રાજકોટના મવડી ચોક વિસ્તારમાં રહેતા કિશનભાઈ છાંયા 108માં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન (EMT) તરીકે તેમની સેવાઓ આપે છે.

લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિમાં 108ની શુ અગત્યતા છે એ સૌ કોઈ જાણે છે. અન્ય ખાનગી વાહનો બંધ હોવાથી 108એ સામાન્ય દિવસો કરતા લોકડાઉનના આ સમયમાં સતત દોડતા રહેવું પડે છે.

બે દિવસ પહેલા કિશનભાઈ 108માં એક દર્દીને લઈને હોસ્પિટલ જતા હતા ત્યારે કિશનભાઈના ઘરેથી ફોન આવ્યો કે પપ્પાની તબિયત નાજૂક છે તું જલ્દી ઘરે આવી જા. કિશનભાઈ દર્દીને હોસ્પિટલ પહોંચાડીને પોતાના ઉચ્ચ અધિકારીની રજા લઈ ઘરે પહોંચ્યા પણ બહુ મોડું થઈ ગયું હતું. એમના પિતા મહેન્દ્રભાઈ છાંયા દીકરો આવે એ પહેલાં જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા.
નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવવાનું દુઃખ તો યુવાન પુત્રને જ સમજાય આમ છતાં કિશનભાઈ પિતાના અગ્નિસંસ્કારનો વિધિ પૂરી કરીને બીજા જ દિવસે પોતાની ફરજ પર હાજર થઈ ગયા. કિશનભાઈના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે તમારા પિતાનું અવસાન થયું છે તો તમારી 10 દિવસની રજા મંજૂર કરીએ છીએ તમે 10 દિવસ પરિવાર સાથે ઘરે રહો.

કિશનભાઈએ કહ્યું, “પિતાની વિદાયનું દુઃખ તો છે જ પણ હું ઘરે રહું તો એનાથી મારા પિતા પાછા આવી જવાના નથી. જે થઈ ગયું તે થઈ ગયું. અત્યારે કોરોના સામેની લડાઈમાં ઈમરજન્સી મેડિકલ ટેક્નિશયન તરીકે દેશની સેવા કરવાની મને ઉત્તમ તક મળી છે એ તક હું છોડવા માંગતો નથી. અત્યારે 108ની સેવાની લોકોને ખૂબ જરૂર છે એવા કપરા સમયે હું મારી ફરજ મૂકીને ઘરે કેવી રીતે બેસી શકું ?મારા પરિવાર કરતા મારા દેશને મારી સેવાની વધુ જરૂર છે એટલે હું ફરજ પર હાજર થઈ ગયો છું.”
સાંજે પિતાના અગ્નિસંસ્કાર કરીને બીજા દિવસે સવારે જ પોતાની ફરજ પર હાજર થઈ જનારા આ કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવાની એક જ રીત છે, ઘરમાં જ રહીને લોકડાઉનનું ચુસ્ત પાલન કરીએ.

મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.
સૌજન્ય : શૈલેશ સગપરીયા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ