરીયડ શરૂ થાય તે પહેલા આતિષ રક્ષાની મિત્ર પાસે જાય છે અને પુછે છે કે રક્ષા હજુ કેમ કોલેજ આવી નથી. પરંતુ તેની મિત્રને પણ ખબર નથી હોતી કે રક્ષા કેમ કોલેજ આવી નથી. એટલામાં તો બીજો પિરીયડ શરૂ થઇ જાય છે અને સાથે આતિષ થોડો નિરાશ પણ થઇ જાય છે કેમ કે આજે તેને હજુ સુધી રક્ષા જોવા મળી ન હતી.


પ્રોફેસર ભણાવવાનું શરૂ કરે છે ત્યાં જ ક્લાસરૂમના દરવાજા બહારથી એક યુવતીનો અવાજ સંભળાય છે. મે આઇ કમ ઇન સર? અવાજ સાંભળતા જ આ આતિષનો ચહેરો ખીલી ઉઠે છે. મન પ્રફુલ્લીત થઇ જાય છે. આંખોમાં રોશની જોવા મળે છે. રક્ષા ક્લાસમાં આવે છે. બીજો પિરીયડ પુરો થયા પછી પ્રોફેસર વિદ્યાર્થીઓને જણાવે છે કે આપણે આવતા અઠવાડીયમાં એનએસએસ કેમ્પમાં જવાનું છે. તેના માટેનું સ્થાન પણ નક્કી થઇ ગયુ છે. આપણા તાલુકાના નજીકના ગામમાં જ આપણે જવાનું છે અને ત્યાં જ આપણે સૌ સાથે મળીને રહીશુ તથા વિવિધ પ્રવૃતિઓ પણ કરીશુ. આ સાંભળતા જ કોલેજના વિદ્યાર્થીઓ ખુશ થઇ જાય છે. તેમા પણ આતિષ અને રક્ષા સવિશેષ ખુશ થાય છે.

કોલજના વિદ્યાર્થીઓ એનએસએસ કેમ્પની તૈયારીઓમાં લાગી જાય છે અને કેમ્પમાં કેવા પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવશે તેનું આયોજન પણ બનાવે છે. વહેલી સવારે કોલેજથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો નક્કી કરેલા ગામમાં પહોચે છે અને ગામની પ્રાથમિક શાળામાં પહોચે છે. શાળામાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ માટે અલગ રૂમની તથા રસોડાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાનો સામાન રૂમમાં મુકે છે અને સીધા પ્રાર્થના ખંડમાં પહોચીને શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રાર્થના કરીને એનએસએસ કેમ્પનો શુભારંભ કરે છે.


પ્રથમ દિવસે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક શાળાની સફાઇ તથા ગામના મંદિરોની સફાઇ કરવામાં આવે છે. રાત્રે પણ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવે છે, જેને ગ્રામજનો મૌજથી માણે છે. રાત્રે ૧૧ વાગ્યા પછી વિદ્યાર્થીઓ આરામ કરવા માટે જાય છે. વહેલી સવારે ગામમાં પ્રભાત ફેરી કાઢવાની હોવાથી વિદ્યાર્થીઓ તરત જ સુઇ જાય છે અને વહેલા ઉઠી જાય છે. જે વિદ્યાર્થીઓ હજુ પણ સુતા છે તેમને જગાડીને પ્રભાત ફેરીની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. હજુ પણ ગામના લોકો સુતા જ હોય છે અને અંધારુ પણ છે. પ્રાથમિક શાળા પાસે આવેલા મંદિરથી ગામમાં પ્રભાત ફેરીનો પ્રારંભ કરવામાં આવે છે. રક્ષા અને આતિષ પણ પ્રભાત ફેરીમાં બધા વિદ્યાર્થીઓની સાથે જોડાય છે.


પ્રભાત ફેરી હજુ તો થોડી આગળ પહોચે છે ત્યાં જ અંધારાના કારણે રસ્તામાં પથ્થર પગમાં આવવાના લીધે રક્ષા પડી જાય છે. પ્રભાત ફેરી ત્યા જ રોકાઇ જાય છે. બધા વિદ્યાર્થીઓ રક્ષાને પુછે છે કે તને બહુ વાગ્યુ તો નથી ને? એક વિદ્યાર્થીએ કહ્યુ કે ચાલો આપણે રક્ષાને દવાખાને લઇ જઇએ. પરંતુ આટલી વહેલી સવારમાં ગામડામાં કોઇ દવાખાનુ ખુલ્યુ ન હોઇ તેથી બધા મુંઝવણમાં મુકાઇ જાય છે. આતિષે રક્ષાનો પગ જોઇને કહ્યુ કે બહુ વધારે નથી વાગ્યુ લાગતુ તમે બધા પ્રભાત ફેરીમાં આગળ વધો હું રક્ષાનું ધ્યાન રાખુ છું. બધા પ્રભાત ફેરીમાં જાય છે અને આતિષ રક્ષાને લઇને રસોડામાં પહોચી જાય છે. રક્ષાને તે ખુરશીમાં બેસાડે છે અને પાણી પીવડાવે છે.


રક્ષા તું થોડીવાર શાંતિથી અહી જ બેસ હું આવુ છું તેમ કહીને આતિષ ત્યાથી જતો રહે છે. આતિષ હળદર મીઠુ ગરમ કરીને લઇ આવે છે અને રક્ષાને જ્યાં વાગ્યુ હોય છે ત્યાં હળદર મીઠાનો લેપ લગાડે છે. આતિષના પ્રેમાળ હાથનો સ્પર્શ થતા રક્ષાના મનમાં પ્રેમ અંકુરીત થાય છે અને તે આતિષને પ્રેમ કરવા લાગે છે. એનએસએસ કેમ્પમાં કરવામાં આવતિ વિવિધ પ્રવૃતિઓમાં આતિષની સાથે રક્ષા પણ ઉત્સાહભેર ભાગ લે છે. એક અઠવાડીયુ પુરૂ થતા એનએસએસ કેમ્પ પુર્ણ કરીને કેમ્પની યાદો સાથે વિદ્યાર્થીઓ પરત ફરે છે.

કોલેજમાં આવીને વિદ્યાર્થીઓ એનએસએસ કેમ્પનું અનુભવ કથન કરે છે અને કેમ્પ દરમ્યાન કરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓ વિશે જણાવે છે. પરંતુ કોલેજના એક વિદ્યાર્થીથી આતિષ અને રક્ષાનો પ્રેમ જોઇ શકાતો નથી. તે આતિષ અને રક્ષાની સતત ઇર્ષા કર્યા કરે છે. હજુ સુધી આતિષે રક્ષાને કે રક્ષાએ આતિષને પ્રેમની વાત કરી નથી. કોલેજમાં થોડા દિવસો આમને આમ પસાર થાય છે અને રક્ષા આતિષને કહે છે કે હું તને ચાહું છું. ત્યાં તો આતિષ પણ ખુશ થઇને જણાવે છે કે હું પણ તને ચાહું છું. પણ તને જણાવવામાં મે મોડુ કરી દીધુ. આ રીતે આતિષ અને રક્ષા બન્ને પ્રેમનો એકરાર કરે છે અને કોલેજમાં પ્રેમથી, મસ્તીથી મૌજ માણી રહ્યા હોય છે. હજુ તો પ્રેમ શરૂ થયાને થોડા દિવસો જ થયા હોય છે ત્યાં પ્રેમી પંખીડાઓને કોઇની નજર લાગી ગઇ હોય તેવી ઘટના બને છે. આતિષ પણ સ્તબ્ધ થઇ જાય છે. તેની આંખે ચારેબાજુ બસ રક્ષાને જ શોધ્યા કરે છે પણ રક્ષા ક્યાંય નજરમાં આવતી નથી.


પંદર દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં રક્ષા કોલેજમાં ન આવતા આતિષ અતિ વ્યાકુળ બની જાય છે અને રક્ષાની શોધખોળ શરૂ કરે છે. એટલામાં જ આતિષને આઘાતજનક સમાચાર જાણવા મળે છે કે રક્ષાના પિતાએ તેના લગ્ન કરાવી દીધા છે. આતિષ આ આઘાત સહન નથી કરી શકતો અને મૌન બની જાય છે. હવે શુ કરવું તે કઇ સમજી શકતો નથી. આતિષ તેના પ્રેમ વિશે કોઇને કહિ પણ નથી શકતો. આતિષ બસ રક્ષાની યાદો સાથે જીવે છે અને આજ રીતે રક્ષાની યાદમાં ૧૫ વર્ષ જેટલો સમય વિતી જાય છે. તે સતત રક્ષાને શોધ્યા કરે છે પરંતુ વર્ષો સુધી તે રક્ષાનો કોઇ સંપર્ક કરી શકતો નથી.


૧૫ વર્ષના વિરહ બાદ ફરીથી એક દિવસ આતિષનો ચહેરો ખીલી ઉઠે છે, મન પ્રફુલ્લીત થઇ જાય છે અને ખુશીમાં નાચવા પણ લાગે છે. કેમ કે આજે વર્ષો પછી રક્ષા આતિષનો સોસિયલ મિડીયા દ્વારા સંપર્ક કરે છે. આતિષ અને રક્ષા પુનઃમિલનથી ખુશ થઇ જાય છે. પરંતુ રક્ષા એક સમાચાર સાંભળીને દુઃખી થઇ જાય છે. આતિષને થોડા દિવસો પહેલા જ એક બિમારી થઇ હોવાની જાણ થાય છે અને તે દુઃખી થઇ જાય છે. સ્થાનિક તબીબો પાસે સારવાર કરાવ્યા પછી આતિષ વધુ સારવાર માટે અમદાવાદના જાણીતા તબીબીને ત્યાં પહોચે છે ત્યાં તો રક્ષા પણ પોતાની વૈભવી કાર લઇને આવી જાય છે અને આતિષની સાથે ખભે ખભો મિલાવીને હિમ્મત આપે છે તથા સારવાર કરાવે છે.

આતિષને જ્યારે ખરેખર હુંફની જરૂર હોય છે ત્યારે જ રક્ષા તેની સાથે ઉભી રહે છે. આતિષ રક્ષાનો પ્રેમ ફરીથી વસંતની જેમ ખીલી ઉઠે છે. રક્ષાના લગ્ન થઇ ગયા હોવાથી મર્યાદામાં રહીને આતિષ અને રક્ષા એકબીજાને અનહદ પ્રેમ આપી રહ્યા છે અને સોસિયલ મિડીયાના માધ્યમથી સતત સંવાદ કરી રહ્યા છે. (સત્ય ઘટના પર આધારીત. પાત્રોના નામ બદલેલ છે)

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version