100 દિવસ હોટેલમાં પુરી શાનથી રહ્યા બાદ 12.34 લાક રૂપિયાનું બિલ ચૂકવ્યા વગર વેપારી ફરાર ! જાણો આ ઘટના વિષે વિગતે

આપણી સાથે એવું ઘણીવાર બનતું હોય છે કે આપણે કોઈ દુકાન કે પછી શાકની લારી પર કંઈક વસ્તુ ખરીદી હોય અને ભૂલથી પૈસા ચૂકવ્યા વગર ત્યાંથી નીકળી ગયા હોઈએ અથવા તો બાકીના પૈસા લીધા વગર નીકળી ગયા હોઈએ. પણ આ બધું જ આપણાથી અજાણતા થતું હોય છે.

પણ જ્યારે તમે તમારા માથે લાખોની બાકી રકમ રાખીને ફરાર થઈ જાઓ ત્યારે વાત ઘણી ગંભીર બની જાય છે. આપણે સમાજમાં પણ આવા ઘણા દાખલા જોયા હશે કે વ્યક્તિ પર દેવું થતાં તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હોય અથવા તેણે દેવાળુ જાહેર કરી દીધું હોય અને લેણદારો સમક્ષ પોતાના હાથ ઉંચા કરી દીધા હોય.

ઉદાહરણ તરીકે વિજય માલિયાને જ લઈ લો. તો વળી કેટલાક નબળા મનના લોકો હોય અને જેને ખરેખર પોતાના પર આટલું મોટું દેવું થવાનો અફસોસ હોય તેઓ કેફે કોફી ડેના માલિક વી.જી સિદ્ધાર્થની જેમ આત્મહત્યા કરી લે છે જે પણ એક ખોટું કૃત્ય છે. પણ આજનો આપણો કિસ્સો થોડો અલગ અને વિચિત્ર છે.

હૈદરાબાદની એક ફાઈવ સ્ટાર હોટેલમાં એક વિચિત્ર જ કિસ્સો બની ગયો છે. અહીંનો એક ગેસ્ટ 100 દિવસ હોટેલમાં રહ્યા બાદ રૂપિયા 12.34 લાખનું બિલ ચડાવ્યા બાદ હોટેલના મેનેજમેન્ટને જાણ કર્યા વગર જ ત્યાંથી ફરાર થઈ ગયો છે.

હૈદરાબાદની આ હોટેલનું નામ છે તાજ બંજારા. હોટેલના મેનેજમેન્ટે જો કે આ અંગે પોલિસમાં ફરિયાદ પણ નોંધાવી લીધી છે. જે હેઠળ એ. શંકર નારાયણ નામના એક વેપારી વિરુદ્ધ છેતરિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો કેસ નોંધવામાં આવ્યો છે.

કહેવાય છે કે આ આરોપી વિશાખાપટ્ટનમનો વેપારી છે. હોટેલના મેનેજમેન્ટે જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ લક્ઝરી સ્વીટમાં 102 દિવસ સુધી રોકાયો હતો. તેનું બિલ 25.96 લાખ રૂપિયા આવ્યું હતું જેમાંથી તેણે રૂપિયા 13.62 લાખ રૂપિયાની ચુકવણી કરી દીધી હતી અને ત્યાર બાદ એપ્રિલ મહિનામાં હોટેલમાં કોઈને પણ જાણ કર્યા વગર ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યાર બાદ બાકી રહેલા નાણા માટે તેમજ તેની ખબર મેળવવા માટે હોટેલ મેનેજમેન્ટે તેનો સંપર્ક કરવા માટે તેને ફોન કર્યો. તે વાતચિતમાં તેણે હોટેલ મેનેજરને જણાવ્યું કે તે ટુંક જ સમયમાં તેની બાકી રકમ ચૂકવી દેશે. જો કે ત્યાર બાદ તેણે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને તેનો સંપર્ક નહોતો થઈ શક્યો.

તેનો ફોન સતત સ્વિચ ઓફ આવતાં હોટેલે બંજારા હિલ્સના પોલી સ્ટેશનમાં પ્રાથમિક ફરિયાદ નોંધાવી. જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે. જો કે બીજી બાજુ આ વેપારીએ એવો દાવો કર્યો છે કે તેને હોટેલ દ્વારા ખોટો કેસ કરીને બદનામ કરવામાં આવી રહ્યો છે.

તેનું એવું કહેવું છે કે તે બધી જ ચૂકવણી કરીને ત્યાંથી આવ્યો હતો. હોટેલે કરેલી ખોટી ફરિયાદ અને તેના કારણે તેને માનહાનીનું જે નુકસાન થયું છે તેના માટે તે હોટેલ પર માનહાનીનો દાવો કરશે.

હવે આ આખી ઘટનામાં કોણ સાચું કોણ ખોટું તે તો પોલીસની તપાસ પૂરી થશે ત્યાર બાદ જ જાણવા મળશે. પણ જ્યારે વેપારીની પૈસા ચૂકવવાની તેવડ નહોતી તો તેણે આટલા બધા દિવસ ફાઈવસ્ટાર હોટેલમાં રહેવાની શું જરૂર હતી આટલા રૂપિયામાં તો તે એક નાનકડો ફ્લેટ પણ ખરીદી શક્યો હોત !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ