​ઝઘડામાં મૌન રહેવું, શીતયુદ્ધને આમંત્રણ, તમે શું માનો છો?​

ઝઘડો શબ્દ સાંભળતા જ ક્યાંતો ચિંતા થાય અથવા કારણ જાણવાની ઇચ્છા થાય છે. ઝઘડાના કારણ અનેક હોય છે. તેમાં સમાધાન સરળતાથી થઇ જાય તે જ યોગ્ય છે. કોઇપણ સંબંધમાં નાનો ઝધડો થયો હોય અને જો મૌન ધારણ કરી લેવામાં આવે તો સમય જતા આ મૌનથી મનમાં કડવાશ વધતી જાય છે.તેસંબંધ ભાઇ-બહેનનો હોઇ શકે, મિત્રોનો હોઇ શકે, માતા-પિતાનો હોઇ શકે કે પછી પતિ-પત્નીનો હોઇ શકે છે. જ્યારે સંબંધમાં વિવાદ ઊભો થાય છે અને આ વિવાદ મૌનનું રૂપ ધારણ કરી લે છે, ત્યારે તેનાથી સંબંધમાં કડવાશ ઉત્પન્ન થવા લાગે છે. મનમાં જે ગુસ્સો હોય તે જો વાચા બનીને કે આક્રોશ બનીને બહાર ન આવે,તો તે બદલાનું ભયંકર રૂપ પણ ધારણ કરી શકે છે. જેમ જેમ સમય પસાર થવા લાગે તેમ તેમ મનમાં રહેલી કડવાશ બહાર ન આવે તો આગળ જતા સંબંધ તૂટવાની સાથે પરિવરવિખેરાવાનો ભય પણ રહે છે. જો મનમાં રહેલી કડવાશને સમય રહેતાની સાથે જ દૂર કરી નાખવામાં આવે તો પરિવાર તૂટવાનો ભય રહેતો નથી.

પતિ-પત્નીના સંબંધમાં હવે આ વસ્તુ વધારે જોવા મળી રહી છે. ઘણા પોતાનો આક્રોશ કે ગુસ્સો વ્યક્ત કરવાના બદલે મૌન ધારણ કરી લે છે અને ભવિષ્યમાં આવાસંબંધનો અંત આવે છે. પતિ-પત્નીમાં એક વ્યક્તિ શાંત અને બીજી ઊગ્ર સ્વભાવની હોય તો બંને વચ્ચેનું સંતુલન જળવાઇ રહે છે. પણ જો બંનેનો સ્વભાવ ઊગ્ર હોય તો મનનો મેળ તો થતો જ નથી સાથે જ ઊગ્રસંવાદો પણ વધારે થતા જોવા મળે છે. આવા ઊગ્ર સંવાદોમાં બંને એકબીજા પ્રત્યેના ગમા-અણગમાને વ્યક્ત કરી દેતા હોય છે. જેના કારણે એકબીજા પર અનેક દોષારોપણ અને શાબ્દિક યુદ્ધ ચાલે છે, જેમાં ભાન ગૂમાવી અપમાન કરવા પર આવી જાય છે. આવા ઝઘડાઓ જો થતાં જ રહે તો સંબંધ તૂટતા વાર નથી લાગતી. ઘણીવાર આ પ્રકારના ઝઘડાઓમાં મૌન રહેવાની અસરની પણ શરૂઆત થતી જોવા મળે છે. જેમાં મૌનની રૂપરેખા તૈયાર થાય છે.

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓમાં ઝઘડો થવો સામાન્ય બાબત કહી શકાય પણ તેના પરિણામરૂપે જોઝઘડાનેલીધે સંબંધોમાં તિરાડ પડે તે બહુ મોટું નુકસાન કહેવાય. કોઇની પણ ભૂલ હોય પણ વધારે સમયના અબોલા એકબીજાને મનથી દૂર કરવા માટે મહત્વનો ભાગ ભજવી જાય છે. જો કોઇપણ વ્યક્તિ પ્રતિકાર ન કરે અને મૌન રહે તો એનો અર્થ એ નથી કે કશું અનુભવતી નથી. તે શાબ્દિકતાથી બચવા માગે છે પણ તેનું મન તો તેના વિચારોમાંજ હોય છે. મૌનના ઝધડામાં વ્યક્તિને મેળવવાનું કશું નથી ફક્ત ગુમાવવાનું જ હોય છે. એકબીજા સાથે ગમે તેટલો ઝઘડો થાય પણ પ્રેમ એવો હોવો જોઇએ કે ઝઘડો થાય તે છતાંય બંને જણા એકબીજા સાથે બંધાયેલા રહેવા જોઇએ. એનાથી જીવનમાં નવી તાજગી પણ અનુભવી શકાશે. ઘણીવાર ઘૈર્ય પણ તેમાં મહત્વનો ભાગ ભજવી જાય છે. એકબીજાને મનાવવામાં પણ શરમ કે નમતુ મૂકયાનો વિચાર કરવો જોઇએ નહીં. ઝઘડો થાય ત્યારે લેવાતું મૌન કેટલીક મિનિટો કે કલાકોનું જ હોવું જોઇએ. એનાથી વધારે નહીં, કારણકે એકબીજાને મનાવવાની પહેલ બંને તરફથી હોવી જોઇએ, કોઇ એક વ્યક્તિ તરફથી નહીં.

મૌન રહેવાના કારણો
ઘણીવાર નાની નાની બાબતો પતિ-પત્ની વચ્ચે મૌન રહેવાનું કારણ બની જતી હોય છે.

— પતિ-પત્ની વચ્ચે અહમ આવી જવો, જે સ્વાભિમાનની સીમાઓને ઓળંગીને અહંકારનું રૂપ ધારણ કરી લે છે.

— સંતાનોની કરિયરને લઇને વિચારોનો ટકરાવ થાય છે. માતા-પિતા બંને સંતાનોના ભાવિ વિષે અલગ અલગ દિશા વિશે વિચારતા હોય છે.

— એકબીજાના કુટુંબ વિશે વિરોધાભાસ હોવો કે વ્યક્તિઓની વિરોધમાં બોલવું. ઘણીવાર પતિ-પત્ની એકબીજાના ઝઘડાનું કારણ કુટુંબની વ્યક્તિઓને ગણાવતી હોય છે.

— પુરુષોનો અહ્મ જલદી ઘવાય છે. પત્ની તેના કરતા વધારે ભણેલી હોય, ઊંચા હોદ્દા પર હોય કે વધારે પ્રતિષ્ઠાપાત્ર હોય તો વારંવાર મનમાં અહ્મ ઊભો થાય છે.

— પતિ-પત્ની એકબીજા પર પરાણે કોઇ નિર્ણય લાદવાનો પ્રયાસ કરે ત્યારે મનનું યુદ્ધ શરૂ થાય છે. દરેક વ્યક્તિ પોતાના માટે આઝાદી ઇચ્છે છે, તે વાતને ક્યારેય ભૂલવી નહીં.

— પતિ-પત્ની એકબીજાનું જાહેરમાં અપમાન કરે ત્યારે બે માંથી એક શાંત તો થઇ જાય છે, પણ આ શાંતિ ભવિષ્યને ભાંગી નાખનારી સાબિત થઇ શકે છે.

— પતિ- પત્ની પોતાના એવા મિત્રોના કારણે ઝઘડા કરતા જોવા મળે છે, જે કુટુંબના વાતાવરણને બગાડે છે, છતાંય બંને પોતાના મિત્રોને મહત્વ આપવાનું ઓછું નથી કરતા. કોઇ એક વ્યક્તિ તે શાંતિથી સહન કરતી જાય છે પણ સહનશક્તિની હદ ખૂબ ઓછી હોય છે.

— પતિ-પત્નીમાંથી કોઇ એક પોતાના અધિકારોની સીમાનું ઉલ્લંધન કરે, તેનાથી કોઇ એકનું સ્વમાન ઘવાય છે.
આવા નાના નાના ઝઘડાઓમાં જ્યારે કોમ્યુનિકેશન ગેપ આવવા લાગે છે, ત્યારે બંને વચ્ચે ફક્ત ઓપચારિક વાતચિત જ થતી જોવા મળે છે. પ્રેમ, લાગણી, હુંફ કે અધિકાર તેમના જીવનમાં રહેતા નથી.

મૌન તોડો મન નહીં

પતિ-પત્નીના સંબંધોમાં થતાં ઝઘડાના કારણોને પ્રયત્ન કરીને દૂર કરી શકાય છે.ઝઘડાના કારણે જે મૌન છવાઇ જાય છે તેનાથી સંબંધોની ઊભી થતી તિરાડ ઘણીવાર ઊંડુરૂપ ધારણ કરી લે છે. જે પરિવારના વેરવિખેર થવાનું કારણ બની જાય છે. આવું ન થાય તે માટે આ બાબતનું ધ્યાન રાખો.

— જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે તો પોતાની વચ્ચે મૌન ન ઊભુ થવા દો. જો મૌન ઊભુ થાય તો તેને લાંબો સમય સુધી ન રહેવ દો. તેને તોડવાનો પ્રયત્ન કરો. કોઇપણ એક જણાએ પહેલ કરવી જોઇએ. પતિ-પત્નીના સંબંધમાં સ્વાભિમાન હોવું જોઇએ પણ અહંકાર નહીં.

— ઝઘડા અને તેનાથી ઊભા થયેલા મૌનનેતોડવા માટે પરિવારના કોઇ સભ્યને અથવા બાળકને મધ્યસ્થી બનાવીને મૌન તોડી નાખો.

— બાળકોને મૌન તૌડવાનું માધ્યમ બનાવો, વધારવા માટેનું નહીં. આ વાત ખાય ધ્યાનમાં રાખવી.

— જો મૌનનું કારણ તમારું મિત્રમંડળ હોય, જે તમારા લગ્નજીવનમાં ઝૈરઘોળવાનો પ્રયત્ન કરતું હોય, તો મિત્રો સાથેની એક હદ નક્કી કરી લેવી. તેમને અમુક બાબતોસુધીનું જ મહત્વ આપવું. અંગત મહત્વ તો પતિ-પત્નીએ એકબીજાને જ આપવું જોઇએ.

— સંબંધોમાં નિરસતા ન આવવા દો. પ્રેમ અને લાગણી જાળવી રાખવા માટે થોડો સમય એકબીજાને એકાંતમાં સમય આપો. પિકનીક પર જાઓ. જેનાથી તમે એકબીજા પ્રત્યેની તમામ ફરિયાદો દૂર કરી શકો.
ઘણીવાર રોજબરોજની નાની નાની વાતો પણ ઘેરા વિવાદનું કારણ બનીને મૌનનું રૂપ ધારણ કરી લે છે. જેનાથી પરિવાર તૂટવા સુધીની અણી પર આવી જાય છે. પરિવાર તૂટવાનું કારણ કોઇપણ હોય પણ તેનું પરિણામ મોટાની સાથે સાથે બાળકોએ પણ ભોગવવું પડે છે.દાંપત્ય જીવનમાં વિવાદોમાંથી ઊભું થયેલું મૌન તોડીનેપરિવારનું માન-સન્માન જાળવી શકાય છે. તેના માટે કોઇ એક જણાએ તો પ્રયત્ન કરવો જ પડશે.

લેખક : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ અનેક અવનવી માહિતી અને વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી