૧૨ વર્ષ સુધી પોતાના દિકરા અને પત્નીથી દુર રહેવું પડ્યું હતું, આ એક સત્ય હકીકત બનેલી છે…

કાવ્યા અને મનોજ ના લગ્નને આજે 2 વર્ષ થયા બહુ ખુશ છે બંને. આજે કાવ્યાને મનોજ સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનો છે પણ ત્યાંજ કાવ્યા કહે છે મનોજ…આજે હું તને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપું છું એ તારા જીવન ને ખુશી થી ભરી દેશે અને મનોજ કહે જલ્દી કહે મારે પણ તને ગિફ્ટ આપવી છે ……પણ સાંભળતો ખરો હું કહું તે….અને કાવ્યા એને પોતાની નજીક લાવી કહે છે મારા વાહલા તમે પપ્પા બનવાના છો.

અને આ વાત મેં તમને સરપ્રાઈઝ માટે જ ના કહી કારણ આજના દિવસે કહું તો તું ખુશ થાય અને મનોજ કાવ્યને એક આલિગન આપી કહે છે થેંક્યુ માય ડાર્લિંગ આટલી સરસ ભેટ આપવા બદલ અને ત્યાંજ કાવ્યા કહે છે મારી ગિફ્ટ કહો શું લાવ્યા છો??અને મનોજ કહે છે જાન તારી આ ગિફ્ટ આગળ મારી ગિફ્ટ કંઇજ નથી ..તો પણ ..મને કહે શું છે હું જે હશે તેમાં ખુશ થઈશ .અને મનોજ કહે છે ચાલ તું તૈયાર થઇ જા અને આપણે બહાર જવાનું અને તારી ગિફ્ટ ત્યાંજ છે જ્યાં મેં જોઈ છે….

કાવ્યા ને નવાઈ લાગે છે આ ક્યાં ગિફ્ટ જોઈ આવ્યા પણ તોય એ ખુશ થતી થતી . .તૈયાર થઇ એની જોડે જાય છે અને એની કાર એક મોટા ઘર પાસે આવી ઉભી રહે છે ઘર એટલું સુંદર છે કે બહારથી મોટો બંગલો લાગે છે કાવ્યને થયું આ વળી કોના ઘરે લઇ આવ્યા…અહીં શું ગિફ્ટ હશે અને મનોજ એને કાર માંથી ઉતારી એ ઘર સુધી લઇ જાય છે

અને ત્યાં પોહચતાજ વોચમેન ઘરની ચાવી આપે છે અને કહે છે સાબ… ચાવી….અનેએ મનોજ એ ચાવી કાવ્યાને આપે છે અને કહે છે ખોલો દરવાજો અને કાવ્યા દરવાજો ખોલે છે અને અંદર જેવી જાય છે ત્યાંજ સામે દીવાલ ઉપર લખ્યું હોય છે વેલ કમ માય ડાર્લિંગ …અવર ન્યૂ હોમ…..અને એ એકદમ વિચારે ચડી જાય છે અને સન મૂન થઇ જાય છે અને ત્યાંજ મનોજ એની નજીક જઇ કહે છે મારી જાન આ આપણું નવું ઘર ….યે તેરા ઘર યે મેરા ઘર…….આ મારી ગિફ્ટ તને નવા ઘરની અને હવે આ ઘર તારું …

અને ત્યાંજ કાવ્યા ફ્લેશ બેકમાં એટલે ભૂતકાળ બે વર્ષ પેહલા નું વિચારે છે કે માનોજ જયારે કાવ્યાને જોવા આવે છે ત્યારે એટલુંજ કહે છે કાવ્યા મારુ ઘર નાનું છે પણ મારુ દિલ બહુ મોટું છે તું મારા દિલ ઉપર રાજ કરજે ઘર ઉપર નહિ.અને કાવ્યા હસીને કહે છે ઘરની જરૂરિયાત ઘરજ પુરી કરે દિલ નહિ …પણ મને કઈ વાંધો નથી . બસ તમારા દિલમાં કાયમ રાખજો એય બવ છે…

અને માનોજના ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી એક ભાઈ એક બેન પરણવાના બાકી છે અને એના માતા પિતા ગામડે ખેતી કરે છે ઘર પણ નાનું ગામડે જ છે અને બધાની જાવબદારી પણ મનોજ ઉપાડે છે..પણ મનોજ એક બહુજ સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે સારો પગાર અને ગાડી પણ છે એટલે કાવ્યા ને લાગ્યું કે ઘર ભલે નાનું હોય માણસ સારો છે પછી શું જોઈએ અને એમના લગ્ન થાય છે

અને બંને બહુ ખુશ છે એકબીજા થી એમને જોઈ એમના માતા પિતા પણ ખુશ છે અને મનોજ કાવ્યા થી બહુ ખુશ છે કારણ કાવ્યા છેજ એવી સરળ અને દેખાવડી શાંત અને MBA ..ભણેલી પછી શું જોઈએ પણ નાના ઘરમાં તકલીફ પડે બધાને સુવાની અને કોઈને પણ મોકળાશ ના મળે પણ કાવ્યા અને મનોજ એક રૂમ માં અને આગળ ના ભાગમાં ચાર જાણ સુઈજાતા એટલે ઘણી વાર કાવ્યા કહે મનોજ આપડે જયારે પણ કાંઈક બે પૈસે સધ્ધર થઈશું ત્યારે પેહલા આપડે એક ઘર લઈશું જેમાં દરેકના રૂમ અલગ અલગ હોય અહીં બધા ભેગા સુઈ જાય આટલા નાના રૂમ માં એ સારું નથી લાગતું …

હા ડાર્લિંગ મને ખબર છે પણ મને હજી એક વર્ષ લાગશે આબધું સેટ કરવામાં પછી આપણે વિચારીશું …અને આજે બે વર્ષ નો સમય થયો ત્યાં તો આટલો મોટો બંગલો . .લઇ લીધો …અને એ મનોજ ને ભેટી પડે છે ને કહે છે તારી ગિફ્ટ પણ મારી જિંદગી ની અમૂલ્ય ગિફ્ટ છે ….અને બંને આ દિવસને ખુશી થી પસાર કરે છે . અને હવે નવા ઘરમાં હમણાં નહિ નવા મહેમાન જોડેજ આવીશું એવું નક્કી કરે છે અને પાછા ગામડે પોતાના ઘરે જતા રહે છે….હવે કાવ્યાને સાત માસ થતા એનું શ્રીમંત કરી તેને પિયરમાં લઇ જાય છે

અને પિયરમાં કાવ્યા નું ઘર મોટું છે એના પપ્પા નામાંકિત વકીલ છે એનો ભાઈ પણ વકીલ છે અને ઘરમાં બધુંજ સુખ સાહેબિ વાળું છે ..કાવ્યા નવ માસ પુરા થતા બાબા ને જન્મ આપે છે ..બિલકુલ મનોજ જેવો .અને મનોજને જેવી જાણ થાય છે તેવોજ ત્યાં દોડી જાય છે અને… પોતાના દીકરાને અને કાવ્યા ને જોઈ ખુશ થાય છે..તારો ખુબ આભાર પ્રભુ મારુ ફેમીલી કમ્પલીટ કરવા બદલ તારો આભાર….અને કાવ્યા તારો પણ આભાર ..મને આટલી સુંદર ગિફ્ટ આપ્યા બદલ …

કાવ્યા આજે તું જે માંગે એ હું તને આપીશ બોલ ..ડાર્લિંગ તારે શું જોઈએ …ત્યારે કાવ્યા બસ એટલીજ વાત કરે છે ..કે ગમેતેવા સંજોગો માં પણ તું મને નહિ છોડે.. અને મને સાથ આપીશ બસ એજ જોઈએ….તું ..મારો અને મારા દીકરાનો સહારો છે…..અને મનોજ કાવ્યા અને દીકરાને સાથે રાખી કહે છે .જાન….જિંદગીના કોઈપણ કપરા સઁજોગો આવે પણ હું તને ક્યારેય નહિ છોડું …એ મારુ વચન છે આજે…. અને દીકરો જાણે સાક્ષી પુરાવતો હોય તેમ રડવાનો આવાજ આવે છે….

હવે.કાવ્યા એની મમ્મી ના ઘરે ડીલેવરી કરવા આવી છે એટલે 2 માસ તો રહેશે ..પણ ..કાવ્યા ના મમ્મી કહે છે ..મારી છોકરી તમારે ઘરે હમણાં નહિ આવે…..એ છોકરો મોટો થાશે પછી આવશે…અને એમ ને એમ સાત મહિના થાય છે મનોજ બહુ જ સમજાવે છે એના મમ્મી ને પણ એના મમ્મી એકના બે ..થતા નથી અને કાવ્યા નું કઈ ચાલે નહિ….હવે દીકરો વર્ષ નો થયો એટલે મનોજે કહ્યું હવે કાવ્યાને વળાવી દો રોહનની બર્થડે ત્યાં કરીશું …અને એના મમ્મી ટોણો મારે છે તમારા ઘરમાં જગ્યા છે…

માણસો ઉભા રહે એટલી પાછા આવ્યા….ત્યાં બર્થડે ઉજવવા વાળા…અને કાવ્યા પણ કહે છે આપણે રોહનની બર્થડે અહીંજ ઉજવીયે તમે બધા અહીં આવી જાવ..પણ મનોજ અને એના ફેમિલિ વાળા નથી આવતા..એમને ખોટું લાગે છે….કાવ્યા ની મમ્મી ના વેણ થી અને મનોજ પોતાના ફેમિલિ નું અપમાન ના થાય માટે એ પોતે પણ બર્થડે માં જતો નથી….બસ…

આ જ વાંક કાવ્યા ની મમ્મી ને મળી જાય છે અને એ કાવ્યા ને એની સાસરી માં જવા દેતી નથી ..આને માંનો અહમ ગણવો કે પ્રેમ એ કાવ્યા ને સમજ નથી પડતી પણ એ કશું બોલી નથી શકતી હવે તો ધીરે ધીરે મનોજ પણ કાવ્યાને મળવાનું બંધ કરી દે છે અને..હવે માનોજના ઘરવાળાની જીદ છે કે એમને ગરજ હોય તો મૂકી જાય મારો દીકરો પણ સ્વમાની છે…બસ …આ તું તું મેં મેં ના ઝઘડામાં .. દીકરો 5 વર્ષ નો થાય છે અને મનોજ પોતાના દીકરાને જોવા .તલપાપડ થાય છે એને એમ થાય છે કે બધું જતું કરું અને મારા દીકરાને લઇ આવું એ ભલે એમની દીકરી રાખે …એ એક દિવસ પોતાના દીકરાને લેવા જાય છે..અને કહે છે તમે તમારી દીકરી રાખો મને મારો દીકરો આપીદો….હવે સાસુ માં બીજો દાવ રમે છે.

હવે રોહન સ્કૂલમાં જતો થયો તમે રહો ગામડામાં એને ત્યાં ક્યાં ભણવા મુકવાના છો એટલે હવે તમે એના માટે પૈસા અહીંજ મોકલાજો અને એ અહીંજ ભણશે. અને એ વાતને .હવે .10 વર્ષ થઇ જાય છે મનોજ ક્યારેય બીજા લગ્ન કે છુટા છેડાની વાત નથી કરતો એતો બસ પોતાના દીકરાને પ્રેમ કરે છે અને એને એની માં થી અલગ નથી કરવો એટલે …એ બંને આમજ જીવે છે.

પણ એક દિવસ.રોહનની વાલી મટીગ હોય છે રોહન અંગ્રેજી માધ્યમમાં ભણે છે હોશિયાર છે.પણ હંમેશા ઉદાસ ઉદાસ રહે છે એટલે એની વાલી મીટીંગ માં એની મમ્મી ને કહે છે ટીચર. મને એવું લાગે છે કે તમારા બંને ના ઝઘડાની અસર એની ઉપર થઇ છે અને એટલે જ એ આવો રહે છે.. ગમે તેમ તોય તમે પિયરમાં એટલે રોહન …માં બાપ હોવા છતાં ઓસીયાળો રહે છે

કાવ્યા ઘરે જાય છે અને ખુબ વિચારે છે અને પોતાના દીકરાને પોતાની પાસે બોલવી કહે છે બેટા તારે તારા પપ્પા પાસે જવું છે…ત્યારે દીકરો કહે છે..મારે નહિ મમ્મી આપણે બંને જઈએ પાપા પાસે…મમ્મી તું બાનું કેમ માને છે …ચાલને પાપાના ઘરે જતા રહીએ અને કાવ્યા સમજી જાય છે કે ગમે તેટલું બાળક ને ખુશ રાખો પણ એની સાચી ખુશી એના મા બાપ જ હોય છે

અને કાવ્યા એક નિર્ણય પર પોહચે છે..પણ એ નિર્ણય લેતા એને બે વર્ષ લાગ્યા પણ એની હિમ્મત હવે વધી છે અને એકદિવસ રોહનને લઇ ઘરમાંથી અમે બહાર જઈ છે એમ કહી નીકળી જાય છે….ને સીધી માનોજ ના ઘરે જાય છે…અને મનોજ ના માં બાપ કાવ્યા અને રોહન ને જોઈ ખુશ થઇ જાય છે અને પોતાના દીકરાના દીકરાને એટલું બધું વ્હાલ કરે છે કે જે અત્યાર સુધી આવું એની મમ્મી એ કે પાપા એ નથી કર્યું…

કાવ્યા કહે છે મમ્મી મારીજ ભૂલ છે.. મારે બહુ પહેલાજ આવી જવા જેવું હતું.. તો મારો દીકરો આવો ખુશ જ રેહતો હોત…. મા મને માફ કરી દો…. માંરૂ સાચું ઘરજ આ છે માં મને આપણા એક રૂમ રસોડાના ઘરમાં જે શાંતિ મળતી હતી તે ત્યાં મને મારા મોટા ઓરડામાં નોતી મળતી..અને ..માં કહે છે બેટા બધું ભૂલી જા નવે સરથી નવી જિંદગી જીવ.. મારો દીકરો તનેજ પ્રેમ કરે છે એટલે એને 12 વર્ષ તારા વગર કાઢ્યા પણ એક દિવસ મને એવું નથી કીધું કે માં મારે કાવ્યા નથી જોઈતી…. મારે છુટા છેડા લેવા છે….

બેટા એણે હંમેશા એવુજ વિચાર્યું કે એમાં એનો વાંક નથી …પણ એક દિવસ એ જરૂર આવશે….અને તું આવી હવે બધું સારું જ થશે….અને સાંજે..મનોજ ઘરે આવે છે અને જેવો ઘરમાં જાય છે ત્યાંજ રોહન પાપા કરતો એને ગળે વળગી પડે છે ..અને મનોજ એકદમ આશ્ચર્ય પામે છે તું અહીં કોની સાથે આવ્યો બેટા….. અને રોહન ..કાવ્યા તરફ ઈશારો કરે છે… માનોજને લાગે છે જાણે હું સપનું જોઈ રહ્યો છુ….અને મનોજ અંદર જઈ કાવ્યા ને ભેટી પડે છે અને કહે છે મને ખાતરી હતી કે એક દિવસ તું જરૂર આવીશ …ત્યાંજ કાવ્યા કહે છે તમારા જેવો પતિ મને આ જીવનમાં બીજે ક્યાંય ના મળે …અને મારા દીકરાને બાપ પણ બીજો ના મળે તમારા જેવો….એટલે હું બધું છોડી મારા માતા પિતાને કહ્યા વગર આપણા રોહનને લઇ આવી ગઈ છુ

હું બહુ રહી એકલી હવે મારે તમને બધાને છોડીને ક્યાં જવું નથી….અને બીજે દિવસે સવારે મનોજ ગાડી માં કાવ્યા અને રોહનને બેસાડી પોતાના નવા બંગલા માં લઇ જાય છે અને કાવ્યા ને કહે છે…કાવ્યા આ ઘર તારા ગયા પછી કોઈએ ખોલ્યું નથી આ ઘર તારુજ છે અને તારું જ રહેશે અને કાવ્યા ની આંખમાંથી આસું આવી જાય છે…આટલો સારો માણસ હોઈ શકે….

રોહન પોતાના દીકરાને ઘર બતાવે છે બેટા અહીં એક રૂમ તારો પણ છે…અને બાર વર્ષ પછી એક પતિ પત્ની ભેગા થાય છે ..કાવ્યા ને લાગે છે જાણે પેહલી વાર મનોજ ને મળી રહી છે ..અને એ રાતે જાણે બાર વર્ષની બધીજ વાતો પુરી કરવાની હોય એમ જાગે છે

અને કાવ્ય મનોજ ના ખભા ઉપર માથું નાખી જાણે બધોજ ભાર હળવો થઇ ગયો હોય તેમ એક નિરાંત નો શ્વાસ લે છે.અને મનોજ ને પૂછે છે….તમે કયારેય કેમ આટલા વર્ષો માં મને છુટા છેડા ની વાત ના કરી કે તમે બીજા લગ્નની વાત કેમ ના કરી…..ત્યારે મનોજ કાવ્યા નો હાથ પોતાના હાથ માં લઇ કહે છે જાન મેં તને વચન આપ્યું હતું રોહનના જન્મ સમયે કે ગમેતેટલા ખરાંબ કે કપરા સંજોગો માં પણ હું તારો સાથ નહિ છોડું અને મને તારા સિવાય બીજી કોઈ સ્ત્રી મારા જીવન માં જોઈતી પણ નથી….તું નહિ તો બીજી કોઈ નહિ..

આજે મારા પ્રેમ ની જીત થઇ છે એટલે મને મારો દીકરો અને એની માં બને મળ્યા ..અને કાવ્યા મનોજ માં સમાઈ જાય છે …સવારે કાવ્યા મનોજ ને કહે છે ..મારી એક વાત માનશો.. બા બાપુજી ને પણ આ ઘરમાં લઇ આવો એમનો પણ એક રૂમ છે અને આટલા વર્ષો એમણે એમના દીકરાના દીકરાને રમાંડ્યો નથી તો હવે તો એ લાહવો એમને મળવો જોઈએ અને આપણે બધા ભેગા મળી રહીએ. રોહનને બા દાદા નો પ્રેમ મળશે અને એમને પોતાના દીકરા સાથે રહેવાનો સન્તોષ મળશે .. અને મનોજ બા બાપુજી ને લઇ આવે છે અને પોતાનો સંપૂર્ણ પરિવાર પોતાની સાથે છે ….

આટલા વર્ષો પછી . .જાણે રામને રાજ્ય પાછું મળે ને જે આંનદ થાય તેવો આંનદ બાર વર્ષ પછી મનોજ અને કાવ્યા ને થાય છે…..મને લાગે છે કે કોઈ પણ નિર્ણય માં ઉતાવળ કરવી નહિ જેટલી ધીરજ હશે એટલુંજ પરિણામ સારું આવશે….સત્ય ઘટના પર છે….ખાલી પાત્રો ના નામ બદલ્યાં છે……આજે તો રોહન MBBSમાં ભણે છે હવે ડોક્ટર થશે..અને કાવ્યા ના આ નિર્ણય ને આજે પણ લોકો વખાણે છે કે એને જે કર્યું તે સારુંજ કર્યું….આટલા વર્ષે પણ પોતાના પતિ પાસેજ પાછી ગઈને..એના દીકરાનો બાપ હતો એ. અને મનોજ ની ધીરજ ને પણ લોકો વખાણે છે.

મને લાગે છે કે કાવ્યા જેવી સમજ અને મનોજ જેવી ધીરજ જો દરેક અલગ થતા પતિ પત્ની માં આવે તો છુટા છેડા નું પ્રમાણ ચોક્કસ ઘટી જાય..અને એક આખો પરિવાર વિખેરાય જતો બચી જાય.

લેખક : નયના નરેશ પટેલ.

વાત તો લેખકે સાચી કહી છે. તમારા વિચારો અમને જણાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ